મોદી સરકાર પ્રાથમિક, ઉચ્ચ અને તબીબી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઝડપથી શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા પર ભાર મૂકે છે.
વર્ષ 2014થી મોદી સરકારે નવી આઇઆઇટી, આઇઆઇએમ, એનઆઇટી અને એનઆઈડી સંસ્થાઓની સ્થાપનાની જાહેરાત કરી હતી. વર્ષ 2014થી દર વર્ષે નવી આઇઆઇટી અને આઇઆઇએમ ખુલ્લી રહી છે.
અત્યારે સમગ્ર દેશમાં 23 આઇઆઇટી અને 20 આઇઆઇએમ છે. વર્ષ 2014થી અત્યાર સુધી દર અઠવાડિયે એક નવી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે અને દરરોજ બે નવી કોલેજો સ્થાપિત થઈ છે. એના પરિણામે ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
એટલું જ નહીં પૂર્વોત્તરમાં 22 નવી યુનિવર્સિટીઓની સ્થાપના થઈ છે અને લદાખને સૌપ્રથમ સેન્ટ્રલ યુનિવર્સિટી, સૌપ્રથમ ફોરેન્સિક યુનિવર્સિટી મળી હતી તથા રેલ એન્ડ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી પણ સ્થાપિત થઈ છે. રેકોર્ડ 71 ભારતીય યુનિવર્સિટીઓએ ‘ધ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ’માં સ્થાન મેળવ્યું છે, જેની સંખ્યા ગયા વર્ષે 63 હતી. ત્રણ ભારતીય યુનિવર્સિટીએ ‘ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ’માં ટોપ-200માં સ્થાન મેળવ્યું છે.
છેલ્લાં સાત વર્ષ દરમિયાન મુખ્યત્વે પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એમાં 21મી સદી માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણમાં કન્યાઓની કુલ નોંધણી વર્ષ 2015થી વર્ષ 2020 સુધી 18 ટકાનો વધારો થયો છે, જેથી બેટી બચાઓ, બેટી પઢાઓના વિઝનને સાકાર કરવામાં મદદ મળી છે. વિદ્યાર્થી-શિક્ષક રેશિયો સુધર્યો છે, જેના પરિણામે વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત થયું છે. એની સાથે શાળાઓના માળખામાં પણ સુધારો થયો છે, વર્ષ 2015થી 8,700 અટલ ટિન્કરિંગ લેબ્સ સ્થાપિત થઈ છે. છેલ્લાં થોડાં વર્ષોમાં શાળાઓમાં વીજળી, પુસ્તકાલયો, કન્યાઓના શૌચાલયો, મેડિકલ ચેક-અપ જેવી સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
તબીબી શિક્ષણમાં પણ ઝડપથી સુધારો જોવા મળ્યો છે. તબીબી શિક્ષણને વધારે સુલભ બનાવવા એમબીબીએસની બેઠકોમાં 53 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, તો પોસ્ટ-ગ્રેજ્યુએટ બેઠકોમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો છે. છ નવી એઈમ્સ કાર્યરત થઈ છે અને વધુ 16ની યોજના છે.