પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેને આજે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર કે જેઓ ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય સંવાદ માટે વોશિંગ્ટન ડીસીમાં છે, તેઓ પણ તેમના યુએસ સમકક્ષો સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિન અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે વાતચીત દરમિયાન વ્હાઇટ હાઉસમાં હાજર હતા.
બંને નેતાઓએ કોવિડ-19 મહામારી, વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિ, આબોહવાની ક્રિયા, દક્ષિણ એશિયા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તાજેતરના વિકાસ અને યુક્રેનની સ્થિતિ જેવા અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું.
તેઓએ તાજેતરના વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની પણ નોંધ લીધી હતી.
બંને નેતાઓ સંમત થયા હતા કે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાથી બંને દેશોને ઘણો ફાયદો થશે અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતામાં પણ યોગદાન મળશે.