શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કર્યો, મંડીમાં એક વિરાટ સભાને સંબોધિત કરી
શ્રી મોદીએ ભાજપને વોટ આપવા માટે એક આહ્વાન કર્યું તથા જો ભાજપ ફરી ચૂંટાઈ આવે તો હિમાચલ પ્રદેશમાં ગુજરાત જેટલો જ વિકાસ કરવાનું વચન આપ્યું
ડૉ. ‘મૌનમોહન’ સિંહ જો ગરીબો માટે કંઈ બોલ્યા હોત તો ખુશી થાત : શ્રી મોદી
દિલ્હીના પાપોથી હિમાચલ પ્રદેશની દેવભૂમિને ભ્રષ્ટ થતી રોકવા માટે કમળને મત આપો. હિમાચલની જેમ જ, ગુજરાત પણ રાજ્યમાંથી કૉંગ્રેસ પાર્ટીને જડમૂળથી ઉખેડી નાખવા માટે તૈયાર છે : શ્રી મોદી
ખોટું કામ કરો, લોકોની છેતરપિંડી કરો અને બઢતી પામો, આ જ કૉંગ્રેસની રીત છે : શ્રી મોદી
કૉંગ્રેસ ચરિત્રહનન તથા સી.બી.આઈ. ના દુરુપયોગનો આશરો લે છે : શ્રી મોદી
29 માર્ચ, 2012 ના રોજ પોતાના ઉગ્ર શબ્દોવાળા ભાષણ દ્વારા શ્રી નરેન્દ્ર મોદીએ યુ.પી.એ. સરકાર પર મોંઘવારી તથા સી.બી.આઈ. ના દુરુપયોગથી લઈને બિનકાર્યક્ષમ અથવા ગંભીર આરોપોનો સામનો કરી રહેલ મંત્રીઓને પુરસ્કૃત કરવા જેવા વિવિધ મુદ્દાઓ પર ઉગ્ર પ્રહાર કર્યા. શ્રી મોદી હિમાચલ પ્રદેશના મંડી ખાતે એક વિશાળ જાહેરસભાને સંબોધી રહ્યા હતા, કે જ્યાં નવેમ્બરની શરૂઆતમાં ચૂંટણી યોજાવાની છે. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયેલ અને મોદીના સ્થળ પર આગમનને હર્ષનાદ સાથે વધાવી લીધેલ.તેમણે લોકોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તથા શ્રી પ્રેમકુમાર ધુમલની તરફેણમાં મતદાન કરવા માટે જોરદાર અપીલ કરી. શ્રી મોદીએ વચન આપ્યું કે જો જનતા ભાજપને ફરીથી ચૂંટશે તો હિમાચલ પ્રદેશમાં પણ ગુજરાત જેટલો જ વિકાસ કરવામાં આવશે.
ગુજરાત પછી હિમાચલ જ બીજું ઘર..!
શ્રી મોદીએ તેમના હિમાચલ પ્રદેશ સાથેના જુના સંબંધોને યાદ કરતાં જણાવ્યું કે તેમણે વર્ષો પહેલાં પક્ષ માટે અહીં કામ કરેલ છે. તેમણે હિમાચલને ગુજરાત બાદ પોતાનું બીજું ઘર ગણાવ્યું અને ઉમેર્યું કે જો ગુજરાતમાં ચૂંટણી ન હોત તો તેઓ આ ચૂંટણીની મોસમમાં આ રાજ્યની વધારે મુલાકાતો લેવાનું પસંદ કરત.
મુખ્યમંત્રીએ રાજકીય સ્થિરતાનું મહત્વ જણાવ્યું
શ્રી મોદીએ લોકોને જણાવ્યું કે હિમાચલ પ્રદેશની જેમ જ ગુજરાતના લોકો પણ રાજ્યમાંથી કૉંગ્રેસને જડમૂળથી ઉખેડી નાખવાની તૈયારીમાં છે. તેમણે કહ્યું કે ગુજરાતના લોકો વર્ષોથી ભાજપને ચૂંટે છે, જેના કારણે રાજ્યમાં રાજકીય સ્થિરતા આવેલ છે તથા વિકાસની પ્રક્રિયા તેજ બની છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો તેઓ ગુજરાતથી કોઈ સંદેશ લાવ્યા હોય તો એ છે કે લોકોએ વારંવાર સરકારો બદલવી જોઈએ નહીં તથા લોકોને હિમાચલ પ્રદેશમાં ભાજપને ફરીથી સત્તા પર લાવવા માટે વિનંતી કરી.
શ્રી મોદીએ વડાપ્રધાનને ડૉ. ‘મૌનમોહન’ સિંહ કહ્યા, જણાવ્યું કે તેમણે ગરીબોની ચિંતા કરી હોત તો સારું હોત
વડાપ્રધાન તથા અનેક મુદ્દાઓ પર તેમના મૌન રહેવા પર કટાક્ષ કરતાં શ્રી મોદીએ તેમને ડૉ. ‘મૌનમોહન’ સિંહ કહ્યા અને જણાવ્યું કે તેમણે તથા શ્રીમતી સોનિયા ગાંધી બન્નેએ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી અને કેટલાક વિષયો પર વાત કરી પરંતુ સારું હોત જો તેઓએ ગરીબો માટે ચિંતા વ્યક્ત કરી હોત, કે જેઓ મોંઘવારીના ખપ્પરમાં પીસાઈ રહેલ છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાને તેમણે આપેલ મોંઘવારી ઘટાડવાના વચન બાબતે બોલવું જોઈતું હતું પરંતુ કૉંગ્રેસ ઘમંડી છે અને આ દેશના લોકોની ચિંતા કરતી નથી. શ્રી મોદીએ કૉંગ્રેસના નેતૃત્વવાળી યુ.પી.એ. સરકારની એલ.પી.જી. ની મર્યાદા ઘટાડવા બાબતે અસંવેદનશીલતાને ઉજાગર કરી, કે જેની હિમાચલ પ્રદેશ જેવા ઠંડા રાજ્ય પર પ્રતિકૂળ અસર થશે.
શ્રી મોદીએ ગુજરાતના લોકોને પાઈપ લાઈનથી ગેસ પૂરો પાડવાની પહેલમાં કેન્દ્ર દ્વારા અંતરાયો ઊભા કરવા ઉપર સખત ટીકા કરી. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ આ લડાઈને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા છે, જ્યાં તેમને વિજયી થવાનો સંપૂર્ણ વિશ્વાસ છે.
જો તમે કાંઈ ખોટું કરો અથવા લોકોને છેતરો, તો તમને કૉંગ્રેસમાં બઢતી મળશે..!
શ્રી મોદીએ જાહેર કર્યું કે કૉંગ્રેસ પાર્ટીના સભ્યો તથા મંત્રીઓને ખોટાં કામો કરવા બદલ અથવા લોકોની છેતરપિંડી કરવા બદલ બઢતી મળે છે. તેમણે તત્કાલિન ગૃહ મંત્રી સુશીલકુમાર શિંદેનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે જેના મંત્રીપદના કાર્યકાળ દરમ્યાન 19 રાજ્યો અને 70 કરોડ લોકો ભારે વીજ કટોકટીના કારણે અંધકારમાં ડૂબી ગયા હોવા છતાં, તેમની બઢતી કરવામાં આવી. શ્રી મોદીએ કહ્યું કે તેમને પદ પરથી દૂર કરવાને બદલે તેમને ગૃહ મંત્રી તરીકે બઢતી આપવામાં આવી..! તેમણે તે વાસ્તવિકતા માટે દુ:ખ વ્યક્ત કર્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયાએ ભારતમાં 21મી સદીના બીજા દસકામાં પણ આટલા મોટા પ્રમાણમાં વીજકાપ જોવા મળે છે તે બાબતે લખેલ અને જણાવ્યું કે તે જ મીડિયાએ નોંધ્યું કે આ અંધકારમાં પણ ગુજરાત વીજળીથી ઝળહળતું હતું..!
સલમાન ખુર્શીદનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ નિર્દેશ કર્યો કે તેમની સામે ગંભીર આક્ષેપો છે તેમ છતાં પણ તેમને બઢતી આપીને વિદેશ મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવેલ છે.
શશી થરૂર વિશે શ્રી મોદીએ કહ્યું કે એ વ્યક્તિ જે સંસદના સત્રમાં એમ કહે છે કે તેને તે સ્ત્રી સાથે કોઈ જ લેવાદેવા નથી જેના ખાતામાં 50 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવેલ, તેણે તેની સાથે ફક્ત લગ્ન જ ન કર્યાં પરંતુ મંત્રીમંડળમાં પુનરાગમન પણ કર્યું છે..!
હિમાચલ પ્રદેશના પોતાના જ વીરભદ્ર સિંહ વિશે બોલતાં શ્રી મોદીએ તેના ભ્રષ્ટાચાર બાબતે જણાવ્યું તથા આશ્ચર્ય વ્યક્ત કર્યું કે એક બાજુ તો તેમને હોદ્દો છોડવાનું કહેવામાં આવેલ અને બીજી બાજુ તેમને કૉંગ્રેસ પાર્ટી વતી હિમાચલ પ્રદેશની ચૂંટણી માટેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી.
કૉંગ્રેસનું ચરિત્રહનન થયું છે તથા તે સી.બી.આઈ. ના દુરુપયોગનો આશરો લે છે
મુખ્યમંત્રીએ કહ્યું કે ભારત એક સમવાય તંત્ર ધરાવે છે, પરંતુ કૉંગ્રેસે ભાગ્યે જ તેનો આદર કરેલ છે અને ભાજપ શાસિત રાજ્યોમાં વિકાસમાં રોડાં નાખી રહેલ છે. તેમણે યાદ કર્યું કે જ્યારે દેશના રાજકારણમાં તમામ સ્તરે કૉંગ્રેસનું સંપૂર્ણ વર્ચસ્વ હતું ત્યારે શરૂઆતનાં 20 વર્ષ સુધી વિરોધી પક્ષની સરકારને સ્થાનભ્રષ્ટ કરવામાં તેમણે કોઈ કસર છોડી નહોતી. તેમણે કૉંગ્રેસ પર કલમ 356 ના દુરુપયોગ કરવાનો પણ આરોપ મુક્યો.
તેમણે વધુમાં જણાવ્યું કે જે કૉંગ્રેસ કલમ 356 નો દુરુપયોગ કરે છે તે હવે કેન્દ્રીય એજન્સીઓ દુરુપયોગ કરવા લાગી છે અને ચરિત્રહનનને છૂટો દોર આપ્યો છે. શ્રી મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં કૉંગ્રેસ માત્ર ઉમેદવારોને ઊભા રાખે છે, પરંતુ વાસ્તવમાં સી.બી.આઈ. જ ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે.
શ્રીમતી સોનિયા ગાંધીના હિમાચલ પ્રદેશને રૂ. 10,000 કરોડ આપ્યાના દાવા પર બોલતાં શ્રી મોદીએ કહ્યું કે તે પૈસા તેમના પોતાના નથી, પરંતુ જનતાના છે..! તેમણે ઉમેર્યું કે તેઓને આનંદ થયો જ્યારે ડૉ. ‘મૌનમોહન’ સિંહે સ્વિકાર્યું કે હિમાચલ પ્રદેશમાં વિકાસ થયેલ છે પરંતુ કમનસીબે તેમણે પુનરુક્તિ કરી કે તે વિકાસ કેન્દ્રીય ભંડોળના કારણે થયેલ છે.
ધુમલજી ખૂબ જૂના મિત્ર છે, મને અહીં વિકાસ જોવા મળ્યો છે, મોટી સંખ્યામાં બહાર આવીને ભાજપને મત આપો..!
હિમાચલ પ્રદેશમાં ભાજપના વિજય માટેનો પાયો નાખતાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી ધુમલ તેમના જૂના મિત્ર છે તથા રાજ્યમાં ખૂબ વિકાસ થયેલ છે. તેમણે લોકોને ખૂબ મોટી સંખ્યામાં ભાજપની તરફેણમાં મતદાન કરવા માટે આહવાન કર્યું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દિલ્હીનાં પાપોને દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં પ્રવેશતાં રોકવા માટે લોકોએ કમળને મત આપવો જોઈએ.
શ્રી મોદીને જાહેરસભાની શરૂઆતમાં એક ગદા પ્રસ્તુત કરવામાં આવી હતી.