નરેન્દ્રભાઇ મોદીના વેધક વાક્પ્રહારો · “મજોર પ્રધાનમંત્રી અને મજબૂર સરકાર” વતી કોંગ્રેસ દેશહિત જાળવી શકી નથી · પરિવારવાદ કોંગ્રેસની નબળી કડી · કેન્દ્રની તિજોરી ઉપરથી કોંગ્રેસનો પંજો હટાવી દો · ભારતની જનતાના લોકમિજાજનો પરચો કોંગ્રેસને મળી જશે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રમાં ભાજપાનું ચૂંટણી અભિયાન આક્રમક બનાવતા આજે "કમજોર પ્રધાનમંત્રી અને મજબૂર કેન્દ્ર સરકાર'' એવી સોનિયાજીની દિલ્હી સલ્તનત "દેશહિત'' જાળવવામાં સદંતર નિષ્ફળ નીવડી હોવાનો સ્પષ્ટ પ્રહાર કર્યો હતો. કેન્દ્રશાસિત દીવ, સૌરાષ્ટ્રના જૂનાગઢ અને રાજૂલામાં મુખ્યમંત્રીશ્રીની જનસભાઓમાં ભરબપોરે પણ જનસંખ્યા વિશાળ હતી. તેમણે જણાવ્યું કે સુરક્ષાનો સવાલ હોય કે બેકારી દૂર કરવાની વાત હોય, કોંગ્રેસની સરકાર પાંચ વર્ષમાં કોઇને ભરોસો પૂરો પાડી શકી નથી.
કોંગ્રેસની વોટબેન્કની રાજનીતિએ દેશને ઉધઇની જેમ કોરી ખાધો છે અને ભાજપા એ ગુજરાતમાં વિકાસનું રાજકારણ અપનાવીને પ્રગતિની હરણફાળ ભરી છે. "પરિવારવાદ' એ કોંગ્રેસની નબળી કડી છે કારણ કે કોંગ્રેસમાં "દેશહિત' માટેની કોઇ નિયત નથી, નીતિ નથી અને વેતા પણ નથી. બીજી બાજુ, ભાજપા માટે "રાષ્ટ્રહિત' જ સર્વોપરી છે, દેશની સુરક્ષા માટે સ્પષ્ટ નિયત છે અને સક્ષમ આર્થિક નીતિનો નિર્ણાયક અમલ કરવા માટે અડવાણીજી જેવા નેતા છે, એમ તેમણે જૂનાગઢની જંગી જાહેરસભામાં હર્ષનાદો વચ્ચે જણાવ્યું હતું. આ ચૂંટણીમાં દેશની જનતા ભારતની ભાગ્યવિધાતા બનવાની છે.
વોટબેન્કના રાજકારણ ખેલીને દેશની સામે ખતરો બનનારી કોંગ્રેસ જોઇએ કે વિકાસ અને દેશહિતને વરેલી અડવાણીજીના નેતૃત્વની મજબૂત સરકાર જોઇએ તેનો ફેંસલો જનતાએ કયારનો કરી લીધો છે અને તા. ૧૬મી મે ના રોજ આ લોકમિજાજનો પરચો કોંગ્રેસના પંજાને મળી જશે એમ વિશ્વાસપૂર્વક તેમણે જણાવ્યું હતું. દેશનો શકિતશાળી વિકાસ ભાજપા કરી શકશે અને સુરક્ષાનો અહેસાસ અડવાણીજી કરાવશે. રાજૂલામાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને અન્યાય કરનારી કેન્દ્રની કોંગ્રેસ સલ્તનતનો ઉધડો લીધો હતો. પીપાવાવના વીજમથક માટે ગુજરાતને મળવાપાત્ર હક્કનો ગેસ પૂરવઠો આપવાનો ધરાર ઇન્કાર કરીને રાજ્ય અને સૌરાષ્ટ્રના વિકાસને અવરોધવા માટે કોંગ્રેસની રાજકીય દ્વેષવૃત્તિ ઉપર પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતના બંદરો પહેલીવાર ભાજપાની સરકારે વિશ્વવેપાર માટેની સમૃદ્ધિના દ્વાર બનાવી દીધાં છે પરંતુ સાગરકાંઠાની સુરક્ષા માટે કેન્દ્રની કોંગ્રેસ સલ્તનતે કોઇ કાળજી લીધી જ નથી તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ભાજપાની રાજ્ય સરકારે સાગરખેડુઓ માટે અમલી બનાવેલા રૂા. ૧૧ હજાર કરોડના ખાસ પેકેજમાં યુવાનોની કૌશલ્ય તાલીમ અને બંદરો સંલગ્ન પ્રોજેકટમાં આઠ લાખ રોજગારીના પ્રયાસોની વિગતો આપી હતી. કેન્દ્ર શાસિત દીવમાં ધોમધખતા મધ્યાન્હે પણ મુખ્યમંત્રીશ્રીને સાંભળવા માછીમાર સમાજની મહિલા-માતાઓ સહિત જંગી જનમેદની ઉમટી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દીવ-દમણનો વિકાસ સીધો કેન્દ્ર સરકાર હસ્તક છે પણ પાંચ-પાંચ વર્ષ વીતી ગયા નથી તો માછીમારોની પીડા પ્રત્યે કોંગ્રેસની લાગણી કે નથી દીવ જેવા દરિયાકાંઠાના પ્રદેશમાં યુવાનોની બેકારી દૂર કરવા પ્રવાસન ઉઘોગના વિકાસની કોઇ નીતિ-પાકિસ્તાને બંદીવાન બનાવેલા ગુજરાતના માછીમારોને છોડાવવા માટે કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતની ભાજપા સરકારે સૂચનો કર્યા છતાં તેની ગંભીરતાથી કોઇ કાર્યવાહી કરી નથી તેમ સ્પષ્ટપણે જણાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના માછીમારોની યાંત્રિક બોટ પાકિસ્તાન કેમ પાછી નથી આપતું તે માટે કેન્દ્ર સરકાર કેમ ઉદાસિન રહી છે તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા.
પાકિસ્તાનમાં તાલીબાનો કરાંચી સુધી પહોંચી ગયા અને છતાં ગુજરાત સહિત પશ્વિમ ભારતના દરિયાકાંઠાની સુરક્ષા માટે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કોસ્ટલ સિકયોરિટી અંગે એક શબ્દ સુદ્ધાં નથી શું આતંકવાદને નાબૂદ કરવા "ઝીરો ટોલરન્સ'' માટે કેન્દ્ર સરકારની કાર્યવાહી ઉપર કોઇને ભરોસો બેસે ખરો તેવો સવાલ તેમણે કર્યો હતો. ભૂજમાં ગઇરાત્રે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોંગ્રેસના ૬૦ વર્ષના શાસને ગરીબોને દુઃખ અને પીડા આપીને જ સત્તાસુખ ભોગવ્યું છે અને હવે ભાજપાએ કોંગ્રેસના ગરીબો ઉપરના દુઃખ દૂર કરવા એક જડીબુટ્ટી શોધી કાઢી છે, જેનું નામ છે, વિકાસ. ભાજપા આ જડીબુટ્ટીથી ગરીબોનો ઉદ્ધાર વિકાસ કરવામાં ગુજરાતમાં સફળ રહી છે. હવે દિલ્હીમાં પણ કોંગ્રેસનો પંજો સરકારી તિજોરી ઉપરથી દૂર કરવો છે તેમ તેમણે જણાવ્યું હતું.