પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હમણાં તાજેતરના સમયમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચરના અભિગમમાં જે પરિવર્તન આવ્યું છે તેની નોંધ લીધી હતી. આ પરિવર્તનના પરિણામે ભારતીય રેલવેના આધુનિકીકરણમાં અભૂતપૂર્વ પ્રગતિ નોંધાઈ છે. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના જુદા જુદા પ્રદેશોને ગુજરાતમાં કેવડિયા સુધી જોડતી આઠ ટ્રેનને લીલી ઝંડી બતાવીને અને રાજ્યમાં અનેક રેલવેને લગતા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાના પ્રસંગે શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉના સમયમાં માત્ર વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચરને ચાલતા રાખવા ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવામાં આવતું હતું અને નવી વિચારધારા કે નવી ટેકનોલોજી ઉપર બહુ ઓછું ધ્યાન આપવામાં આવતું હતું. આ અભિગમને બદલવો જરૂરી હતો. હમણાં તાજેતરના વર્ષોમાં, સંપૂર્ણ રેલવે વ્યવસ્થાના વ્યાપક પરિવર્તન ઉપર કામ કરવામાં આવ્યું હતું અને તે માત્ર બજેટમાં કરવામાં આવેલ ફેરફાર કે નવી ટ્રેનની જાહેરાતો પૂરતું જ મર્યાદિત નહોતું. આ પરિવર્તન અનેક સ્થાનો પર હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે વર્તમાન કેવડિયાને જોડતા પ્રોજેક્ટનું ઉદાહરણ આપ્યું હતું કે જ્યાં બહુ આયામી કેન્દ્રિત ધ્યાન એ રેકોર્ડ સમયમાં કાર્ય પૂર્ણ કરવા માટે જવાબદાર બન્યું હતું.
પ્રધાનમંત્રીએ ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરને પણ અગાઉના સમય કરતાં અભિગમમાં આવેલ એક પરિવર્તનના ઉદાહરણ તરીકે રજૂ કર્યું હતું. પ્રધાનમંત્રીએ હમણાં તાજેતરમાં જ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું અને 2006 – 2014 સુધીમાં આ કામ માત્ર કાગળો ઉપર જ હતું જ્યાં હજી સુધી એક કિલોમીટરનો ટ્રેક પણ તૈયાર નહોતો થયો. હવે આગામી કેટલાક મહિનાઓમાં કુલ 1100 કિલોમીટરનો માર્ગ પૂરો થવાના આરે છે.