મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધિકૃત પોર્ટલ https://www.narendramodi.in/ ને ‘મોસ્ટ ઈનોવટીવ યુઝ ઓફ સોશિયલ મિડિયા' ની શ્રેણીમાં ઈજીઓવી મેગેઝિનનો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. આ માટે ૪૦૦ જેટલી ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આ શ્રેણીનાં અન્ય બે વિજેતાઓમાં વિદેશ મંત્રાલયનાં પબ્લિક ડીપ્લોમસી ડિવિઝન અને દિલ્હી ટ્રાફિક પોલીસનો સમાવેશ થાય છે. ૨૮ ઓક્ટોબર નાં રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલ શાનદાર સમાંરભમાં આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગુજરાત સરકારનાં પોર્ટલ https://www.gujaratindia.com/ એ પણ ‘મોસ્ટ યુઝર ફ્રેન્ડલી પોર્ટલ' માટેનો એવોર્ડ જીતી લીધો હતો. નાગરિક સેવાઓની ઉપલબ્ધિ માટે સોશિયલ મિડિયાનાં નવીનતમ અને કુનેહપુર્વકનાં ઉપયોગને બિરદાવવા અને સ્વીકૃતિ પ્રદાન કરવાનાં હેતુથી આ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતુ કે “ આ જાણીને મને ઘણાં આનંદની લાગણી થઈ રહી છે. સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મનો યોગ્ય ઉપયોગ કરીને નાગરિક સેવાઓને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકાય છે માત્ર એટલું જ નહિ, આ દ્વારા લોકો સાથે સંપર્કમાં રહીને વહીવટમાં જનભાગીદારી મેળવી શકાય છે, એવો મારો વિશ્વાસ દ્રઢ બન્યો છે. આ પોર્ટલનાં માધ્યમ દ્વારા લોકો રાજ્ય વહીવટની સર્વોચ્ચ સત્તા સુધી સરળ રીતે પહોંચી શકે છે એ વાતનો મને સંતોષ છે.”
www.narendramodi.in પોર્ટલ પર લોકો પોતાની વાતો, વિચારો અને પ્રતિભાવો મુકી શકે છે. વળી શ્રી મોદીને લગતા ૨૦૦ ઓડિયો, ૨૫૫ થી વધુ વિડિયો, ૧૦૦૦ પિક્ચર્સ અને ૨૧ ઈબુક્સ પણ ઉપલબ્ધ છે. પોર્ટલમાં તોષાખાના નામનો પણ એક વિભાગ છે જેમાં ઓન-લાઈન ઓક્શન દ્વારા કન્યા કેળવણી જેવા ઉમદા મુલ્યોને પ્રોત્સાહન આપવામાં આવે છે. પોર્ટલ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી અને સંસ્કૃત એમ પાંચ ભાષામાં ઉપલબ્ધ છે.
રાજ્ય સરકારનું પોર્ટલ https://www.gujaratindia.com/ ગુજરાત સરકારની તમામ વેબસાઈટને એક સંયુક્ત ઈન્ટરફેસ પુરો પાડે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રયોજિત વિવિધ પ્રવૃત્તિઓમાં રાજ્યનાં લોકો પોતાનું યોગદાન નોંધાવી શકે તે રીતે તેને બનાવવામાં આવ્યું છે.