પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરી 2022ના રોજ વર્ચ્યુઅલ ફોર્મેટમાં કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓની સહભાગિતા સાથે ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે. ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે નેતાઓના સ્તરે આ પ્રકારનું પ્રથમ એંગેજમેન્ટ છે.
પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટ એ મધ્ય એશિયાના દેશો સાથે ભારતના વધતા જોડાણનું પ્રતિબિંબ છે, જે ભારતની "વિસ્તૃત પડોશી" નીતિનો એક ભાગ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2015માં તમામ મધ્ય એશિયાઈ દેશોની ઐતિહાસિક મુલાકાત લીધી હતી. ત્યારબાદ, દ્વિપક્ષીય અને બહુપક્ષીય ફોરમ પર ઉચ્ચ સ્તરે આદાનપ્રદાન થયું છે.
વિદેશ મંત્રીઓના સ્તરે ભારત-મધ્ય એશિયા સંવાદની શરૂઆત થઈ, જેની 3જી બેઠક નવી દિલ્હીમાં 18-20 ડિસેમ્બર 2021 દરમિયાન યોજાઈ હતી, તેણે ભારત-મધ્ય એશિયા સંબંધોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. 10 નવેમ્બર 2021ના રોજ નવી દિલ્હીમાં આયોજિત અફઘાનિસ્તાન પર પ્રાદેશિક સુરક્ષા સંવાદમાં મધ્ય એશિયાઈ દેશોની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદોના સચિવોની સહભાગિતાએ અફઘાનિસ્તાન પર એક સામાન્ય પ્રાદેશિક અભિગમની રૂપરેખા આપી હતી.
પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટ દરમિયાન, નેતાઓ ભારત-મધ્ય એશિયાના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાના પગલાં અંગે ચર્ચા કરશે તેવી અપેક્ષા છે. તેઓ હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, ખાસ કરીને વિકસતી પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરે તેવી પણ અપેક્ષા રાખવામાં આવે છે.
આ શિખર સંમેલન ભારત અને મધ્ય એશિયાના દેશોના નેતાઓ દ્વારા વ્યાપક અને શાશ્વત ભારત-મધ્ય એશિયા ભાગીદારીને આપવામાં આવેલ મહત્વનું પ્રતીક છે.