કચ્છ જિલ્લો, કચ્છા ભૂજઃ ધ્વજવંદન સમારોહ
ભારતમાતાની આન-બાન-શાન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપતા મુખ્યમંત્રીશ્રી
એક ભારત-શ્રેષ્ઠો ભારત નો મંત્ર સાકાર કરીએ
કચ્છની લાલન કોલેજની ભૂમિ ઉપરથી રાજ્યકક્ષાના
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મુખ્ય્મંત્રીશ્રીનું પ્રેરણાદાયી સંબોધન
દેશના શાસકો ઉપરથી જનતાનો વિશ્વાવસ ઉઠી ગયો છે
ગુલામીની માનસિકતા, સ્થગિત શાસન, ભ્રષ્ટાચારમાંથી આઝાદી એ જ જનતાનો ફેંસલો છે
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હિન્દુસ્તાનને વર્તમાન સંકટો અને સમસ્યાઓમાંથી મુકત કરવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે સ્થગિતતા અને નિષ્ફળતાઓના કારણે દેશની સવાસો કરોડ જનતાનો વર્તમાન શાસનમાંથી ભરોસો ઉઠી ગયો છે. હવે સ્વરાજ પછી દેશને ગુલામીની માનસિકતામાંથી આઝાદ કરવાનો સમય પાકી ગયો છે. ૬૭મા આઝાદી પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના અવસરે કચ્છની ધરતી ઉપર ભૂજની લાલન કોલેજના પટાંગણમાં ભારતના તિરંગાનું આન-બાન-શાન સાથે ધ્વજવંદન કરાવ્યા બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની તાકાત અને સામર્થ્યની ઉપેક્ષા કરીને સંકટોમાં ધકેલી દેનારી કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. આઝાદી જંગના લડવૈયા, શહિદો અને મહાપુરુષોનો ઋણ સ્વીકાર કરી, કોટી કોટી વંદન કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદી જંગની બંને વિચારધારા-સશસ્ત્રક્રાંતિ અને અહિંસક લડતમાં ગુજરાતનું માનચિત્ર મોખરે હતું, તેની ભૂમિકા આપી હતી. સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને શ્યામજીકૃષ્ણવર્મા જેવા મહાપુરુષોના નેતૃત્વમાં આઝાદી જંગમાં ન્યોછાવરી કરનારા સહુને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. આઝાદી પછી આવેલી માનસિકતાની ગુલામી અને સોચની સ્થગિતતામાંથી બહાર આવવાનું આહવાન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકતંત્રમાં સંસદ અને વિધાનગૃહો રાજકારણના અખાડા બની ગયા છે એવી રાષ્ટ્રપતિશ્રીની ચિન્તા વાજબી છે. વિરોધ પક્ષ સરકારની નબળાઇઓ અંગે અવાજ ઉઠાવે તે સ્વાભાવિક છે પણ શાસનકર્તા પક્ષ સંસદની-ધારાગૃહોની ગરિમા ના જાળવે તે લોકતંત્ર માટે શોભાસ્પદ નથી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય- પડોશી દેશો સાથેના સંબધોના સંદર્ભમાં પણ પ્રધાનમંત્રીશ્રીએ દેશની સેનાના મનોબળને શકિત મળે તે માટે હોસલો વધારવાની જરૂર હતી. રાષ્ટ્રપતિશ્રીએ એમ પણ કહ્યું કે, આપણી સહનશકિતની સીમા હોવી જોઇએ પણ આ સહનશીલતાની સીમાની વ્યાખ્યા પણ નિશ્ચિત કરવી શાસકપક્ષની ફરજ છે.
આજે દેશની સુરક્ષા ઉપર સંકટ શા માટે છે? તેવો પ્રશ્ન ઉઠાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિશ્રીની ચિન્તા અને ભાવનાનો આદર કરવાનું પ્રથમ કર્તવ્ય વડાપ્રધાનશ્રીનું છે. રાજનૈતિક ભાષા નહીં પણ દેશના મૂળભૂત પ્રશ્ન દેશની સુરક્ષા, ભ્રષ્ટાચાર અંગે વડાપ્રધાનશ્રીએ દેશને વિશ્વાસ આપવો જોઇએ. ભાઇ-ભતીજાવાદ, સાસુ-બહુ ઔર દામાદ તક ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે. ભ્રષ્ટાચારથી દેશ તબાહ થઇ રહ્યો છે. શાસનકર્તા પક્ષ એમાં લીપ્ત, ડૂબી ગયો છે. ભ્રષ્ટાચાર રોકવાની શરૂઆત ટોચકક્ષાથી શરૂ થવી જોઇએ.
વડાપ્રધાનશ્રીના લાલકિલ્લા પરના સ્વાતંત્ર્ય પર્વના સંદેશાનું વિશ્લેષણ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આ પ્રવચનથી આખું હિન્દુસ્તાન નિરાશ થયું છે. આ પ્રવચનમાં સરદાર પટેલ અને લાલ બહાદુર શાસ્ત્રીનો કયાંય ઉલ્લેખ કેમ નથી. શું પંડિત નહેરૂ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીનું જ વડાપ્રધાન તરીકે યોગદાન હતું? આ દેશના વિકાસમાં પરિવારવાદ અને રાજનીતિ શા માટે આડે આવે? ગઇકાલે નૌસેનાની સબમરીનના સેનાના જવાનોના મૃત્યુ અંગે આખો દેશ દુઃખ અનુભવે છે. ઉતરાખંડ માટે સેના સહિત હિન્દુસ્તાનની બધી સરકારોએ પોતાની તાકાતથી સેવા ધર્મ બજાવ્યો છે, તેમની શકિત માટે એક હરફ પ્રસંશાનો નથી ઉચ્ચાર્યો? પરિવારભકિતમાં આટલા ગળાડૂબ થવાનું કારણ શું?
કચ્છની મરૂભૂમિ અને ભારત-પાકની સીમા ઉપરથી પ્રધાનમંત્રીની માનસિકતા અને જવાબદારીને લલકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વૈશ્વિક મંદીના કારણે દેશનું અર્થતંત્ર અને રૂપિયો નબળો પડયો છે તે વડાપ્રધાનનું વિધાન કે બચાવ ગળે ઉતરે એમ નથી. પંડિત નહેરૂના સમયથી આજ સુધી ૬૦ વર્ષમાં તમે શાસનકર્તા તરીકે કર્યું શું?
ફૂડ સિક્યોરીટી બીલની ક્ષતિઓને ગંભીર ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અંત્યોદય યોજનાના ગરીબમાં ગરીબ લાભાર્થીને ખાદ્ય સુરક્ષા કાનૂનથી કોઇ ફાયદો થવાનો નથી. ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને મહિને ૮૦ થી ૮૫ રૂપિયાનો અન્ન સુરક્ષા કાનૂનના અમલને કારણે વધારનો બોજ પડશે. આ ફુડ સિકયોરિટી બીલ બંધારણના સમાનતાના સિધ્ધાંતને અવગણે છે. કેન્દ્ર રાજયોના બીપીએલ લાભાર્થીની સંખ્યા મુકરર કરે અને વિતરણના માપદંડ રાજયોને સોંપે છે. આવી તો અનેક ક્ષતિઓ છે. તમે ગરીબની થાળીમાંથી રોટી છીનવીને તેના ઘા ઉપર એસીડ છાંટવાનું કામ કર્યુ છે. શા માટે આ મૂદ્દે મુખ્યમંત્રીશ્રીઓની બેઠક બોલાવતા નથી ?મોંઘવારીના મુદ્દે વડાપ્રધાનના મૌન સામે આક્રોશ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશને ગરીબી, ભ્રષ્ટાચાર, અસુરક્ષિતતા ડુબાડી દીધો છે. હવે દેશને નઇ સોચ, નવી આશા, નવી મૂકિતની અનિવાર્યતા છે. અંગ્રેજોથી ભારતને મુકત કરાવ્યો હવે, ભ્રષ્ટાચાર, અસુરક્ષિતતા, મોંઘવારી, ભાઇ-ભાત્રીજાવાદ, પરિવાદવાદ, અશિક્ષા-અંઘશ્રધ્ધાથી મૂકિત જોઇએ છે. દેશની જનતા નવો ફેસલો કરવા મજબૂર બની થઇ છે કારણ કે સંકટો-સમસ્યાનો ફાંસલો જનતાના ગળામાં છે, તેમાંથી મુકિત જોઇએ છે.
ગુજરાતના વિકાસનું શ્રેય મુખ્યમંત્રીને નહિ પણ જનશકિતની વિકાસમાં ભાગીદારીને ફાળે જાય છે, એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ રોજગારીમાં ગુજરાત સૌથી મોખરે છે, ત્યારે એવું કયું કારણ છે કે ભાજપ શાસિત અને બિન ક્રોંગ્રેસી રાજય સરકારોને રાષ્ટ્રીય એવોર્ડો સૌથી વધારે મળ્યા છે ? વીસ મુદ્દાના ગરીબલક્ષી કાર્યક્રમોના અમલમાં એવી રાજય સરકારો એકથી પાંચ ક્રમમાં છે, જેને પ્રધાનમંત્રીનો શાસક પક્ષ પ્રેમ નથી કરતો. દેશની માંગ આજે એ છે કે આપણે સ્પર્ધા કરીએ, વિકાસની, ભારત-માતાની, તિરંગા ઝંડાની શાનની. ગુજરાત અને કેન્દ્ર વચ્ચે વિકાસની સ્પર્ધા કરવાનું આહવાન તેમણે પ્રધાનમંત્રીશ્રીને કર્યુ હતું. સૌથી મોટી સ્પર્ધા, વિકાસ અને સુશાસનની થવી જોઇએ.સરકારી લાલફિતાશાહી અને સરકારી ફાઇલોની ૩૫ ધામની વિકાસયાત્રા છતાં સરકારની ગતિમાં દેશને વિશ્વાસ નથી રહ્યો- અટલબિહારી વાજપેઇ અને લાલકૃષ્ણ અડવાણીની NDA સરકારમાં જનતાને વિશ્વાસ હતો કે દેશ હવે આગળ જઇ રહ્યો છે, પણ ર૦૦૪ પછી દશ વર્ષમાં આ વિશ્વાસ રહ્યો જ નથી. ભારતના સંઘીય ઢાંચાનું સન્માન અને રાજયોની મજબૂતી, હરેક ગામ, તાલુકા-જિલ્લાની પ્રગતિ થવી જોઇએ એમ તેમણે જણાવ્યું હતું અને પ્રધાનમંત્રીશ્રીને આ સંદર્ભમાં જણાવ્યું કે હિન્દુસ્તાનના રાજયોને નબળા રાખીને દેશ મજબૂત નહી બને, લોકશાહી સુદ્રઢ નહી રહે.
ગુજરાતના વિકાસના મોડેલમાં કૃષિ, મેન્યુફેકચરીંગ અને સેવાક્ષેત્રનું સંતુલન જાળવીને અર્થતંત્રને સુદ્રઢ બનાવ્યું છે એમ તેમણે જણાવ્યુ હતું. વિકાસની નવી ઉંચાઇ ઉપર કઇ રીતે પહોંચી શકાય તે ગુજરાતે બતાવ્યું છે. દશ વર્ષમાં ૧૧ માંથી ૪૨ યુનિવર્સિટી શરૂ કરી છે, લાખો રોજગારના અવસરો આવ્યા છે. ગયા દશ વર્ષમાં રાજય સરકારની નોકરીઓમાં નવી જનરેશનની અઢી લાખ ઉપરાંત ભરતી કરી છે. હવે આગળ પાંચ વર્ષમાં લગાતાર લાયકાતના ધોરણે સરકારી ભરતીઓના મેનપાવર પ્લાનીંગની બેન્ક બનાવીને ૮૦,૦૦૦ નવી નોકરીની તક યુવાનોને ઉપલબ્ધ થાય તેવી વૈજ્ઞાનિક પધ્ધતિ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ઉત્તમ સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રધાનમંત્રીએ સ્વયંમ્ રાષ્ટ્રીય એવોર્ડ ગુજરાતને આપ્યો છે. ખાનગી ક્ષેત્રે કુશળ યુવાનો માટે રોજગારીનો વિશાળ અવકાશ ખુલી ગયો છે.ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ગ્લોબલ એગ્રોટેક ફેર યોજાશે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. વૈજ્ઞાનિક પશુપાલન અને સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત મોખરે રહ્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ભારતના કિસાનો પરિશ્રમથી દેશના અન્ન ભંડારો ભરી દઇને દુનિયાનું પેટ ભરવા સક્ષમ છે. પણ કરન્ટ ડેફીસીટ એકાઉન્ટના સંકટ અને એક્ષપોર્ટ-ઇમ્પોર્ટ વચ્ચે અસંતુલનથી દેશનું અર્થતંત્ર તુટી રહ્યું છે. આપણે એક ભારત-શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે ‘સબકા સાથ, સબકા વિકાસ’ સાથે હિન્દુસ્તાનને હર્યું ભર્યું બનાવીએ એવો સંકલ્પ તેમણે આપ્યો હતો. ૬૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં લાલન કોલેજનાં પટાંગણમાં હકડેઠઠ માનવ મેદની વચ્ચે કચ્છની વિવિધ શાળાના ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા મહાયોગ અને સુર્ય નમસ્કાર, કચ્છની સાંસ્કૃતિક વિરાસત ઉજાગર કરતો રંગારંગ દેશભકિત સભર સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ મન ભરીને માણ્યો હતો. પોલીસ જવાનોએ રજુ કરેલા ડેયર ડેવીલ શો, શ્વાન દળ, હોર્ષ શો સહિતના કાર્યક્રમો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ સર્વશ્રી ડો. વી.બી.વાઘેલા, શ્રી મોહનભાઇ સોલંકી, ચંદ્રકાન્ત માંકડ અને શ્રી હરેશચંદ્ર રાણાને મળીને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવવા સાથે તેમનું શાલ ઓઢાડી બહુમાન કર્યુ હતું.આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી વરેશ સિંહા, અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ એસ.કે.નંદા, સાંસદ સુશ્રી પૂનમબેન જાટ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઇ છાંગા, ધારાસભ્યો સર્વશ્રી વાસણભાઇ આહિર, શ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી તારાચંદ છેડા, શ્રી રમેશભાઇ મહેશ્વરી, શ્રી વાઘજીભાઇ પટેલ, શ્રીમતી નીમાબેન આચાર્ય, પોલીસ મહાનિર્દેશક શ્રી અમીતાભ પાઠક, યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જહા, સચિવશ્રી સામાન્ય વહિવટ વિભાગ શ્રીનીવાસ, જિલ્લા પ્રભારી સચિવશ્રી જે.પી.ગુપ્તા, જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.