પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ કંબોડિયાના પ્રધાનમંત્રી સમદેચ અક્કા મોહ સેના પડેઈ ટેકો હુન સેન સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી.
બંને નેતાઓએ વેપાર અને રોકાણ, માનવ સંસાધન વિકાસ, સંરક્ષણ અને સુરક્ષા, વિકાસ સહયોગ, કનેક્ટિવિટી, રોગચાળા પછીની આર્થિક પુનઃપ્રાપ્તિ અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં સહકાર સહિત દ્વિપક્ષીય મુદ્દાઓની સમગ્ર શ્રેણી પર ચર્ચા કરી હતી. તેઓએ દ્વિપક્ષીય સહયોગની ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો.
પીએમ હુન સેને કંબોડિયા ભારત સાથે તેના સંબંધોને જે મહત્વ આપે છે તેના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીશ્રી મોદીએ લાગણીનો જવાબ આપ્યો અને ભારતની એક્ટ ઇસ્ટ નીતિમાં કંબોડિયાની મૂલ્યવાન ભૂમિકા પર ભાર મૂક્યો. નેતાઓએ મેકોંગ-ગંગા કોઓપરેશન ફ્રેમવર્ક હેઠળ ક્ષમતા નિર્માણ કાર્યક્રમો અને ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ સહિત બંને દેશો વચ્ચે મજબૂત વિકાસ ભાગીદારીની સમીક્ષા કરી.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતાના સંબંધોને પણ ઉલ્લેખિત કર્યા હતા અને કંબોડિયામાં અંગકોર વાટ અને પ્રેહ વિહાર મંદિરોના પુનઃસ્થાપનમાં ભારતની ભાગીદારી પર તેમની ખુશી વ્યક્ત કરી હતી, જે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને ભાષાકીય જોડાણને દર્શાવે છે.
પ્રધાનમંત્રી હુન સેને ક્વાડ વેક્સિન ઇનિશિયેટિવ હેઠળ કંબોડિયાને ભારતીય-નિર્મિત કોવિશિલ્ડ રસીના 3.25 લાખ ડોઝ પૂરા પાડવા બદલ ભારતનો આભાર માન્યો હતો.
આ વર્ષે ઉજવવામાં આવી રહેલી ભારત અને કંબોડિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ પર બંને નેતાઓએ એકબીજાની પ્રશંસા કરી.
આ ઉજવણીના ભાગરૂપે, પ્રધાનમંત્રીશ્રી મોદીએ કંબોડિયાના મહામહિમ રાજા અને મહારાણી માતાને પરસ્પર અનુકૂળ સમયે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
બંને નેતાઓએ સહિયારા હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ કંબોડિયાને આસિયાનનું અધ્યક્ષપદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેના અધ્યક્ષપદની સફળતા માટે કંબોડિયાને ભારતના સંપૂર્ણ સમર્થન અને સહાયની ખાતરી આપી હતી.