મોટા ભાગના કિશોર 17 વર્ષની વયે પોતાની કારકિર્દી વિશે વિચારે છે અને બાળપણના અંતિમ તબક્કાની મજા લેવાનો પ્રયાસ કરે છે, પણ નરેન્દ્ર મોદી માટે આ અવસ્થા સંપૂર્ણપણે અલગ હતી. તેમણે 17 વર્ષની વયે અસાધારણ નિર્ણય લીધો હતો, જેણે તેમની જીવનની દિશા બદલી નાંખી હતી. તેમણે ગૃહત્યાગ કરવાનો અને ભારતભ્રમણ કરવાનો નિર્ણય લીધો હતો.
તેમના પરિવારજનોને આંચકો લાગ્યો હતો, પણ તેમણે નરેન્દ્રની નાના શહેરના મર્યાદિત જીવનનો ત્યાગ કરવાની ઇચ્છાનો છેવટે સ્વીકાર કર્યો હતો. જ્યારે ગૃહત્યાગ કરવાનો દિવસ આપ્યો ત્યારે તેમની માતાએ તેમના માટે વિશેષ પ્રસંગો પર બને તેવા ગળી વાનગી કે મિષ્ટાન બનાવ્યું હતું તથા તેમના શિર પર પરંપરાગત ‘તિલક’ કર્યું હતું.
તેમણે જે સ્થળોની યાત્રા કરી તેમાં હિમાલય (જ્યાં તે ગુરુદાચટ્ટીમાં રોકાયા હતા), પશ્ચિમ બંગાળમાં રામકૃષ્ણ આશ્રમ અને ઉત્તરપૂર્વના વિસ્તાર પણ સામેલ છે. આ પ્રવાસની નવયુવાનના માનસપટ પર અમિટ છાપ પડી. તેમણે ભારતના વિશાળ ભૌગોલિક વિસ્તારનો પ્રવાસ કર્યો અને દેશના વિવિધ વિસ્તારોની સંસ્કૃતિઓનો અનુભવ મેળવ્યો. આ કાળ તેમના માટે આધ્યાત્મિક જાગૃતિનો પણ હતો, જેણે નરેન્દ્ર મોદીને એ વ્યક્તિ સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાણની તક આપી, જેના તેઓ હંમેશા પ્રશંસક છે. આ વ્યક્તિ છે – સ્વામી વિવેકાનંદ.
નરેન્દ્ર મોદીનું બાળપણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાણ
નરેન્દ્ર મોદી બે વર્ષ પછી પરત ફર્યા, પણ ઘરે ફક્ત બે અઠવાડિયા રોકાયા. આ વખતે તેમનું લક્ષ્યાંક નિર્ધારિત હતું અને ઉદ્દેશ સ્પષ્ટ હતો – તેઓ અમદાવાદ જઈ રહ્યા હતા. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે કામ કરવાનું મન બનાવી લીધું હતું. 1925માં સ્થાપિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સામાજિક સાંસ્કૃતિક સંગઠન છે, જે ભારતના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પુનરોદ્ધાર માટે કામ કરે છે.
સંઘ સાથે તેમનો પ્રથમ પરિચય આઠ વર્ષની અતિ નાની ઉંમરે થયો હતો, જ્યારે તેઓ ચાની દુકાન પર કામ કર્યા પછી સંઘની યુવા બેઠકમાં ભાગ લેતા હતા. આ બેઠકોમાં ભાગ લેવાનો આશય રાજનીતિથી પર હતો. તેઓ અહીં પોતાના જીવન પર સૌથી વધુ છાપ છોડનાર લક્ષ્મણરાવ ઇનામદારને મળ્યા હતા, જેઓ ‘વકીલ સાહેબ’ તરીકે જાણીતા હતા.
સંઘના દિવસો દરમિયાન નરેન્દ્ર મોદી
અમદાવાદ અને તેની આગળનો માર્ગ
પોતાની આ પૃષ્ઠભૂમિ સાથે લગભગ 20 વર્ષીય નરેન્દ્રનું ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં આગમન થયું. તેઓ સંઘના સ્વયંસેવક બની ગયા તથા તેમની સંગઠનક્ષમતા અને સમર્પણની ભાવનાથી વકીલ સાહેબ અને અન્ય લોકો પ્રભાવિત થયા હતા. તેઓ 1972માં પ્રચારક બની ગયા હતા અને સંપૂર્ણપણે સંઘને સમર્પિત થઈ ગયા હતા. તેઓ અન્ય પ્રચારકો સાથે રહેતા હતા અને રોજિંદી દિનચર્યાનું પાલન કરતા હતા. તેમનો દિવસ સવારે 5.00 વાગ્યાથી શરૂ થતો હતો અને મોડી રાત સુધી કામગીરી ચાલતી હતી. આ પ્રકારની વ્યસ્ત દિનચર્યા વચ્ચે નરેન્દ્રએ રાજ્યશાસ્ત્રમાં અભ્યાસ પૂર્ણ કરીને ડિગ્રી મેળવી હતી. તેમણે શિક્ષણ અને અભ્યાસને હંમેશા મહત્વપૂર્ણ ગણ્યું હતું.
તેમને પ્રચારક સ્વરૂપે આખા ગુજરાતમાં પ્રવાસ કરવો પડતો હતો. 1972થી 1973 વચ્ચે તેઓ ખેડા જિલ્લાના નડિયાદમાં સંતરામ મંદિરમાં રોકાયા હતા, જે ખેડા જિલ્લામાં સ્થિત છે. 1973માં નરેન્દ્ર મોદીને સિદ્ધપુરમાં વિશાળ સંમેલનનું આયોજન કરવાની જવાબદારી સુપરત કરવામાં આવી હતી, જ્યાં તેઓ સંઘના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા.
જ્યારે નરેન્દ્ર મોદી એક કાર્યકર્તા તરીકે પોતાને સ્થાપિત કરી રહ્યા હતા, ત્યારે ગુજરાત સહિત દેશભરમાં અતિ અસ્થિર વાતાવરણ હતું. જ્યારે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા, ત્યારે શહેરમાં કોમી રમખાણો શરૂ થઈ ગયા હતા. દેશના અન્ય વિસ્તારોમાં પણ 1967ની લોકસભા ચૂંટણીમાં વિવિધ રાજ્યોમાં કંગાળ દેખાવ કરનાર કોંગ્રેસ પક્ષ શ્રીમતી ઇન્દિરા ગાંધી અને અગાઉના સિન્ડિકેન્ટ તરીકે ઓળખાતા જૂથોમાં વહેંચાઈ ગયો હતો. સિન્ડિકેટ જૂથના નેતાઓમાં ગુજરાતના મોરારજી દેસાઈ પણ સામેલ હતા. ત્યારબાદ ‘ગરીબી હટાવો’ પ્રચારની લહેર પર સવાર થઈને શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 1971ની લોકસભાની ચૂંટણીમાં 518માંથી 352 બેઠકો પર વિજય મેળવીને શાનદાર પુનરાગમન કર્યુ હતું.
ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ શ્રીમતી ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે મજબૂત પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું હતું અને 182 બેઠકોમાંથી 140 બેઠકો પર વિજયો મેળવ્યો હતો તથા 50 ટકાથી વધારે મતો મેળવ્યા હતા.
નરેન્દ્ર મોદી – પ્રચારક તરીકે
જોકે કોંગ્રેસ અને શ્રીમતી ગાંધીનો ઉન્માદ જે ઝડપથી ઊભો થયો હતો, એ જ ઝડપ સાથે ઓસરી ગયો હતો. ગુજરાતમાં ઝડપી સુધારો અને પ્રગતિ કરવાનું સ્વપ્ન સાકાર થયું નહોતું અને સામાન્ય નાગરિક વચ્ચે કોંગ્રેસથી મોહભંગ થવા લાગ્યો હતો. ઇન્દુલાલ યાજ્ઞિક, જીવરાજ મહેતા અને બળવંતરાય મહેતા જેવા રાજકીય દિગ્ગજોના સંઘર્ષ અને બલિદાન લાલચની રાજનીતિમાં વિસરાઈ ગયા.
1960ના દાયકાના અંતે અને 1970ના દાયકાની શરૂઆત સુધીમાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને તેનું કુશાસન નવી ઊંચાઈએ પહોંચ્યું હતું. ‘ગરીબી હટાવો’નું સૂત્ર ધીમે ધીમે ‘ગરીબો હટાવો’માં બદલાઈ ગયું હતું. ગરીબોની સ્થિતિ વધારે કથળી હતી અને ગુજરાતમાં દુષ્કાળ અનો મોંઘવારીને કારણે દુર્દશા પરાકાષ્ઠાએ પહોંચી હતી. જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે લાંબી લાંબી કતારો સામાન્ય થઈ ગઈ હતી. સામાન્ય નાગરિક માટે કોઈ રાહત નહોતી.
નવનિર્માણ આંદોલનઃ યુવા શક્તિ
જ્યારે ડિસેમ્બર, 1973માં મોરબી (ગુજરાત) ઇજનેરી કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ તેમના ભોજનના બિલમાં અતિ વધારાનો વિરોધ કર્યો ત્યારે જનતાનો અસંતોષ જાહેર આક્રોશમાં ફેરવાઈ ગયો હતો. આ પ્રકારનું પ્રદર્શન ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ શરૂ થયું હતું. ટૂંક સમયમાં આ પ્રકારના પ્રદર્શનોને વ્યાપક સમર્થન મળ્યું હતું અને સરકાર સામે રાજ્યવ્યાપી મોટું આંદોલન શરૂ થયું હતું, જે નવનિર્માણ આંદોલન સ્વરૂપે જાણીતું છે.
આ સમયે નરેન્દ્ર મોદીએ વ્યાપક જન આંદોલન તૈયાર કર્યું, જેને સમાજના તમામ વર્ગનું સમર્થન હાંસલ થયું હતું. જ્યારે આ આંદોલનને જાહેર હસ્તી અને ભ્રષ્ટાચાર સામે રણશિંગૂ ફૂંકનાર જયપ્રકાશ નારાયણે સમર્થન આપ્યું, ત્યારે આંદોલનને તાકાત મળી હતી. જ્યારે જયપ્રકાશ નારાયણ અમદાવાદ આવ્યા હતા, ત્યારે નરેન્દ્ર મોદીને તેમને મળવાની તક સાંપડી હતી. અન્ય અનુભવી નેતાઓ દ્વારા આયોજિત ઘણી બેઠકોએ નવયુવાન નરેન્દ્ર પર મજબૂત છાપ છોડી હતી.
ઐતિહાસિક નવનિર્માણ આંદોલન
છેવટે વિદ્યાર્થીઓની શક્તિનો વિજય થયો અને કોંગ્રેસના તત્કાલિકન મુખ્યમંત્રીને રાજીનામું આપવાની ફરજ પડી હતી. જોકે આ આનંદ અલ્પજીવી નીવડ્યો. અધિનાયકવાદના ઘાટાં વાદળો 25 જૂન, 1975ની મધરાતે દેશ પર છવાયા હતા અને ઇન્દિરા ગાંધીએ દેશ પર કટોકટી લાદવાની જાહેરાત કરી હતી.
કટોકટીના કસોટીના દિવસો
શ્રીમતી ગાંધીને ડર હતો કે અદાલતે તેમની ચૂંટણીને રદબાતલ ઠેરવ્યા પછી તેમને પ્રધાનમંત્રી પદ ગુમાવવું પડશે. તેમને લાગ્યું કે આ સ્થિતિમાં કટોકટી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. લોકતંત્રને બંધક બનાવી લેવામાં આવ્યું, વાણી સ્વાતંત્ર્ય છીનવી લેવામાં આવ્યું અને શ્રી અટલબિહારી વાજપેયી, શ્રી જ્યોર્જ ફર્નાન્ડિસથી લઈને શ્રી મોરારજી દેસાઈ જેવા વિપક્ષના ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
કટોકટી દરમિયાન નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી કટોકટીવિરોધી આંદોલનના મૂળમાં હતાં. તેઓ સરમુખત્યારશાહીના અત્યાચારનો વિરોધ કરવા માટે રચિત ગુજરાત લોકસંઘર્ષ સમિતિ (જીએલએસએસ)ના સભ્ય હતા. આગળ જતા તેઓ આ સમિતિના મહાસચિવ બન્યા હતા, જેમાં તેમની મુખ્ય ભૂમિકા રાજ્યના કાર્યકર્તાઓ વચ્ચે સંકલન સ્થાપિત કરવાની હતી. કોંગ્રેસ વિરોધી નેતાઓ અને કાર્યકર્તાઓ પર રાખવામાં આવતી નજરના પગલે આ કામ અતિ મુશ્કેલ હતું.
કટોકટી દરમિયાન નરેન્દ્ર મોદીએ કરેલા કામ વિશે અનેક વાતો કરવામાં આવે છે. તેમાંથી એક વાત એ છે કે તેઓ સ્કૂટર પર સવાર થઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ કાર્યકર્તાને એક સુરક્ષિત ઘરમાં લઈ ગયા હતા. આ જ રીતે એક વાર આ વાત સામે આવી કે ધરપકડ કરવામાં આવેલા નેતાઓમાંથી એક ધરપકડ સમયે પોતાની સાથે ઘણા મહત્વપૂર્ણ કાગળિયા લઈને જતા હતા. આ કાગળિયા કોઈ પણ કિંમતે ફરી મેળવવાના હતા. આ જવાબદારી નરેન્દ્ર મોદીને સુપરત કરવામાં આવી હતી કે તેઓ કોઈ પણ રીતે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા એ નેતા પાસેથી કાગળિયા લઈ આવે અને એ પણ પોલીસ કર્મચારીઓ સામે! જ્યારે નાનાજી દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેમની પાસે એક પુસ્તક હતું, જેમાં તેમાં તેમની સાથે સહાનુભૂતિ દાખવનાર લોકોના સરનામા લખ્યા હતા. નરેન્દ્ર મોદીએ તેમાંથી દરેક વ્યક્તિને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી, જેથી તેમાંથી કોઈની ધરપકડ ન થાય.
નરેન્દ્ર મોદીની અન્ય જવાબદારીઓમાંથી એક ગુજરાતમાં કટોકટી વિરોધી કાર્યકર્તાઓ માટે ગુજરાતમાંથી આવવા-જવા માટેની વ્યવસ્થા કરવાની હતી. કેટલીક વખત તેમના કામને કારણે તેમને વેશપલટો કરીને જવું પડતું હતું, જેથી તેમને કોઈ ઓળખી ન જાય. એક દિવસે તેઓ શીખ સજ્જનના વેશમાં હોય તો બીજા દિવસે દાઢી રાખનાર વડીલ સ્વરૂપે.
કટોકટીના દિવસોમાં નરેન્દ્ર મોદીના સૌથી અમૂલ્ય અનુભવોમાંથી એક એ હતો કે આ દરમિયાન તેમને વિવિધ પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કામ કરવાની તક મળી હતી. નરેન્દ્ર મોદીએ જૂન, 2013માં બ્લોગમાં લખ્યું હતું કેઃ
મારા જેવા યુવાનોને કટોકટી માટે એક જ લક્ષ્યાંક માટે લડતા અનેક નેતાઓ અને સંગઠનોના એક વ્યાપક અને આશ્ચર્યજનક સમૂહ સાથે કામ કરવાની અદભૂત તક આપી હતી. કટોકટીએ અમને એ સંસ્થાઓથી પર થઈને કામ કરવા સક્ષમ બનાવ્યા, જેમાં અમે શરૂઆતથી જોડાયેલા હતા. અટલજી, અડવાણીજી, સ્વર્ગીય શ્રી દત્તોપંત ઠેંગડી, સ્વર્ગીય શ્રી નાનાજી દેશમુખ જેવા આપણા પરિવારના દિગ્ગજોથી લઈને શ્રી જ્યોર્જ ફર્નાન્ડિસ જેવા સમાજવાદીઓ અને શ્રી મોરારજી દેસાઈ સાથે મળીને કામ કરનાર શ્રી રવીન્દ્ર વર્મા જેવા કોંગ્રેસી દિગ્ગજો તથા કટોકટીથી વ્યથિત વિવિધ વિચારધારાઓ સાથે જોડાયેલા નેતાઓએ અમને પ્રેરિત કર્યા હતા. હું નસીબદાર છું કે મને ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ ઉપકુલપતિ શ્રી ધીરુભાઈ દેસાઈ, માનવતાવાદી શ્રી સી ટી દરુ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ અને શ્રી ચીમનભાઈ પટેલ તથા મુસ્લિમ આગેવાન સ્વર્ગીય શ્રી હબીબ ઉર રહમાન જેવા લોકો પાસેથી ઘણું બધું શીખવા મળ્યું હતું. કટોકટીને યાદ કરું છું ત્યારે કોંગ્રેસની નિરંકુશતાના વિરોધ કરનાર અને પક્ષનો ત્યાગ કરનાર સ્વર્ગીય શ્રી મોરારજી દેસાઈનો સંઘર્ષ અને દ્રઢ સંકલ્પ યાદ આવે છે.
વિવિધ વિચારો અને વિચારધારાઓના સંગમે એક મોટા અને નેક ઉદ્દેશ માટે આકાર લીધો હોય તેવું લાગતું હતું. અમે બધા દેશમાં લોકશાહી વ્યવસ્થા જાળવી રાખવાના સહિયારા ઉદ્દેશ માટે જાતિ, ધર્મ, સમુદાય કે ધર્મના મતભેદોથી ઉપર ઊઠી એકસાથે કામ કરી રહ્યા હતા. અમે ડિસેમ્બર, 1975માં ગાંધીનગરમાં તમામ વિપક્ષી સાંસદોની એક મહત્વપૂર્ણ બેઠક માટે તૈયારી કરી હતી. આ બેઠકમાં સ્વર્ગીય શ્રી પુરુષોત્તમ માવળંકર, શ્રી ઉમાશંકર જોશી અને શ્રી કૃષ્ણકાંત જેવા અપક્ષ સાંસદોએ પણ ભાગ લીધો હતો.
રાજનીતિના દાયરાની બહાર નરેન્દ્ર મોદીને સામાજિક સંસ્થાઓ અને ઘણા ગાંધીવાદીઓ સાથે કામ કરવાની તક મળી હતી. તેઓ જ્યોર્જ ફર્નાન્ડિસ (જેમને તેઓ ‘જ્યોર્જ સાહેબ’ના નામથી બોલાવે છે) અને નાનાજી દેશમુખ બંને સાથે થયેલી બેઠકોને ઘણી વખત યાદ કરે છે. તે કાળા દિવસો દરમિયાન પોતાના અનુભવો લખતા રહેતા હતા, જેને પછી ‘કટોકટીમાં ગુજરાત’ નામના એક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે.
કટોકટી પછી
નવનિર્માણ આંદોલનની જેમ કટોકટીનો અંત જનતાના વિજય સ્વરૂપે થયો. 1977ની લોકસભાની ચૂંટણીમાં શ્રી ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસનો પરાજય થયો હતો. લોકોએ પરિવર્તન માટે મત આપ્યો હતો અને જનતા પક્ષની નવી સરકાર રચાઈ હતી, જેમાં અટલજી અને અડવાણીજી જેવા જનસંઘના નેતાઓને મહત્વપૂર્ણ કેબિનેટ મંત્રીઓ બનાવવામાં આવ્યા હતા.
બરોબર એજ સમયે નરેન્દ્ર મોદીને અગાઉના વર્ષો દરમિયાન દાખવેલી સક્રિયતા અને સંગઠનક્ષમતાના શિરપાવ સ્વરૂપે ‘સંભાગ પ્રચારક’ (પ્રાદેશિક સંગઠકને સમકક્ષ) બનાવવામાં આવ્યા હતા. તેમને દક્ષિણ અને મધ્ય ગુજરાતની જવાબદારી સુપરત કરવામાં આવી હતી. લગભગ આ જ ગાળામાં તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને કટોકટી દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનુભવોને સત્તાવાર રીતે પ્રસ્તુત કરવાની જવાબદારી સુપરત કરવામાં આવી હતી. આ જવાબદારીનો અર્થ કામનો વધારે બોજ તથા પ્રાદેશિક અને રાષ્ટ્રીય બંને ફરજો વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો હતો, જેણે નરેન્દ્ર મોદીએ સરળતાપૂર્વક અને કુશળતાપૂર્વક અદા કરી હતી.
ગુજરાતના એક ગામડામાં નરેન્દ્ર મોદી
ગુજરાતમાં તેમના પ્રવાસ ચાલુ રહ્યા અને 1980ના દાયકાની શરૂઆતમાં વધારો થયો હતો. આ દરમિયાન તેમને રાજ્યના દરેક તાલુકા અને લગભગ દરેક ગામની મુલાકાત લેવાની તક સાંપડી હતી. તેમને આ અનુભવ સંગઠક અને મુખ્યમંત્રી એમ બંને સ્વરૂપે કામ લાગ્યો હતો. દરમિયાન તેઓ લોકોની સમસ્યાઓને પ્રત્યક્ષ રીતે જોઈ શક્યા હતા અને તેનું સમાધાન કરવાના સંકલ્પમાં વધારો થયો હતો. જ્યારે દુષ્કાળ, પૂર આવે કે તોફાનો થયા હતા, ત્યારે તેમણે રાહત કાર્યોનું નેતૃત્વ પણ કર્યું હતું.
નરેન્દ્ર મોદી પોતાના કામમાં આનંદ સાથે ગળાડૂબ હતા, પણ સંઘમાં વડીલો અને નવરચિત ભાજપ તેમને વધારે જવાબદારી સુપરત કરવા ઇચ્છતી હતી અને આ રીતે 1987માં નરેન્દ્ર મોદીના જીવનમાં વધુ એક પ્રકરણની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તેઓ જેટલો સમય માર્ગો પર પસાર કરતા હતા, તેટલો જ સમય પક્ષની વ્યૂહરચનાઓ ઘડવામાં પસાર કરવા લાગ્યા. તેમને પક્ષના નેતાઓ સાથે કામ કરવાનું હતું અને કાર્યકર્તાઓ સાથે બેસવાનું હતું.
દેશની સેવા માટે પોતાનું ઘર છોડનાર વડનગરનો એક કિશોર વધુ એક હરણફાળ ભરવાનો હતો. જોકે તેના માટે પોતાના દેશવાસીઓ અને મહિલાઓના ચહેરા પર હાસ્ય લાવવા માટે ચાલી રહી પોતાની અવિરત યાત્રામાં આ નાનો વળાંક હતો. કૈલાશ માનસરોવરની યાત્રા કર્યા પછી નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપમાં મહાસચિવ સ્વરૂપે કામ કરવાની શરૂઆત કરી હતી.