નમસ્તે,
કેમ છો બધા?
આમ તો મારે ત્યાં રૂબરૂ આવવું જોઇતું હતું. જો હું રૂબરૂ આવી શક્યો હોત તો, તમને બધાને મળી શક્યો હોત. જોકે, સમયના અભાવે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે, હું ખૂબ જ ભાગ્યશાળી છુ કે, આ શુભ કાર્યક્રમમાં ભાગ લઇ શક્યો છું. હું માનુ છુ કે, આ કામ – અનેક પ્રકારે મહત્વ ધરાવે છે, બૃહદ સેવા મંદિર પ્રોજેક્ટનું આ એક મહત્વપૂર્ણ કાર્ય જે આપ સૌના પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યું છે.
મેં લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું હતું કે, “સબકા પ્રયાસ”. બધા સાથે મળીને મા ઉમિયા ધામના વિકાસ માટે થઇને, માં ઉમિયા ધામ સેવા સંકુલના નિર્માણની સાથે બધા જોડાઇને એક નવું લક્ષ્યાંક નક્કી કરે જ્યાં ધાર્મિક કામ થાય, આધ્યાત્મિક હેતુથી કામ થાય પરંતુ એનાથી વધારે સેવાનું કામ થાય. અને આ જ સાચો માર્ગ છે. આપણે ત્યાં તો કહ્યું છે કે, “નર કરણી કરે તો નારાયણ હો જાય” (માણસ કર્મ દ્વારા દિવ્યતા પ્રાપ્ત કરી શકે છે). આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે, “જન સેવા એ જ જગ સેવા” (લોકોની સેવા એ દુનિયાની સેવા કરવા જેટલું સારું છે). આપણે એ લોકો છીએ જે પ્રત્યેક જીવમાં ભગવાનને જુએ છે. અને આથી, યુવા પેઢીને તૈયાર કરવા માટે, ભવિષ્યની પેઢીને તૈયાર કરવા મટે અને એ પણ સમાજના સહકારથી અહીં જે કામ કરવાનું આયોજન ઉભું કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનિય છે અને આવકાર્ય પગલું છે. મને તો કહેવામાં આવ્યું હતું કે, તમે “માં ઉમિયા શરણં મમ:” મંત્રનો 51 કરોડ વખત જાપ કરવા અને લખવા માટે એક અભિયાન ચલાવ્યું છે. તો એ પણ એક શક્તિનો ધોધ બની જતું હોય છે. અને તમે માં ઉમિયાના શરણે જઇને જનતા જનાર્દનની સેવાનો માર્ગ અપનાવ્યો છે. અને આજે, સંખ્યાબંધ મોટા કાર્યોની શરૂઆત થઇ ગઇ છે. મા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટ એવો એક વિશાળ સેવા યજ્ઞ આવનારી પેઢીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અને આથી, આપ સૌ અભિનંદનના અધિકારી છો.
પરંતુ જ્યારે તમે યુવાધનને અનેક અવસર આપી રહ્યા છો અને તેમના માટે સંખ્યાબંધ સુવિધાઓ ઉભી કરી રહ્યાં છો ત્યારે, હું આપ સૌને એક વાત કહેવાનું મને જરૂર મન થાય છે અને એ એટલે કે, વર્તમાન સમયે કૌશલ્ય વિકાસના મહત્વને પૂરવાર કરી દીધું છે. કૌશલ્ય વિકાસને તમારી સંસ્થાના દરેક પાસાની સાથે ક્યાંકને ક્યાંક જોડતા જ રહેવું જોઇએ. અને તમે જરૂર આના પર વિચાર તો કર્યો જ હશે. જોકે, અત્યારે કૌશલ્યના મહત્વને વધારવાની આવશ્યકતા છે. પહેલાના સમયમાં, પરિવારની વ્યવસ્થા જ એવી રહેતી હતી કે એમાં આગળની પેઢીને વારસામાં કૌશલ્ય વિકાસ આપવામાં આવતો હતો. હવે સમાજના તાતણામાં ઘણું પરિવર્તન આવી ગયું છે. તો આપણે વ્યવસ્થા ગોઠવીને આ કરવું જોઇએ. અને દેશ અત્યારે “આઝાદીનો અમૃત મહોત્સવ” માનવી રહ્યો છે ત્યારે, અને ગુજરાતમાં આપ સૌની સેવા કરવાનો મને મોકો મળ્યો; અને જ્યારે હવે તમને મને દેશની સેવા કરવાનો મોકો આપ્યો છે ત્યારે, મારી વાત હું જરૂર યાદ કરાવીશ કે “આઝાદીના અમૃત મહોત્સવ”માં પણ સમાજને અને દેશને આપણે શું આપી શકીએ તેનો પણ એક દૃઢ સંકલ્પ કરીને આપણે અહીંથી જવું જોઇએ. એ વાત સાચી છે કે જ્યારે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું, ત્યારે ઘણી બધી વાતો કરી છે, ઘણા બધા વિષયો પર મેં તમારો સાથ અને સરકાર માંગ્યો છે. અને તમે સૌએ મને આપ્યો પણ છે.
મને બરાબર છે, જ્યારે હું ઉંઝા એકવાર “બેટી બચાવો” આંદોલન ચલાવા માટે આવ્યો હતો અને મેં તમારા સૌની સાથે સંખ્યાબંધ વાત કરી હતી. મને માહિતી જાણવા મળી હતી કે, ઉંઝા કે જ્યાં માતા ઉમિયાનું ધામ હોય ત્યાં દીકરીઓના જન્મની સંખ્યા ઘટતી જાય એ તો આપણા માટે મોટું કલંક કહેવાય. અને તે સમયે મેં તમારી પાસેથી એક વચન માંગ્યું હતું કે, આપણે આ પરિસ્થિતિમાં સુધારો લાવવો છે. મારે આજે તમારા બધાનો આભાર માનવો છે કે, તમે બધાએ તે પડકાર સ્વીકાર્યો અને ધીરે ધીરે દીકરીઓની સંખ્યા દીકરાઓની બરાબરી કરે તેવી પરિસ્થિતિ પેદા થઇ. તમને પણ લાગતુ હશે કે સમાજ માટે આ કેટલું જરૂરી છે. અને આપે કર્યું.
એવી જ રીતે મને બરાબર યાદ છે કે જ્યારે આપણે, નર્મદાનું પાણી આવવાની શરૂઆત થઇ, સુઝલામ સુફલામની યોજના બનાવી ત્યારે પણ મેં ઉત્તર ગુજરાતના ખેડૂતોને અને સૌરાષ્ટ્રના ખેડૂતોને તેમજ માં ઉમિયાના ભક્તોને ખાસ વિનંતી કરી હતી કે, ભલે પાણી આવ્યું છે પરંતુ આપણને તો પાણીનું મહત્વ ખૂબ સમજાય તે જરૂરી છે. બાકીના લોકો માટે “જળ એ જ જીવન છે” તે માત્ર એક સૂત્ર છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે, આપણે પાણી વગર કેવા ટળવળતા રહ્યા છીએ. સહેજ વરસાદ ખેંચાય તો આપણા કેટલા દિવસો ખેંચાતા હતા અને આખું વરસ બગડી જાય એ આપણને ખબર હતી. અને તેથી આપણે પાણી બચાવવા માટે સંકલ્પબદ્ધ છીએ. મેં ઉત્તર ગુજરાતમાં મોટાપાયે ટપક સિંચાઇની પદ્ધતિ અપનાવવા કહ્યું હતું અને આપ સૌએ એને પણ આવકારી અને સ્વીકારી. સંખ્યાબંધ ક્ષેત્રોમા ટપક સિંચાઇ પદ્ધતિનો અમલ થયો, પાણી પણ બચવા લાગ્યું, ખેતી પણ સારી થવા લાગી અને પાક પણ સારો થવા લાગ્યો.
એવી રીતે આપણે આપણી ધરતી માતાની ચિંતા કરવાની વાત પણ કરી હતી. સોઇલ હેલ્થ કાર્ડની સમગ્ર પરંપરા આખા દેશમાં આપણે સૌથી પહેલાં ગુજરાતમાં શરૂ કરી છે અને હવે આખો દેશ તેને અનુસરે છે. આપણી જે ધરતી માતા છે, જે આપણને જીવાડે છે એની સ્થિતિ કેવી છે એ આમાંથી જોવામાં આવે છે. અને સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા આપણે ધરતીની હાલત જાણતા હતા અને એમાં શું ખરાબી આવી છે, શું બીમારી આવી છે, શું જરૂરી છે એ જાણ્યું. એ બધુ તો આપણે કર્યું પણ છતાંય, ઉત્પાદનનો મોહ, ઝડપથી બધુ મળી જાય એ બધુ આપણા માનવ સ્વભાવનો ભાગ છે. એમાં જાત જાતના કેમિકલ, જાત જાતના ફર્ટિલાઇઝર અને દવાઓ એ આપણે ધરતી માતાના આરોગ્યની ચિંતા કર્યા વગર એમાં નાખતા જ ગયા. આજે હું આપની પાસે વિનંતી કરવા આવ્યો છુ. આપણે જ્યારે માં ઉમિયાની સેવા કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે આપણે આ ધરતી માંને ભૂલી ના શકીએ. અને માં ઉમિયાના સંતાનોને ધરતી માતાને ભૂલી જવાનો કોઇ અધિકાર પણ નથી. આપણા માટે તો બંને બરાબર છે. આપણું જીવન જ ધરતી માતા છે અને આત્મ આધ્યાત્મ ઉમિયા માતા છે. અને તેથી, મારો આપ સૌને આગ્રહ છે કે, આપણે વેળાસર સંકલ્પ કરીએ, માં ઉમિયાની સાક્ષીએ સંકલ્પ કરીએ કે, હવે આપણે ઉત્તર ગુજરાતમા પ્રાકૃતિક ખેતી તરફ જઇશુ. અને પ્રાકૃતિક ખેતીને બીજા અર્થમાં કહીએ તો ઝીરો બજેટ વાળી ખેતી. ઘણા લોકોને થાય કે, આ મોદી સાહેબને ખેતીની શું સમજણ પડે, તેઓ કહ્યા કરે. ચાલો ભાઇ, મારી વાતમાં તમને તકલીફ થતી હોય તો એવું કરો કે, તમારી પાસે જો 2 એકર જમીન હોય તો, આ વર્ષે એક એકરમાં પ્રાકૃતિક ખેતી અને એક એકરમાં જે દર વખતે કરતા હોય એમ કરો. આવતા વર્ષે પણ આવું જ કરી જુઓ. જો તમને ફાયદો થાય તો, બે વર્ષ પછી બંને એકરમાં પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કરી દો. આનાથી તમારો ખર્ચો બચશે અને ધરતી માતાનો ફરી કાયાકલ્પ થઇ જશે. તેમનામાં નવી ચેતના આવી જશે. અને તમે પણ આવનારી અનેક પેઢીઓ માટે સારું કામ કરીને જશો. હું દૃઢપણે માનું છું. અને વૈજ્ઞાનિક રીતે આ બધુ પુરવાર થયેલું છે. હું 16મી તારીખે અમૂલ ડેરીના એક કાર્યક્રમમાં સંબોધન કરવાનો છુ. અને એમાં પણ હું પ્રાકૃતિક ખેતી પર પણ ચર્ચા કરવાનો છું. હું તો તમને બધાને વિનંતી કરુ છુ કે, આ પ્રાકૃતિક ખેતી શું છે તેને સમજો, તેનો સ્વીકાર કરો અને મા ઉમિયાના આશીર્વાદ લઇને તેને આગળ ધપાવો. અને “સબકા પ્રયાસ” એ જ તો આપણું સૂત્ર છે. “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ” અને હવે “સબકા પ્રયાસ”.
એવી જ રીતે, તમે જોયું હશે કે, ખાસ કરીને બનાસકાંઠામાં પાકની રૂપરેખા પણ બદલાઇ ગઇ છે. અનેક પ્રકારની નવી ખેત ઉપજો અપનાવવાં આવી છે. આવું કચ્છમાં પણ જોવા મળ્યું છે. કચ્છમાં પાણી પહોંચ્યું અને તેમણે ટપક સિંચાઇ સ્વીકારી તો આજે કચ્છમાંથી ફળફળાદી વિદેશ જવા માંડ્યા છે. આપણે ત્યાં પણ આવું થઇ શકે, તેના પર આપણે વિચાર કરીએ. આથી, મારો તો આગ્રહ છે કે, જ્યારે આજે માં ઉમિયાની સેવામાં તમે બધા ઘણા કામો શરૂ કર્યા છે; અને એ પણ સાચી વાત છે કે, આપણે જ્યારે માં ઉમિયાની આરાધના કરતા હોઇએ તો એમ લાગે કે, પરલોક માટે કરીએ છીએ; પરંતું તમે માં ઉમિયાની આરાધનાની સાથે સેવા પણ જોડી છે; આથી, તમે પરલોકની સાથે સાથે આ લોકની પણ ચિંતા કરી છે. વર્તમાન પેઢી સક્ષમ બને અને તેમનું જીવન સમૃદ્ધ બને, તે માટે મને પાકો વિશ્વાસ છે કે આજના અવસરે માં ઉમિયાના આશીર્વાદ સાથે જે નવા પ્રયાસ શરૂ થયા છે, નવી યોજનાઓ શરૂ થઇ છે એ જરૂર ગુજરાતના વિકાસમાં અને દેશના વિકાસમાં મોટું યોગદાન આપશે.
આ જ્યારે દેશ “આઝાદીનો અમૃત મહોત્સવ” ઉજવી રહ્યો, માતા ઉમિયાનું સ્થાન બની રહ્યું છે ત્યારે અનેક નવા સંકલ્પ કરીને આપણે બધા સાથે ચાલીએ.
ફરી એકવાર, આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જ્યારે પણ રૂબરૂ મળવાનું થશે ત્યારે, કેટલું કામ થયું છે, કેટલી પ્રગતિ છીએ એ બધી વાતો પર આપણે વાતચીતો પણ કરીશું. ચાલો આવજો બધા.
જય ઉમિયા મા.