મારા પ્રિય વારાણસી વાસીઓ,
પ્રાચિન નગરી વારાણસી હજારો વર્ષોથી જ્ઞાન, શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રતિક રહી છે. આ શિવની નગરી છે. શિવ કે જે વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચેના સમન્વય સેતુ છે. શિવ કે જેઓ સંસારને બુરાઇઓથી બચાવવા માટે સ્વયં ઝેર પીને નીકલંઠ તરીકે ઓળખાય છે. આજે સમગ્ર દેશની નજર વારાણસી ઉપર કેન્દ્રિત થઇ છે તો તેનું કારણ વારાણસીનું આ જ શિવ સ્વરૂપ છે કે જેઓ વિષ પી પણ શકે છે અને દેશને નિરાશાની ગર્તમાં ધકેલતા લોકોથી મુક્ત કરવા માટે ડમરૂ પણ વગાડી શકે છે.
એવું મનાય છે કે આ વારાણસીમાં ગંગા માતાનું સૌંદર્ય અને મહત્વ તેના ઉચ્ચતમ સ્તરને પ્રાપ્ત કરી લે છે અને ગંગાના દર્શન માત્ર જ મુક્તિનું માધ્યમ બની જાય છે. જોકે, આજે આ મોક્ષદાયિની ગંગા સ્વયં પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. હજારો કરોડ વ્યય કરવા છતાં પણ ગંગાની સ્થિતિમાં કોઇ બદલાવ આવ્યો નથી. ગંગા વારાણસીનું ગૌરવ છે અને અહીંના રહેવાસીઓની આન છે. ગંગાને તેનું ગૌરવ પાછું અપાવવા માટે વ્યાપક પ્રયાસની આવશ્યકતા છે.
વારાણસી ગંગા-જમુના સંસ્કૃતિનું પણ સૌથી મોટું કેન્દ્ર છે. હિંદુ ધર્મમાં તો આ સૌથી પવિત્ર શહેર તરીકે ઓળખાય છે અન તેની સાથે-સાથે જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ તેનું ખુબજ મહત્વ છે. ગૌતમ બુદ્ધે પોતાનું પ્રથમ પ્રવચન સારનાથમાં આપ્યું હતું. ભારત રત્ન બિસમિલ્લા ખાનની શહેનાઇની ગુંજ પણ હિંદુ-મુસ્લિમ એકતાની ઓળખ અહીંથી જ આપતી રહી છે. આના પરિણામે આજે વારાણસી આધ્યાત્મિક જ્ઞાનનું દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર છે.
નવી દિલ્હી દેશની રાજધાની છે. મુંબઇને નાણાકીય શહેર કહેવામાં આવે છે. આ યાદીમાં હું ઇચ્છું છું કે વારાણસી ભારતની બૌદ્ધિક રાજધાની બને. હું અને મારો પક્ષ આ દિશમાં ભરપૂર પ્રયાસો કરીશું. અમે કાશીને એવો શહેરના રૂપે વિકાસ કરીશું કે જે ભારતની સાંસ્કૃતિક અને બૌદ્ધિત ગતિવિધિઓનું કેન્દ્ર હોય અને જ્યાં જ્ઞાનનો નિરંતર પ્રવાહ હોય.
અહીં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ જેવા વિશ્વસ્તરીય શિક્ષા સંસ્થાન છે, જેમની સાચવણી અને સતત વિકાસની જરૂર છે. આ સંસ્થાન માત્ર બનારસની જ ઓળખ નથી, પરંતુ ભોજપુરી ક્ષેત્રો સહિત સમગ્ર પૂર્વાંચલમાં જ્ઞાનની જ્યોત ચાલુ રાખવા માટે પણ આવશ્યક છે.
બનારસ પર્યટનનું મોટું કેન્દ્ર છે અને સાથે જ પોતાના હસ્ત-શિલ્પ અને કારીગરી માટે વિશ્વ વિખ્યાત છે. આમ છતાં પણ અહીંના યુવાનોને રોજગારી મળતી નથી. એક સમય હતો કે જ્યારે સમગ્ર દેશમાં બનારસી પાન અને બનારસી સાડીનું વર્ચસ્વ હતું અને જેનાથી હજારો લોકોને રોજગાર મળતો હતો, પરંતુ આજે આ બંન્ને પોતાના અસ્તિત્વ માટે લડાઇ લડી રહ્યાં છે. આટલા વર્ષોમાં આપણે બનારસ માટે કોઇ નવી બ્રાન્ડ તૈયાર કરી શક્યા નથી અને જુની બ્રાન્ડની ચમક ગુમાવી રહ્યાં છીએ.
આપણે વારાણસીની સમૃદ્ધ વિરાસતનો પુનરોદ્ધાર કરીએ તેની આવશ્યકતા છે. અહીંના કુટિર ઉદ્યોગો અને હસ્ત-શિલ્પના વ્યવસાયને પુનર્જીવિત કરીએ. અહીં રોજગારનું સર્જન કરીએ. આમ કરીને આપણે હજારો લોકોને તેમના ઘર પાસે રોજગાર ઉપલ્બધ કરાવવાની સાથે-સાથે વારાણસી માટે તેનું જુનુ ગૌરવ પણ પાછું લાવી શકીશું.
જોકે, આ તમામ બાબતો સારી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વિના હાંસલ કરી શકાશે નહીં. આજે બનારસ માર્ગ, દબાણ, જામ અને વિજળી-પાણી જેવી સમસ્યાઓથી ત્રસ્ત છે. આ સમસ્યાઓનું મોટું કારણ કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપેક્ષા છે. સરકારી વિભાગોમાં ઠેકેદારી તેમજ માફિયાઓની દખલ પણ એક કારણ છે. હું તમને ખાતરી આપું છું કે દિલ્હીથી લઇને બનારસ સુધી જનતાના ધનની લુંટ કરતા માફિયાઓના વર્ચસ્વને સંપૂર્ણ પણે નાબૂદ કરવામાં આવશે.
16મી લોકસભા માટે મતદાનની નિર્ણાયક ઘડીઓ આવી ગઇ છે. તમને યાદ હશે કે 20મી સદીના અંતિમ વર્ષોમાં દુનિયાભરના વિચારકો અને ચિંતકોએ જાહેરાત કરી હતી કે 21મી સદી ભારતની રહેશે. અને સદીના શરૂઆતના વર્ષોમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં આ ભવિષ્યવાણી હકીકત બનતી જોવા મળી રહી હતી. દુનિયા ભારત તરફ અપેક્ષાની નજરેથી જૂએ છે. દેશના યુવાનોમાં ગજબનો ઉત્સાહ હતો અને દરેક પરિવારો પાસે પોતાના બાળકોની સફળતાની વાતો હતી. જોકે, યુપીએના દસ વર્ષના કુશાસનને કારણે દેશ આગળ વધવાની જગ્યાએ પાછળ ધકેલાઇ ગયો અને આગળ વધી રહેલા ભારતની વાર્તાને અડધે જ છોડી દીધી.
મિત્રો આજે સમય આવી ગયો છે કે આપણે આ સ્થિતિમાં બદલાવ લાવીએ. કહેવાય છે કે દેશની રાજનીતિનું પ્રતિબિંબ વારાણસીમાં જોવા મળે છે. તો આપણે અહીંથી જ શરૂઆત કરીએ.
વારાણસી જ એવી જગ્યા છે કે જ્યાં ગંગા ઉત્તર વાહિની છે. શક્તિશાળી ગંગાની ધારા પણ અહીં પહોંચીને પોતાની દિશા બદલી દે છે. આથી જ તમારા શહેરથી જ મોટા પરિવર્તનની શરૂઆત થશે. દેશ ફરીથી સુશાસનના માર્ગે આગળ વધશે અને વારાણસીમાંથી નીકળેલો આ સંદેશ સમગ્ર દેશમાં નવી ભાવના જન્માવશે.
આ વિશ્વાસ સાથે.
કાલ હર ! કષ્ટ હર ! દુખ હર ! દરિદ્ર હર ! હર હર મહાદેવ ! ॐ નમઃશિવાય. જય જય બાબા વિશ્વનાથ જી કી.
આપનો નરેન્દ્ર મોદી