પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ વર્ષ 2015ની આઇએએસ અધિકારીઓની સહાય સચિવોએ સમાપન સમારંભના ભાગરૂપે પ્રેઝન્ટેશન કર્યું હતું.
શાસન પર વિવિધ થીમ પર 8 પસંદગીના પ્રેઝન્ટેશન ઓફિસર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ થીમમાં અકસ્માતમાં પીડિતો માટે ઝડપી પ્રતિસાદ, વ્યક્તિગત કાર્બન ઉત્સર્જન પર નજર રાખવી, નાણાકીય સર્વસમાવેશકતા, ગ્રામીણ આવકમાં વધારો, ડેટા-સંચાલિત ગ્રામીણ સમૃદ્ધિ, સાંસ્કૃતિક પ્રવાસન, રેલવે સલામતી અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સામેલ હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જૂનિયર-મોસ્ટ અને સીનિયર-મોસ્ટ અધિકારીઓ એકબીજા સાથે કમ્યુનિકેશન કરવામાં આટલો સમય પસાર કરે એ ખરેખર મહત્વપૂર્ણ બાબત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યુવાન અધિકારીઓએ આ અનુભવોમાંથી સકારાત્મક બાબતો ગ્રહણ કરવી જોઈએ. પ્રધાનમંત્રીએ યુવાન અધિકારીઓને જીએસટીના અમલ અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન, ખાસ કરીને ભીમ એપ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું.
તેમણે તમામ અધિકારીઓને તેમના સંબંધિત વિભાગોમાં ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ)ની સ્વીકાર્યતાને ઝડપી બનાવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેનાથી વચેટિયા દૂર થશે અને તેના પરિણામે સરકારને બચત થશે.
ઓડીએફ લક્ષ્યાંકો અને ગ્રામીણ વીજળીકરણના ઉદાહરણો ટાંકીને પ્રધાનમંત્રીએ અધિકારીઓને 100 ટકા લક્ષ્યાંકો હાંસલ કરવા માટેની અપીલ કરી હતી. તેમણે અધિકારીઓને વર્ષ 2022 સુધીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના સ્વપ્નના ભારતનું નિર્માણ કરવા કામ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવેલા અધિકારીઓએ યુવાન વિદ્યાર્થીઓને મળવું જોઈએ અને તેમને પ્રેરિત કરવા જોઈએ. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, કમ્યુનિકેશનથી કરુણા જન્મે છે.
તેમણે જણાવ્યું હતું કે, અત્યારે અધિકારીઓનો મુખ્ય ઉદ્દેશ દેશ અને તેના નાગરિકોનું કલ્યાણ છે. તેમણે અધિકારીઓને ટીમની ભાવના સાથે કામ કરવા અને જ્યાં પણ જાય ત્યાં ટીમ બનાવવા કહ્યું હતું.