પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને 70,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિમઊક મેળવનારાઓને સંબોધન પણ કરશે.
દેશભરમાં ૪૪ સ્થળોએ રોજગાર મેળો યોજાશે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો /કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહી છે, જે આ પહેલને ટેકો આપે છે. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતીઓ અંતર્ગત નિમણૂક મેળવનારા વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં સામેલ થશે, જેમાં મહેસૂલ વિભાગ, નાણાકીય સેવાઓનો વિભાગ, ટપાલ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો, જળ સંસાધન વિભાગ, કર્મચારી અને તાલીમ વિભાગ અને ગૃહ મંત્રાલય સામેલ છે.
રોજગાર મેળો રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. રોજગાર મેળો રોજગારીના વધુ સર્જનમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે તેવી અપેક્ષા છે.
નવા સામેલ થયેલા હોદ્દેદારોને પણ આઇજીઓટી કર્મયોગી પોર્ટલના ઓનલાઇન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા તાલીમ આપવાની તક મળી રહી છે, જ્યાં 'એની વેર એની ડિવાઈસ' શીખવાના ફોર્મેટ માટે 580 થી વધુ ઇ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.