લગભગ એક મહિના દરમિયાન અનેક નવા મિત્રોને મળવાનું થયું. દરેક પોતપોતાની સાથે પોતાની આગવી ઓળખ લઈને આવ્યું છે, પોતાની વિવિધતાઓ લઈને આવ્યું છે, પણ મહિનાની અંદર એવું વાતાવરણ ઊભું થઈ ગયું કે તમારાં બધાની વચ્ચે એક અતૂટ સંબંધ બંધાઈ ગયો. એક પોતીકાતપણું ઊભું થયું અને જ્યારે તમે બીજા રાજ્યનાં કેડેટને મળતા હશો, ત્યારે તેમની વિશેષતાઓ, વિવિધતાઓને જાણીને આશ્ચર્ય થતું હશે. આટલી ઉત્સુકતા લઈને તમે અહીંથી જશો કે ભારતીય નાગરિક હોવાનાં નાતે ભવિષ્યમાં ભારતને જેટલું જાણશો, ભારતનાં દરેક ખૂણા વિશે જેટલી માહિતી મેળવશો, એટલાં જ સમૃદ્ધ થશો. તમને વધુને વધુ જાણવાની ઇચ્છા થશે. આ સંસ્કારનાં બીજા આ એનસીસીનાં કેમ્પમાં સ્વાભાવિક રીતે આપણી અંદર પડે છે. સામાન્ય રીતે આપણને લાગે છે કે આપણે પરેડ કરીએ છીએ, આપણને લાગે છે કે આપણે યુનિફોર્મ પહેરીને આવી ગયા છીએ, આપણને લાગે છે કે આપણે રાજપથ માટે તૈયાર કરી રહ્યાં છીએ, પણ આપણે એ ખબર હોતી નથી કે આપણી અંદર એક વિશાળ ભારત આકાર લેવા લાગે છે. આપણે ભારતમય કેવી રીતે થઈ જઈએ છીએ એની ખબર જ પડતી નથી. ભારત માટે કશું ને કશું કરવાનો જુસ્સો મનમાં પેદા થઈ જાય છે એની આપણને ખબર પણ પડતી નથી. એક એવી ઇકો સીસ્ટમ, એક એવું વાતાવરણ, જે આપણને એક-એક ક્ષણ માટે મારાં દેશ, મારાં દેશનાં ભવિષ્ય, મારાં ઉજ્જવળ ભવિષ્યમાં મારી ભૂમિકા, મારી ફરજ – આ તમામ સારી બાબતોની પ્રેરણા લઈને તમે તમારાં ક્ષેત્રમાં અહીંથી પરત ફરો છો. રાજપથ પર પરેડમાં એનસીસીનાં કેડેટ અને જેમને રાજપથ પર ચાલવાની, જોવાની તક મળી – આ પૃષ્ઠભૂમિમાં કામ કરનાર આખો મહિનો કઠોર પરિશ્રમ કરનાર દરેક વ્યક્તિ પ્રત્યે દુનિયાનાં 10 દેશનાં મહેમાન અને આખું હિંદુસ્તાન તથા જગતભરમાં ફેલાયેલ ભારતીય સમુદાય તમારાં દરેક પગલાં પર ગર્વ અનુભવતો હતો. જ્યારે તમે ચાલતાં હતાં, ત્યારે મારો દેશ પ્રગતિનાં પંથે આગેકૂચ કરી રહ્યો છે એવી લાગણી મેં અનુભવી હતી. જ્યારે તમે તમારો જુસ્સો પ્રદર્શિત કરતાં હતાં, ત્યારે દરેક દેશવાસી અનુભવ કરતો હતો કે દેશ નવી બુલંદીઓ સર કરવા તરફ અગ્રેસર છે. આ વાતાવરણ, આ મોહલ અહીં પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ. હવે કસોટી શરૂ થાય છે. એનસીસીની જે ઓળખ છે, એકતા અને શિસ્ત, આ કોઈ યાંત્રિક વ્યવસ્થા નથી. એનસીસી એક મિશન છે, એનસીસી ફક્ત uniform અને uniformity નથી – આ સાચાં અર્થમાં unity છે. એટલે આ ભાવને લઈને છેવટે આ પરેડ, આ કેમ્પ, આ શિસ્ત, આ આકરી મહેનત શા માટે, આ બધું શા માટે? દેશનાં ગરીબમાં ગરીબ વ્યક્તિનાં અધિકારનું ધન આની પાછળ કેમ ખર્ચવામાં આવે છે. તેનું કારણ છે. દેશની અંદર એવા ન્યુક્લિયસ તૈયાર થાય, એવા એકમો બનતા રહે, જે મિશન મોડમાં અન્ય લોકોને પણ પ્રેરિત કરતાં રહ્યાં તથા દેશનો ઉત્સાહ વધતો રહે એટલે આ પ્રકારથી જીવનને બનાવવાનો અને આ જીવનમાંથી દેશને બનાવવાનો એક પ્રયાસ થાય છે. જો આપણે અહીં જ બધું છોડીને જઈએ છીએ. ફક્ત મેમરીને, યાદોને આજીવન મિત્રો વચ્ચે વહેંચતા રહેવા માટે ઉપયોગ કરવાનો હોય તો કદાચ થોડી ખામી રહી ગઈ છે. અમને બધાને એ વાતનો ગર્વ હોવો જોઈએ કે આપણો દેશ આઝાદ થયા પછી સશસ્ત્ર દળ માટે નિયમો અને નિયમનનું નિર્માણ થતાં પહેલા આ દેશમાં એનસીસીનો કાયદો બન્યો હતો. રાષ્ટ્રરક્ષા અગાઉ રાષ્ટ્રનિર્માણને આપણાં દેશમાં યુવા પેઢી સાથે જોડવામાં આવ્યું હતું.
આજે એનસીસી 70 વર્ષ થઈ ગયા છે. સાત દાયકાની યાત્રા અને મારાં જેવા લાખો-લાખો એનસીસીનાં કેડેટ દેશભક્તિનાં સંસ્કાર મેળવીને જીવનનાં માર્ગે આગેકૂચ કરતાં રહ્યાં છે. મિત્રો, એનસીસીથી આપણને સેન્સ ઑફ મિશન મળે છે. 70 વર્ષ, એનસીસીને 70 વર્ષ થયાં છે એટલે સમયની માંગ છે આપણે એક વખત ફરી પાછળ જોઇએ, જ્યાંથી શરૂઆત કરી હતી, જ્યાં પહોંચ્યાં છીએ અને જ્યાં દેશને લઈ જવાનો છે એનાં પર એક વખત ફરી વિચાર કરીએ. આ એનસીસીનું સ્વરૂપ શું છે અને કઈ નવી ચીજવસ્તુઓ તેમાં સામેલ કરવાની જરૂર છે. તેમનું વિસ્તરણ કેવી રીતે કરવું વગેરે તમામ મુદ્દાઓ સાથે જોડાયેલા લોકોને હું આહવાન કરીશ કે જ્યારે આપણે એનસીસીનાં 75 વર્ષની ઉજવણી કરીશું, ત્યારે આપણે એક માળખું તૈયાર કરીશું અને એ 75 વર્ષનાં અભિયાનને એક એવી ઊંચાઈઓ પર એનસીસીને લઈ જતો બનાવીએ કે દેશનાં દરેક ખૂણામાંએનસીસી પોતાનાં કાર્યોને કારણે, એનસીસીનાં કેડેટનાં મહેનતને કારણે દરેક ખૂણામાં કોઈ નવીનતા આવે, થોડો ફેરફાર આવે, કોઈ ગૌરવની ભાવના જાગે. આ સંકલ્પને લઈને આજે આપણે જ્યારે 70 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છીએ, ત્યારે 75 વર્ષનું મિશન નક્કી કરીએ. હું માનતો નથી કે મારાં દેશનો કોઈ નવયુવાન હવે ભ્રષ્ટાચાર સહન કરવા માટે તૈયાર છે. ભ્રષ્ટાચાર સામે નફરતની લાગણીનો અનુભવ સમાજમાં થઈ રહ્યો છે, પણ ફક્ત આપણે ભ્રષ્ટાચારને નફરત જ કરીએ છીએ, રોષ પ્રકટ કરીએ છીએ, ગુસ્સો પ્રકટ કરીએ છીએ. પણ તેનાથી કામ ચાલે છે? એટલે આ લડાઈ બહુ લાંબો સમય લડવી પડશે, આ લડાઈ અટકવાની નથી. આ ભ્રષ્ટાચાર સામેની લડાઈ, આ કાળા નાણાં સામેની લડાઈ – મારાં દેશનાં નવયુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે છે. જો મારાં દેશનાં નવયુવાનોનું ભવિષ્ય સુધરતું હોય, તો તેનાથી મારાં દેશનું ભવિષ્ય પણ નિર્માણ થશે. પણ હું આ દેશનો પ્રધાનમંત્રી આજે ભારતનાં નવયુવાનો પાસેથી કશું માંગવા ઇચ્છું છું. મારાં એનસીસી કેડેટ પાસેથી કશું માગવા ઇચ્છું છું.
મને ખબર છે કે તમે મને ક્યારેય નિરાશ નહીં કરો. મારાં દેશનાં નવયુવાનો મને નિરાશ નહીં કરે. નાં, મારે તમારી પાસેથી મત જોઇતા નથી. હું રાજનીતિનાં મંચ પર અમારી પ્રગતિ થાય એટલે તમારી મદદ મેળવવા પણ ઇચ્છતો નથી. મારાં દેશનાં નવયુવાનો હું તમારી પાસેથી એટલી મદદ ઇચ્છું છું કે તમે ભારતને ભ્રષ્ટાચારરૂપી ઉધઈમાંથી મુક્તિ અપાવો. તમને લાગતું હશે કે આપણે શું કરી શકીએ? તમને લાગતું હશે કે આપણે વધુમાં વધુ કોઈને કશું આપશું નહીં. વધુમાં વધુ આપણે કોઈની પાસેથી લાંચ નહીં લઈએ. એ તો તમે કરશો જ, પણ આટલાથી વાત અટકવાની નથી, લડાઈ અટકવાની નથી. જો તમે એક વખત નિર્ધાર કરી લો અને નિયમ બનાવી લો કે વર્ષમાં ઓછામાં ઓછા નવ કુટુંબોને આ કામ માટે જોડીશ, તો બોલો અભિયાન સફળ થઈ જાય ને! જો જવાબદારી આવે છે, તો પોતાની રીતે ચીજવસ્તુઓ બદલાઈ જશે. તમે નક્કી કરી શકો કે અત્યારે આપણે જ્યાં પણ ખરીદી કરવા જઈશું, ત્યાં નાણાંની લેવડદેવડ રોકડથી નહીં કરીએ. આપણે બધા મોબાઇલ ફોન ધરાવીએ છીએ. આપણે ભીમ એપ ડાઉનલોડ કરીને આ એપ દ્વારા તમામ ચીજવસ્તુઓ ખરીદીશું અને જે દુકાનમાંથી ખરીદીશું, જે દુકાનમાં જાવ, જે મોલમાં જાવ ત્યાં પણ આ જ પ્રકારનો વ્યવહાર કરવાનો આગ્રહ કરીશ, આ તમારે કરવું પડશે. તમે આની ટેવ પાડીશું. તમે જુઓ આટલી પારદર્શિતા આવવાની શરૂઆત થશે એટલે જવાબદારી સરળ થઈ જશે કે, આપણે ભ્રષ્ટાચારમુક્ત ભારતની દિશામાં મજબૂત પગલાં ઉઠાવી શકીશું અને આ કામ મારાં નવયુવાનોની મદદ વિના શક્ય નથી. મારાં એનસીસી કેડેટ એક મિશન મોડમાં આ કામનું બીડું ઉઠાવો. પછી જુઓ કોઈની હિમ્મત છે કે દેશમાં ભ્રષ્ટાચારરૂપી ભસ્માસુર પેદા કરે? ગમે તેટલી ભ્રષ્ટ વ્યક્તિ ગમે તેટલાં મોટાં પદ પર પહોંચ્યો કેમ ન હોય, પણ તેને પ્રામાણિકતાનાં માર્ગે આવવા મજબૂર થવું પડશે.
એક સમયે દેશમાં નિરાશા ફેલાયેલી હતી. ભ્રષ્ટાચારની મોટી મોટી વાતો થઈ રહી છે, પણ મોટાં લોકોને કોઈ સજા થતી નથી એવો માહોલ હતો. અત્યારે તમે તેનાથી અલગ સમયમાંથી પસાર થઈ રહ્યાં છો. તમે એવા સમયમાંથી પસાર થઈ રહ્યાં છો કે ભ્રષ્ટાચારને કારણે દેશનાં ત્રણ-ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ જેલનાં સળિયા ગણી રહ્યાં છે. કોણ કહે છે કે – ‘ઈશ્વર નથી’, કોણ કહે છે કે ‘ઈશ્વરનાં દરબારમાં ન્યાય નથી.’ હવે કોઈ બચવાનું નથી. એટલે હું આજે એનસીસીનાં કેડેટની સામે તેમનાં માધ્યમથી દેશભરનાં એનસીસીનાં કેડેટનાં નવયુવાનો હોય, નેહરુ યુવા કેન્દ્રનાં નવયુવાન હોય, સ્કૂલ-કોલેજનાં વિદ્યાર્થી હોય, મારાં દેશ માટે જીવન-મરણ માટે તૈયાર નવજુવાનો હોય – હું તમારી પાસેથી મદદ મેળવવા ઇચ્છું છું. આ યુદ્ધમાં તમે મારી સાથે સૈનિક બનીને જોડાઈ જાવ. આવો, આપણે મળીને ભારતને ભ્રષ્ટાચારરૂપી ઉધઈમાંથી મુક્ત કરાવીએ, તો દેશનાં ગરીબોનાં અધિકારની લડાઈ આપણે જીતી જઈશું. આપણે બુરાઈઓનો નાશ કરીએ છીએ, તેનો સૌથી વધુ લાભ મારાં દેશનાં ગરીબોને મળે છે. જ્યારે રૂપિયાનો ઉપયોગ યોગ્ય જગ્યાએ અસરકારક રીતે થાય છે, ત્યારે કોઈ ગરીબનાં ઘરમાં સસ્તી દવાઓ પહોંચે છે. જ્યારે રૂપિયાનો ઉરપયોગ ઉચિત જગ્યાએ સારી રીતે થાય છે, ત્યારે એક ગરીબ બાળકને ભણવા માટે સારો શિક્ષક, સારી શાળાની વ્યવસ્થા મળે છે. જ્યારે રૂપિયાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય છે, ત્યારે ગામ સુધી પહોંચવા માટે રોડ બને છે, જ્યારે રૂપિયાનો ઉચિત ઉપયોગ થાય છે, ત્યારે આ દેશનાં દલિત, પીડિત, શોષિત, વંચિત લોકો માટે કશું કરવાની તક પેદા થાય છે. એટલે મારાં દેશનાં પ્યારાં નવયુવાનો, અત્યારે તમે આધાર વિશે ચર્ચા સાંભળી રહ્યાં છો. જે લોકો તલનીકને જાણે છે, સમજે છે, બદલતા યુગની તાકાતથી પરિચિત છે, તેમને ખબર છે કે ડેટા આગામી સમયમાં બહુ મોટી તાકાત બનવાનો છે. જેની પાસે ડેટા છે એ દેશને શક્તિશાળી માનવામાં આવશે એ દિવસ દૂર નથી. આધારે ડિજિટલ દુનિયામાં ડેટાની દુનિયામાં બહુ મોટી તાકાત સાથે ભારતને ગૌરવ આપ્યું છે. અને હવે આધારનાં માધ્યમથી લોકોને જે લાભ મળવા જોઈએ, એ અગાઉ ગરીબને, સામાન્ય મનુષ્યને બદલે ખોટાં હાથમાં ચાલ્યાં જતાં હતાં. ભ્રષ્ટાચારનો આ પણ એક માર્ગ હતો. જે બાળકી પેદા થતી નહોતી, તે સરકારી ઓફિસમાં મોટી થતી હતી, તેનાં લગ્ન થતાં હતાં અને વિધવા પણ થઈ જતી હતી તથા સરકારી ખજાનામાં વિધવા પેન્શન પણ મળતું હતું. આ વેપાર ચાલતો રહ્યો, પણ આધારનાં કારણે જેઓ સીધા લાભનાં હકદાર હતાં, તેમની ઓળખ થઈ શકી, તેમને જ તેમનાં લાભ મળવા લાગ્યાં છે. કહેવાનો અર્થ એ છે કે સાચા લાભાર્થીઓને જ લાભ મળ્યાં. મારાં દેશનાં નવયુવાનો ફક્ત ટોકનોલોજીની મદદથી કેટલીક યોજનાઓ હજુ તો 100 ટકા શરૂ પણ થઈ નથી, ત્યાં લગભગ 60,000 કરોડ રૂપિયાની બચત થઈ છે. આ બધું શક્ય છે. એટલે મારાં નવયુવાનો કેશલેસ સોસાયટીની દિશામાં લકેસ કેશનો મંત્ર લઈને ભીમ એપનો સૌથી વધુ ઉપયોગ કરીને આપણે ખરીદ વેચાણનો બધો વેપાર કરવાનો છે, ફી પણ દેવાની છે, તો ભીમ એપથી આપીશું એવો નિર્ધાર કરો. પછી તમે જુઓ દેશમાં કઈ રીતે પરિવર્તનનો પવન ફૂંકાયો છે.
મારાં નવયુવાન સાથીદારો, તમને તમારાં જીવનનો એક ઉત્તમ અનુભવ મળ્યો છે. બહુ ઓછા સમયમાં દેશનાં દરેક ખૂણાની વ્યક્તિ સાથે જીવીને દેશની વિવિધતાનો અનુભવ મેળવવાની તક મળી છે. એક નવી લાગણી મળી છે. તમને ભારતનો એક નવો સ્પર્શ મળ્યો છે, આ નવચેતના સાથે આ નવસંકલ્પ સાથે, આ નવા અરમાન સાથે ન્યુ ઇન્ડિયા બનાવવા માટે આપણે તમામ સંકલ્પ લઈને ચાલીએ. જ્યારે વર્ષ 2022માં ભારત આઝાદીનું 75મું વર્ષ ઉજવશે, ત્યારે આઝાદીનાં દિવાનાઓનું સ્વપ્ન પૂરું કરવાનું સામર્થ્ય આપણે મેળવીને દેશને આગળ વધારીએ, ન્યુ ઇન્ડિયા બનાવીએ, તમને બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ, ધન્યવાદ.