મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાની વિકટોરિયા યુનિવર્સિટીના ચેરમેન અને વાઇસ ચાન્સેલર પ્રો. એલિઝાબેથ હરમેન (Prof Ms. Alizabeth HERMAN) ના નેતૃત્વમાં આવેલા શિક્ષણવિદોના ડેલિગેશને ગુજરાતમાં ઉચ્ચ, ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણના વિકાસમાં સહયોગ-ભાગીદાર બનવા માટે તત્પરતા વ્યકત કરી હતી.
ગુજરાતના વિકાસની આધુનિક ગતિ સાથે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ અને વ્યવસાયી કૌશલ્ય સંવર્ધનના પ્રશિક્ષણની વિશાળ ક્ષિતિજો આકાર લઇ રહી છે તે સંદર્ભમાં વિકટોરિયા યુનિવર્સિટીની ગુજરાતમાં સહભાગીતાને આવકારતાં મુખ્યમંત્રીશ્રીએ વિકટોરિયા યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં તેજસ્વી અને જરૂરતમંદ વિઘાર્થીઓ માટે પ૦ હજાર ડોલરની સ્કોલરશીપ આપવાની દરખાસ્તની પણ પ્રસંશા કરી હતી. પ્રો. એલિઝાબેથ હરમને ગુજરાતમાં ખેરવાની ગણપત યુનિવર્સિટી સાથે ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે સહયોગના સમજૂતિના કરાર કર્યા છે તેમ જણાવ્યું હતું. ગણપત યુનિવર્સિટીના અધ્યક્ષશ્રી અનિલભાઇ પટેલે આ સહભાગીતાના પ્રોજેકટની રૂપરેખા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિનાશક ભૂકંપ પછી જનભાગીદારીથી પૂનઃનિર્માણ અને પૂનઃવસનની જે ભગીરથ સાફલ્યગાથા રચાઇ છે અને તેની સાથે ગુજરાત સરકારે આપત્ત્િા વ્યવસ્થાપન નીતિ, અધિનિયમ અને સત્તામંડળ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રે અભિનવ પહેલ કરી છે તેનો અને તમામ સંલગ્ન પાસાંઓને આવરી લેતો સંશોધન અભ્યાસ કરવા વિકટોરિયા યુનિવર્સિટીને સૂચન કર્યું હતું જેનો પ્રો. એલિઝાબેથે તત્કાળ સ્વીકાર કર્યો હતો.
વિશેષમાં ગુજરાતમાં પ્રવાસન વિકાસ, શીપ-બિલ્ડીંગ જહાજવાડાનો ઉઘોગ, એન્વાયરમેન્ટ ટેકનોલોજી, સ્પોર્ટસ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર મરીન મેનેજમેન્ટના અભ્યાસક્રમો સહિતના ટૂંકાગાળાના ટેકનીકલ સ્કીલ અપગ્રેડેશન કોર્સિસમાં વિકટોરિયા યુનિવર્સિટી સહયોગી બને તે માટેના નવા ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રોની ભૂમિકા આપી હતી.
ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી શિક્ષણ લેતા ગુજરાતી વિઘાર્થીઓની ખૂબ મોટી સંખ્યા છે તે અંગે વિકટોરિયા યુનિવર્સિટી ગુજરાતમાં પોતાની ઉચ્ચશિક્ષણની ક્ષિતિજો વિસ્તારવા ખૂબ આતુર છે એમ આ યુનિવર્સિટી ડેલીગેશનના સભ્યોએ જણાવ્યું હતું અને ગુજરાતના આધુનિક માનવ સંસાધન વિકાસના અભિગમને આવકાર્યો હતો.