પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, બિમસ્ટેક રાષ્ટ્રો દુનિયાની પાંચમા ભાગની વસ્તી ધરાવે છે અને 3.8 ટ્રિલિયન ડોલરની જીડીપીની સહિયારી ક્ષમતા ધરાવે છે એટલે આ સદીને એશિયાની સદી બનાવવાની જવાબદારી બિમસ્ટેક દેશોની છે. તેમણે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘પ્રારંભઃ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ’ને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, નેપાળ, શ્રીલંકા, મ્યાન્માર અને થાઇલેન્ડ જેવા બિમસ્ટેક દેશોમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ સદી ડિજિટલ ક્રાંતિ અને અત્યાધુનિક ઇનોવેશનની સદી છે. વળી આ સદી એશિયાની સદી પણ છે. એટલે બિમસ્ટેકના સભ્ય દેશો અને પડોશી દેશોમાંથી ભવિષ્યની ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકો બહાર આવે એ જરૂરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માટે જે દેશો જોડાણ કરવા ઇચ્છતાં હોય એવા એશિયન દેશોએ જવાબદારી લેવી જોઈએ અને એકબીજાની નજીક આવવું જોઈએ. આપણે આપણા વિચારો, આપણા ઇરાદા અને આપણી સુવિધાઓ વહેંચીએ છીએ એટલે આપણે સફળતા પણ એકબીજા સાથે વહેંચીશું. એટલે સ્વાભાવિક રીતે બિમસ્ટેક દેશોની આ જવાબદારી છે, કારણ કે આપણે માનવજાતની પાંચમા ભાગની વસ્તી ધરાવીએ છીએ.
પ્રધાનમંત્રીએ યુવા પેઢીની આ ક્ષેત્રની આતુરતા, ઊર્જા અને ઉત્સુકતામાં નવી સંભવિતતાઓ જોઈ હતી. એટલે જ તેમણે વર્ષ 2018માં આયોજિત બિમસ્ટેક સમિટમાં ટેકનોલોજી અને ઇનોવેશન માટે જોડાણની અપીલ કરી હતી અને બિમસ્ટેક સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કરવાનો વિચાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજની સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ક્લેવ એ પ્રતિબદ્ધતા પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે.
શ્રી મોદીએ આ વિસ્તારના દેશો વચ્ચે જોડાણ વધારવા અને વ્યાવસાયિક સંબંધોને પ્રોત્સાહન આપવા હાલ વિવિધ પગલાંઓની રૂપરેખા વ્યક્ત કરી હતી. તેમણે યાદ અપાવ્યું હતું કે, વર્ષ 2013માં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં સહભાગી થયેલા બિમસ્ટેક મંત્રીઓએ ડિજિટલ જોડાણને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એ જ રીતે સંરક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન, અંતરિક્ષ, કૃષિ અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાં જોડાણમાં વધારો થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, “આ ક્ષેત્રોમાં ગાઢ સંબંધોથી આપણા સ્ટાર્ટઅપ્સને લાભ થશે અને આ જોડાણ મૂલ્ય સર્જનના ચક્ર તરફ દોરી જશે. વળી માળખાગત સુવિધા, કૃષિ અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાં જોડાણને આધારે આપણા સ્ટાર્ટઅપ્સ માટે નવી તકોનું સર્જન થશે, જેના પરિણામે આ ક્ષેત્રોમાં વૃદ્ધિ થશે.”