“ Vishwanath Dham is not just a grand building. This is a symbol of the Sanatan culture of India. It is a symbol of our spiritual soul. This is a symbol of India's antiquity, traditions, India's energy and dynamism.”
“Earlier the temple area was only 3000 square feet which has now been enlarged to about 5 lakh square feet. Now 50000 - 75000 devotees can visit the temple and temple premises”
“The dedication of Kashi Vishwanath Dham will give a decisive direction to India and will lead to a brighter future. This complex is a witness of our capability and our duty. With determination and concerted thought, nothing is impossible”
“For me God comes in the form of people, For me every person is a part of God. I ask three resolutions from the people for the country - cleanliness, creation and continuous efforts for self-reliant India”
“Long period of slavery broke our confidence in such a way that we lost faith in our own creation. Today, from this thousands-year-old Kashi, I call upon every countryman - create with full confidence, innovate, do it in an innovative way”
Felicitates and has lunch with the workers who worked on the construction Kashi Vishwanath Dham

હર હર મહાદેવ, હર હર મહાદેવ, નમઃ પાર્વતી પતેય, હર હર મહાદેવ, માતા અન્નપૂર્ણા કી જય, ગંગા મૈયા કી જય.

આ ઐતિહાસિક આયોજનમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કર્મયોગી શ્રી યોગી આદિત્ય નાથજી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને આપણાં સૌના માર્ગદર્શક શ્રીમાન જે. પી. નડ્ડાજી, ઉપ-મુખ્યમંત્રી ભાઈ કેશવપ્રસાદ મૌર્યજી, શ્રી દિનેશ શર્માજી, કેન્દ્રના મંત્રી પરિષદમાં મારા સાથી મહેન્દ્રનાથ પાંડેજી, ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહજી, અહીંના મંત્રી શ્રીમાન નિલકંઠ તિવારીજી, દેશના ખૂણે ખૂણેથી અહીં પધારેલા પૂજ્ય સંતગણ અને મારા વ્હાલા મારા કાશીવાસી અને દેશ વિદેશથી આ પ્રસંગે સાક્ષી બની રહેલા તમામ શ્રધ્ધાળુ સાથીગણ, કાશીના તમામ ભાઈઓની સાથે બાબા વિશ્વનાથના ચરણોમાં આપણે મસ્તક નમાવીએ છીએ. માતા અન્નપૂર્ણાના ચરણમાં વારંવાર વંદન કરીએ છીએ. હમણાં હું બાબાની સાથે સાથે નગર કોટવાલ કાલ ભૈરવજીના દર્શન કરીને જ આવ્યો છું. હાં, તો સૌથી પહેલાં તેમને પૂછવું આવશ્યક છે કે હું કાશીના કોટવાલના ચરણોમાં પણ નમન કરૂં છું. ગંગા તરંગ, રમણિય જટા- કલાપમ, ગૌરી નિરંતર વિભૂષિત વામ- ભાગ્મ્નારાયણ, પ્રિય- મનંગ- સદાપ- હારમ્, વારાણસી પુર- પતિમ્ ભજ વિશ્વનાથમ્. આપણે બાબા વિશ્વનાથના દરબારમાંથી દેશ અને દુનિયાના આ શ્રધ્ધાળુ લોકોને પ્રણામ કરીએ છીએ, જે પોતપોતાના સ્થળેથી આ મહાયજ્ઞમાં સાક્ષી બની રહ્યા છીએ. હું, આપણાં સૌ કાશીના લોકોને પ્રણામ કરૂં છું કે જેમના સહયોગથી આ શુભ ઘડી આવી છે. હૃદય ગદ્દગદ્દ થઈ રહ્યું છે. મન આલ્હાદિત્ત છે. આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન.

સાથીઓ,

આપણાં પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ કાશીમાં પ્રવેશ કરે છે ત્યારે તમામ બંધનોથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિશ્વેશ્વરના આશીર્વાદ અને અહીં આવતાં જ એક અલૌકિક ઊર્જા આપણાં- અંતર આત્માને જાગૃત કરી દે છે. અને આજે તો ચિરચૈતન્ય કાશીની ચેતનામાં એક અલગ જ સ્પંદન જોવા મળે છે. આજે આદિ કાશીની અલૌકિકતામાં એક અલગ જ આભા દેખાય છે! આજે શાશ્વત બનારસના સંકલ્પોમાં એક અલગ જ સામર્થ્ય દેખાઈ રહ્યું છે. આપણે શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે જ્યારે પણ કોઈ પવિત્ર અવસર હોય છે ત્યારે તમામ તીર્થ, તમામ દૈવી શક્તિઓ બનારસમાં બાબાની પાસે હાજર થઈ જાય છે. થોડો એવો જ અનુભવ મને આજે બાબાના દરબારમાં આવતાં જ થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે આપણું સંપૂર્ણ ચેતન બ્રહ્માંડ તેનાથી જોડાયેલું છે. એક રીતે કહીએ તો પોતાની માયાનો વિસ્તાર બાબા જ જાણે છે, પણ જ્યાં સુધી આપણી માનવીય દ્રષ્ટિ પહોંચે છે ત્યાં  'વિશ્વનાથ ધામ' ના આ પવિત્ર આયોજન પ્રસંગે, આ સમયે સમગ્ર વિશ્વ આપણી સાથે જોડાયેલું છે.

સાથીઓ,

આજે ભગવાન શિવનો પવિત્ર દિવસ સોમવાર છે. આજે વિક્રમ સંવત 2078, માગશર શુક્લ પક્ષ અને દશમની તિથી એક નવો ઈતિહાસ રચી રહી છે. આપણું એ સૌભાગ્ય છે કે આપણે આ તિથીના સાક્ષી બની રહ્યા છીએ. આજે વિશ્વનાથ ધામ અકલ્પનિય અનંત ઊર્જા સભર છે. તેનો વૈભવ વિસ્તરી રહ્યો છે. તેની વિશેષતા આકાશને આંબી રહી છે. અહીં આસપાસમાં જે પ્રાચીન મંદિર લુપ્ત થઈ ગયા હતા તેને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે. બાબા પોતાના ભક્તોની સદીઓની સેવાથી પ્રસન્ન થયેલા છે અને એટલા માટે જ તેમણે આજના દિવસે આપણને આશીર્વાદ આપ્યા છે. વિશ્વનાથ ધામનું આ સંપૂર્ણ નવુ સંકુલ એક ભવ્ય ભવન તો છે જ, પણ સાથે સાથે તે આપણાં ભારતની સનાતન સંસ્કૃતિનું પ્રતિક પણ છે! તે આપણો આધ્યાત્મિક આત્મા છે! તે ભારતની પ્રાચીનતાનું, પરંપરાઓનું પ્રતિક છે!  ભારતની ઊર્જાનું, ગતિશીલતાનું પણ પ્રતિક છે. તમે જ્યારે અહીંયા આવશો તો તમને માત્ર આસ્થાના જ દર્શન નહીં થાય, પણ અહીંના પ્રાચીન ગૌરવનો પણ અનુભવ થશે. કેવીરીતે, પ્રાચીનતા અને નવિનતા એક સાથે સજીવ થઈ રહ્યા છે, કેવી રીતે પુરાતનની પ્રેરણા ભવિષ્યને દિશા આપી રહી છે તેના સાક્ષાત દર્શન વિશ્વનાથ ધામ પરિસરમાં આપણને થઈ રહ્યા છે.

સાથીઓ,

જે મા ગંગા  ઉત્તરવાહિની થઈને બાબાના ચરણ પખારવા કાશી આવે છે, તે મા ગંગા પણ આજે ખૂબ જ પ્રસન્ન બની હશે. હવે આપણે જ્યારે ભગવાન વિશ્વનાથના ચરણોમાં નમન કરીશું, ધ્યાન લગાવીશું તો મા ગંગાનો સ્પર્શ કરીને આવતી હવા પણ આપણને સ્નેહ આપશે, આશીર્વાદ આપશે. અને જ્યારે મા ગંગા ઉન્મુક્ત બનશે, પ્રસન્ન થશે ત્યારે બાબાના ધ્યાનમાં આપણે ' ગંગાના તરંગોના કલ કલ અવાજનો દૈવી અનુભવ કરી શકીશું. બાબા વિશ્વનાથ સૌના છે, મા ગંગા સૌની છે. તેમના આશીર્વાદ દરેક માટે છે, પરંતુ સમય અને પરિસ્થિતિ અનુસાર બાબા અને મા ગંગાની સેવાની સુલભતા મુશ્કેલ બની ગઈ હતી. અહીંયા દરેક વ્યક્તિ આવવા ઈચ્છતી હતી, પણ રસ્તા અને જગાનો અભાવ નડતો હતો. વૃધ્ધો માટે તથા દિવ્યાંગો માટે અહીં આવવાનું ખૂબ જ મુશ્કેલ હતું, પણ હવે વિશ્વનાથ ધામ પરિયોજના પૂરી થવાથી અહીં તમામ લોકો માટે પહોંચવાનું સરળ બની ગયું છે. આપણાં દિવ્યાંગ ભાઈ- બહેન, વૃધ્ધ માતા- પિતા સીધા જ હોડી દ્વારા જેટ્ટી સુધી આવી શકશે. જેટ્ટીથી ઘાટ સુધી આવવા માટે એસ્કેલેટર મૂકવામાં આવ્યા છે. ત્યાંથી સીધા મંદિર સુધી પહોંચી શકાશે. સાંકડા રસ્તાઓના કારણે દર્શન માટે કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડતી હતી. તેના કારણે જે તકલીફ પડતી હતી તે પણ ઓછી થશે. અગાઉ અહીંનો મંદિર વિસ્તાર માત્ર 3000 ચો.ફૂટ હતો તે હવે લગભગ 5 લાખ ચો.ફૂટમાં ફેરવાઈ ગયો છે. હવે મંદિર અને મંદિર પરિસરમાં 50, 60, 70 હજાર શ્રધ્ધાળુઓ આવી શકશે. એટલે કે પહેલાં મા ગંગાના દર્શન, સ્નાન અને ત્યાંથી સીધા જ વિશ્વનાથ ધામ. આ તો છે- હર હર મહાદેવ.

સાથીઓ,

જ્યારે હું બનારસ આવ્યો હતો ત્યારે એક વિશ્વાસ સાથે આવ્યો હતો. વિશ્વાસ મારા કરતાં વધુ બનારસના લોકો પર હતો. તમારી પર હતો. આજે હિસાબ - કિતાબ કરવાનો સમય નથી, પણ મને યાદ છે કે તે સમયે કેટલાક લોકો એવા પણ હતા કે જે બનારસના લોકો પર શંકા કરતા હતા. કેવું બનશે, બનશે કે નહીં બને, અહીં તો આવું જ ચાલે છે. આ મોદીજી જેવા તો અહીંયા અનેક લોકો આવીને ગયા. મને અચરજ થતું હતું કે બનારસ માટે આવી ધારણાઓ કરવામાં આવી રહી હતી. આવા તર્ક કરવામાં આવતા હતા! આ જડતા બનારસની ન હતી! હોઈ પણ શકે નહીં! ઓછી વધતી રાજનીતિ હતી. થોડો ઘણો કેટલાક લોકોનો અંગત સ્વાર્થ પણ હતો અને એટલા માટે જ બનારસ પર આરોપ મૂકવામાં આવતા હતા, પણ કાશી તો કાશી છે. કાશી તો અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે. જેમના હાથમાં ડમરૂં છે તેમની સરકાર છે. જ્યાં મા ગંગા પોતાની ધારા બદલીને વહે છે તે કાશીને કોણ રોકી શકે તેમ છે? કાશી ખંડમાં ખુદ ભગવાન શંકરે કહ્યું છે કે  "વિના મમ પ્રસાદમ્ વૈ કઃ કશી પ્રતિ-પદ્યતે" આનો અર્થ એવો થાય કે મારી પ્રસન્નતા વગર કાશીમાં કોણ આવી શકે છે, કોણ તેની સેવા કરી શકે છે? કાશીમાં મહાદેવજીની ઈચ્છા વગર કોઈ આવી શકતું નથી કે તેમની ઈચ્છા વગર કશું થઈ શકતું નથી. અહીંયા જે કંઈપણ થાય છે તે મહાદેવની ઈચ્છાથી જ થાય છે. અહીંયા જે કંઈપણ થયું છે તે મહાદેવજીએ જ કર્યું છે. આ વિશ્વનાથ ધામ, તે બાબા તમારા આશીર્વાદથી બન્યું છે. તેમની ઈચ્છા વગર પાંદડું પણ હલી શકે? કોઈ ગમે તેટલું મોટું હોય તો પણ તે પોતાના ઘરે હોય છે. અહીં બોલાવે ત્યારે જ તે આવી શકે છે, કશું કરી શકે છે.

સાથીઓ,

બાબાની સાથે જો કોઈનું યોગદાન હોય તો તે બાબાના સમુદાયનું છે. બાબાનો સમુદાય એટલે કે આપણાં બધા કાશીવાસી, જે ખુદ મહાદેવજીનું રૂપ છે. જ્યારે જ્યારે બાબાને પોતાની શક્તિનો અનુભવ કરાવવો હોય તો તે કાશીવાસીઓના માધ્યમથી જ કરાવે છે, પછી કાશી કરે છે અને લોકો જુએ છે. "ઈદમ શિવાય, ઈદમ ન મમ"

ભાઈઓ અને બહેનો,

હું આજે આપણાં દરેક શ્રમિક ભાઈ- બહેનોનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું. જેમનો પરસેવો આ ભવ્ય પરિસરના નિર્માણમાં વહ્યો છે. કોરોનાના આ કપરા કાળમાં પણ તેમણે અહીંયા કામ અટકવા દીધુ નથી. મને હમણાં આપણાં આ શ્રમિક સાથીઓને મળવાની તક પ્રાપ્ત થઈ, તેમના આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપણાં કારીગરો, આપણાં સિવિલ એન્જીનિયરો સાથે જોડાયેલા વહિવટ કરતા લોકો, એ પરિવાર કે જેમના અહીંયા ઘર હતા. હું તમામને અભિનંદન પાઠવું છું અને તેમની સાથે સાથે હું ઉત્તર પ્રદેશ સરકારના આપણાં કર્મયોગી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને અને તેમની સંપૂર્ણ ટીમને પણ અભિનંદન પાઠવું છું કે જેમણે કાશી વિશ્વનાથ ધામ યોજના પૂરી કરવા માટે દિવસ- રાત એક કર્યા હતા.

સાથીઓ,

આપણી આ વારાણસીએ યુગો જીવ્યા છે, ઈતિહાસને બનતો અને બગડતો પણ જોયો છે. કેટલાય કાલખંડ આવીને ગયા, ઘણી જ સલ્તનતો ઊભી થઈ અને માટીમાં ભળી ગઈ, પરંતુ બનારસ અકબંધ રહ્યું છે. બનારસ પોતાનો રસ પ્રસારી રહ્યું છે.  બાબાનું આ ધામ માત્ર શાશ્વત જ છે એટલું જ નહીં, પણ તેના સૌંદર્યથી હંમેશા સંસાર આશ્ચર્યચક્તિ અને આકર્ષિત થતો રહ્યો છે. આપણાં પુરાણોમાં પ્રાકૃતિક આભાથી ઘેરાયેલી કાશીના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે જો પ્રાચીન ગ્રંથોમાં જોઈશું તો ઈતિહાસકારોએ પણ વૃક્ષો, સરોવરો અને તળાવોથી ઘેરાયેલા કાશીના અદ્દભૂત સ્વરૂપની પ્રશંસા કરી છે, પણ સમય ક્યારે એક સરખો રહેતો નથી. હુમલાખોરોએ આ નગરી પર આક્રમણ કર્યું, તેને ધ્વસ્ત કરવાના પ્રયાસ કર્યા! ઔરંગઝેબના અત્યાચાર અને તેના આતંકનો ઈતિહાસ સાક્ષી છે. જેણે સભ્યતાને તલવારના બળથી બદલવાની કોશિષ કરી, જેણે સંસ્કૃતિને કટ્ટરતા વડે કચડી નાંખવાની કોશિષ કરી! પણ આ દેશની માટી બાકીની દુનિયા કરતાં થોડી અલગ હતી. અહીંયા ઔરંગઝેબ આવે છે તો શિવાજી પણ ઊભા થાય છે. જો કોઈ સાલાર મસૂદ અહીં આવે છે તો રાજા સુહેલદેવ જેવા વીર યોધ્ધા પણ તેને આપણી તાકાતનો અનુભવ કરાવે છે. અને અંગ્રેજોના કાળમાં પણ વોરેન હેસ્ટીંગનો કેવો હાલ કાશીના લોકોએ કર્યો હતો તે કાશીના લોકો સમયે સમયે બોલતા રહેતા હોય છે. અને કાશીના મોંઢેથી આ બહાર આવે છે. ઘોડા પર અને હાથી પર સવારી કરીને વોરન હેસ્ટીંગ જીવ બચાવી ભાગ્યો હતો.

સાથીઓ,

આજે સમયનું ચક્ર તો જુઓ. આતંકના પર્યાય સમાન ઈતિહાસના કાળા પાના સુધી અટકીને રહી ગયો છે અને મારૂં કાશી આગળ વધી રહ્યું છે. પોતાના ગૌરવને તે એક નવી ભવ્યતા આપી રહી છે.

સાથીઓ,

કાશી અંગે હું જેટલું પણ બોલું છું તેટલો તેમાં ડૂબતો જાઉં છું અને તેટલો જ ભાવુક બનતો જાઉં છું. કાશી શબ્દોનો વિષય નથી. કાશી સંવેદનાની સૃષ્ટિ છે. કાશી એક એવું સ્થળ છે કે જ્યાં જાગૃતિ જ જીવન છે. કાશી એવું સ્થળ છે કે જ્યાં મૃત્યુ પણ મંગળ છે. કાશી એવું સ્થળ છે કે જ્યાં સત્ય જ સંસ્કાર છે. કાશી એવું છે કે જ્યાં પ્રેમ જ પરંપરા છે.

ભાઈઓ અને બહેનો,

આપણાં શાસ્ત્રોએ પણ કાશીનો મહિમા વર્ણવ્યો છે અને છેલ્લે તેમણે શું કહ્યું હતું 'નેતિ- નેતી' જ કહ્યું છે. આનો અર્થ એ થાય કે આટલું જ નહીં, પણ તેનાથી આગળ પણ કશુંક છે. આપણાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે ''શિવમ જ્ઞાનમ ઈતિ બ્રયુઃ શિવ શબ્દાર્થ ચિન્તકાઃ'' નો અર્થ એ થાય છે કે શિવ શબ્દનું ચિંતન કરનારા લોકો શિવને જ જ્ઞાન કહે છે. એટલા માટે આ કાશી શિવમયી છે. આ કાશી જ્ઞાનમયી છે અને એટલા માટે જ્ઞાન, શોધ, સંશોધન એ કાશી અને ભારત માટે સ્વાભાવિક નિષ્ઠા બની રહ્યા છે. ભગવાન શિવે સ્વયં કહ્યું હતું કે ''સર્વ ક્ષેત્રેષુ ભૂં પૃષ્ઠે, કાશી ક્ષેત્રમ્ ચ મે વપુઃ'' નો અર્થ એવો થાય છે કે ધરતીના તમામ ક્ષેત્રોમાં કાશી સાક્ષાત મારૂં જ શરીર છે. એટલા માટે અહીંના પત્થર, અહીંના દરેક પથ્થર શંકર છે. એટલા માટે આપણે કાશીને સજીવ માનીએ છીએ અને આ ભાવનાને કારણે આપણને પોતાના દેશના કણ કણમાં માતૃભાવનો બોધ પ્રાપ્ત થાય છે. આપણાં શાસ્ત્રોનું વાક્ય છે '''દ્રશ્યતે સવર્ગ સર્વેઃ,કાશ્યમ વિશ્વેશ્વરઃ તથા'' એટલે કે કાશીમાં સર્વત્ર, દરેક જીવમાં ભગવાન વિશ્વેશ્વરના જ દર્શન થાય છે. એટલા માટે કાશી જીવત્વને સીધુ શિવત્વ સાથે જોડે છે. આપણાં ઋષિઓએ પણ કહ્યું છે કે ''વિશ્વેશં શરણં, યાયાં, સમે બુધ્ધિ પ્રદાસ્યતિ''નો અર્થ એવો થાય છે કે ભગવાન વિશ્વેશ્વરના શરણમાં આવવાથી સદ્દબુધ્ધિ પ્રાપ્ત થાય છે. બનારસ એક એવું નગર છે કે જ્યાંથી જગદ્દગુરૂ શંકરાચાર્યને શ્રીડોમ રાજાની પવિત્રતાથી પ્રેરણા પ્રાપ્ત થઈ. તેમણે દેશને એકતાના સૂત્રમાં બાંધવાનો સંકલ્પ કર્યો. આ એ જગા છે કે જ્યાં ભગવાન શંકરની પ્રેરણાથી ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસ જેવી અલૌકિક રચના કરી હતી.

અહીંની ધરતી પર આવેલા સારનાથમાં ભગવાન બુધ્ધનો બોધ દુનિયા માટે પ્રગટ થયો. સમાજ સુધારણા માટે કબીરદાસ જેવા મનિષી અહીંયા પ્રગટ થયા. જ્યારે સમાજને જોડવાની જરૂર હતી ત્યારે સંત રઈદાસની ભક્તિથી શક્તિનું કેન્દ્ર પણ આ કાશી બન્યું હતું. કાશી અહિંસા અને તપની પ્રતિમૂર્તિ જેવા 4 જૈન તિર્થંકરોની પણ ધરતી છે. રાજા હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠાથી માંડીને વલ્લભાચાર્ય અને રામાનંદજીના જ્ઞાન સુધી, ચૈતન્ય મહાપ્રભુથી માંડીને સમર્થ ગુરૂ રામદાસથી માંડીને સ્વામિ વિવેકાનંદ અને મદનમોહન માલવિયા સુધીના અનેક ઋષિઓ અને આચાર્યોનો સંબંધ કાશીની આ પવિત્ર સાથે જોડાયેલો રહ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજને અહીંથી પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. રાણી લક્ષ્મીબાઈથી માંડીને ચંદ્રશેખર આઝાદ સુધીના અનેક સેનાનીઓની કર્મભૂમિ અને જન્મભૂમિ કાશી જ રહી છે. ભારતેન્દુ હરિશ્ચંદ્ર, જયશંકર પ્રસાદ, મુન્શી પ્રેમચંદ, પંડિત રવિશંકર અને બિસ્મિલ્લા ખાન જેવી પ્રતિભાઓનું સ્મરણ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલુ છે. ક્યાં સુધી જઈએ, કેટલું કહીએ, જે રીતે કાશી અનંત છે તે રીતે તેનો ભંડાર પણ અનંત છે, તેનું યોગદાન પણ અનંત છે. કાશીના વિકાસમાં આ અનંત પુણ્યાત્માઓની ઊર્જા સામેલ થયેલી છે. આ વિકાસથી ભારતને અનંત પરંપરાઓનો વારસો પ્રાપ્ત થયો છે. એટલા માટે દરેક મત- મતાંતરના લોકો, દરેક ભાષા અને વર્ગના લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે અહીંની જગા સાથે પોતાના જોડાણનો અનુભવ કરે છે.

સાથીઓ,

કાશી આપણાં ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક રાજધાની તો છે જ, પણ તે ભારતની આત્માનો એક અનંત અવતાર પણ છે. તમે જુઓ, પૂર્વ અને ઉત્તરને જોડતા આ ઉત્તર પ્રદેશમાં વસેલી કાશી નગરી, અહીંના વિશ્વનાથ મંદિરને તોડી પાડવામાં આવ્યું તો આ મંદિરનું પુનઃ નિર્માણ માતા અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું. તેમની જન્મભૂમિ મહારાષ્ટ્ર હતી, તેમની કર્મભૂમિ ઈંદોર- માહેશ્વર હતી અને અનેક વિસ્તારોમાં હતી. તે માતા અહલ્યાબાઈ હોડકરને આ પ્રસંગે હું નમન કરૂં છું. 200 થી 250 પૂર્વે તેમણે કાશી માટે આટલું બધુ કર્યું હતું. તે પછી કાશી માટે આટલું કામ થયું છે.

સાથીઓ,

બાબા વિશ્વનાથ મંદિરના આભા વધારવા માટે પંજાબથી મહારાજા રણજીત સિંહે 23 મણ સોનુ ચડાવ્યું હતું. આ સોનુ તેમના શિખર પર મઢવામાં આવ્યું હતું. પંજાબથી પૂજ્ય ગુરૂ નાનક દેવજી કાશી આવ્યા હતા. અહીંયા તેમણે સતસંગ કર્યો હતો. અન્ય શીખ ગુરૂઓનો પણ કાશી સાથે વિશેષ સંબંધ રહ્યો છે. પંજાબના લોકોએ કાશી માટે દિલ ખોલીને દાન કર્યું છે. પૂર્વમાં બંગાળની રાણી ભવાનીએ બનારસના વિકાસ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધુ હતું. મૈસૂર અને દક્ષિણ ભારતના અન્ય રાજાઓએ પણ બનારસ માટે ઘણું મોટું યોગદાન આપ્યું હતું. આ એક એવું શહેર છે કે જ્યાં તમને ઉત્તર- દક્ષિણ, નેપાળી લગભગ દરેક પ્રકારની શૈલીના મંદિરો જોવા મળશે. વિશ્વનાથ મંદિર આવી જ આદ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે અને હવે આ વિશ્વનાથ ધામ પરિસર પોતાના ભવ્ય રૂપથી તે ચેતનાને ઊર્જા પૂરી પાડી રહ્યું છે.

સાથીઓ,

દક્ષિણ ભારતના લોકોની કાશી તરફની આસ્થા, દક્ષિણ ભારતનો કાશી ઉપર અને કાશીનો દક્ષિણ ભારત ઉપરનો પ્રભાવ આપણે સારી રીતે જાણીએ છીએ. એક ગ્રંથમાં લખ્યું છે કે - તેનો પયાથેન કદા- ચનાત, વારાણસિમ પાપ નિવારણન. આવાદી વાણી બલિનાહ, સ્વશિષ્યન્, વિલોક્ય લીલા- વાસરે, વલિપ્તાન. કન્નડ ભાષામાં એવું કહેવામાં આવ્યું છે. આનો અર્થ એ થાય કે જગદ્દગુરૂ માધવાચાર્યજી પોતાના શિષ્યો સાથે ચાલી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે કાશીના વિશ્વનાથ પાપનું નિવારણ કરે છે. તેમણે પોતાના શિષ્યોને કાશીનો વૈભવ અને તેના મહિમા બાબતે પણ સમજ આપી હતી.

સાથીઓ,

સદીઓ પહેલાંની ભાવના નિરંતર ચાલી આવી રહી છે. મહાકવિ સુબ્રમણ્ય ભારતી કાશીના પ્રવાસે તેમના જીવનની દિશા બદલી નાંખી હતી. તેમણે એક જગાએ લખ્યું છે કે, તામિલમાં લખ્યું છે "કાશી નગર પુલવર પેસુમ ઉરઈ દાન, કાન્જિઈલ કે -પદાકૌર, ખરૂવિ  સેવોમ" નો અર્થ એવો થાય છે કે "કાશી નગરના સંત કવિના ભાષણ કાંચીપુરમાં સાંભળવાના સાધન બનાવીશું." જેનો અર્થ એ થાય છે કે કાશીમાંથી નીકળેલો દરેક સંદેશ એટલો વ્યાપક છે કે તે દેશની દિશા બદલી નાંખે છે. હું વધુ એક વાત પણ અહીં કરીશ. મારો જૂનો અનુભવ છે કે ઘાટ પર રહેનારા આપણાં લોકો, નાવ ચલાવનારા લોકો અને અનેક બનારસી સાથીઓએ કે જેનો તમે રાત્રે પણ ક્યારેક અનુભવ કર્યો હશે કે તામિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ વગેરે ભાષાઓ એટલી પ્રભાવી રીતે બોલાય છે કે એવું લાગે આ લોકો કેરળ, તમિલનાડુ કે કર્ણાટકથી તો આવ્યા નથીને. આવી ઉત્તમ ભાષા તે બોલે છે.

સાથીઓ,

ભારતની હજારો વર્ષ જૂની ઊર્જા આવી જ રીતે સુરક્ષિત રહી છે, સંરક્ષિત રહી છે. જ્યારે અલગ અલગ સ્થળેથી, અલગ અલગ વિસ્તારોમાંથી આવનારા લોકો અહીંયા એક સૂત્રથી જોડાય છે ત્યારે  ભારત 'એક  ભારત, શ્રેષ્ઠ ભારત' સ્વરૂપે જાગૃત થાય છે. એટલા માટે આપણે 'સૌરાષ્ટ્રે સોમનાથમ્' થી માંડીને 'અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા'નું દરરોજ સ્મરણ કરવાનું શિખવે છે. આપણે ત્યાં દ્વાદશ જ્યોતિર્લિંગોનું સ્મરણ કરવાથી ફળ મળે છે એવું કહેવામાં આવે છે. "તસ્ય તસ્ય ફલ પ્રાપ્તિઃ, ભવિષ્યતિ ન સંશયઃ" નો અર્થ થાય છે કે સોમનાથથી માંડીને વિશ્વનાથ સુધી 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી દરેક સંકલ્પ સિધ્ધ થાય છે એ વાતમાં કોઈ સંશય નથી. આ સંશય એટલા માટે નથી કે તેના સ્મરણના બહાને સંપૂર્ણ ભારતનો ભાવ એક જૂથ થાય છે અને ત્યારે ભારતનો ભાવ આવે છે તો સંશય ક્યાંથી રહી શકે. કશું જ અસંભવ રહેતું નથી.

સાથીઓ,

એ પણ માત્ર સંયોગ નથી કે જ્યારે પણ કાશી કરવટ લે છે ત્યારે કશુંક નવું કરે છે. દેશનું ભાગ્ય બદલાય છે. વિતેલા 7 વર્ષોમાં કાશીમાં ચાલી રહેલો વિકાસનો મહાયજ્ઞ આજે એક નવી ઊર્જા પ્રાપ્ત કરી રહ્યો છે. કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ ભારતને એક નવી ઊર્જા આપી રહ્યું છે. કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ ભારતને એક નવી દિશા આપશે, એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે. આ પરિસર આપણાં સામર્થ્યનું સાક્ષી છે. આપણાં કર્તવ્યનું સાક્ષી છે. જો વિચાર કર્યો હોય તો, નિશ્ચય કર્યો હોય તો કશું જ અસંભવ હોતું નથી. દરેક ભારતવાસીની ભૂજાઓમાં તે બળ છે કે જે અકલ્પનિયને પણ સાકાર કરે છે. આપણે તપ જાણીએ છીએ અને તપસ્યાને પણ જાણીએ છીએ. દેશ માટે દિવસ- રાત મરી-મિટવાનું પણ જાણીએ છીએ. પડકાર ગમે તેટલો મોટો જ કેમ ના હોય, આપણે સૌ ભારતીય મળીને તેને પરાસ્ત કરી  શકીએ છીએ. વિનાશ કરનારની શક્તિ ક્યારેય પણ ભારતની શક્તિ અને ભારતની ભક્તિથી મોટી હોતી નથી. યાદ રાખો, જે દ્રષ્ટિથી આપણે પોતાને જોઈશું તે જ દ્રષ્ટિથી વિશ્વ પણ આપણને જોશે. મને આનંદ છે કે સદીઓ જૂની ગુલામીએ આપણી ઉપર જે પ્રભાવ પાથર્યો હતો, જે ખરાબ ભાવનાથી ભારતને ભરી દેવામાં આવ્યો હતો. હવે આજનું ભારત તેમાંથી બહાર નિકળી ચૂક્યું છે. આજનું ભારત માત્ર સોમનાથ મંદિરને જ સુંદર બનાવતું નથી, પણ સમુદ્રમાં હજારો કીલોમીટર ઓપ્ટિકલ ફાયબર પણ પાથરી રહ્યું છે. આજનું ભારત માત્ર બાબા કેદારનાથના મંદિરનો જે જીર્ણોધ્ધાર કરે છે તેટલું જ નહીં, પરંતુ પોતાની શક્તિથી ભારતીયોને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી પણ કરી રહ્યું છે. આજનું ભારત અયોધ્યામાં માત્ર પ્રભુ શ્રી રામનું મંદિર જ બનાવી રહ્યું છે તેવું જ નહીં, પણ દરેક જીલ્લામાં મેડિકલ કોલેજ પણ ખોલી રહ્યું છે. આજનું ભારત માત્ર બાબા વિશ્વનાથ ધામને ભવ્ય રૂપ આપી રહ્યું છે તેવું જ નથી, પણ તે ગરીબો માટે કરોડો ઘર પણ બાંધી રહ્યું છે.

સાથીઓ,

નૂતન ભારતને પોતાની સંસ્કૃતિનો ગર્વ પણ છે અને પોતાના સામર્થ્ય ઉપર પણ એટલો જ ભરોંસો છે. નૂતન ભારતમાં વારસો પણ છે અને વિકાસ પણ છે. તમે જુઓ, જનકપુરથી આવવા- જવાનું સરળ બનાવવા માટે રામ- જાનકી માર્ગનું નિર્માણ થઈ રહ્યું છે. આજે ભગવાન રામ સાથે જોડાયેલા સ્થળોને રામ સરકીટ સાથે જોડવામાં આવી રહ્યા છે અને સાથે સાથે રામાયણ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે. બુધ્ધ સરકીટ ઉપર પણ કામ ચાલી રહ્યું છે, તો સાથે સાથે કુશીનગરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું છે. કરતારપુર સાહેબ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે તો ત્યાં હેમકુંડ સાહેબજીના દર્શના સરળ બને તે માટે રોપવે બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. ઉત્તરાધામમાં ચારધામ સડક મહા પરિયોજનાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. ભગવાન વિઠ્ઠલના કરોડો ભક્તોના આશીર્વાદથી શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનું કામ પણ હમણાં થોડાંક અઠવાડિયા પહેલાં જ શરૂ થઈ ચૂક્યું છે.

સાથીઓ,

કેરાળામાં ગુરૂવાયુર મંદિર હોય કે પછી તામિલ નાડુમાં કાંચીપુરમ- વેલન્કાની, તેલંગણાનું જોગુલાંબા દેવી મંદિર હોય કે પછી બંગાળનો બેલુર મઠ હોય, ગુજરાતમાં દ્વારકાજી હોય કે પછી અરૂણાચલ પ્રદેશનો પરશુરામ કુંડ હોય. દેશના અલગ અલગ રાજ્યોમાં આપણી આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આવા અનેક પવિત્ર સ્થળો માટે સંપૂર્ણ ભક્તિભાવ સાથે કામ કરવામાં આવી રહ્યું છે, કામ ચાલી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો,

આજનું ભારત પોતાના ખોવાયેલા વારસાને ફરીથી સજાવી રહ્યું છે. અહીંયા કાશીમાં તો માતા અન્નપૂર્ણા ખુદ બિરાજમાન છે. મને આનંદ છે કે કાશીમાંથી ચોરવામાં આવેલી મા અન્નપૂર્ણાની પ્રતિમા એક સદીની પ્રતિક્ષા પછી, 100 વર્ષ પછી હવે ફરીથી કાશીમાં સ્થાપિત થઈ ચૂકી છે. માતા અન્નપૂર્ણાની કૃપાથી કોરોના કઠીન સમયમાં દેશે પોતાના અન્ન ભંડાર ખોલી દીધા હતા. કોઈ ગરીબ ભૂખે ના સૂએ તેનું ધ્યાન રાખ્યું હતું. મફત રાશનની પણ વ્યવસ્થા કરી હતી.

સાથીઓ,

જ્યારે પણ આપણે ભગવાનના દર્શન કરીએ છીએ, મંદિરમાં જઈએ છીએ, ઘણી વખત ભગવાન પાસેથી કશુંક માંગીએ છીએ. કોઈ સંકલ્પ લઈને પણ જતા હોઈએ છીએ. મારા માટે તો જનતા જનાર્દન ઈશ્વરનું જ સ્વરૂપ છે. મારા માટે ભારતવાસી ઈશ્વરનો જ અંશ છે. જે રીતે બધા લોકો ભગવાન પાસે જઈને માંગે છે ત્યારે હું તમને જ ભગવાન માનું છું. જનતા જનાર્દનને જ ઈશ્વરનું સ્વરૂપ માનું છું. તો હું આજે તમારી પાસે કશુંક માંગવા ઈચ્છું છું. હું તમારી પાસે કશુંક માંગુ છું. હું મારા પોતાના માટે નહીં, પણ આપણાં દેશ માટે ત્રણ સંકલ્પની ઈચ્છા રાખું છું. તમે ભૂલતા નહીં. ત્રણ સંકલ્પની ઈચ્છા છે અને હું તે બાબાની પવિત્ર ધરતી પરથી માંગી રહ્યો છું. પ્રથમ સંકલ્પ છે- સ્વચ્છતા, બીજો- સર્જન અને ત્રીજો સંકલ્પ છે- આત્મનિર્ભર ભારત માટે સતત પ્રયાસ.  સ્વચ્છતા જીવનશૈલી હોય છે, સ્વચ્છતા શિસ્ત હોય છે. તે પોતાની સાથે કર્તવ્યોની એક ખૂબ મોટી સાંકળ લઈને આવે છે. ભારત ભલે ગમે તેટલો વિકાસ કરે, જો સ્વચ્છતા નહીં હોય તો આપણાં માટે આગળ ધપવાનું મુશ્કેલ બની જશે. આપણે આ દિશામાં ઘણું બધુ કામ કર્યું છે, પણ આપણે પોતાના પ્રયાસોને આગળ ધપાવવા પડશે. કર્તવ્યની ભાવનાથી સભર તમારો એક નાનો સરખો પ્રયાસ દેશને ખૂબ મોટી મદદ કરશે. અહીંયા બનારસમાં પણ, શહેરમાં, ઘાટ ઉપર સ્વચ્છતાને એક નવા સ્તર પર લઈ જવાની છે. ગંગાજીની સ્વચ્છતા માટે ઉત્તરાખંડથી માંડીને બંગાળ સુધી ઘણાં પ્રયાસો ચાલી રહ્યા છે. નમામિ ગંગે અભિયાનને સફળતા પ્રાપ્ત થાય તે માટે આપણે સજાગ રહીને કામ કરતાં રહેવું પડશે.

સાથીઓ,

ગુલામીના લાંબા કાલખંડમાં આપણે ભારતીયોએ પોતાનો આત્મવિશ્વાસ એવી રીતે તૂટવા દીધો કે જેથી આપણે સર્જનમાં વિશ્વાસ ખોઈ બેઠા. આજે હજારો વર્ષ જૂની આ કાશીમાંથી હું દરેક દેશવાસીને સંપૂર્ણ આત્મવિશ્વાસથી સર્જન કરવા, કશુંક નવું કરવા અને કંઈક નવા પ્રકારે કરવા માટે અનુરોધ કરૂં છું. જ્યારે ભારતનો યુવાન કોરોનાના આ મુશ્કેલ સમયમાં પણ સેંકડો સ્ટાર્ટઅપ બનાવી શકતો હોય, આટલા પડકારોની વચ્ચે ચાલીસથી વધુ યૂનિકોર્ન બનાવી શકતો હોય તો તે દર્શાવે છે કે તે કંઈ પણ કરી શકે છે. તમે વિચાર કરો, એક યૂનિકોર્ન એટલે કે એક સ્ટાર્ટઅપ આશરે સાત સાત કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું હોય છે અને વિતેલા એક- દોઢ વર્ષમાં બન્યા છે. આટલા ઓછા સમયમાં આ અભૂતપૂર્વ કામ થયું છે. દરેક ભારતવાસી જે પણ વિસ્તારમાં હોય, દેશ માટે તે કશુંક નવું કરવાનો પ્રયાસ કરતો રહેશે તો નવો માર્ગ મળશે. નવા રસ્તા મળશે અને દરેક નવી મંજીલ મેળવીને જ રહેશે.

ભાઈઓ અને બહેનો,

ત્રીજો એક સંકલ્પ જે આજે આપણે લેવાનો છે તે- આત્મનિર્ભર ભારત માટે પોતાના પ્રયાસ વધારવાનો છે. આ આઝાદીનો અમૃતકાળ છે. આપણે આઝાદીના 75મા વર્ષમાં છીએ. ભારત જ્યારે 100 વર્ષની આઝાદીનો સમારંભ ઉજવતો હશે ત્યારે ભારત કેવું હશે તેના માટે આપણે સૌએ કામ કરવાનું રહેશે અને તેના માટે આપણે આત્મનિર્ભર બનવું જરૂરી છે. જ્યારે આપણે દેશમાં બનેલી ચીજો માટે ગર્વ કરીશું, જ્યારે લોકલ માટે વૉકલ બનીશું, જ્યારે આપણે આવી ચીજો ખરીદીશુ કે જેને બનાવવામાં કોઈ ભારતીયનો પરસેવો વહ્યો હશે તેવા અભિયાનને મદદ કરીશું. અમૃતકાળમાં ભારત 130 કરોડ દેશવાસીઓના પ્રયાસોથી આગળ ધપી રહ્યું છે. મહાદેવની કૃપાથી, દરેક ભારતવાસીના પ્રયાસથી આપણે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરી બતાવીશું તેવા વિશ્વાસ સાથે, હું બાબા વિશ્વનાથના, માતા અન્નપૂર્ણાના, કાશીના કોટવાલના અને તમામ દેવી- દેવતાઓના ચરણોમાં ફરી એક વખત નમન કરૂં છું. આટલી મોટી સંખ્યામાં દેશના અલગ અલગ ખૂણેથી પૂજય સંત મહાત્મા અહીંયા પધાર્યા છે તે આપણાં માટે અને મારા જેવા સામાન્ય નાગરિક માટે એક સૌભાગ્યની ઘડી છે. હું તમામ સંતોને, તમામ પૂજય મહાત્માઓને મસ્તક ઝૂકાવીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, પ્રણામ કરૂં છું. હું આજે તમામ કાશીવાસીઓને, દેશવાસીઓને ફરી એક વખત અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

હર હર મહાદેવ!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
5 Days, 31 World Leaders & 31 Bilaterals: Decoding PM Modi's Diplomatic Blitzkrieg

Media Coverage

5 Days, 31 World Leaders & 31 Bilaterals: Decoding PM Modi's Diplomatic Blitzkrieg
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister urges the Indian Diaspora to participate in Bharat Ko Janiye Quiz
November 23, 2024

The Prime Minister Shri Narendra Modi today urged the Indian Diaspora and friends from other countries to participate in Bharat Ko Janiye (Know India) Quiz. He remarked that the quiz deepens the connect between India and its diaspora worldwide and was also a wonderful way to rediscover our rich heritage and vibrant culture.

He posted a message on X:

“Strengthening the bond with our diaspora!

Urge Indian community abroad and friends from other countries  to take part in the #BharatKoJaniye Quiz!

bkjquiz.com

This quiz deepens the connect between India and its diaspora worldwide. It’s also a wonderful way to rediscover our rich heritage and vibrant culture.

The winners will get an opportunity to experience the wonders of #IncredibleIndia.”