વડોદરાની નર્મદા બ્રાન્ચ કેનાલ ઉપર સોલર ટોપ પેનલથી સૂર્યવીજ ઉત્પન્ન કરવાના પ્રકલ્પનું ખાતમુહૂર્ત
જાહેર પરિવહનક્ષેત્રે મૉડેલરૂપ વડોદરા એસ.ટી.બસ ટર્મિનલનું લોકાર્પણ
વડોદરા - એકજ દિવસમાં રૂા. ૬૫૦ કરોડના વિવિધ નાગરિક સુવિધા સુખાકારીના પ્રકલ્પ જનતાને સમર્પિત કરતા મુખ્યમંત્રીશ્રી
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૪ (શુક્રવાર) ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સાંજે વડોદરામાં એકજ દિવસમાં કુલ મળીને રૂા.૬૫૦ કરોડના જનસુવિધા અને સુખાકારીના વિવિધ પ્રોજેકટ જનતા જનાર્દનને ચરણે સમર્પિત કરતા જણાવ્યું હતું કે વિકાસ કેવો હોય અને કેવી ઉંચાઇ ઉપર પહોંચી શકે એ ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે.
વડોદરા મહાનગર સેવા સદનના ઉપક્રમે માંજલપુરના નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં યોજાયેલા સમારોહમાં મહાપાલિકા તરફથી ૧૩ જેટલા પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયા હતા.
સમગ્ર દેશમાં સાર્વજનિક પરિવહનની એસ.ટી.બસ સેવાના આધુનિકતમ મૉડેલરૂપ નવનિર્મિત વડોદરાના એસટી બસ ટર્મિનલનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમે PPP ધોરણે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા સાથે વડોદરાનું એસ.ટી.બસ ટર્મિનલ બાંધ્યુ છે.
ગોત્રી ખાતે મેડિકલ કોલેજના નવું ભવન સંકુલ, બે રેલ્વે ઓવરબ્રિજ તથા માંજલપુરના આધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્ષ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નગરજનોને અન્ય સુવિધા પ્રકલ્પ સાથે નવા નજરાણા રૂપે સમર્પિત કર્યા હતા.
નર્મદાની વડોદરા બ્રાન્ચ કેનાલ ઉપર સોલાર ટોપ પેનલ દ્વારા સૌર-વીજળી ઉત્પાદન કરવાના ૬.૩ મેગાવોટની ક્ષમતાના પ્રકલ્પનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ભૂતકાળમાં કોઇ મુખ્યમંત્રીએ પાંચ વર્ષમાં આટલા બધા પ્રોજેકટ વિકાસ માટે જનતાને સમર્પિત કર્યા નથી. જે અમે એકજ દિવસમાં આપ્યા છે. વિકાસનો આ વ્યાપ-વિસ્તાર ભૂતકાળની સરકારો કરતા અનેક રીતે અકલ્પનિય ગતિ છે.
વિકાસ માટે આ સરકારે આઉટ ઓફ બોક્ષ ચિંતન કર્યું છે. નદીના પાણીની નહેર જતી હોય તેના ઉપર સૂર્ય શકિતની ટોપ પેનલ મૂકીને સોલાર પેનલથી વિજળી પેદા કરવાનું કેમ કોઇને સૂઝયું નહીં ? એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કેનાલ ટોપ ઉપર સોલાર પેનલથી વિજળી ઉત્પાદન કરવાની નવતર પહેલના જુદા જુદા પાસાઓ રજૂ કરી ભૂમિકા આપી હતી. દશ કિલોમીટરની નર્મદા કેનાલ ઉપર સોલાર પેનલો મૂકીને ૬.૩ મેગાવોટ સૌર-ઊર્જા પેદા થવાની છે એમ તેમણે જણાવ્યું હતું.
વિકાસની નવી દિશાઓને પામવા બારીકાઇથી બધીજ બાબતોનું આયોજન કરીને આ સરકાર જનસુખાકારી માટે કેટલી તીવ્રતાથી સંવેદનશીલ છે. તેના દ્રષ્ટાંતો મુખ્યમંત્રીશ્રીએ આપ્યા હતા.
આપણા બસ સ્ટેશનોનું વાતાવરણ આધુનિક એરપોર્ટની જેમ ગરીબ માનવીને પણ શાતા આપે કેમ ન હોય ? રાજયનું પહેલું આવું એસ.ટી.બસ ટર્મીનલ આજે વડોદરામાં જનતાના ચરણોમાં મૂકયું છે. જે આધુનિક એરપોર્ટની બરોબરી કરે એવું છે. જેનું સંચાલન પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે થવાનું છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતની કન્યાઓની શકિતને અવસર આપી ગીરના જંગલ અને સિંહોની રક્ષા માટે કન્યાઓની સેવા સાહસની શકિત માટે ભરતી કરીને અને એસ.ટી.બસોમાં મહિલા કન્ડકટરોની નિમણૂંક કરી પુરૂષ અને મહિલાઓના સમાન સશકિતકરણ અવસરો આપ્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
ચારે દિશામાં ગુજરાતમાં વિકાસના વાયરા લહેરાઇ રહયા છે અને દેશ અને દુનિયાના ચારે ખુણામાં “ગુજરાત” તથા “ગુજરાતી” પ્રત્યે આદર સન્માનનું વાતાવરણ પ્રસ્થાપિત કર્યું છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
વડોદરાને આધુનિકતમ ખેલ સંકુલનું નજરાણું ભેટ ધરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ખેલ તે ખીલે અને ખેલકૂદથી જ ખેલદિલી ભાવના સમાજ જીવનમાં આવે છે. ગુજરાતમાં સૌહાર્દ અને શાંતિ જ વિકાસની શકિત બની ગયા છે.
વડોદરા મેયરશ્રી ભરતભાઇ શાહે સૌનું સ્વાગત કર્યું હતું.
આ સમારોહમાં શહેરી વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, નાણાં અને આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, સાંસદ શ્રી બાલકૃષ્ણ શુકલ, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઇ સુખડીઆ, યોગેશભાઇ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, મનીષાબેન વકીલ, મધુભાઇ શ્રીવાસ્તવ, શહેર અગ્રણી શ્રી ભરતભાઇ ડાંગર, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી હિતેન્દ્રભાઇ પટેલ, ડેપ્યુટી મેયર શ્રીમતી સીમાબેન મોહિલે, ઓલેમ્પિયન શ્રી ગગન નારંગ, નેશનલ શુટર લજ્જા ગૌસ્વામી, જિલ્લા પ્રભારી સચિવ શ્રી અતનુ ચક્રવર્તી, મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ભારદ્વાજ, શહેર પોલીસ કમિશનરશ્રી સતીષ શર્મા, જિલ્લા કલેકટરશ્રી ર્ડા.વિનોદ રાવ સહિત ઉચ્ચ અધિકારીગણ તેમજ મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહયા હતાં.