ઉત્તરપ્રદેશ-ઝાંસીમાં ભાજપાની વિરાટ રેલી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક સંબોધન
ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ પડકાર કરેલો "મેરી ઝાંસી નહીં દુંગી"
ભારતની જનતા કોંગ્રેસને લલકાર કરે છે "બેઇમાનો કો દેશ નહીં દેંગે"
કોંગ્રેસના શહેજાદાને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો પડકારઃ
મુજફરનગરના નૌજવાનો આઇ.એસ.આઇ.ના સંપર્કમાં છે
તેના નામ આપો નહીતર દેશની જાહેર માફી માંગો
ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરપ્રદેશની વીરભૂમિ ઝાંસીમાં ભારતીય જનતા પાર્ટી આયોજીત વિરાટ રેલીને સંબોધતાં દેશની સુરક્ષાના હિતો સામે ચેડાં કરવા માટે આઇ.એસ.આઇ.ના નામે રાહુલ ગાંધીએ જે પ્રશ્નો ખડા કર્યા છે તેની સામે ગંભીર પ્રહારો કર્યા હતા.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની જનતાને કોંગ્રેસનો દેશમાંથી સફાયો કરવાનું સુત્ર આપતાં જણાવ્યું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ અંગ્રેજોને પડકાર કરેલો કે "નહીં દુંગી, નહીં દુંગી, મેરી ઝાંસી નહીં દુંગી" આજે દેશની જનતામાં એવો જ લોકજુવાળ જાગી ઉઠયો છે કે "નહીં દેંગે, નહીં દેંગે, બેઇમાનો કો ભારત નહીં દેંગે," આ લલકાર દેશમાંથી ભ્રષ્ટાચારી કોંગ્રેસને દેશવટો આપશે જ તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોંગ્રેસે ૬૦ વર્ષમાં દેશને લૂંટી લઇને તબાહ કર્યો છે તેની આલોચના કરતાં કહયું કે ૬૦ વર્ષમાં દેશ લૂંટી લેનારાઓને જાકારો આપી ભારતીય જનતા પાર્ટીને ૬૦ મહિના તક આપો અમે દેશની તાસીર અને તકદીર બંને બદલી દઇશું.
મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસના શહેજાદા રાહુલ ગાંધીએ મુજફરનગરના મુસ્લિમ નૌજવાનો પાકિસ્તાન એજન્સી આઇ.એસ.આઇ.ના સંપર્કમાં છે તેવું જે બયાન કર્યું છે તેની સામે ગંભીરતાપૂર્વક સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે દેશમાં શાસન કરી રહેલી કોંગ્રેસ પક્ષના આ શહેજાદા જવાબ આપી શકશે ખરા કે તેમના જ પક્ષના નાક નીચે ઉત્તરપ્રદેશમાં આઇ.એસ.આઇ.નો પગપેસારો કઇ રીતે થઇ રહયો છે?
તેમણે રાહુલ ગાંધીને પડકાર કર્યો હતો કે દંગા પીડિત યુવકો ઉપર તેમણે આરોપ મૂકયો છે, તે યુવકોના નામ જાહેર કરે, નહિતર દેશની જનતાની જાહેર માફી માંગે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટપણે સવાલ કરતા જણાવ્યું કે કોંગ્રેસના પક્ષના આ શહેજાદા માત્ર એક સાંસદ જ છે અને છતાં દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઓ તેમને સંવેદનશીલ માહિતીઓ આપવા સાથે તેમના રાજકીય ભાષણો માટે ઇનપુટ કઇ રીતે આપી શકે? મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશની સરકાર અને આ શહેજાદા જાણે કે ન્યુઝ એજન્સીઓ હોય તેમ આપણને સમાચારો આપવાનું જ કામ કરતી રહે છે.
મુખ્યમંત્રીશ્રીએ દેશના ગરીબો અને ગરીબીની ક્રૂરમજાક કરનારા કોંગ્રેસીઓ પર આકરાં સરસંધાન કરતાં કહયું કે, જે શાસકો માટે ગરીબી મજાકનું-સાધન બની ગઇ હોય, ગરીબો-વંચિતોના આંસુની જેને પીડા ન હોય કે ખેડૂતોની આત્મહત્યાથી જે લોકો વ્યથિત પણ ન થતા હોય તેવા સંવેદનાહિન લોકોને શાસન સોંપીને દેશને વધુ તબાહ કરવા હવે કોઇ દેશવાસી ઇચ્છતા નથી. દેશભરમાં ઉઠેલી પરિવર્તનની આ લહર કોંગ્રેસના દેશ નિકાલનો સંદેશ છે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ બુદેલખંડ માટેના પેકેજ દ્વારા બુંદેલખંડના ગરીબોની મજાક કરનારા કોંગ્રેસીઓને આડે હાથ લેતાં કહયું કે તેમનું આ પેકેજ એ બુંદેલખંડ કે ઉત્તરપ્રદેશની જનતાના ભલા માટે નહીં, પરંતુ તેમના નેતાઓના મોંઢા બંધ કરવાના ટુકડા તરીકે આવેલું પેકેજ હતું. તેમણે કોંગ્રેસનો અહંકારવાદ, સમાજવાદી પાર્ટીનો પરિવારવાદ અને બહુજન સમાજ પાર્ટીનો વ્યકિતવાદ ઉત્તરપ્રદેશનું ભલું કે વિકાસ કરી શકશે નહીં, તેમ જણાવતા ઉમેર્યું કે ઉત્તરપ્રદેશ-બુંદેલખંડ માટે પેકેજની વાતો કરનારા આ ત્રણેય પક્ષોને હવે પેકીંગ કરીને વિદાય કરવાનો સમય આવી ગયો છે. અને જો આ ત્રણેય વાદમાંથી મૂકત થઇ સાચો વિકાસ કરવો હશે તો કોંગ્રેસમૂકત ભારતનો સંકલ્પ આપણે આગામી ચૂંટણીઓમાં સાકાર કરવો જ પડશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યું કે સમગ્ર દેશની ગરીબી દૂર કરવાનું સામર્થ્ય એકલા ઉત્તરપ્રદેશમાં છે પરંતુ કોંગ્રેસ, સપા, બસપાની ભાગલાવાદી અને જાતિવાદી રાજનીતિએ આ પ્રદેશને તબાહીના આરે લાવીને મૂકી દીધો છે. હવે દેશને પણ તબાહ કરવાના તેમના પેંતરા સામે દેશવાસીઓ એકજૂથ થઇ આવા લોકોને ઉખાડી ફેંકવા સંકલ્પબધ્ધ બન્યા છે તેવું વાતાવરણમાં દેશ આખામાં ઊભૂં થયું છે અને ભારતીય જનતા પાર્ટીને દેશનું સૂકાન સોંપી હિન્દુસ્તાનની તિજોરી ઉપર કોઇનો પણ પંજો નહીં પડવા દેવાનો વિશ્વાસ જાગ્યો છે તેને ભારતીય જનતા પાર્ટી સાકાર કરશે અને ૬૦ વર્ષથી દેશને લૂંટનારાઓ, તબાહ કરનારાઓને જનતા દેશવટો આપશે જ તેમ તેમણે જણાવ્યું હતું.