

નમસ્કાર,
કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રીમાન મહેન્દ્રનાથ પાંડેજી, આર કે સિંહજી, મંત્રી મંડળના અન્ય તમામ સભ્યો, આ કાર્યક્રમમાં જોડાયેલા મારા તમામ યુવા સાથીદારો, અન્ય મહાનુભવો અને ભાઈઓ અને બહેનો,
કોરોના વિરૂધ્ધના મહાયુધ્ધમાં આજે એક મહત્વના અભિયાનના આગળના ચરણનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર દરમ્યાન દેશમાં હજારો પ્રોફેશનલ્સ કૌશલ્ય વિકાસના અભિયાન સાથે જોડાયા. આ પ્રયાસને કારણે દેશમાં કોરોના સામે મુકાબલા કરવામાં દેશને મોટી તાકાત મળી. હવે કોરોનાની બીજી લહેર પછી, જે અનુભવો મળ્યા છે, તે અનુભવો આજના આ કાર્યક્રમનો મુખ્ય આધાર બન્યા છે. કોરોનાની બીજી લહેરમાં આપણા લોકોએ જોયું કે કોરોના વાયરસનું બદલાવુ અને વારંવાર સ્વરૂપ બદલવું તે આપણી સામે કેવા પ્રકારના પડકારો લાવી શકે છે. આ વાયરસ આપણી વચ્ચે હાલમાં પણ છે જ, અને જ્યાં સુધી એ છે, ત્યાં સુધી એના મ્યુટન્ટ હોવાની સંભાવના પણ રહે છે ત્યાં સુધી આપણે દરેક ઈલાજ, દરેક સાવધાની સાથે આવનારા પડકારોનો સામનો કરવા માટે દેશની તૈયારીઓને વધુ વધારવાની રહેશે. આ લક્ષ્ય સાથે આજે દેશમાં 1 લાખથી પણ વધુ કોરોના અગ્રહરોળના કાર્યકરો તૈયાર કરવાનુ મહા અભિયાન શરૂ થઈ રહ્યું છે.
સાથીઓ,
આ મહામારીએ દુનિયાના દરેક દેશ, દરેક સંસ્થા, દરેક સમાજ, દરેક પરિવાર, દરેક મનુષ્યના સામર્થ્યની અને તેની સીમાઓની વારંવાર કસોટી કરી છે. આ મહામારીએ વિજ્ઞાન, સરકાર, સમાજ, સંસ્થા અને વ્યક્તિ સ્વરૂપે આપણને પોતાની ક્ષમતાઓ વિસ્તારવા સતર્ક પણ કર્યા છે. પીપીઈ કિટ્સ અને ટેસ્ટીંગ ઈન્ફ્રાસ્ટ્રકચરથી માંડીને કોવિડ કેર અને સારવાર સાથે જોડાયેલા મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચરનું જે મોટું નેટવર્ક હાલમાં દેશમાં તૈયાર થયું છે તે કામ હજુ પણ ચાલી રહ્યું છે. અને તે તેનું પરિણામ છે. આજે દેશનાં દૂર દૂરનાં હૉસ્પિટલો સુધી પણ વેન્ટીલેટર્સ, કોન્સન્ટ્રેટર્સ, પહોંચાડવાનું કામ પણ ઝડપી ગતિથી હાથ ધરવાના પ્રયાસો ચાલી રહયા છે. દોઢ હજારથી વધુ ઓક્સિજન પ્લાન્ટના નિર્માણનું કામ પણ યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે અને ભારતના દરેક જીલ્લામાં પહોંચાડવાનો એક ભગીરથ પ્રયાસ હાથ ધરાયો છે. આ પ્રયાસોની વચ્ચે એક કુશળ માનવ બળનો એક મોટો સમૂહ હોવો અને તેમાં નવા લોકોનું જોડાતા રહેવું તે પણ એટલું જ જરૂરરી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાને લડત આપી રહેલા વર્તમાન દળને સહયોગ પૂરો પાડવા માટે, દેશના આશરે એક લાખ યુવાનોને તાલિમ આપવા માટેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ કોર્સ બે ત્રણ મહિનામાં જ પૂરો થઈ જશે અને લોકો તુરંત કામગીરી માટે ઉપલબ્ધ પણ થઈ જશે અને એક તાલિમ પામેલા સહાયક સ્વરૂપે વર્તમાન વ્યવસ્થાને ઘણી બધી સહાય કરી શકશે, તેમનો બોઝ હળવો કરશે. દેશના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની માંગને આધારે દેશના ટોચના નિષ્ણાતોએ આ ક્રેશ કોર્સ તૈયાર કર્યો છે. આજે 6 નવા કસ્ટમાઈઝ કોર્સનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. નર્સીંગ સાથે જોડાયેલું પ્રાથમિક કામ હોય, હોમ કેર હોય કે પછી, ક્રિટિકલ કેરમાં સહાય કરવાની હોય, તેના માટે યુવાનોને તૈયાર કરવામાં આવી રહયા છે. એમાં નવા યુવાનોનો કૌશલ્ય વિકાસ પણ થશે અને જે લોકો અગાઉથી આ પ્રકારે તૈયાર થઈ ચૂક્યા છે, તેમનું અપ-સ્કિલિંગ પણ થશે.
આ અભિયાનથી કોવિડ સાથે લડી રહેલા આપણા હેલ્થ સેકટરના ફ્રન્ટલાઈન ફોર્સને નવી ઊર્જા મળશે અને આપણા યુવાનોને રોજગારની નવી તકો માટે પણ અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સાથીઓ,
સ્કિલ, રિ-સ્કિલ અને અપ-સ્કિલનો મંત્ર કેટલો મહત્વપૂર્ણ છે તે કોરોના કાળે વધુ એક વાર સિધ્ધ કર્યું છે. હેલ્થ સેકટરના લોકો સ્કિલ્ડ તો હતા જ, તે કોરોના સાથે કામ પાર પાડવા માટે ઘણું બધુ નવું શિખ્યા પણ છે, એટલે કે એક રીતે કહીએ તો તેમણે પોતાની જાતને રિ-સ્કિલ કરી છે. તેની સાથે સાથે તેમનામાં જે સ્કિલ અગાઉથી હતી તેનું પણ તેમણે વિસ્તરણ કર્યુ છે. બદલાતી પરિસ્થિતિ અનુસાર તેમણે પોતાની જાતને અપગ્રેડ કરવી કે મૂલ્ય વર્ધન કરવુ તે અપ-સ્કિલિંગ છે અને સમયની તે માંગ છે. અને જે રીતે ટેકનોલોજી દરેકના જીવનમાં પ્રવેશ કરી રહી છે ત્યારે લગાતાર ગતિશિલ વ્યવસ્થા અપ-સ્કિલિંગની જરૂરિયાત બની ગઈ છે. સ્કિલ, રિ-સ્કિલ અને અપ-સ્કિલના આ મહત્વને સમજીને દેશમાં સ્કિલ ઈન્ડીયા મિશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત કૌશલ્ય વિકાસનુ અલગ મંત્રાલય રચવાનું હોય, દેશભરમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્રો ખોલવાનાં હોય, આઈટીઆઈની સંખ્યા વધારવાની હોય, એમાં લાખો નવી બેઠકો જોડવાની હોય, આ બાબતો ઉપર લગાતાર કામ ચાલી રહ્યુ છે. હાલમાં સ્કિલ ઈન્ડીયા મિશન દર વર્ષે લાખો યુવાનોને આજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તાલીમ આપવામાં મોટી મદદ કરી રહ્યું છે. આ વાતની દેશમાં ઘણી ચર્ચા થઈ નથી કે કોરોનાના આ સમયમાં કૌશલ્ય વિકાસના આ અભિયાને દેશને કેટલી મોટી તાકાત પૂરી પાડી છે. ગયા વર્ષે જયારથી કોરોનાનો આ પડકાર આપણી સામે આવ્યો છે, ત્યારથી જ કૌશલ્ય વિકાસ મંત્રાલયે સમગ્ર દેશના હેલ્થ વર્કર્સને તાલિમ આપવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી છે. માંગ આધારિત કૌશલ્ય સમૂહ તૈયાર કરવા માટેની જે ભાવના સાથે આ મંત્રાલય બનાવવામાં આવ્યું હતું, તે બાબતે હાલ ઝડપથી કામ ચાલી રહ્યું છે.
સાથીઓ,
આપણી વસ્તીના વ્યાપને ધ્યાનમાં રાખીને, હેલ્થ સેકટરમાં ડોકટરો, નર્સ, પેરામેડિકકસ સાથે જોડાયેલી જે વિશેષ સેવાઓ છે, તેમનુ વિસ્તરણ કરતા રહેવું એ પણ એટલુ જ મહત્વનું કામ છે. આ વિષયે અગાઉનાં વર્ષોમાં કેન્દ્રિત અભિગમ સાથે કામ કરવામાં આવ્યું છે. વિતેલા 7 વર્ષમાં નવાં એઈમ્સ, નવી મેડિકલ કોલેજો, અને નવી નર્સીંગ કોલેજો ઉભી કરવા બાબતે ઘણો બધો ભાર મુકવામાં આવ્યો છે. આમાંથી ઘણી સંસ્થાઓએ કામ પણ શરૂ કરી દીધુ છે. આ રીતે તબીબી શિક્ષણ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓમાં સુધારાને પ્રોત્સાહિત કરવામાં આવી રહયા છે. આજે જે ગતિથી, જે ગંભીરતાથી, હેલ્થ પ્રોફેશનલ્સ તૈયાર કરવાનુ કામ ચાલી રહ્યુ છે. તે અભૂતપૂર્વ છે.
સાથીઓ,
આજના આ કાર્યક્રમમાં હું આપણા હેલ્થ સેકટર સાથે જોડેલા એક મજબૂત સ્થંભની ચોકકસ ચર્ચા કરવા માગુ છું. ઘણી વાર આપણા આ સાથીઓની ચર્ચા થતી નથી. આ સાથીઓ છે, આપણા આશા તથા આંગણવાડી અને ગામે ગામમાં ડીસ્પેન્સરીમાં તહેનાત રહેતા આપણા સ્વાસ્થય કર્મીઓ છે. આપણા આ સાથીઓએ સંક્રમણને રોકવાથી માંડીને દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાન સુધીની બાબતોમાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. મોસમની પરિસ્થિતિ અને ભૌગોલિક પરિસ્થિતિ ગમે તેટલી પણ વિપરિત હોય તો પણ આ સાથીઓ તમામ દેશવાસીઓની સુરક્ષા માટે દિન રાત મચેલા રહે છે. ગામડાંમાં સંક્રમણના ફેલાવાને રોકવામાં, દૂર દૂરના ક્ષેત્રોમાં, પહાડી અને આદિવાસી વિસ્તારોમાં રસીકરણ અભિયાનને સફળતાથી ચલાવવામાં આપણા આ સાથીઓએ ઘણી મહત્વની ભૂમિકા બજાવી છે. 21મી જૂનથી જ્યારે આપણા દેશમાં રસીકરણ અભિયાનનુ વિસ્તરણ થવાનુ છે. તેને પણ આ સાથીઓ ખૂબ જ તાકાત પૂરી પાડી રહયા છે, ઘણી ઉર્જા પૂરી પાડી રહયા છે. હું આજે જાહેરમાં તેમની ખૂબ ખૂબ પ્રશંસા કરૂ છું, આ તમામ સાથીઓની કામગીરીની સરાહના કરૂ છું.
સાથીઓ,
21મી જૂનથી રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. તેની સાથે સંકળાયેલી અનેક ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે. હવે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સાથીઓને પણ એ જ સુવિધા મળશે જે અત્યાર સુધી 45 વર્ષથી વધુ વય ધરાવતા આપણા મહાનુભવોનો મળી રહી હતી. કેન્દ્ર સરકાર દરેક નાગરિકને રસી આપવા માટે, વિના મૂલ્યે રસી આપવા માટે કટિબધ્ધ છે. આપણે કોરોના પ્રોટોકોલનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાનુ છે. માસ્ક અને બે ગજનુ અંતર પણ ખૂબ જરૂરી છે. સમાપનમાં હું આ ક્રેશ કોર્સ કરનાર તમામ યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું. મને વિશ્વાસ છે કે તમારું નવુ કૌશલ્ય દેશવાસીઓનું જીવન બચાવવામાં લગાતાર કામમાં આવશે અને તમને પણ જીવનનો આ એક નવો પ્રવેશ ખૂબ જ સંતોષ પૂરો પાડશે કારણ કે તમે જ્યારે પહેલી વાર રોજગાર માટે જીવનની શરૂઆત કરી રહયા છો, છેલ્લા દોઢ વર્ષથી લગાતાર કામ કરી રહયા હતા ત્યારે તમે માનવ જીવનના રક્ષણ માટે પોતાને જોડી રહયા હતા. લોકોની જીંદગી બચાવવાના કામમાં જોડાયેલા રહયા હતા. વિતેલા વર્ષમાં દોઢ વર્ષથી કામ કરી રહેલા આપણા ડોકટર્સ, આપણી નર્સો, તેમણે એટલો બધો બોજ ઉઠાવ્યો છે કે તમારા આગમનથી હવે તેમને તાકાત મળવાની છે. એટલા માટે આ કોર્સ તમારામાં, તમારા જીવનમાં એક નવી તક લઈને આવી રહ્યો છે. માનવતાની સેવાના લોક કલ્યાણના કામ માટે તમને એક તક ઉપલબ્ધ થઈ રહી છે. માનવ સેવાના આ પવિત્ર કાર્ય માટે ઈશ્વર તમને ખૂબ શક્તિ આપે. તમે ઝડપથી આ કોર્સની બારીકીઓ શિખો. પોતાની જાતને ઉત્તમ વ્યક્તિ બનાવવાનો પ્રયાસ કરો. તમારી પાસે એવું કૌશલ્ય છે કે જે દરેક વ્યક્તિનો જીવ બચાવવામાં કામે લાગે તેવું છે. એના માટે મારા તરફથી તમને ખુબ ખુબ શુભેચ્છાઓ.
ખુબ ખુબ ધન્યવાદ !