વિડિયો કોન્ફરન્સથી છ લોકસભા બેઠકોના ભાજપાના સ્નેહમિલન વિજય વિશ્વાસ સંમેલનોને મુખ્યમંત્રીશ્રીનું સંબોધન
જેમને ગુજરાતની જનતાએ ત્રણ ત્રણ વાર કારમી રીતે પરાસ્ત કર્યા તેવા લોકો હવે માનસિક સંતુલન ગૂમાવી જૂઠાણાની ગલીચ ભાષામાં ઉતરી ગયા છે પણ જનતાને ભ્રમિત કરી નહીં શકે
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રદેશ ભાજપા આયોજિત વિજય વિશ્વાસ સ્નેહ સંમેલનના અભિયાનને આજે ગાંધીનગરના તેમના નિવાસેથી વિડીયો કોન્ફરન્સ મારફતે પ્રેરક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતના ખૂણે ખૂણે જનતામાં ભાજપા માટે અભૂતપૂર્વ આશા અને વિશ્વાસ જાગ્યો છે કે આ દેશને સંકટો માંથી બચાવી શકે તો ભાજપા જ છે. ગુજરાતે સવિશેષ જવાબદારી સાથે વિજય વાવટો ફરકાવવાનો શ્રી સંકલ્પ લઇને સંગઠનની પૂરી તાકાત બતાવવા તેમણે પ્રેરક આહ્વાન કાર્યકર્તાઓને કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે છ લોકસભા બેઠકોના સ્નેહમિલન કાર્યક્રમોને એકી સાથે સંબોધન કરતા નવા વર્ષની શુભેચ્છા આપી હતી. વલસાડ, નવસારી, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ અને ગોધરાની લોકસભા બેઠકોના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતાએ બાર વર્ષથી એકધાર્યો અપાર પ્રેમનો ભાજપા ઉપર ધોધ વરસાવ્યો છે અને ભાજપાના લાખો લાખો કાર્યકર્તાઓએ નિસ્વાર્થ તપસ્યા્થી ભાજપાનો વિજય વાવટો લહેરાવ્યો છે. હવે આગામી ૨૦૦ દિવસ સુધી આપણી કસોટી છે. કારણ આ ચૂંટણી રાષ્ટ્ર નિર્માણની, રાષ્ટ્રનું ભાવિ ઘડનારી, લોકતંત્રને મજબૂત બનાવનારી બનવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત માટે સમગ્ર દેશમાં આદર અને ગૌરવ છે ત્યારે ગુજરાતને નામે જૂઠાણા ફેલાવનારા ગમે એટલી નીચી કક્ષાએ ઉતરી જશે તો પણ દેશની જનતાને ભ્રમિત કરી શકશે નહીં, એવો નિર્ધાર વ્યકત કરતા જણાવ્યું કે ગુજરાતના લોકોને આપણે ડિસેમ્બ્ર, ૨૦૧૨માં કામનો હિસાબ આપેલો છે અને ગુજરાતની જનતાનો વિશ્વાસ જીત્યો છે જ્યારે જેમને ગુજરાતના લોકોએ ત્રણ ત્રણવાર કારમો પરાજય આપ્યો તેવા લોકોએ હવે તદ્દન માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને જાહેરજીવનને ક્યારેય માન્યના હોય એવી ગલીચ ભાષા ઉપર ઉતરી ગયા છે પણ દેશની જનતા ભ્રમિત થવાની નથી.
‘સત્ય છાપરે ચડીને પોકારે છે અને ભાજપા પ્રત્યે દેશમાં જે ભરોસાનું અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયુ છે તે જોતા આપણી જવાબદારી ખૂબ વધી જાય છે' તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટા અને સાગરકાંઠાના સમાજો માટે ભાજપાની પ્રતિબધ્ધ તાનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે સારા ચોમાસાથી ગુજરાત સહિત દેશમાં સુખ-શાંતિ અને નવી આશા જગાવી છે. આ વાતાવરણમાં ગુજરાતની જનતાના ભરોસાનું ઋણ સ્વીકારીને લોકસભાનો વાવટો લહેરાવી ‘કમળ' માટે સમાજના સહુ વર્ગો, સમૂદાયોનું સમર્થન વધારવા તેમણે આહ્વાન કર્યું હતું.