પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશના જે વિસ્તારો જોડાણ ધરાવતા નથી અને જોડાણ ધરાવવામાં પાછળ રહી ગયા છે તેઓ રેલવે સાથે જોડાઈ રહ્યાં છે. શ્રી મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે દેશના વિવિધ વિસ્તારોમાંથી ગુજરાતમાં કેવડિયાને જોડતી આઠ ટ્રેનનો શુભારંભ કર્યો હતો અને સાથે સાથે ગુજરાતમાં રેલવે સાથે સંબંધિત કેટલાંક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક એવું પણ જણાવ્યુ હતું કે, બ્રોડગેજ અને ઇલેક્ટ્રિફિકેશનની કામગીરીએ નોંધપાત્ર વેગ પકડ્યો છે તથા વધારે સ્પીડ માટે ટ્રેકનો સજ્જ કરવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સેમિ હાઈ સ્પીડ ટ્રેનને દોડાવવા સક્ષમ છે અને આપણે હાઈ-સ્પીડ ક્ષમતાઓ તરફ અગ્રેસર છીએ, જે માટે આ બજેટમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીએ એ બાબત પર પણ ધ્યાન દોર્યું હતું કે, રેલવે પર્યાવરણને અનુકૂળ રહે એ સુનિશ્ચિતતા કરવામાં આવી છે. કેવડિયા સ્ટેશન ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે.
તેમણે રેલવે સાથે સંબંધિત ઉત્પાદન અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો, જેના અત્યારે સારાં પરિણામો મળી રહ્યાં છે. એનો શ્રેય વધારે હોર્સ પાવર ધરાવતા ઇલેક્ટ્રિક લોકોમોટિવનાં ઉત્પાદનને જાય છે, જેના પગલે ભારત દુનિયાની પ્રથમ ડબલ ડેકર કન્ટેઇનર ટ્રેન શરૂ કરી શક્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે ભારતીય રેલવેમાં ઘણી આધુનિક ટ્રેનનું ઉત્પાદન સ્વદેશી રીતે થઈ રહ્યું છે.
પ્રધાનમંત્રીએ રેલવે પરિવહનની જરૂરિયાતો પૂર્ણ કરવા કુશળ લોકો અને વ્યાવસાયિકો માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ જરૂરિયાત વડોદરામાં ડીમ્ડ રેલવે યુનિવર્સિટીની સ્થાપના તરફ દોરી ગઈ છે. આ પ્રકારની યુનિવર્સિટી ધરાવતા દુનિયાના બહુ ઓછા દેશોમાં ભારત સામેલ છે. આ સંસ્થામાં રેલવે પરિવહનમાં આધુનિક સુવિધાઓ, એકથી વધારે શાખામાં સંશોધન માટે તાલીમ પૂરી પાડવામાં આવે છે. અત્યારે સંસ્થામાં 20 રાજ્યોના પ્રતિભાશાળી યુવાનો તાલીમ લઈ રહ્યાં છે, જેઓ રેલવેની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો માટે કામ કરશે. પ્રધાનમંત્રીએ એમની વાત પૂરી કરતાં કહ્યું હતું કે, એનાથી ઇનોવેશન અને સંશોધન દ્વારા રેલવેનું આધુનિકીકરણ કરવામાં મદદ મળશે.