પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે આપણે જ્યારે દેશની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણા ઐતિહાસિક વીર પુરૂષો અને વીરાંગનાઓએ દેશને આપેલું અપાર યોગદાન ભૂલાય નહીં તે ઘણું મહત્વનું બની રહે છે. તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો કે જે લોકોએ પોતાનું સર્વસ્વ ભારત અને ભારતીયતા માટે સમર્પિત કરી દીધું તેમને ઈતિહાસનાં પુસ્તકોમાં યોગ્ય સ્થાન મળ્યું નથી. ભારતમાં ઈતિહાસ સર્જનારા લોકોને ઈતિહાસ લેખકો તરફથી થયેલો આ અન્યાય અને ક્ષતિઓ આપણે જ્યારે આપણી આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે તેમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમના યોગદાનને યાદ કરવું તે આ તબક્કે ખૂબ જ મહત્વનું બની રહે છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સ મારફતે ઉત્તર પ્રદેશમાં બહેરાઈચ ખાતે મહારાજા સુહેલ દેવ સ્મારક અને વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યા પછી તેમણે વાત કરતાં આજે આ મુજબ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનો ઈતિહાસ માત્ર વસાહતવાદી સત્તાઓએ અથવા તો વસાહતવાદી માનસિકતા ધરાવતા લોકોએ લખ્યો નથી. ભારતના ઈતિહાસને સામાન્ય લોકોએ લોક કથાઓમાં સંવર્ધન કરીને તેને આગળ ધપાવ્યો છે.
પ્રધાનમંત્રીએ સવાલ કર્યો હતો કે આઝાદ હિંદ સરકારના પ્રથમ પ્રધાનમંત્રી નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની પાત્રતા મુજબ સ્થાન મળ્યું છે ખરૂં?. શ્રી મોદીએ જણાવ્યું હતું કે અમે લાલ કિલ્લાથી માંડીને આંદામાન નિકોબાર સુધી તેમની ઓળખ મજબૂત બનાવીને તેમની યોગ્ય કદર કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સમાન પ્રકારે 500થી વધુ રજવાડાંનું એકીકરણ કરનાર સરદાર પટેલ પણ જાણીતા છે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સરદાર પટેલની સ્મૃતિમા નિર્માણ કરાયું છે.
બંધારણના મુખ્ય ઘડવૈયા તથા શોષિત, વંચિત અને કચડાયેલા લોકોનો અવાજ બનેલા બાબાસાહેબ આંબેડકરને હંમેશાં રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. આજે ડો, આંબેડકર સાથે સંકળાયેલાં ભારતથી માંડીને ઈંગ્લેન્ડ સુધીના સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવાઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ સવાલ કર્યો હતો કે “ એવાં અગણીત વ્યક્તિત્વો છે કે જેમની વિવિધ કારણોથી કદર કરાઈ નથી. શું આપણે ચૌરી ચોરાના બહાદૂરોના જે હાલ થયા હતા તે ભૂલી શકીએ તેમ છીએ ? ”
પ્રધાન મંત્રીએ કહ્યું કે ભારતીયતાની સુરક્ષા માટે મહારાજા સુહેલ દેવે કરેલા પ્રદાનની સમાન પ્રકારે અવગણના થઈ રહી છે. મહારાજા સુહેલ દેવ અવધનાં લોક ગીતો મારફતે હંમેશાં લોકોના હૃદયમાં જીવંત રહ્યા છે. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલ દેવના યોગદાનને સંવેદનશીલ અને વિકાસલક્ષી ગણાવ્યું હતું.