વર્ષ 2013-14નું યુપીએ સરકારનું બજેટઃ લોકોની અપેક્ષાઓ પર પાણી ફેરવતું, નિરાશાજનક અને જનહિત પ્રત્યે ઉદાસીન બજેટ
વર્ષ 2013-14ના યુપીએ સરકારના બજેટથી ફરી એકવાર સ્પષ્ટ થઇ ગયું છે કે કેન્દ્ર સરકારનું ભારતના લોકો સાથે કોઇ જોડાણ રહ્યું નથી. આ બજેટ દ્વારા યુપીએ સરકારે દેશના હિતોના ભોગે 'લોકપ્રિય' બનવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ પ્રયાસમાં સરકાર નિષ્ફળ નિવડી છે કારણકે તેને ખ્યાલ જ નથી કે લોકોને શું જોઇએ છે. વળી, દેશનો વિકાસદર વધે તે માટેના પગલાંઓનો અભાવ આ બજેટમાં જોવા મળે છે. 12મી પંચવર્ષિય યોજના અને આ બજેટ વચ્ચે કોઇ સમન્વય નથી. નાણાકીય ખાદ્ય 5.9 ટકાએ પહોંચી છે અને હજી આ આંકડો પ્રતિવર્ષ ઊંચો જઇ રહ્યો છે ત્યારે ખાદ્ય ઘટાડવા માટે સરકારની કોઇ પ્રતિબદ્ધતા દેખાતી નથી. દેશની સમસ્યાઓ દૂર કરવા અંગે જે વાયદાઓ સરકારે ગત બજેટમાં કર્યાં હતાં તેને પૂરા કરવા માટેની પણ કોઇ દિશા આ બજેટમાં જણાતી નથી. ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે ત્યારે યુવાનોમાં કૌશલ્ય વિકાસ અને રોજગારીના સર્જન માટેની દિશાનો પણ અભાવ આ બજેટમાં જોવા મળે છે. યુપીએની વર્તમાન સરકારનું આ છેલ્લું બજેટ હોવા છતાં પણ દેશ માટે કંઇક સારું કામ કરી બતાવવાનો અવસર સરકારે ગુમાવી દીધો છે. દેશની સમસ્યાઓના નિવારણ માટે યુપીએના બજેટમાં સ્પષ્ટ નીતિઓનો અભાવ. વોટબેંકની લાલચમાં યુપીએ સરકારે એક ઢીલુંઢાલું બજેટ આપ્યું છે. લોકપ્રિય બની રહેવાની ચિંતામાં સરકારે દેશના મુખ્ય આર્થિક પ્રશ્નોની ઉપેક્ષા કરી છે. આગામી ચુંટણીઓ પહેલાનો સમય યુપીએ સલામત રીતે પસાર કરી લેવા માગતી હોય તેવું આ બજેટ જોતાં જણાઇ આવે છે. બજેટમાં યુપીએ સરકારની આ હતાશા દેખાઇ આવે છે અને એટલે જ આ બજેટે દેશના મોટાભાગના લોકોને નિરાશ કર્યાં છે.આજે આપણો દેશ મૂશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. આપણા અર્થતંત્રનું રેટિંગ ઘટવાનું જોખમ છે. આ ઉપરાંત રોજગારી અને વિકાસનો દર ઘટવાનું, તાલીમબદ્ધ કામદારોની અછત સર્જાવાનું, ચાલુ ખાતાની ખાદ્ય અને રાજકોષીય ખાદ્યમાં વૃદ્ધિ, નવા પ્રોજેક્ટ અને આંતરમાળખાકીય સેવાઓમાં થતાં મૂડીરોકાણ ઘટવાનું જોખમ પણ રહેલું છે. આ સમસ્યાઓના નિવારણ માટે શું યુપીએના બજેટમાં કોઇ જોગવાઇ છે? એક બાજુ જ્યારે નાણાપ્રધાન ભારતના અર્થતંત્રનું કદ વર્ષ 2025 સુધીમાં 5 ટ્રિલિયન યુએસ ડોલરે પહોંચશે તેવો દાવો કરે છે ત્યારે આ આંકડાની થોડી નજીક પણ પહોંચી શકાય તેવી શક્યતા દેખાતી નથી.
સાતત્યપૂર્ણ વિકાસ માટે આંતરમાળખાકીય સેવાઓમાં વધારો થાય તે અત્યંત જરૂરી છે. આંતરમાળખાકીય સેવાઓના વિકાસ માટે રૂ. 55 લાખ કરોડની જરૂર સામે સરકારે ટેક્સ ફ્રી બોન્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટ બોન્ડ્સ દ્વારા માત્ર રૂ. 55,000 કરોડ જેટલી રકમ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે, જેની પાછળ સરકારની નીતિપંગુતા અને પ્રોજેક્ટને મંજૂરી આપવામાં વિલંબભરી નીતિ કારણભૂત છે. તાલીમબદ્ધ કામદારોની અછતની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવામાં પણ આ બજેટ નિષ્ફળ રહ્યું છે. થોડાં સમય પહેલાં અમેરિકન પ્રમુખ ઓબામાએ પણ અમેરિકાને આ સમસ્યા સતાવી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. એક બાજુ ભારતની વિશાળ વસતી અને યુવાધનનો વિનયોગ દેશના વિકાસ માટે કરવાની વાત ચાલી રહી છે, પ્રધાનમંત્રીશ્રી પણ આ અંગે એનડીસીની બેઠકોમાં ચર્ચા કરતાં હોય છે, છતાંય આ હેતુ માટે માત્ર રૂ. 1000 કરોડ ફાળવીને આ બજેટમાં શબ્દોની માયાજાળ રચવામાં આવી છે. ગુજરાત સાથે સરખામણી કરીએ તો આ બાબત સ્પષ્ટ સમજાઇ જશે, કારણકે ગુજરાતે કૌશલ્ય વિકાસ માટે રૂ. 800 કરોડથી વધુની માતબર રકમની ફાળવણી કરી છે.
વર્તમાન સરકારનો કાર્યકાળ પૂર્ણ થવાને આરે છે ત્યારે હવે રહી-રહીને સરકારને લાગે છે કે 'ખાદ્ય ફુગાવો ચિંતાજનક છે' અને છતાં હજૂ પણ આ ફુગાવાને નાથવા માટેનો કોઇ વ્યૂહ કે દિશા જણાતી નથી. જેના પરિણામે 'આમ આદમી'ને અનાજની અછત સહન કરવાનો વારો આવશે. વધુમાં, દેશનું કુલ બાકી દેવું જીડીપીના 40 ટકા જેટલું છે, જેને ઘટાડવા માટે આ બજેટમાં કોઇ પગલાં લેવામાં આવ્યાં હોય તેમ દેખાતું નથી. આ ઉપરાંત ખર્ચમાં કાપ મૂકવાના કોઇ પગલા પણ જાહેર કરવામાં આવ્યાં નથી. રાજકોષીય ખાદ્યને ચાલુ વર્ષમાં 5.2 ટકાએથી ઘટાડવાનો અને વર્ષ 2013-14માં 4.5 ટકા સુધી લઇ જવાનો ઉલ્લેખ બજેટમાં કરવામાં આવ્યો છે છતાંય તે માટે વેરાની આવકમાં વધારો કરવાના અને અસરકારક રીતે વેરાની વસૂલી માટેના કોઇ સ્પષ્ટ પગલાંઓ સૂચવવામાં આવ્યાં નથી. આથી વિકાસ માટેની રકમ ઉપર કાપ મૂકવાનો વારો આવશે. પરિણામે મૂડીરોકણ અને રોજગારીના સર્જન પર વિપરિત અસરો પડશે. વળી, આના લીધે કેન્દ્ર સરકાર રાજ્યોને ફાળવવામાં આવતા ભંડોળમાં મનસ્વી રીતે કાપ મૂકે તેવી પણ સંભાવના છે.
વિશ્વની સૌપ્રથમ જાહેરક્ષેત્રની મહિલા બેન્ક સ્થપવાની જાહેરાત પણ એક મજાક માત્ર છે. ગુજરાતમાં તો ઘણા લાંબા સમયથી મહિલાઓ માટેની સહકારી બેન્કો અસ્તિત્વમાં છે. કમનસીબે યુપીએ સરકાર તેમની પર આવકવેરો નાખે છે, જે તેમના માટે અત્યંત બોજારૂપ બને છે. આ બજેટમાં અત્યંત અગત્યના એવા આરોગ્યક્ષેત્ર અંગે પણ કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ ઉપરાંત વેરાની વસૂલાત જેવી અન્ય સમસ્યાઓ પણ છે. પરોક્ષ વેરાઓમાં સુધારણા અંગે રાજ્યો વચ્ચે એકમત સધાય તે માટે રાજ્યો લાંબા સમયથી કેન્દ્રને રજૂઆત કરી રહ્યાં છે. સીએસટીના અમલીકરણથી થતાં નુકશાનને ભરપાઇ કરવા માટે રૂ. 9000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જોકે, માત્ર ગુજરાતના જ બાકી લેણાં રૂ. 3800 કરોડ જેટલાં થવા પામે છે. આ જોગવાઇ માત્ર ટોકન જેવી અને સાવ અપુરતી છે. આનાથી જીએસટીના અમલીકરણ સામે અવરોધ સર્જાશે.
વધુમાં, ગરીબો અને મધ્યમવર્ગના લોકો માટે આવાસની અછતની સમસ્યાના નિવારણ માટે પણ આ બજેટમાં કંઇ ખાસ કરવામાં આવ્યું નથી. શહેરી અને ગ્રામ્ય આવાસ માટે રૂ. 8000 કરોડની ફાળવણી અપુરતી છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના - 2ની જાહેરાત પણ આન્ધ્ર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન જેવાં મોટાભાગના કોંગ્રેસ શાસિત રાજ્યો માટે કરવામાં આવી છે. આ યોજના કોઇને રાજકીય રીતે પક્ષપાતી લાગે તો નવાઇ નથી.
અંતે, હું એટલું જ કહીશ કે વર્ષ 2013-14નું યુપીએનું બજેટ અત્યંત નિરાશાજનક છે. આર્થિક વિકાસને વેગ આપવા, ફુગાવાને અંકુશમાં લાવવા, મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા, કૌશલ્ય અને રોજગારીનું સર્જન કરવા તથા આંતરમાળખાકીય સેવાઓના નિર્માણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને યોગ્ય ન્યાય આપવામાં આ બજેટ સદંતર નિષ્ફળ નિવડ્યું છે. ટુંકમાં, સામાન્ય માણસ હજીપણ ભાવ વધારાના બોજ હેઠળ દબાતો રહેશે, યુવાનોમાં રોજગારીનો પ્રશ્ન યથાવત્ રહેશે અને મૂડીરોકાણકારો આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં અટવાયા કરશે. નવાં પ્રોજેક્ટ અને નાણાની જોગવાઇ કાગળ ઉપર તો કરી દેવામાં આવી છે, પરંતુ યુપીએનો નબળો વહીવટ અને ભ્રષ્ટાચારોની ભરમાર જોતાં આ પ્રોજેક્ટ્સ સાકાર થશે કે નહીં અને આ નાણા યોગ્ય રીતે વપરાશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ ઉભો થાય છે. આમ આ બજેટમાં દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટેના વિઝન અને વ્યૂહનો અભાવ જોવા મળે છે. જોકે, એમ કહી શકાય કે પ્રજાથી વિમુખ અને હતાશ એવી યુપીએ સરકાર આ દેશને ફરી એકવાર નિરાશ કરવામાં સફળ રહી છે.
નરેન્દ્ર મોદી