ભારતભરમાં રન ફોર યુનિટીની એકતા માટેની દોડનું મહાઅભિયાન સંપન્ન
૧૧૦૦થી વધુ સ્થળોએ ૪૦ લાખથી અધિક જન-જન એકતાની દોડમાં જોડાયા
સરદાર સાહેબના એકતાના સંદેશનો સાક્ષાત્કાર કરાવતી વિરાટ જનશકિત
વડોદરામાં મુખ્યમંત્રીશ્રીએ અઢી લાખથી વધુ નગરજનોની લોકશકિતને એકતાનો સંદેશ આપતી રન ફોર યુનિટીને કરાવ્યું પ્રસ્થાન
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલના એકતાના મંત્રનો સાક્ષાત્કાર કરાવતી રન ફોર યુનિટી - એકતા માટેની દોડના રાષ્ટ્રીય અભિયાનનો આજે વડોદરાથી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, એકતા, સુશાસન અને જનભાગીદારીની શકિતના ત્રણ આધાર સ્તંભ ઉપર ભારત વિશ્વની મહાસત્તા બને તે માટેનું આ રાષ્ટ્રીય આંદોલન છે.
તેમણે જણાવ્યું કે, ભારતની વિવિધતા એ વિશેષતા છે, વિવશતા નથી. સદીઓથી ભારતની વિવિધતામાં એકતાની શકિતને મજબૂત બનાવવાનું દાયિત્વ આપણી વર્તમાન અને આવતીકાલની પેઢીનું અવિરત કર્તવ્ય છે.
આજે સરદાર સાહેબની ૬૩મી પુણ્યતિથિએ સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના ઉપક્રમે વડોદરામાં વહેલી સવારે અઢી લાખથી અધિક નગરજનોની ભાગીદારી સાથે મુખ્યમંત્રીશ્રીએ રન ફોર યુનિટીના દોડવીર ભાઇ-બહેનોની એકતા માટેની દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહપુરૂષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી૧૮૨ મીટરની પ્રતિમા પ્રસ્થાપિત કરીને એકતાનું ભવ્ય સ્મારક બનાવવાના પ્રકલ્પનો શિલાન્યાસ ૩૧મી ઓકટોબર સરદાર જયંતીએ કર્યો હતો અને આજે સરદાર પટેલની પૂણ્યતિથિએ સમગ્ર દેશમાં એકતાની જનશકિતનો સાક્ષાત્કાર કરાવતી રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવ્યું હતું.
સરદાર સાહેબે દેશના લોકોને ગાંધીજી સાથે જોડયા, આઝાદીના આંદોલન સાથે જોડયા, કિસાનોને સત્યાગ્રહ સાથે જોડયા અને સ્વરાજ પછી પ્રશાસનતંત્રને સુરાજયની સ્થાપના માટે સુશાસન સાથે જોડવાનું અભિયાન ઉપાડેલું, તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, વિશ્વમાં ભારતને મહાસત્તા બનાવવા એકતા અને સુશાસન આપણી બુનિયાદ છે અને સુરાજય માટે સવાસો કરોડની જનભાગીદારીને પ્રેરિત કરવા માટેનું આ અભિયાન છે.
સરદાર સાહેબના એકતાના મંત્રથી ગુજરાત છેલ્લા દસ વર્ષથી જનશકિત દ્વારા વિકાસનું મોડેલ પૂરૂં પાડી રહયું છે. ગુજરાતની જેમ હિન્દુસ્તાન પણ એકતાની તાકાત ઉપર જન-જનને જોડીને મહાસત્તા બને એવું આહ્વાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું.
આ મહાઅભિયાન માટે ગુજરાત તો નિમિત્ત છે અને સવાસો કરોડ ભારતીયોની જન-જનને જોડવાનું અભિયાન છે. આ એકતા જ ભારતને નવી ઊંચાઇ ઉપર લઇ જશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારતની આ વિવિધતા એ આપણી કમજોરી કે વિવશતા નથી પરંતુ આ વિવિધતામાં એકતાનો સ્વાદ, એકતાનો મંત્ર અને એકતાનું રકત સદીઓથી એકરૂપ થઇને વહી રહયા છે. આ વૈવિધ્યનો આદર, સન્માન કરીને તેને પુરસ્કૃત કરતી ભારતની એકતાની બુનિયાદોને સુદૃઢ બનાવી રાખવું એ વર્તમાન તથા ભાવિ પેઢીનું દાયિત્વ છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની વિવિધતાના સામર્થ્યને પુરસ્કૃત કરતા જણાવ્યું કે, વિવિધતા એ કોઇ કાગળનો ગુલદસ્તો નથી પણ આપણી શકિત-સામર્થ્યનોસ્ત્રોત છે. એ માત્ર આપણી પહેચાન નથી આપણો પહેરવેશ છે જેથી તેને એકતાના મંત્ર વડે જોડવાનું - સંવારવા - સજાવવાનું દરેક દેશવાસીનું કર્તવ્ય છે. આ એકતા માટે સરદાર પટેલથી મોટી કોઇ પ્રેરણામૂર્તિ ન હોઇ શકે, તેમ જણાવી તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માહાત્મ્યને સમજાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ભારતનું ઉજજવળ ભાવિ ત્રણ પરિબળો પર અવલંબિત છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી જન-જનની એકતા, સુરાજય એટલે કે ગુડ ગર્વનન્સ જે આ સદીની માંગ છે અને સરકાર આધારિત નહીં પણ જનભાગીદારીથી આગળ વધવાની ભવ્ય પરંપરા. આ ત્રણે પાયાના સ્તંભો પર જ ભારત વિશ્વની મહાસત્તા બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ભારતને ઐકયના મંત્રથી જોડવા અમે ભારતની બે લાખથી વધુ શાળાઓનો સંપર્ક કરીને વિવિધ ભાષા, પહેરવેશ, સંસ્કૃતિના બાળકો માટે એકતા પર નિબંધસ્પર્ધા યોજી રહયા છીએ, જેમાં પ્રથમ આવનાર ૫૫૦૦ જેટલી શાળાઓના બાળકોને રૂા.૨.૫૦ કરોડનું પારિતોષિક આપવામાં આવશ,ે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોહપુરૂષ સરદાર પટેલની સ્મૃતિમાં દેશભરમાંથી લોહ એકત્ર કરીશું, તેઓ કિસાન હતા માટે કિસાનોના ઓજારનો વિનિયોગ કરીશું તેમજ તેઓ એકતાના પ્રતીક હતા તેથી ૭ લાખ ગામોને એકતા વડે જોડીશું. ગુજરાતથી પ્રારંભાયેલું આ આંદોલન દેશના ૧૨૫ કરોડ માનવીઓને જોડશે.
મુખ્યમંત્રીશ્રીએ આ જનઆંદોલનને કોઇ રાજનીતિ સાથે નહીં સાંકળવાની અપીલ કરતા જણાવ્યું કે, આ એક રાષ્ટ્રભકિતનું અભિયાન છે. એકતા દેશને જોડવાની અદભુત જડીબુટૃી છે અને આ એકતાની તાકાત વડે જ ભારતનું સ્થાન વૈશ્વિક ફલક પર સરદાર સાહેબની વિશાળ પ્રતિમા સમાન સર્વોચ્ચ બની રહેશે, તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વડોદરા મેરેથોનની ૨૧ અને ૧૫ કિ.મી.દોડના દોડવીરોને પણ પ્રસ્થાન કરાવ્યું હતું. હૈયે હૈયુ દળાય તેવા તેવા માહૌલમાં માનવ ઐકયનો અદ્ભુત નજારો સર્જાયો હતો.
આ અવસરે ઊર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, સાંસદશ્રી બાળકૃષ્ણ શુકલ, મુખ્ય સચિવશ્રી વરેશ સિંહા, મેયર ભરતભાઇ શાહ, ધારાસભ્યો શ્રી જીતુભાઇ સુખડિયા, શ્રી યોગેશભાઇ પટેલ, શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મનીષાબેન વકીલ, માહિતી કમિશનરશ્રી ભાગ્યેશ જહા, કલેકટરશ્રી વિનોદ રાવ, મ્યુ.કમિશનરશ્રી મનીષ ભારદ્વાજ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.