ગાંધીનગરને ભ્રષ્ટાચારીઓથી દૂર રાખવા ફાગવેલમાં હજારોની મેદનીને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહ્વાન
કેન્દ્રની કોંગ્રેસ મટન નિકાસ પ્રોત્સાહનના અનેક રસ્તા ખુલ્લા કરી ગૌરક્ષા માટે બલિદાન આપનાર વીર ભાથીજી મહારાજ અને મહાત્મા ગાંધીનું અપમાન કરી રહી છે
વિવેકાનંદ માઁ કાલીના ઉપાસક હતા પાવાગઢમાં માઁ કાલીના ધામમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનું સમાપન
વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો આજે અંતિમ દિવસે ખેડા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અને ભાથીજી મહારાજની વીરભૂમિ ફાગવેલમાં ભારત માતા કી જય, વંદેમાતરમ્ અને ભાથીજી મહારાજ અમર રહો ના નારા સાથે પ્રારંભ થયો હતો.
વિવકાનંદ યુવા વિકાસ યાત્રાના ૧૭મા દિવસના પ્રારંભે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાથીજી મહારાજને વંદન કર્યા હતા.
વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાના પ્રારંભે હજારોની જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, ભારતની અર્થવ્યવસ્થાના આધાર સમા કૃષિ અને પશુપાલનને કેન્દ્રની દિશાવિહીન સરકાર દૂર્દશા તરફ ધકેલી રહી છે. ગૌ માતાની રક્ષા માટે બલિદાન આપનાર ભાથીજી મહારાજ, ગૌ સંવર્ધનના હિમાયતી મહાત્મા ગાંધી, વિનોબા ભાવેના સ્વપ્નાઓ સાથે ખિલવાડ કરી રહી છે. કેન્દ્રની કોંગ્રેસની સરકારના શાસનમાં કોટન પકવતા કિસાનોને નિકાસ માટે સરકારને પૈસા આપવા પડે છે. જયારે મટનની નિકાસ કરનારાઓને સબસીડી આપવામાં આવે છે. કતલખાના નાંખવા માટે લોન અને સબસીડી, મટનના ટ્રાન્સપોર્ટેશનમાં રાહત અને મટનને પોર્ટ સુધી પહોંચાડવામાં પણ નાણાંકિય સહાય એ આ દેશના કરોડો કિસાનો, ગૌરક્ષકો અને ગૌ રક્ષા માટે બલિદાન આપનાર ભાથીજી મહારાજ સહિતના લોકોનું અપમાન છે.
કેન્દ્રની કોંગ્રેસ સરકારને શ્વેતક્રાંતિમાં રસ નથી, હરિયાળી ક્રાંતિમાં રસ નથી. પરંતુ મતલક્ષી રાજનીતિમાં અને ગુલાબીક્રાંતિમાં રસ છે. કેન્દ્ર સરકારને પૈસા ક્યાંથી આવશે તેમાંને તેમાં માત્ર રસ છે. પશુપાલન જેવા ભારતના મહત્વના વ્યવસાયમાં રસ નથી અને તેની મટન નિકાસ પ્રોત્સાહન માટેના અનેક નવા રસ્તાઓ પ્રતિતિ કરાવે છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે થયેલા નવનિર્માણ આંદોલનને યાદ કરી ભ્રષ્ટાચાર સામેની દેશવ્યાપી લડતને માર્ગદર્શન કરનાર જયપ્રકાશ નારાયણના જન્મદિવસને વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાના સમાપન દિવસ તરીકે પસંદ કરવાનો ભેદ સમજાવતા જણાવ્યુ હતુ કે, કેન્દ્રની કોંગ્રેસ સરકારના રોજ નવા ભ્રષ્ટાચારના પ્રકરણો બહાર આવી રહ્યા છે ત્યારે એક નિર્ણાયક લડતમાં ગુજરાતવાસીઓને સહયોગી થવા આહ્વાન કર્યુ હતુ.
તેઓએ ૧૦૦ દિવસમાં મોંઘવારી દૂર કરવાનું વચન આપીને દેશની પ્રજા સાથે છેતરપિંડી કરનાર કોંગ્રેસને માફ ન કરવા જનતા જનાર્દનને અનુરોધ કરતા જણાવ્યુ હતુ કે, કેન્દ્રની યુ.પી.એ. સરકારનું ૮ વર્ષનું શાસન એ મોંઘવારી અને ભ્રષ્ટાચારમાં વિક્રમ સર્જનારુ શાસન રહ્યુ છે. આવાં ભ્રષ્ટાચારીઓને અને કૌભાંડીઓને ગુજરાતમાં ઘુસવા ન દેવા અપીલ કરી હતી.
ફાગવેલ ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતની સરકાર એ કામ કરતી સરકાર છે, નિર્ણય કરતી સરકાર છે, નિર્ણાયક સરકાર છે, વચનોની લ્હાણી કરતી સરકાર નથી. મહિસાગર જીલ્લાની રચના, ફાગવેલ તાલુકાની રચના, ગળતેશ્વર તાલુકાની રચના એ ગુજરાતની જનતા જનાર્દનના દુઃખ તેમજ જરૂરિયાત સમજતી સરકારના પરિણામ છે. ફાગવેલવાસીઓએ ફાગવેલને તાલુકો જાહેર કરતા ઉજવેલા ઉત્સવ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેઓએ ર૦૦રમાં ગુજરાત ગૌરવ યાત્રાના પ્રારંભે ભાથીજી મહારાજના વારસદાર હોવાના આડંબર કરનાર લોકોને આડેહાથ લેતા જણાવ્યુ હતુ કે, પ વર્ષ દિલ્હીમાં મંત્રીપદુ મેળવ્યા બાદ ભાથીજી મહારાજ તરફ કેમ ડોકીયું પણ કર્યુ નહોતુ. ભાથીજી મહારાજ મારા માટે આસ્થાનું સ્થાન છે જયારે ગુજરાત ગૌરવ યાત્રા વખતે સંઘર્ષ કરવા માંગતા લોકો માટે મતલક્ષી રાજનીતિનું સ્થાન છે. ભાથીજી મહારાજના આશિર્વાદથી અને આ ત્યાગભૂમિ પરથી પ્રારંભ થયેલી ગુજરાતની વિકાસ યાત્રા આજે લગલગાટ ૧૧ વર્ષ પૂરા કરી શાંતિ અને સુખનો સંદેશો જન-જનમાં પ્રસરાવી રહી છે.
૧૧ સપ્ટેમ્બરે માઁ બહુચરાજીના આશિર્વાદથી વિવેકાનંદ દિગ્વિજય દિને પ્રારંભ થયેલી યાત્રા આજે પાવાગઢની માઁ કાલિકાની પાવનભૂમિમાં સમાપન પામશે. માઁ કાલિકા એ સ્વામી વિવેકાનંદજીના આરાધ્ય દેવી હતા અને ગુજરાત સહિત દેશવાસીઓનું આસ્થાનું સ્થાન છે, આ સ્થાન પરથી પણ ગુજરાતની ભવ્યતા અને દિવ્યતાના આશિર્વાદ પ્રાપ્ત થશે તેવો આશાવાદ તેઓશ્રીએ વ્યક્ત કર્યો હતો.
ફાગવેલમાં આજની સભાના પ્રારંભે શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા,મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ સભાને સંબોધન કર્યુ હતુ. ખેડા જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વૈવિધ્યસભર અને પરંપરાગત મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે યુવાનો, મહિલાઓ, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.