શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ આજે પ્રધાનમંત્રી મોદીને ટેલિફોન કરી વાતચીત કરી હતી.
શ્રીલંકાનાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ ગૃહ સચિવની હત્યાનાં કથિત ષડયંત્રમાં કોઈ પણ રીતે ભારતની સાંઠગાંઠ હોવાનાં મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોને તેમણે સ્પષ્ટપણે નકારી કાઢ્યાં છે.
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, બદઇરાદો ધરાવતા આ અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટાં છે તથા બંન નેતાઓ વચ્ચે ગેરસમજણ ઊભી કરવાનો તેમજ બંને પડોશી રાષ્ટ્રોનાં મૈત્રીપૂર્ણ સંબંધોમાં તિરાડ પડાવવાનો ઇરાદો ઇરાદો ધરાવતા હોય તેવા લાગે છે.
રાષ્ટ્રપતિએ આ અહેવાલો વ્યક્તિગત રીતે નકારી કાઢવા પ્રધાનમંત્રીનાં તાત્કાલિક પગલાં અને શ્રીલંકાની સરકારનાં જાહેરમાં આ અહેવાલો નકારી કાઢવાનાં પગલાંની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં તેમણે આજે સવારે શ્રીલંકામાં ભારતનાં હાઈ કમિશનર સાથેની બેઠકને યાદ પણ કરી હતી.
રાષ્ટ્રપતિએ એવું પણ જણાવ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રીને શ્રીલંકાનાં સાચાં મિત્ર તેમજ ગાઢ અંગત મિત્ર પણ ગણે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ ભારત અને શ્રીલંકા વચ્ચે પારસ્પરિક લાભદાયક સંબંધોનું મૂલ્ય સમજે છે અને આ સંબંધોને વધારે ગાઢ બનાવવા પ્રધાનમંત્રી સાથે કામ કરવા માટે મક્કમ છે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ અને તેમની સરકારે ત્વરિત ધોરણે લીધેલા પગલાંની પ્રશંસા કરી હતી. શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અને તેમની સરકારે આ બાબતે જાહેરમાં સ્પષ્ટતા કરીને મીડિયાનાં અહેવાલોનું ખંડન કર્યું છે. પ્રધાનમંત્રીએ ભારતની ‘પડોશી પ્રથમ’ની નીતિ પર ભાર મૂક્યો હતો અને ભારત સરકારની પ્રાથમિકતા જણાવી હતી તેમજ તેમણે વ્યક્તિગત રીતે બંને દેશો વચ્ચે સંપૂર્ણ સહકારને વધારે ગાઢ બનાવવા કામ કરતાં હોવાનું જણાવ્યું હતું.