પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ સહિત દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાયા હતા.
ઉત્ત પ્રદેશના ગોરખપુરના શ્રી લક્ષ્મી પ્રજાપતિ, જેમનો પરિવાર ટેરાકોટા રેશમના વ્યવસાય સાથે સંકળાયેલો છે, તેમણે પ્રધાનમંત્રીને લક્ષ્મી સ્વ-સહાય જૂથની રચના કરવા વિશે માહિતી આપી હતી, જેમાં આશરે રૂ. 1 કરોડની સામૂહિક વાર્ષિક આવક ધરાવતા 12 સભ્યો અને આશરે 75 સહયોગીઓનો સમાવેશ થાય છે. એક જિલ્લા એક ઉત્પાદનની પહેલનો લાભ લેવા અંગે પ્રધાનમંત્રીશ્રીની પૂછપરછમાં શ્રી પ્રજાપતિએ આ યોજના પ્રત્યેની તેમની દીર્ઘદ્રષ્ટિ બદલ રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો અને માહિતી આપી હતી કે, દરેક કારીગરને કોઈપણ જાતના ખર્ચ વગર માટીનું ઉત્પાદન કરવા માટે ટૂલકિટ, પાવર અને મશીનો પ્રાપ્ત થાય છે, જ્યારે તેમને રાષ્ટ્રીય સ્તરે આયોજિત વિવિધ પ્રદર્શનોમાં ભાગ લેવાની તક પણ મળે છે.
વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે અગાઉની સરકારોની તુલના કરતા શ્રી પ્રજાપતિએ શૌચાલયોના લાભો, પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ, ઓડીઓપીનો ઉલ્લેખ કર્યો હતો અને અખબારોમાં જાહેરખબરો અને ઓન-ગ્રાઉન્ડ સરકારી અધિકારીઓ મારફતે આ પ્રકારની યોજનાઓ અંગે ઊભી થયેલી જાગૃતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. શ્રી પ્રજાપતિએ માહિતી આપી હતી કે, માત્ર મોદી કી ગેરંટી વાહન જ ગામની મુલાકાત લે છે ત્યારે લોકોનો ભારે ધસારો જોવા મળે છે તેવું નથી, પરંતુ આ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન પણ મોટી સંખ્યામાં જનમેદની ખેંચનાર બની જાય છે.
તેમણે માહિતી આપી હતી કે તેમની ટેરાકોટા સિલ્કની બનાવટો બેંગલુરુ, હૈદરાબાદ, લખનઉ, દિલ્હી સહિત દરેક મહાનગરોમાં તેમજ મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ વગેરે રાજ્યોમાં વેચાય છે.
પ્રધાનમંત્રી મોદીએ પીએમ વિશ્વકર્મા યોજના પાછળનો વિચાર સમજાવતા કહ્યું કે, આ એક જીવન પરિવર્તનકારી યોજના છે, જે તમામ કલાકારો અને કારીગરોને આધુનિક સાધનો અને ટેકનોલોજી પ્રદાન કરે છે, જે પોતાના હાથે કામ કરે છે. તેમણે શ્રી પ્રજાપતિને તેમનાં વિસ્તારમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે જાગૃતિ ફેલાવવા પણ અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ વોકલ ફોર લોકલ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની પહેલો પર સરકારના ભાર પર ભાર મૂક્યો હતો અને આ યોજનાઓને સફળ બનાવવામાં લોકોની ભાગીદારી અને સામેલગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો.