આજે યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF)નાં સભ્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 7, લોક કલ્યાણ માર્ગ પર મળ્યાં હતાં. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ USISPFનાંઅધ્યક્ષ શ્રી જ્હોન ચેમ્બર્સે કર્યું હતું.
આ બેઠકમાં પ્રધાનમંત્રીએ ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ પ્રતિનિધિમંડળની પ્રશંસા કરી હતી. તેમણે દેશમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં પરિવર્તનનો ઉલ્લેખ પણ કર્યો હતો તેમજ ભારતનાં યુવાનોની જોખમ ખેડવાની ઉદ્યોગસાહસિક ક્ષમતા વિશે પણ જાણકારી આપી હતી. તેમણે અટલ ટિન્કરિંગ લેબ્સ સહિત સરકારે લીધેલા વિવિધ પગલાની રૂપરેખા પણ પ્રસ્તુત કરી હતી તથા ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંભવિત ઇનોવેશન્સને પ્રોત્સાહન આપવા અને સમસ્યાનું સમાધાન કરવા આયોજિત થઇ રહેલા હેકેથોન્સની માહિતી પણ આપી હતી.
પ્રધાનમંત્રીએ વેપારવાણિજ્ય સરળ કરવાની સુનિશ્ચિતતા માટે કૉર્પોરેટ વેરો ઘટાડવા અને શ્રમ સુધારા જેવા પગલાં વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ત્રણ ‘D’માંભારતની અનન્ય ક્ષમતા છે – democracy (લોકશાહી), demography (વસતિ) અને ‘દિમાગ’.
પ્રતિનિધિમંડળે દેશ માટે પ્રધાનમંત્રીનાં વિઝનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, ભારતનાં આગામી પાંચ વર્ષ દુનિયાનાં આગામી 25 વર્ષની દિશા નક્કી કરશે.
USISPF વિશે:
યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) બિન-નફાકારક સંસ્થા છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભારત-અમેરિકા વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો તથા આર્થિક વૃદ્ધિ, ઉદ્યોગસાહસિકતા, રોજગારીનું સર્જન અને ઇનોવેશનનાં ક્ષેત્રોમાં નીતિગત હિમાયત મારફતે વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાનો છે.