"માં ભગવતીના સાક્ષાત સ્વરૂપ સમાન નારીશક્તિનો ઉદ્ધાર કર્યાં વિના તમારો ઉદ્ધાર થશે એમ જો તમે માનતા હોવ તો તમે ભુલો છો".
- સ્વામી વિવેકાનંદ
પ્રિય મિત્રો,આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મને સ્વામી વિવેકાનંદના આ મહાન શબ્દો યાદ આવે છે. નારી શક્તિ એ બીજું કંઇ નહીં, પરંતુ શક્તિ સ્વરૂપે દેવીમાતાનો અવતાર છે. એકવાર આપણી પર તેની કૃપાદ્રષ્ટિ થાય તો આપણી શક્તિઓમાં અનેકગણો વધારો થઇ જશે!
ચાલો, આજના દિવસે આપણે નિર્ધાર કરીએ કે નિર્ણય લેવાની પ્રક્રિયાઓ અને રાજ્ય તેમજ દેશના આર્થિક વિકાસમાં મહિલાઓની ભાગીદારી એકસમાન હોય. જ્યાં સુધી આમ નહીં થાય ત્યાં સુધી સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ થયું હોવાનું આપણે કહી શકીએ નહીં! છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન એવી ઘણી ઘટનાઓ બની છે કે જેના કારણે સમગ્ર દેશનો અંતરઆત્મા જાગી ઉઠ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ચાલો આપણે દ્રઢ નિર્ધાર કરીએ કે મહિલાઓને થતાં અન્યાયોને આપણે જડમૂળમાંથી દૂર કરીશું.
આપણે એ પણ સુનિશ્ચિત કરવાનું રહેશે કે છેલ્લાં કેટલાંક મહિના દરમિયાન દેશભરમાં ઘટેલી ઘટનાઓનું પુનરાવર્તન થાય નહીં. લોકશાહીના ઉદાર મૂલ્યો ધરાવતા સુસંસ્કૃત સમાજમાં મહિલાઓનો અનાદર કરતાં લોકો માટે કોઇ જગ્યા નથી.
વિવિધ નવીન પહેલ દ્વારા ગુજરાત મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહ્યું છે. બેટી બચાવો આંદોલન દ્વારા સ્ત્રી-પુરુષ જાતિદરમાં નોંધપાત્ર સુધારો, કન્યા કેળવણીની પહેલ દ્વારા કન્યાઓને શિક્ષિત કરવી, આંગણવાડીઓને મજબૂત બનાવવી અથવા મિશન મંગલમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આપણે પ્રતિબદ્ધ છીએ. મહિલાઓના ઉત્કર્ષ માટે રાજ્ય સરકારે ભરેલા વિવિધ પગલા અંગેની વધુ માહિતી (https://www.narendramodi.in/empowering-women-empowering-society/ ) પર મૂકી રહ્યો છું.
કુપોષણની સમસ્યા ખુબજ ગંભીર છે. સમગ્ર દેશ સામે કુપોષણની સમસ્યા મોટો પડકાર છે અને મહિલાઓમાં કુપોષણને દૂર કરવું ખુબજ મૂશ્કેલભર્યું છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં કુપોષણના જોખમોને દૂર કરવા માટે ગુજરાત અસરકારક પગલા ભરી રહ્યું છે.કુપોષણના પડકારોને પાર પાડવા આ વર્ષે અમે મીશન બલમ સુખમનો પ્રારંભ કર્યો છે. ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને કન્યાઓ સહિતના 44 લાખ કરતાં વધુ લાભાર્થીઓ માટે અમે બજેટમાં વાર્ષિક રૂ. 1,094 કરોડની જોગવાઇ કરી છે. આ પહેલ અને પરિણામો ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા માટેનો અમારો દ્રઢ નિર્ધાર બતાવે છે. આનાથી મહિલાઓની સાથે-સાથે બાળકોને પણ લાભ મળશે અને મને આનંદ છે કે અમારી પહેલથી ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થઇ રહ્યાં છે. તાજેતરના એક અહેવાલ અંગે તમારા વાંચવામાં આવ્યું હશે, જેમાં બાળકોમાં કુપોષણને નાથવામાં ગુજરાતે સૌથી વધુ સુધારો દાખવ્યો છે તેમ જણાવવામાં આવ્યું હતું. વિવિધ સર્વેમાં બહાર આવ્યું છે કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિનો રેકોર્ડ ઘણો હકારાત્મક છે.
પરંતુ, કેન્દ્રિય બજેટમાં કુપોષણની સમસ્યાનો સામનો કરવા માટે કોઇ ખાસ પગલાં સૂચવવામાં આવ્યાં નથી તે બાબતનો મને ખેદ છે. વળી, કુપોષણને નાથવા માટે લાંબાગાળાના પગલા લેવામાં પણ કેન્દ્ર સરકારે કોઇ નવીન અભિગમ બતાવ્યો નથી. વડાપ્રધાન આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં રહે છે, પરંતુ કોઇ ઠોસ પગલા ભરવામાં આવતાં નથી. હકીકત તો એ છે કે કેન્દ્રએ આ મુદ્દે હજૂ સુધી કોઇ વૈજ્ઞાનિક સર્વે પણ કરાવ્યો નથી. આવો કોઇ સર્વે કરવામાં આવે તો કુપોષણને નાથવામાં આપણને ઘણી મદદ મળી રહે. આશા રાખું છું કે કેન્દ્ર આ મુદ્દે ત્વરિત પગલાં ભરે.
નારીશક્તિના સામર્થ્યને હું વંદન કરું છું - ચાલો આપણે ખભે ખભા મિલાવીને એક એવા સમાજનું નિર્માણ કરીએ કે જ્યાં નારીશક્તિ આપણી વિકાસયાત્રાનો એક અભિન્ન હિસ્સો હોય!
આપનો,
નરેન્દ્ર મોદી