મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ૧૦,૦૧૧ આવાસોના લાભાર્થીઓને મકાન-ફાળવણીનો ડ્રો થયો
સાબરમતી રિવરફ્રંટ ઉપર દેશના સર્વપ્રથમ એવા ધોબીઘાટ અને ગુજરી બજારનું લોકાર્પણ
સીસીટીવી કેમેરા સર્વેલન્સ પ્રોજેક્ટ કાર્યન્વિત
આઇ.આઇ.એમ.-વસ્ત્રાપુર ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ
ગુજરાતે લાખો આવસો બાંધીને નવોદિત મધ્યમવર્ગ અને ઝૂંપડામાં વસતા ગરીબોને પાકા આવાસો આપવાનું અભિયાન ઉપાડ્યું
શહેરોમાં ૨૨ લાખ-ગામડામાં ૨૮ લાખ મકાનો બંધાશે
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નવોદિત મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ અને ઝુંપડપટ્ટીમાં વસતા પરિવારોના સશકિતકરણ માટે લાખો આવાસોના નિર્માણનું મહત્વાકાંક્ષી અભિયાન સમગ્ર દેશમાં ઉપાડ્યું છે. ગુજરાતના શહેરોમાં ૨૨ લાખ આવાસો અને ગામડામાં ૨૮ લાખ મકાનોના નિર્માણની મુખ્યમંત્રી ગૃહ યોજના સમયબધ્ધ આયોજન સાથે અમલી બનાવી છે જે જરૂરિયાતમંદ પરિવારોને ઘરનું સપનું સાકાર કરશે.
અમદાવાદ મહાનગરપાલિકાના ઉપક્રમે આજે શહેરમાં આઇ.આઇ.એમ.-વસ્ત્રાપુર ઉપર રૂા.૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર બ્રીજનું શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું જેનું જ્ઞાનશકિત માર્ગ તરીકે નામકરણ તેમણે જાહેર કયું હતું.
સાબરમતી રિવરફ્રંટ ઉપર યોજાયેલા આજના સમારોહમાં મુખ્યમંત્રી ગૃહ યોજનાના મહત્વાકાંક્ષી આવાસ પ્રોજેકટ હેઠળ અમદાવાદમાં બંધાનારા, આર્થિક રીતે નબળા વર્ગો માટેના EWS કક્ષાના ૫૦૭૪ આવાસો માટેના લાભાર્થીઓના ડ્રો અને ઓછી આવકવાળા જૂથોના એલ.આઇ.જી. કક્ષાના ૪૯૩૭ આવાસોના મળી ૧૦૪૦૧૧ આવાસોના ડ્રો મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયા હતા.
તેમણે ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસોના લાભાર્થીઓને મકાનોની પ્રતિક ફાળવણી કરી હતી.
સાબરમતી નદીના શુધ્ધિકરણ માટે રિવરફ્રંટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત નદીના પટમાં ધોબીઘાટનો આધુનિક સુવિધા સાથેનો રૂા.૮.૫૦ કરોડ ખર્ચે તેયાર થયેલો લોન્ડ્રી કેમ્પસ અને અમદાવાદ માટે રવિવારી ગુજરી બજારનું આકર્ષણ ધરાવતી ગુજરીનું નવસંસ્કરણ રિવરફ્રંટ માર્કેટરૂપે રૂા.૨૧ કરોડના ખર્ચે થયું છે તેના લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યા હતા.
ધોબીઘાટમાં ૧૬૮ ધોબી પરિવારોના પરંપરાગત વ્યવસાયને પર્યાવરણીય સુરક્ષા મળશે અને નદીના પાણીનું પ્રદૂષણ દૂર થશે જ્યારે નવા ગુજરી બજારથી ૧૬૪૧ જેટલા ગુજરીના વેપાર ધંધા કરનારા વ્યવસાયી શ્રમજીવીઓ માટે વેન્ડર્સ પ્લેટફોર્મની સુવિધાથી સશકિતકરણ થશે.
અમદાવાદ મહાનગરપાલિકા તરફથી શહેરના ૬૨ જેટલા જાહેર સ્થળો ઉપર ૫૫૪ જેટલા સીસીટીવી કેમેરા સર્વેલન્સ પ્રોજેકટને પણ મુખ્યમંત્રીશ્રીએ કાર્યાન્વિત કર્યો હતો.
સાબરમતી રિવરફ્રંટના નિર્માણ સામે હવનમાં હાડકા નાંખનારા લોકોએ જે ઝેરી અપપ્રચાર કરેલો તેની સામે નગરજનોએ આ સરકાર ઉપર વિશ્વાસ મૂકયો છે તેની ભૂમિકા આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ રિવરફ્રંટના અસરગ્રસ્ત ગરીબ શ્રમજીવીઓનું સુવિધાપૂર્ણ પૂનઃસ્થાપન હોય કે રવિવારની ગુજરી બજારમાં વેપાર ધંધાથી રોજી રળનારા ગરીબો હોય કપડાં ધોવાના વ્યવસાયમાં ધોબીઓ જેવા શ્રમજીવી હોય તેના માટે આ સરકારે નવા ધોબીઘાટ અને ગુજરી બજારના નિર્માણથી આર્થિક-સામાજિક જીવનમાં ગૂણાત્મક બદલાવ આવ્યો છે.
આધુનિક વિકાસ ગરીબો માટે સર્વસ્પર્શી હોય તેનું ઉત્તમ ઉદાહરણ સાબરમતી રિવરફ્રંટ પ્રોજેકટ છે અને હિન્દુસ્તાનમાં જ્યારે નદીઓના શુધ્ધિકરણ અને વિકાસનું ગૌર ગુજરાત માટે થાય છે ત્યારે અહીં ગુજરાતને બદનામ કરનારા ચૌદશો પોતાના અસ્તિત્વ માટે જૂઠાણા ફેલાવી રાા છે તેમ તેમણે જણાવ્યું હતું.
જેઓ ઇન્ક્લુઝીવ ગ્રોથના કન્સેપ્ટની માળા જપે છે તેવા દેશના અર્થશાસ્ત્રી નિષ્ણાંતો સાબરમતી રિવરફ્રંટના પ્રોજેકટનો અભ્યાસ કરે એવો અનુરોધ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગરીબમાં ગરીબ માનવીની સુખશાંતિ અને સુવિધાને કેન્દ્રમાં રાખીને આધુનિક વિકાસ થઇ શકે તે ગુજરાતે પૂરવાર કર્યું છે
આ સરકારે દશ વર્ષમાં શહેરોને ગતિશીલ વિકાસના અવસર માન્યા અને શહેરીકરણ પણ પ્રગતિના અવસર તરીકે સામાન્ય માનવીના જીવન ધોરણ બદલાવી શકે એવું શહેરીકરણનું આયોજન દૂરદ્રષ્ટી સાથે કર્યું તેના કારણે ગુજરાત વિકાસનો વાવટો દેશમાં ફરકાવી છે એમ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલે આવકાર પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોની સેવાઓમાં વિશિષ્ટ વધારો કરતા રીવરફ્રન્ટ માર્કેટ, ધોબીઘાટ, સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમનું લોકાર્પણ તથા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત તૈયાર થનાર EWS અને એલ.આઇ.જી. આવાસ તથા ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસ ફાળવણીનો ડ્રો જેવા પ્રજાલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ડેપ્યુટી મેયર શ્રી રમેશ દેસાઇએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન શ્રી વિવેક પટેલ, ધારાસભ્ય શ્રી રાકેશભાઇ શાહ, મ્યુનિ.કાઉન્સીલરો, ડો. મંજુલા સુબ્રમણ્યમ, મ્યુ. કમિશનર ર્ડા. ગુરૂપ્રસાદ મહાપાત્ર, હાઉસીંગ બોર્ડના કમિશનર શ્રીમતી મોના ખંધાર, પદાધિકારીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ તેમજ નગરજનો હાજર હતા.
The Gurjari bazaar (Riverfront market) :
The Dhobighaat (Organized Laundry Campus) :
Flyover at IIM crossroads :