અમદાવાદ - આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જ્વલંત વિજય અપાવવા બદલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ૫.૫ કરોડ જનતા પ્રત્યે કૃતજ્ઞાભાવ વ્યક્ત કર્યો હતો. એક માસમાં આ ત્રીજા વિજયને વધાવતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો મતદાર ક્યારેય નકારાત્મક અભિગમને સ્વીકારતો નથી. આ વાત કોંગ્રેસના નેતાઓ જેટલું વહેલું સમજે તે તેમના ફાયદામાં છે. તેમણે જણાવ્યું હતું કે આજના પરિણામો પછી દિલ્હીના રાજકીય પંડિતોએ તેમની સોચ બદલે કૃપા કરીને ૨૧મી સદીના પ્રથમ દશકમાં ભાજપનું મૂલ્યાંકન ૨૦મી સદીના વિચારોથી નહિ પણ ૨૧મી સદીના વિચારોથી કરે તેમની ૪૦ વર્ષ જૂની દ્રષ્ટિને આજના ચશ્માથી જોવાનો પ્રયત્ન કરે.
તેમણે જણાવ્યું હતું કે, અમેરિકામાં બેસી વર્ષોથી ભારતની ગરીબી, શિક્ષણ અને આરોગ્ય અંગેની ચર્ચા કરતું મેગેઝિન ફોર્બ પણ હવે ૨૧મી સદીમાં પોતાની ચર્ચાનું કેન્દ્ર અને ફોકસ ગુજરાતના વિકાસ તરફ કરી રહ્યું છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસની દયનીય સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું કે ભાજપની સ્થિતિ પહેલા પણ સારી તો હતી જ પરંતુ ૨૦૧૦માં કોંગ્રેસ પાસે જે હતું એમાંથી ૧ હજાર બેઠકો તેમણે ગુમાવી છે. કેટલાક જિલ્લા પંચાયતોમાં તેમના સભ્યો ૨ આંકડામાં પણ ચૂંટાયા નથી.તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની વર્ષોથી જે વોટબેન્ક રહી છે તેમને પણ હવે વિકાસની રાજનીતિ પ્રત્યે આસ્થા જાગી છે. આ ચૂંટણીમાં ભાજપ પક્ષે લડેલા મુસ્લિમો જીત્યા છે, અને મુસ્લિમ મતદારોએ ભાજપને વિજય અપાવ્યો છે.
તેમના કારણે માત્ર પંચાયતો કે પાલિકામાં સત્તા મળી છે એટલું જ નહિ બેઠકો પણ ઘણી વધી છે. દેશમાંથી વોટબેંકની રાજનીતિ સમાપ્ત કરવાનું કામ ગુજરાતની ધરતી પરથી શરુ થયું છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના નામ લીધા વિના કહ્યું હતું કે, દિલ્હીમાં બેઠેલાઓએ તેમનાથી જે થઈ શક્યું તે કર્યું. સંવિધાનિક સંસ્થાઓનો જેટલો દુરૃપયોગ થઈ શકે એટલો કર્યો એ સીબીઆઇ હોય કે આઇબી પરંતુ દેશનો યુવા વર્ગ બદલાયો છે એવા સમયે સંવિધાનિક સંસ્થાઓનો દુરૃપયોગ ચૂંટાયેલી સરકારને ઉખેડી નાખવા કરશે તો ચલાવી નહી લે.
હવે ગુજરાતના પરિણામો પછી તેઓ લોકતાંત્રિક ચર્ચાનો રસ્તો અખત્યાર કરી આ રસ્તો છોડી દે. સીબીઆઇ, આઇબી અને અન્ય સંસ્થાઓની આટલી તાકાત આતંકવાદ નાથવા પાછળ કરી હોત તો આતંકવાદ ક્યારનો ય દૂર થઈ ગયો હોત. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસને આ બધું અચાનક થયું હોય એવું લાગે છે પરંતુ કશું જ અચાનક થતું નથી. ૩૬૫ દિવસ ભાજપના કાર્યકરોએ ભક્તિભાવથી કામે લાગેલા રહ્યા છે. એક દિવસ પત્રકાર પરિષદ કરવાથી કશું નથું નથી. ગરીબ કલ્યાણ મેળા યોજી ગરીબો પાસે ગયા તો વિરોધ થયો કે આ રૃપિયા તો કેન્દ્રના છે.
તો પછી મહારાષ્ટ્રમાં કેન્દ્રના રૃપિયા કેમ નથી વહેંચાતા ? તેઓ સમયને ઓળખી નથી શકતા એમાં મારો વાંક શું ? હંમેશા પસીનો વહેવડાવવાથી જ પરિણામ આવે છે. જનતાને અમે ભાવનાઓથી જોડીએ છીએ. ગરીબો, કિસાનો, આદિવાસીઓ અને મહિલાઓ માટે કામ કરવા સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. ઉચ્ચ અધિકારીઓને ગામડામાં ભર ઉનાળે બાળકોની આંગળી પકડી શાળા પ્રવેશ કરાવવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતુ કે, અમારી પાસે જૂની ફાઇલો પડી છે કોંગ્રેસના શાસનમાં શું ચાલતું હતું, તેમના ગૃહમંત્રીએ શું કર્યું હતું તે ફાઇલોમાં જ છે પરંતુ અમે અમારી લાઇન લાંબી કરવામાં માનીએ છીએ. અમે લોકતંત્ર માટે જીવવામાં માનીએ છીએ અને તેથી જ કટોકટી વખતે લોકતંત્રને બચાવવા જેલમાં ગયા હતા.
તેમણે પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુને નસીબદાર પ્રમુખ ગણાવી જણાવ્યું હતું કે, તેમનાથી સંગઠનને લુબ્રીકેશન મળ્યું છે.
આ વિજયને સ્વર્ણિમ ગુજરાતનો વિજય ગણાવ્યો હતો.