સહાયક સચિવ કાર્યક્રમનાં સમાપન સત્રમાં આજે નવી દિલ્હીમાં વર્ષ 2016ની બેચનાં આઈએએસ અધિકારીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું.
અધિકારીઓએ વિવિધ વિષયો પર પસંદ કરેલા પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતાં. આ પ્રેઝન્ટેશન ખેતીવાડીમાંથી આવક વધારવા, સોઇલ હેલ્થ કાર્ડ, ફરિયાદ નિવારણ, નાગરિક કેન્દ્રિત સેવાઓ, વીજ ક્ષેત્રમાં સુધારો, પર્યટક સહાયતા, ઈ-હરાજી તથા સ્માર્ટ શહેરી વિકાસ જેવા વિષયો પર હતાં.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, સહાયક સચિવોનાં કાર્યક્રમ જૂનિયર અને સીનિયર (કનિષ્ઠ અને વરિષ્ઠ) અધિકારીઓને એકબીજાને મળવાની અને વિવિધ મુદ્દે વાતચીત કરવાની તક પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ સહાયક સચિવોને ભવિષ્યમાં વિવિધ મંત્રાલયોમાં કામગીરી દરમિયાન પોતાનાં અનુભવોમાંથી પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ બોધપાઠ ગ્રહણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. તેમણે યુવાન અધિકારીઓને કહ્યું હતું કે, તેઓ સરકાર પાસેથી લોકોની અપેક્ષાઓ શું છે એ ધ્યાનમાં રાખે છે.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને એમની સાથે કામ કરનાર અને પોતાની ફરજ દરમિયાન મળેલા લોકો સાથે સંપર્ક વિકસિત કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે અધિકારીઓને જણાવ્યું હતું કે, કાર્યો અને ઉદ્દેશોમાં સફળ થવા માટે લોકોની સાથે નજીકનાં સંબંધ વિકસાવવા મહત્ત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રીએ યુવાન અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનની પ્રશંસા કરી હતી.