ગુજરાતે એવી સિધ્ધિ હાંસલ કરી છે કે, વિશ્વના દેશો ગુજરાત સાથે સહયોગ કરવા તત્પર
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલી છઠ્ઠી વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમીટના શાનદાર પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત વૈશ્વિક ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓ અને દેશના નામાંકિત ઉદ્યોગકારોએ ગુજરાતના સર્વાંગી વિકાસના ભરપૂર વખાણ કર્યાં હતાં. મહાનુભાવોના મંતવ્યો દ્વારા જાણી શકાય છે, ગુજરાતની સિદ્ધિના સોપાનો.
અદી ગોદરેજ, પ્રમુખ, સીઆઇઆઇ, ચેરમેન, ગોદરેજ ગ્રુપ આ સમિટની શરૂઆતમાં સીઆઇઆઇના પ્રેસિડેન્ટ અને ગોદરેજ ગ્રુપના ચેરમેન શ્રી અદી ગોદરેજે જણાવ્યું હતું કે, ગુજરાતની નીતિ રોકાણકારો માટે એકદમ અનુકૂળ છે. અહીં સારા રસ્તા, વીજળી, પાણી અને કુશળ કારીગરો અને શ્રમિકો મળી રહે છે. ગુજરાતમાં દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનના ૧૭ ટકા ઉત્પાદન થાય છે. એવી જ રીતે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ પણ લીડ કરે છે. ગુજરાતમાં થયેલું રોકાણ પૂરેપૂરૂ વળતર આપે છે. નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિના કારણે ગુજરાતનો વિકાસ માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે છે. કોન્ફેડેરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝના રિપોર્ટ પણ કહે છે કે, ગુજરાત રાજય ભારતનું સૌથી વધુ મૂડીરોકાણ મેળવનારૂં સ્ટેટ છે. શ્રી ગોદરેજે ઔદ્યોગિક ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન માટે ગુજરાતમાં જે સામર્થ્ય છે તેને બહાર લાવવા અનુરોધ કરી ગુજરાતના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલની પ્રસંશા કરી યુવા આંત્રપ્રિનિયોર વિકાસ ઉપર ભાર મૂકયો હતો.
મિ. તકેશી યાગી, એમ્બેસેડર, એમ્બેસી ઓફ જાપાન ઇન ઇન્ડિયા ૬ઠૃી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પાર્ટનર દેશ જાપાનના ભારત ખાતેની એલચી કચેરીના એમ્બેસેડર મિ. તકેશી યાગીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ અન્ય પ્રદેશોની આંખ ખોલી નાખનારો છે. બી.આર.ટી.એસ. સાબરમતી રીવર ફ્રન્ટ, ત્રિફટ સિટી પ્રોજેકટ અને આસવાન પ્રોજેકટ જેવા અત્યંત મહત્વના પ્રોજેકટસથી ગુજરાતની નોંધપાત્ર પ્રગતિની પ્રતિતિ થાય છે. ગુજરાતની વાયબ્રન્સીની અનુભૂતિ કરવા જાપાનનું આખું બિઝનેસ પ્રતિનિધિ મંડળ આ ઉત્કૃષ્ટ રાજયની મુલાકાતે આવ્યું છે. એડવાન્સ ટેકનોલોજી અને નાણાંકીય સક્ષમતામાં જાપાન ભાગીદારી કરી શકે છે. જાપાન ભારતની ભાગીદારી સમગ્ર વિશ્વને લાભકર્તા થઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, અદભૂત આંતરમાળખાકીય સુવિધાઓને કારણે ગુજરાત વિદેશી સીધા મૂડીરોકાણ માટે સૌથી વધુ યોગ્ય રાજય છે. ૧૦ વર્ષ પહેલાં ગુજરાતમાં જાપાનની ૬ કંપનીઓ કાર્યરત હતી, આજે જાપાનની ૬૦ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે.
મિ.પેટ્રીક બ્રાઉન, મેમ્બર ઓફ પાર્લામેન્ટ કેનેડા કેનેડાના સંસદ સભ્ય મિ.પેટ્રીક બ્રાઉને કહયું હતું કે, ગુજરાત અને કેનેડા વચ્ચે સુમેળભર્યા વેપારી સંબંધો છે. કેનેડામાં પણ અઢળક ગુજરાતીઓ આવીને વસ્યા છે. કેટલાક ગુજરાતીઓ રાજનીતિમાં જોડાયા છે. ગુજરાતીઓ સારા ઉદ્યોગ સાહસિકો છે. એટલે, ગુજરાત રોકાણકારોને આકર્ષે છે. તેમણે કહયું હતું કે, આજે કેનેડા જી૭ દેશોમાં અગ્રીમ બન્યું છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ હવે ભારતે મહત્વની ભૂમિકા અદા કરવાની છે. આવા સંજોગોમાં સારો વિકાસદર ધરાવતા ગુજરાતની અગત્યતા ઘણી વધી જાય છે. કેનેડા ભારતના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, ૫૦૦ કેનેડાની કંપનીઓ ભારતમાં કાર્યરત છે અને વર્ષ ૨૦૧૧માં ૫.૧ બિલિયન ડોલર રોકાણ ૨૨ ટકા વધીને ૬ બિલીયન ડોલરે પહોંચ્યું છે. આ વેપારની વિકાસયાત્રામાં ગુજરાત સાથેની ભાગીદારી નવાં જ પરિણામો લાવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મિ.રોન સોમર્સ પ્રમુખ યુએસઇન્ડિયા બિઝનેશ કાઉન્સિલ ગુજરાત એક એવું રાજય છે, જયાં કોઇ પ્રોજેકટને સરકારની લીલી ઝંડી મળે અને પ્રોજેકટ સાકાર થાય છે. યુ.એસ.ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ રોન સોમર્સે આ વાત પોતાના વકતવ્યમાં કહી હતી. ગુજરાતનો વિકાસ દર ડબલ ડીજી્રટમાં થઇ રહયો છે. ઔદ્યોગિક વિકાસનું કારણ શ્રેષ્ઠ આંતરમાળખાકીય સુવિધા, ઊર્જા, પોર્ટ ડેવલપમેન્ટ જેવા અનેક ક્ષેત્રોનો સુગ્રથિત વિકાસ તો છે જ પરંતુ ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતા પણ તેમાં મહત્વની છે. વિશ્વના કોઇપણ ખૂણે હોય ગુજરાતી લોકો સફળ થાય છે. તેમણે અમેરીકા અને ભારતના વ્યાપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા આ સમિટ પ્રેરક બળ પૂરૂં પાડશે તેમ જણાવ્યું હતું.
શ્રી અનિલ અંબાણી, ચેરમેન, રિલાયન્સ એડીએ લિમિટેડ અનિલ ધીરૂભાઇ અંબાણી લિમિટેડના ચેરમેન શ્રી અનિલ અંબાણીએ ગૌરવભેર કહયું હતું કે, તારીખ રજી ઓકટોબર, ૧૮૬૯એ પોરબંદરમાં મોહનદાસ કરમચંદ ગાંધી રાષ્ટ્રપિતા જન્મ્યા હતા. જેમણે પરિવર્તન જોઇતું હોય તો પોતાનામાં પરિવર્તન આણવાની શીખ આપી. તારીખ ૩૧મી ઓકટોબર ૧૮૭૫ એ નડિયાદમાં સરદાર વલ્લભભાઇ જન્મ્યા હતા. તારીખ ૨૮મી ડિસેમ્બર ૧૯૩૨ એ ચોરવાડમાં ધીરૂભાઇ અંબાણી જન્મ્યા હતા, જેમણે લોકોને શમણા જોતા અને સાકાર કરવાની શીખ આપી, અને તારીખ ૧૭મી સપ્ટેમ્બર, ૧૯૫૦ એ વડનગરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી જન્મ્યા. શ્રી અનિલભાઇ અંબાણીએ જણાવ્યું હતું કે, મહાન, શ્રેષ્ઠ અને ઉજ્જવળ ગુજરાતના વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી પોતાના હૃદય અને મન હંમેશા ખુલ્લાં રાખે છે.
વિકાસ માટે તેઓ તમામના વિચારોને આવકારે અને સ્વીકારે છે. તેમના નેતૃત્વમાં છેલ્લા ૧૦ વર્ષોમાં ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. સતત ત્રીજી વખત ચૂંટાઇ આવીને ચોથીવાર મુખ્યમંત્રી બનવા બદલ તેમને અભિનંદન પાઠવવા તેમણે સભાગૃહમાં ઉપસ્થિત તમામને પોતાના સ્થાને ઊભા થઇને મુખ્યમંત્રીનું બહુમાન કરવાની વિનંતી કરી હતી. સભાગૃહમાં ઉપસ્થિત સહુ કોઇએ તેમની વિનંતીને માન આપીને પોતાના સ્થાને ઊભા થઇને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
અમિતાભ કાંત સીઇઓ દિલ્હીમુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન ગુજરાતે દિલ્હીમુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરનું નેતૃત્વ લીધું છે અને તે ગુજરાતના વિકાસની નવી ક્ષિતિજ ઉઘાડી આપશે તેમ જણાવતા ડીએમઆઇસીસી લિ.ના ચેરમેન શ્રી અમિતાભ કાંતે કહયું કે, દિલ્હીમુંબઇ ઇન્સ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશનનો મોટો હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની સરકારે ત્વરિત નિર્ણયો લઇ એસઆઇઆર એકટ ઘડયો એટલું જ નહીં ધોલેરા જેવા એસઆઇઆરના વિકાસ માટે કમર કસી છે. ગુજરાતે આ કોરીડોરનો મહત્તમ લાભ રાજયના વિકાસ માટે હાંસલ કરવાનું કુશળ આયોજન કર્યું છે.
મિ.ફ્રેડી સ્વેન, રાજદૂત, ડેન્માર્ક ગુજરાતને સ્મોલ બટ સ્માર્ટ તરીકે ગણાવતા ડેન્માર્કના રાજદૂત ફ્રેડી સ્વેને કહયુ હતું કે, ગુજરાતે ગુણવત્તાના આંતરરાષ્ટ્રીય ધોરણો નિર્ધારિત કર્યા છે, જેટલી ગુજરાતની વસતિ છે એટલી જ વસતિ ડેન્માર્કની પણ છે. વળી ટેકનોલોજીના વપરાશમાં પણ ગુજરાત અગ્રેસર છે. તેથી અહીં હરિત ક્રાંતિ સર્જાઇ છે. આ ક્રાંતિમાં ભાગીદારી કરવા માટે ડેન્માર્ક આતુર છે. કૃષિક્ષેત્રે રોકાણ કરવા માટે ભરપૂર તકો ગુજરાતમાં છે. ડેન્માર્ક અને ગુજરાત વચ્ચેના સુમેળભર્યા વેપારી સંબંધો ફાયદાકારક બનશે. કૃષિક્ષેત્રની નવી ટેકનોલોજી ગુજરાતના ખેડૂતોને લાભકર્તા નીવડશે. અહીંયા સપનાં સાકાર થાય છે તે જ બતાવે છે કે અહીં ગુડ ગવર્નન્સ છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આનંદ મહિન્દ્રા, વાઇસ ચેરમેન અને એમ.ડી., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ‘‘ ગુજરાત કી મિટૃી મે કયા જાદુ હૈ પતા નહીં, લેકિન યે જાદુ કે જરિયે ગુજરાતી લોગ બડે આંત્રપ્રિનિયોર હૈ, ઔર બિઝનેસ ફેલ્યોર સે ડરતે નહીં હૈ.’’ આ શબ્દોથી ગુજરાતીઓના વ્યાપાર કૌશલ્યને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર આનંદ મહિન્દ્રાએ બિરદાવ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વેપાર શરૂ કરવો એ માત્ર એક પ્રક્રિયા નથી, આ એક એવું રાજય છે જયાં વેપારની સાથે સોૈહાર્દભર્યા સંબંધોની શરૂઆત થાય છે અને આ સંબંધોથી એક સ્પર્ધાત્મક સ્પિરિટ જાગે છે અને આ સ્પિરિટથી ગુજરાતની વિકાસકૂચ આગળ વધે છે અને રાજય સફળ બને છે. તેમણે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતાને બિરદાવીને જણાવ્યું હતું કે, હવે એ દિવસો આવી રહયા છે જયાં વિકાસ માટે ‘‘ચાઇના મોડેલ ઇન ગુજરાત’’ નહીં પરંતુ ‘‘ગુજરાત મોડેલ ઇન ચાઇના’’ સાકાર થશે.
મિ.લોવેલ પેડોક, જનરલ મોટર્સ જનરલ મોટર્સના મેનેજિંગ ડિરેકટર લોવેલ પેડોકે ગુજરાતમાં ઇન્વેસ્ટર ફ્રેન્ડલી વાતાવરણ હોવાનું જણાવી કહયું હતું કે, વર્ષ ૧૯૯૬માં જનરલ મોટર્સ રૂા.૭૫૦ કરોડના રોકાણ સાથે ગુજરાતમાં આવી હતી, ત્યારે વડોદરાથી અમદાવાદ આવતા ચાર કલાક થતા હતા. આજે માત્ર ૩૦ મિનિટમાં જ પહોંચી જવાય છે. અવિરત મળતો વીજ પુરવઠો, શ્રમિક ચળવળથી મુકત ગુજરાત રોકાણ માટે શ્રેષ્ઠ છે. ગુજરાત ઓટો અને ઓટો કમ્પોનન્ટનું હબ બનવા જઇ રહયું છે.
શ્રી મુકેશ અંબાણી ચેરમેનમેનેજીંગ ડિરેકટર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. ‘રિલાયન્સ એક ગુજરાતી કંપની છે એમ કહેતાં હું ગર્વ અનુભવું છું’. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ ધીરૂભાઇ અંબાણીએ ૬ઠ્ઠી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, મૂડી રોકાણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ગુજરાતથી શરૂ થયેલી વિકાસ પ્રક્રિયામાં અમે ફરીફરીને અહીં આવીએ છીએ. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી વિશાળ દ્રષ્ટિકોણ રાખે છે અને પોતાના ગ્રાન્ડ વિઝનને વાસ્તવિકતામાં બદલી શકવાની સમર્થતા ધરાવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવનારી પેઢી માટે મોબાઇલ બ્રોડબેન્ડ ઇન્ફ્રાસ્ટકચર પૂરું પાડવા પ્રતિબધ્ધ છે.
આ પ્રોજેકટથી સંશોધનો, કૌશલ્ય નિર્માણ, આરોગ્ય અને ઇન્ફર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોને ખૂબ ફાયદો થશે. શ્રી મુકેશભાઇ અંબાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વિશ્વ કક્ષાના શૈક્ષણિક સંકુલોના નિર્માણની વધુ આવશ્યકતા પર ભાર મૂક્યો છે એટલે અમે એ દિશામાં પગલું ભરીને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં રૂા.૧૦૦ કરોડની વિસ્તરણ યોજનાઓ અમલમાં મૂકી હતી. આવનારા પાંચ વર્ષમાં અમે પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના વિકાસવિસ્તરણ માટે રૂા. પ૦૦ કરોડની ફાળવણી કરી છે.
હિદે હિરો યોકૂ પ્રેસિડેન્ટ, જાપાન એકસ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેટ્રો ‘‘ગુજરાતે આજે એવું સ્થાન પ્રા કર્યું છે કે, પ્રત્યેક જાપાની કંપની ગુજરાતમાં રોકાણ કરવા ઇચ્છે છે’’. એકસો સભ્યોના જાપાનીઝ ડેલીગેશન સાથે આવેલા જાપાન એકસ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનજેટ્રોના પ્રેસીડેન્ટ શ્રીયુત હિદે હિરો યોકૂએ ગુજરાતની પ્રગતિને આ શબ્દોમાં વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન અંગેના જાપાન ખાતે યોજાયેલા સેમિનારમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસનો જે ચિતાર આપ્યો હતો તેનાથી જાપાનની કંપનીઓ પ્રભાવિત થઇ હતી. ગુજરાત આજે દેશભરમાં ઓટો પ્રોડકશન કરનારું સૌથી મોટું રાજ્ય બન્યું છે, ત્યારે જેટ્રો સંગઠન જાપાનીઝ કંપનીઓ અને ગુજરાત રાજ્ય વચ્ચે સંબંધ સેતુ સ્થાપવા આગળ આવ્યું છે. જેના ભાગરૂપે જેટ્રોએ અમદાવાદમાં પોતાનું કાર્યાલય શરૂ કર્યું છે. શ્રી હિદે હિરોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની આંતરમાળખાકીય સુવિધાઓ, એનર્જી સરપ્લસ ટ્રેલ અને સ્કીલ મેન પાવરના ક્ષેત્રે ગુજરાતનો વિકાસ અન્ય દેશોને મૂડી રોકાણ માટે આકર્ષે છે.
સુશ્રી ચંદા કોચર સી.ઇ.ઓ. એમ.ડી. આઇસીઆઇસીઆઇ બેંક ગુજરાત કેડી નહીં, ધોરીમાર્ગ કંડારે છે અને એટલે જ આઇસીઆઇસીઆઇ બેંકના સી.ઇ.ઓ. અને એમ.ડી. સુશ્રી ચંદા કોચર જણાવે છે કે ગુજરાત હવે ‘‘ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્ટેટ’’ નહીં પરંતુ વિશ્વનો ‘‘ફાસ્ટેટ ગ્રોઈંગ રીજીયન છે. સુશ્રી કોચરે વાઇબ્રન્ટ સમીટની મહત્તાને દર્શાવતા જણાવ્યું હતું કે, હવે આ સમીટ ઇન્સ્ટિટ્યૂટ બની ગઇ છે. જ્યાં વિકાસ માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળી રહી છે. ગુજરાતમાં ક્રેડિટ ડિપોઝિટ રેશિયો ૧૭૭ ટકા છે જે દેશભરમાં શ્રેષ્ઠ છે, તેનો ઉલ્લેખ કરી તેમણે ખેડૂતોને પાક લોન, પશુપાલન માટે આર્થિક સહયોગ, ઉપરાંત ગરીબ લોકો માટે આરોગ્ય વીમા ક્ષેત્રે નવી પહેલ કરશે, તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં પરવડે તેવું શિક્ષણ, રોજગારી, સ્કીલ ડેવલપમેન્ટ અને તાલીમ ક્ષેત્રે બેંક દ્વારા જ નવા જ પગલાં અમલમાં મૂકાશે, તેવી વાત પણ તેમણે જણાવી હતી.
ડો.જોચી ત્સઉ સી.ઇ.ઓ., ચાયના સ્ટીલ કોર્પોરેશન ચાઇના સ્ટીલ કોર્પોરેશનના ચેરમેન જોચિ ત્સઉએ જણાવ્યું કે, ગુજરાતના વિકાસના ચાર પાયા છે. પ્રોજેક્ટને સિંગલ વિન્ડો એપ્રૂવલ, સતત સપોર્ટ, વિઝનરી લીડરશિપ અને માળખાગત સુવિધાના આધારે ગુજરાતનો વિકાસ છે. અહીં ગુણવત્તાયુક્ત સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવે છે. લાંબાગાળાના વેપારી સંબંધો માટે અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે અહીં ઉત્તમ વાતાવરણ છે.
ર્ડા.રેણુ ખતોર ચાન્સેલર, યુનિવર્સિટી ઓફ હયુસ્ટન ઉત્તર પ્રદેશના એક નાનકડાં ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણીને હયુસ્ટન યુનિવર્સિટીના ચાન્સેલર સુશ્રી રેણુ ખતોરે જણાવ્યુ હતું કે, ‘ભારતીય શિક્ષણ મેળવીને હું આ મુકામે પહોંચી છું, આ ભારતનું ટેલેન્ટ છે’, આમ જણાવી તેમણે ગુજરાતમાં શરૂ થયેલી વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીઝ અને સ્કૂલ્સને મહત્ત્વના જણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું, કે શ્રેષ્ઠ સંસ્થાઓ અને યુનિવર્સિટીઝ હંમેશા શ્રેષ્ઠ સમાજ દ્વારા જ સ્થાપવામાં આવે છે. એનો મતલબ એ થયો કે, ગુજરાતી સમાજે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ સુવિધા સ્થાપીને પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી બતાવી છે. શૈક્ષણિક ક્ષેત્રમાં ઇનોવેશન, એડપ્ટેશન અને ચેઇન્જ મહત્ત્વના છે. આ માટે હ્યુસ્ટન યનિવર્સિટીની મહત્ત્વની ભૂમિકા રહી છે. શ્રેષ્ઠ તજજ્ઞો, શ્રેષ્ઠ સંશોધનો અને તેજસ્વી પ્રતિભાવો ક્યારેય એકલા રહેવાનું પસંદ કરતા નથી. તેઓ તેમની જ કક્ષાના અન્ય લોકોના સહયોગથી આગળ ચાલે છે. અને તેથી જ શિક્ષણથી સમગ્ર સમાજનું ઘડતર થાય છે. અને ગુજરાતે તે દિશામાં ડગ માંડ્યા છે.
શ્રી ગૌતમ અદાણી ચેરમેન, અદાણી ગૃપ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટના શુભારંભ પ્રસંગે બોલતાં અદાણી ગ્રપના ચેરમેન શ્રી ગૌતમભાઇ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપ દ્વારા મુંદ્રામાં ૪૨૦૦ મે.વોટ વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું કોલસા આધારિત પાવર સ્ટેશન વિશ્વમાં સૌ પ્રથમ પાવર સ્ટેશન છે. મુંદ્રા ઉપરાંત હજીરા અને દહેજ ખાતે પણ પોર્ટ ઇન્ફ્રાસ્ટચરનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ઉત્તરાયણે પવનની ગતિ ઉત્તર તરફ થાય તેનો ઉલ્લેખ કરીને શ્રી ગૌતમભાઇ અદાણીએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટથી ગુજરાતની ગતિ ઉપર તરફ થાય છે.
સ્વપ્નદ્રષ્ટ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રેરણાસ્ત્રોત ગણાવીને તેમણે કહ્યું હતું કે, એક વ્યકિતને કારણે રાજ્યની ક્ષમતામાં કેટલો મોટો ફેર પડી શકે છે. તે જોવા જેવું છે. આજે ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૭ ટકા ફાળો ગુજરાત આપી રહ્યું છે. જ્યારે ભારતની કુલ નિકાસમાં ૨પ ટકા ફાળો ગુજરાત આપી રહ્યું છે. શ્રી ગૌતમભાઇ અદાણીએ જણાવ્યું હતું કે, દિલ્હીમુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરમાં હજીરા સુધીની નવી રેલવે લાઇનનો પ્રોજેકટ પણ કાર્યરત થશે. મુંદ્રા ઉપરાંત હજીરા અને દહેજના વિસ્તરણ કામોથી પ૦૦૦ જેટલી રોજગારીની નવી તકોનું નિર્માણ થશે.
કે.વેંકટરામનન સી.ઇ.ઓ. અને એમ.ડી. એલ એન્ડ ટી લાર્સન અને ટુબ્રો ઇન્ડસ્ટ્રીના સી.ઇ.ઓ. અને એમ.ડી. શ્રી કે.વેંકટરામનને પ્રત્યેક વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમીટ નવી જ ક્ષિતિજો ખોલી આપે છે. તેમ જણાવી આ વખતની સમીટને ખાસ મહત્વની ગણાવી હતી. એલ એન્ડ ટી કંપનીની કાર્યશૈલીને વર્ણવતા શ્રી વેંકટરામનને જણાવ્યું હતું કે, એલ એન્ડ ટી એટલે લવ એન્ડ ટ્રસ્ટ. તેમણે મુખ્યમંત્રીશ્રીના કર્મઠ માર્ગદર્શનને કારણે ગુજરાતે જે પ્રગતિ સાધી છે, તેને વર્ણવતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિકાસના પ્રોજેકટ માટે પ્રોજેક્ટ ડાયરેકટર તરીકે પૂરી નિષ્ઠાથી કાર્ય કરે છે. માઇક્રો પ્લાનીંગ કરે છે. એટલે જ સંપૂર્ણ સફળતા મળે છે. મહાત્મા મંદિરના આઇકોનિક સ્ટ્રક્ચરના નિર્માણ માટે એલ એન્ડ ટી ના કર્મચારીએ દિવસરાત કાર્ય કરે છે.
ગુજરાત પાસેથી મળેલી પ્રેરણા જ જવાબદાર છે તેમ તેમણે જણાવ્યું હતું. એલ એન્ડ ટી એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ૭૦૦ કિ.મી.ના રસ્તાનું બાંધકામ કર્યું છે. હજીરામાં ૮ હજાર કરોડનું રોકાણ કર્યું છે. ગુજરાતમાં કંપનીને કામ કરવાની શ્રેષ્ઠ તક મળી છે, તેનો ઉલ્લેખ કરી કાર્ય સંવાદિતાથી ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય બન્યું છે તેમ પણ જણાવ્યું હતું.
શ્રી શશી રૂઇઆ, એસ્સારના ચેરમેન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશના આર્થિક વિકાસના મશાલચી છે તેવી લાગણી વ્યક્ત કરતા એસ્સારના ચેરમેન શ્રી શશી રૂઇઆએ કહયુ કે, ગુજરાતના લોકો અને ગુજરાત સાથે કામ કરવાનો અમને ગર્વ છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં સારી અર્થનીતિ અને સકારાત્મક રાજનીતિનો સમન્વય કર્યો છે. એસ્સાર ગૃપ સ્ટીલ અને રીફાઇનીંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતમાં રૂા.૮૮ હજાર કરોડનું મૂડીરોકાણ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ ગુજરાતના વિકાસ માટે મહત્વની છે. વિઝન, મિશન અને કન્વીકશન તેમાં રહેલા છે. આર્થિક વિકાસ માટે શ્રેષ્ઠ આંતરમાળખાકિય સુવિધા જરૂરી છે. એસ્સાર આ ક્ષેત્રે કામ કરી રહી છે. રૂા.૧૦ હજાર કરોડ હજીરા અને સલાયા પોર્ટના વિકાસ માટે રોકાણ કરાશે. જ્યારે રૂા.૪ હજાર કરોડ બલ્ક વોટર સપ્લાય માટે રોકાણ કરવામાં આવશે, તેમ તેમણે કહયુ હતું.
શ્રી ડો.જ્યોફ્રી લી, ઓસ્ટ્રેલિયાના સાંસદ ઓસ્ટ્રેલિયાના સાંસદ શ્રી ડો.જ્યોફ્રી લીએ જણાવ્યું કે, ગુજરાતની જ્વલંત આર્થિક સફળતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આભારી છે. તેમણે ગુજરાતને બે આંકડાનો વિકાસ દર જાળવીને સહુથી વધુ ઝડપથી વિકસતુ ભારતીય રાજ્ય બનાવ્યું છે. મૈત્રી સંબંધો કેળવવા અને જાળવવાની ગુજરાતીઓની ક્ષમતા અદ્ભૂત છે. ઓસ્ટ્રેલિયામાં અદાણી જુથના મૂડીરોકાણને આવકારું છું. તેમણે ગુજરાતીમાં કેમ છો કહીને તેમના સંબોધનનો પ્રારંભ કર્યો હતો.
સર જેમ્સ બેવન, બ્રિટનના હાઇકમિશનર બ્રિટનના હાઇકમિશનર સર જેમ્સ બેવને કહયું કે, મને લાગે છે કે હું ગુજરાત પુત્ર છું તેવી લાગણી વ્યક્ત કરતા તેમણે કહયુ કે, હું ગુજરાતીઓની નોંધપાત્ર વસતિ ધરાવતા લેસ્ટરમાં જન્મ્યો છું. એટલે મને લાગે છે કે હું ગુજરાત પુત્ર છું. ગુજરાતબ્રિટન સહજ મિત્રો છે. આપણાં વ્યાપારીક સંબંધો પણ ઘણાં મજબૂત છે. ગુજરાત અને બ્રિટનના વ્યાપારિક સંબંધો વધુ વ્યૂહાત્મક બનાવવાની ઉજળી તકો છે. ગુજરાત અને બ્રિટનના સંબંધો વિશ્વાસના પાયા પર ટકેલા છે. ગુજરાત મહાન છે, બ્રિટન મહાન છે, આવો આપણે સહકારનો હાથ મીલાવીએ. શિક્ષણ, પેટ્રોલિયમ, કૃષિ ક્ષેત્રોમાં રોકાણની તકો રહેલી છે.
આર.સી.ભાર્ગવ, અધ્યક્ષ, મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ આર.સી.ભાર્ગવે જણાવ્યું કે, સને ર૦૧૩માં મારૂતિનો ગુજરાત પ્લાન્ટ શરૂ થઇ જશે, અને સને ૨૦૧૫૧૬માં ગુજરાતમાં બનેલી પ્રથમ મારુતિકાર બજારમાં મુકાશે તેવી માહિતી આપતાં શ્રી આર.સી.ભાર્ગવે જણાવ્યું કે, ગુજરાત અંગે જે પ્રસંશા સાંભળી હતી તેના કરતા વાસ્તવિક અનુભવ ઘણો જ સારો રહયો છે. આજે ગુજરાત અમારૂ બીજુ ઘર છે. મારુતિ માટે હરિયાણામાં ક્ષમતા વધારવા અને વિસ્તરણ કરવાની મર્યાદા આવી ગઇ હતી. ઉત્પાદન ખર્ચ ઘટાડીને સ્પર્ધાત્મકતા વધારવાના આશય સાથે ગુજરાતની પસંદગી કરી. ગુજરાત દેશના અન્ય ભાગો કરતાં ઘણુ બહેતર છે. ગુજરાતમાં કાર ઉત્પાદન દ્વારા નિકાસ બજાર અને ડોમેસ્ટીક માર્કેટમાં વર્ચસ્વ વધારવાની ઇચ્છા તેમણે વ્યક્ત કરી. ગુજરાતમાં માળખાગત સુવિધાઓ તુરંત ઊભી કરવામાં આવે છે.
રતન ટાટા, એમીરેટસ, ટાટા સન્સ વિખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાએ કહયું કે, આજે મૂડીરોકાણકારો રોકાણ માટે ગુજરાતને આદર્શ ગણે છે, પૂરતી માળખાકીય સગવડો, ઉત્પાદકતાને પ્રોત્સાહક વાતાવરણ જેવી કસોટીઓમાં ગુજરાત સફળ રહયું છે તેવી લાગણી વ્યક્ત કરતા શ્રી રતન ટાટાએ જણાવ્યંુ કે, વિકાસની બાબત કેવું ભગીરથ કામ થઇ શકે તેનો દાખલો ગુજરાતે બેસાડ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતની પ્રથમ મુલાકાત સમયે મેં કહયું હતું કે, ગુજરાતમાં રોકાણ ન કરે તે મૂર્ખ છે. પછી મને સમજાયું કે ટાટા કેમીકલ્સ સિવાય અમારું તો ગુજરાતમાં ઝાઝુ રોકાણ જ નથી ! એટલે આજે ટાટા સન્સ ગુજરાતમાં રૂા.૩૪ હજાર કરોડનું રોકાણ આયોજન સાકાર કરી રહ્યું છે. ગુજરાતને વાઇબ્રન્ટ અને રોકાણ પ્રોત્સાહક રાજ્ય બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અભિનંદનને પાત્ર છે.
પેટ્રીસિયા હેવીટ, પ્રમુખ, યુ.કેઇન્ડિયા બીઝનેસ કાઉન્સિલ યુ.કેઇન્ડિયા બીઝનેસ કાઉન્સિલના પ્રમુખ પેટ્રીસિયા હેવીટે કહયુ ગુજરાત દેશનું પહેલા નંબરનું વ્યાપાર મિત્ર રાજ્ય છે. વિકાસની બાબતમાં ગુજરાત ચીન કરતા પણ ઝડપી છે. બ્રિટન ટુ ગુજરાત (બી ટુ જી) અને ગુજરાત ટુ બ્રિટન (જી ટી બી) સંબંધો વધે તે ઇચ્છનિય છે. તેમણે ગુજરાતીમાં સંબોધન કરીને, સહુને આશ્ચર્યચકિત કરતાં જણાવ્યું કે હું ઘણાં ગુજરાતીઓને જાણંુ છું. મને ખૂબ ખૂબ આનંદ છે કે આજે હું ગુજરાતમાં છું. મને ગુજરાતમાં ઘણી મઝા આવે છે. તેમણે લોકલાડીલા મુખ્યમંત્રી એવું ગુજરાતીમાં ઉચ્ચારણ કર્યું ત્યારે તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લેવાયા. સુશ્રી હેવિટે ગુજરાતમાં રોકાણ અંગેની તકોનો ખ્યાલ ટૂંકમાં સમજાવ્યો હતો.
સ્ટુઅર્ટ બેક, હાઇ કમિશનર, કેનેડા કેનેડાના હાઇ કમિશનર સ્ટુઅર્ટ બેકે કહ્યું કે, હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સંખ્યાબંધવાર મળ્યો છું. તેઓ માનવ સંપદા ઘડતરની અગત્યતા સમજે છે એ પ્રશંસનિય છે. કેનેડાના વિકાસમાં ગુજરાતીઓ આગવુ યોગદાન આપી રહયા છે. કેનેડા ભારતને પરમાણુ સહકાર આપવા ધારે છે. ગુજરાત સાથે વીજળી, ફૂડ, શિક્ષણ, સલામતી, વ્યૂહાત્મક વેપારી ભાગીદારી થઇ શકે છે. વીજળીના ક્ષેત્રમાં બંણે દેશ વચ્ચે સારી ભાગીદાર થઇ શકે છે.
નોબુહિકો સાસાકી, નાયબ મંત્રી, વિદેશી બાબતો, જાપાન જાપાનના વિદેશી બાબતોના નાયબ મંત્રી જોબુહિકા સાસાકીએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં ભાગ લેવાની આતુરતા મુખ્યમંત્રીશ્રીની જાપાનની મુલાકાતથી જાગી હતી. જાપાન અને ગુજરાત વચ્ચે ઔદ્યોગિક વિકાસ માટે નીતિ સંવાદ (પોલીસી ડાયલોગ) સ્થાપવાનો આ સમય છે. ગુજરાતમાં જાપાનના ૭ પ્રોજેક્ટ ચાલી રહયા છે. આજે વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા ૧૦૦ થી વધુ પ્રતિનિધિઓ આવ્યા છે. દિલ્હીમુંબઇ કોરીડોરમાં જાપાનની કંપનીઓ ૪.૫ બિલિયન ડોલરનું રોકાણ કરશે.
શ્રી અચલકુમાર જોતિ મુખ્ય સચિવશ્રી, ગુજરાત રાજય પૂ.મહાત્મા ગાંધીજીની ધરતી પર ૬ઠૃી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મહાનુભાવોને આવકારતાં ગુજરાત રાજયના મુખ્ય સચિવ શ્રી અચલકુમાર જોતિએ જણાવ્યું હતું કે, આ સમિટમાં વ્યૂહાત્મક ભાગીદારી, સંશોધન નાવિન્ય, જ્ઞાનના આદાનપ્રદાન અને યુવા સશકિતકરણને મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૩માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આજે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. વર્ષ ૨૦૧૧ની સમિટમાં જે લક્ષ્યાંકો રાખ્યા હતા, તે પણ સંપૂર્ણ સાકાર થયા છે એમ કહીને તેમણે તમામ મહાનુભાવોને ઉષ્માભેર આવકાર્યા હતા.
ગાવો સુક્ષુન વાઇસ ગવર્નર - યુનાન પ્રાંત (ચીન) ગુજરાત સાથે ઇકોનોમી, ટ્રેડ અને ટુરીઝમના ક્ષેત્રોમાં સહભાગીદારી સાધવાની ઇચ્છા છે. યુનાન પ્રાંત પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાતમાં જોડાયું છે અને પરસ્પરના વિકાસમાં ગુજરાતની સહભાગીદારી ઝંખે છે. એગ્રીકલ્ચર, કોમોડીટીના ક્ષેત્રમાં ભારત તથા ગુજરાત સાથે મજબૂત વેપારી સંબંધો વિકસી શકે છે.
આદિત્ય પુરી, એમ.ડી., એચ.ડી.એફ.સી. બેન્ક એચ.ડી.એફ.સી. બેન્કના એમ.ડી. આદિત્ય પુરીએ કહયું કે, ગુજરાત વિકાસ દરનું સાતત્ય જાળવીને વિકસી રહયું છે. આવુ વિકાસશીલ ગુજરાત, ભારત અને ઇન્ડિયાને જોડશે. ૧૦૦ ટકા વીજળીકરણ અને અવિરત વીજ પુરવઠો, અદ્યતન માર્ગ સુવિધાઓ અને અભૂતપૂર્વ કૃષિ વિકાસ ગુજરાતને મૂડીરોકાણ માટે આદર્શ બનાવે છે. એચ.ડી.એફ.સી. બેન્ક ગુજરાતના વધુ વિકાસમાં સહભાગીદાર છે. બે વર્ષમાં ૨૫૦ નવી બ્રાંચ ખોલવામાં આવશે. પ્રતિ ૮ કિલોમીટરે બેંક સુવિધા મળી શકશે.
ગુજરાતમાં કેશ ક્રેડીટ રેશિયો ૧૦૫ ટકા છે. કોન્સ્ટનટીન માર્કેલોવ અસ્ટ્રાખાન રીજીયનના વાઇસ ગવર્નર વાઇબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૩માં બ્રાંડ ગુજરાતની સફળતા નિહાળવા રશિયન રીજીયન અસ્ટ્રાખાનનું સહુથી મોટુ પ્રતિનિધિ મંડળ આવ્યું છે. તેવી માહિતી આપતા શ્રી કોન્સ્ટનટીન માર્કેલોવએ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત વિધાનસભાની જેમ જ, લોકસભાની આગામી ચૂંટણીઓમાં ભવ્ય સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવી, ત્યારે તેમને પ્રચંડ તાળીનાદોથી વધાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહયું હતું કે, અસ્ટ્રાખાન ગુજરાત સાથે વ્યૂહાત્મક સહભાગીદારી કેળવવા આતુર છે. વાઇબ્રન્ટ ગુજરાતના મંચ પરથી અમારા અસ્ટ્રાખાનને ભારતના અન્ય રાજ્યો અને વિશ્વના દેશોમાંથી સહભાગીદારો મળશે.
શ્રી હરિ ભારતીય કોચેરર્સન, જ્યુબિલી લાઇફ સાયન્સ લિ. ભરૂચમાં સેઝ સ્થાપનાર જ્યુબીલી લાઇફ સાયન્સ લિ.ના કોચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી હરી ભારતીયએ ગુજરાતમાં થયેલા વિકાસ પાછળ ૬ કરોડ ગુજરાતી અને નરેન્દ્રભાઇના તપ, આગ અને પ્યાર જોડાયેલી હોવાનું કહ્યું હતું અને જણાવ્યું કે, ગુજરાતમાં કૃષિ, ઓઇલ, ગેસ ક્ષેત્રમાં રોકાણની ઉત્તમ તક છે. ભરૂમાં સેઝમાં ૭પ૦૦ લોકોને રોજગારી મળી છે. સેઝમાં ૨૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. હજુ પણ ૧૩૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે.