પર્યાવરણની સુરક્ષા માટે, આવો, ખભે ખભા મિલાવીને કામ કરીએ
પ્રિય મિત્રો,૫ જુનને પ્રતિવર્ષ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એની પાછળનો આશય પર્યાવરણ સમક્ષ ઉભા થયેલા પ્રશ્નો અંગે જાગૃતિ પેદા કરવાનો છે. ૧૯૭૨ માં આ જ દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા હ્યુમન એનવાર્યર્મેન્ટ વિષય ઉપર એક પરિષદ(જે સ્ટોકહોમ કોન્ફરન્સ તરીકે પણ ઓળખાય છે)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક સિમાચિન્હરૂપ ક્ષણ હતી, જ્યારે પૃથ્વી પર પર્યાવરણની કથળતી જતી પરિસ્થિતીમાં સુધાર લાવવા વિશ્વભરનાં દેશોએ હાથ મિલાવ્યા હતા.
પ્રકૃતિ સાથે સંવાદિતા જાળવીને જીવવાનો વિચાર કદાચ પશ્ચિમી દેશો માટે નવો હશે, પણ પ્રકૃતિ પ્રત્યે આદરની આ વિભાવના આપણી ભવ્ય સંસ્કૃતિમાં તો પહેલેથી જ વણાયેલી છે. પૃથ્વી અને મનુષ્ય વચ્ચેનો સબંધ માં અને બાળક જેવો છે. ઋગ્વેદથી લઈને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ સુધી પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવા પાંચ તત્વોનો ઉલ્લેખ જોવા મળે છે. આપણી આસપાસનાં વાતાવરણને બિલકુલ નુકસાન પહોચાડ્યા વિના, પર્યાવરણ સાથે સંપૂર્ણ સંવાદિતાથી જીવન જીવવાનું આપણને કાયમથી શીખવાડવામાં આવ્યુ છે.
પર્યાવરણની સુરક્ષાનો પ્રશ્ન એક રીતે આપણી નૈતિક જવાબદારી પણ છે કેમકે તે આપણી આવનારી પેઢીઓને પણ સ્પર્શે છે. આ બાબતે, મહાત્મા ગાંધી અને તેમનાં ટ્રસ્ટીશીપનાં સિધ્ધાંતનો મારી ઉપર ગહેરો પ્રભાવ રહ્યો છે. આ સિધ્ધાંતને પર્યાવરણનાં સંદર્ભમાં જોઈએ તો, વર્તમાન પેઢીએ પ્રાકૃતિક સંપદાનાં ટ્રસ્ટી તરીકે વર્તવું જોઈએ અને તેનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે જેથી આવનારી પેઢીઓને પણ તેના લાભ મળી રહે.
મિત્રો, પર્યાવરણને ઓછામાં ઓછુ નુકસાન થાય અને તે વધુને વધુ શુધ્ધ અને સ્વચ્છ બને એ દિશાનાં પ્રયત્નોમાં ગુજરાતે કોઈ કસર છોડી નથી. ગુજરાતે એશિયા પ્રથમ એવો ક્લાયમેટ ચેન્જ માટેનો એક અલાયદો વિભાગ ઉભો કર્યો છે. સમગ્ર વિશ્વમાં એવી ચાર જ સરકારો છે જેણે ક્લાયમેટ ચેન્જની સમસ્યાનાં નિવારણ માટે એક અલાયદો વિભાગ સ્થાપ્યો હોય, અને ગુજરાત સરકાર આ ચાર સરકારોમાંની એક છે. ભારતમાં સૌથી વધુ કાર્બન ક્રેડિટ મેળવતું રાજ્ય ગુજરાત છે. સાથે-સાથે આપણે વીજઉત્પાદન માટે ઉર્જાનાં બિનપરંપરાગત સ્ત્રોતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
એક વીજ-સરપ્લસ રાજ્ય હોવા છતાં ગુજરાતે સૌરઊર્જા ક્ષેત્રે વિરાટ કદમ માંડ્યા છે. સૌરઊર્જા અંગેની નીતિ ઘડવામાં ગુજરાત પહેલવહેલું હતું. થોડા મહિના પહેલા ગુજરાતે ચારણકા ખાતેનો એશિયાનો સૌથી મોટો ૬૦૦ મેગાવોટનો સોલાર પાર્ક રાષ્ટ્રને સમર્પિત કર્યો. આજે, દેશની કુલ સૌરઊર્જામાંથી ૨/૩ જેટલું ઉત્પાદન માત્ર ગુજરાત કરે છે.
બિનપરંપારગત સ્ત્રોતોનાં માધ્યમથી વીજઉત્પાદન કરવા ઉપરાંત રાજ્યએ પોતાનું ધ્યાન જળશક્તિ ઉપર પણ કેન્દ્રિત કર્યું છે. આજે, ગુજરાતમાં છ લાખથી વધુ જળસંચયનાં માળખા ઉભા કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણાને જનભાગીદારી હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. આપણું રાજ્ય પાણીની તંગી માટે જાણિતું હતું, છતાંય આજે આપણું કૃષિ ક્ષેત્ર ૧૧% નાં દરે વૃધ્ધિ પામી રહ્યું છે. ભુગર્ભ જળનાં સ્તર ત્રણ મીટરથી ૧૩ મીટર સુધી ઉંચે આવ્યા છે. તમને કહેતા મને ઘણો આનંદ થાય છે કે ગુજરાતે ટપક સિંચાઈને ખૂબ મોટા પ્રમાણમાં અપનાવી લીધી છે. છેલ્લા દશકમાં ચાર લાખ હેક્ટર જેટલા વિસ્તારને ટપક સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. રાજ્યની ૨૧ નદીઓને પરસ્પર જોડવાનું કામ રાજ્ય સરકારે હાથ ધર્યું છે, જેના પરિણામે શહેરી અને ગ્રામ્ય વસ્તીને વિવિધ લાભ મળી રહ્યા છે. અમદાવાદનો સાબરમતી નદીનો પટ પહેલા ક્રિકેટનાં મેદાનની જેમ ઉપયોગમાં લેવાતો, ત્યાં સરકસનાં તંબુ તાણવામાં આવતા. પણ સંખ્યાબંધ ચેકડેમ અને સિંચાઈ પ્રોજેક્ટને પરિણામે હવે સાબરમતીમાં પાણીનો સતત પ્રવાહ વહી રહ્યો છે, માત્ર એટલું જ નહિ પણ નદીનું પાણી ચોખ્ખું પણ બન્યું છે.
ગુજરાત હવે દરિયાઈ મોજાની ઉર્જાનો ઉપયોગ કરવા અને ગેસ આધારિત અર્થતંત્રની દિશામાં પણ આગેકુચ કરી રહ્યું છે. ભારતનો એકમાત્ર અને એશિયાનો સૌથી મોટો ટાઈડલ એનર્જી પ્રોજેક્ટ ગુજરાતમાં છે. છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાં પવનઊર્જાનાં ઉત્પાદનમાં દસ ગણો વધારો થયો છે. પર્યાવરણને થતા નુકસાનને નિયંત્રિત કરવા માટે ગ્રીન ગવર્નેન્સનું મોડેલ ચોક્કસપણે ઉદાહરણીય બની રહેશે.
મિત્રો, આપણી સામે બે જ વિકલ્પ છે. ક્યાંતો આપણે પર્યાવરણને થતું નુકસાન આ જ રીતે ચાલુ રાખીએ, ક્યાંતો આપણે ઉપચારાત્મક પગલા લઈએ અને આવનારી પેઢીઓની ખુશીઓને ખાત્રીબધ્ધ કરીએ. પસંદગી સ્પષ્ટ છે. ગુજરાતમાં મારા અનુભવનાં આધારે હું કહીશ કે પર્યાવરણની સુરક્ષા માટે માત્ર સરકારનાં પ્રયત્નો જ પૂરતાં નથી. જનભાગીદારી જેવું સામર્થ્ય અન્ય કોઈ તાકાતમાં નથી. દૈનિક જીવનમાં તમે લીધેલી નાનકડી કાળજી આપણા ગ્રહનું પર્યાવરણ સ્વચ્છ બનાવવામાં મોટી ભુમિકા ભજવશે. આજે, વિશ્વ પર્યાવરણ દિવસનાં અવસર પર, ચાલો આપણે સૌ આ વિશ્વને વધુ સ્વચ્છ અને હરિત બનાવવા શક્ય એટલા મહત્તમ પ્રયત્નો કરવાનો સંકલ્પ કરીએ. આ સાથે છેલ્લા દશકમાં ગુજરાતનાં લોકોએ ક્લાયમેટ ચેન્જનો પડકાર ઝીલવા કરેલા પ્રયત્નોનંછ વર્ણન કરતાં મારા પુસ્તક ‘કન્વીનીયન્ટ એક્શન’ની લીંક મુકી રહ્યો છું.
‘Convenient Action: Gujarat’s Response to Challenges of Climate Change’
Video of Gujarat’s initiatives on climate change.
આપનો,
નરેન્દ્ર મોદી