દેશના ખૂણે ખૂણેથી આવેલા અને પોતાની જવાબદારીઓને બખૂબી નિભાવીને એક પ્રેરણા સ્વરૂપ કાર્ય કર્યું છે તેવી બધી જ માતાઓ અને બહેનો!
મારું સૌભાગ્ય છે કે આજે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દેશના ખૂણે ખૂણેથી આવેલી માતાઓ, બહેનોના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું.
મને જણાવવામાં આવ્યું છે કે તમારામાંથી કેટલાક લોકો 3 દિવસથી અહિંયા છે, કેટલાક લોકો બે દિવસથી અહિંયા છે, કેટલાક લોકો બે દિવસ પછી પણ રોકાવાના છે, અલગ અલગ જિલ્લાઓમાં જઈને આવ્યા છે, ગામડા કેવા હોય છે, તે જોઇને આવ્યા છે. અહિંયા પણ તમે લોકોએ બે પ્રદર્શનો જોયા હશે; એક ગામ ગામનો વિકાસ અને તેમાં સ્વચ્છતાનું મહત્વ, આધુનિક ટેકનોલોજી વડે ખૂબ જ ઉત્તમ પ્રકારનું પ્રદર્શન અહિંયા લગાવવામાં આવ્યું છે. મને આવવામાં જે થોડી વાર થઇ તેનું એક કારણ તે પ્રદર્શનમાં મારું મન લાગી ગયું, હું જરા જોતો જ રહી ગયો; તો તેના લીધે અહિંયા પહોચવામાં વાર લાગી ગઈ. એટલું શ્રેષ્ઠ પ્રદર્શન છે, તમને મારો આગ્રહ છે કે તેને ઉપરછલ્લી નજરે ના જોશો. એક વિદ્યાર્થિની નજરે તે આખા પ્રદર્શનને તમે જુઓ. કેમકે સરપંચના નાતે તમે જે જવાબદારી નિભાવી રહ્યા છો તે કામ કરવામાં તમને એક નવી દિશા મળશે, જાણકારીઓ મળશે અને તમારો સંકલ્પ વધારે દૃઢ બનશે, એવો મને વિશ્વાસ છે.
બીજું એ કે આ સ્વચ્છ શક્તિનો સમારોહ છે. ગાંધીની જન્મભૂમિ ગુજરાતમાં છે, ગાંધીના નામે બનેલા શહેરમાં છે, અને ગાંધી જેને આપણે મહાત્મા કહેતા હતા, તે મહાત્મા મંદિરમાં છે; તેનાથી તેનું કેટલું મહાત્મ્ય છે, તમે સમજી શકો છો. અહિંયા જ એક ડિજીટલ પ્રદર્શન, વર્ચ્યુઅલ મ્યુઝિયમ પૂજ્ય બાપુના જીવન પર છે. ગાંધી કુટીર જે અહિંયા જ બનેલી છે, તમે તેને પણ જરૂરથી જોજો. પૂજ્ય બાપુના જીવનને જો આપણે સમજીશું તો સ્વચ્છતા માટે જે પૂજ્ય બાપુનો આગ્રહ હતો, તેને પરિપૂર્ણ કરવાનો અમારો સંકલ્પ અને પરિણામ લાવવા માટે આપણા પ્રયત્નો ક્યારેય પણ બેકાર નહીં જાય.
2019, મહાત્મા ગાંધીને 150 વર્ષ થઇ રહ્યા છે. પૂજ્ય બાપુ કહેતા હતા કે હિન્દુસ્તાન ગામડાઓમાં વસેલું છે. બીજી એક વાત કહેતા હતા, કે મારે જો આઝાદી અને સ્વચ્છતા એ બન્નેમાંથી પહેલા એક પસંદ કરવું પડે તો હું સ્વચ્છતાને પસંદ કરીશ. ગાંધીના જીવનમાં સ્વચ્છતાનું કેટલું મહત્વ હતું તે તેમની આ પ્રતિબદ્ધતાથી જાણી શકાય છે. 2019માં જયારે આપણે ગાંધી 150 ઉજવી રહ્યા છીએ, શું ત્યાં સુધી આપને સ્વચ્છતાના વિષયમાં જે ગાંધીના પ્રયાસો હતા, કોઈ એક સરકારના પ્રયાસો નથી આ, ગાંધીના સમયથી ચાલ્યા આવે છે. દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક કર્યું છે. પરંતુ હવે આપણે નક્કી કરવાનું છે કે અહિંયા સુધીમાં આપણે ઘણું બધું કરી દેવાનું છે. તેના પછી આ વિષય હવે આપણા સ્વભાવનો હિસ્સો બની જશે, આપણી રાષ્ટ્રીય ઓળખ બની જશે; આપણી નસોમાં સ્વચ્છતાનો અનુભવ થશે. આ સ્થિતિ અમે પેદા કરવા માગીએ છીએ. અને આ દેશ તે કરી શકે છે.
આ તે સરપંચ બહેનો છે, જેમણે પોતાના ગામમાં આ કરી બતાવ્યું છે. ખુલ્લામાં શૌચ જવું, તેના વિરુદ્ધ તેમણે સંઘર્ષ કર્યો છે. ગામમાં આ વ્યવસ્થાને વિકસિત કરવા માટે પ્રયાસ કર્યો છે. તેવી સ્વચ્છતાના સંદેશને સફળતાપૂર્વક પોતાના ગામમાં લાગુ કરવાવાળા શક્તીરુપી લોકો અહિંયા બેઠા છે. અને એટલા માટે મારો વિશ્વાસ છે કે જે ગતિ આવી છે, તે ગતિને જો આપણે ખૂબ જ સમયબદ્ધ રીતે અને પૂરી ઝીણવટથી લાગુ કરવાનો પ્રયત્ન કરીશું તો ગાંધી 150 થતા થતા આપને ઘણો બધો બદલાવ લાવી શકીશું.
હમણાં તમે એક ફિલ્મ જોઈ, તેમાં રજૂ કર્યું છે, સ્વચ્છતાના સંબંધમાં પહેલા આપણો રેન્ક 42% સુધી હતો. આટલા ઓછા સમયમાં આપણે 62 પર પહોંચી ગયા. જો આટલા ઓછા સમયમાં 20 ટકા સુધારો લાવી શકીએ છીએ, આવનારા દોઢ વર્ષમાં આપણે હજુ વધારે કરી શકીએ છીએ, તે સ્પષ્ટ રીતે આપ સૌએ કરીને બતાવ્યું છે.
આજે જે માતાઓ, બહેનોનું સન્માન કરવાનો મને અવસર મળ્યો, તેમની એક એક મિનિટની નાની નાની ફિલ્મો આપણે જોઈ. કેટલાક લોકોનો જે ભ્રમ રહેતો હોય છે, તે સૌના ભ્રમ તોડનારી આ બધી ફિલ્મો છે. કેટલાક લોકોને લાગે છે કે ભણેલા ગણેલા લોકો જ કંઈક કામ કરી શકે છે, આ બહેનોએ કરી બતાવ્યું.
કેટલાક લોકોને લાગે છે શહેરમાં હશે, થોડી ઘણી ચપાચપ અંગ્રેજી બોલી શકતા હશે, તે જ કરી શકતા હશે. આ પોતાની ભાષા સિવાય કોઈ ભાષા નથી જાણતા, તો પણ આ કરી શકે છે. જો કોઈ વિષય સાથે વ્યક્તિ જોડાઈ જાય છે, જીવનનો ઉદ્દેશ્ય તેને મળી જાય છે, તો તે તેને પાર કરીને જ રહે છે. ઘણા લોકોને તો ખબર જ નથી હોતી કે તેમની જિંદગીનો ઉદ્દેશ્ય શું છે. તમે પૂછશો, કાલે શું કરશો તો કહે છે સાંજે વિચારીશ. જેમને પોતાના જીવનનો ઉદ્દેશ્ય જ નથી ખબર, તે જીવનમાં ક્યારેય કઈ નથી કરી શકતા, જિંદગી વિતાવી નાખે છે, દિવસો ગણ્યા કરે છે અને કોઈક વસ્તુ જે બે ચાર સારી થઇ તો તેના જ ગુણગાન સાથે ગુજારો કરીને રાત્રે ઊંઘી જાય છે.
પરંતુ જેને જિંદગીનો ઉદ્દેશ્ય મળી જાય છે, જીવનનો હેતુ જેને ખબર પડી જાય છે, તે રોકાયા વિના, થાક્યા વિના, નમ્યા વિના, પોતાના લક્ષ્યની પૂર્તિ કરવા માટે, જેની પણ જરૂર પડે તેને સાથે લઈને; સંઘર્ષ કરવો પડે તો સંઘર્ષ કરીને; પડકારો સામે લડવું પડે તો લડીને પણ પોતાના ઉદ્દેશ્યને પૂર્ણ કર્યા વગર તે શાંતિથી બેસતો નથી.
તમારામાંથી બધા જ સરપંચ હોવ એ કોઈ નાની વાત નથી. કેટલાક લોકો હશે જેમને સરપંચ બનવામાં કદાચ કોઈ તકલીફ નહીં પડી હોય, પરંતુ ઘણા બધા એવા લોકો હશે જેમને આ લોકશાહી પરંપરામાં અહિંયા સુધી પહોચવામાં ઘણું બધું કરવું પડ્યું હશે.
આજથી 15 વર્ષ પહેલા ક્યારેક સરપંચોની બેઠકો યોજાતી હતી, 33 ટકા અનામત હતું, પરંતુ હું પણ બેઠકોમાં અનુભવ કરતો હતો; હું પહેલા ગુજરાતની બહાર કામ કરતો હતો, અનેક અલગ અલગ રાજ્યોમાં મેં કામ કર્યું છે. તો હું પૂછતો હતો તો પરિચયમાં તેઓ કહેતા હતા, પુરુષ; કે હું એસપી છું. તો મને પણ થતું હતું કે આ સરકારી આદમી અહિંયા કેવી રીતે આવી ગયો? આ તો પાર્ટીની બેઠક છે, તો હું પૂછતો હતો ભાઈ તમે એસપી એટલે કે ક્યાં નોકરી કરો છો? તો કહે, ના ના હું એસપી છું, તો મેં કહ્યું, એટલે? તો કહે, હું સરપંચ પતિ છું. તો કહે મારી પત્ની સરપંચ છે પણ બેઠકોમાં હું જ જતો હોઉં છું. હવે કોઈ સમય એવો હતો, આજે એવું નથી. જે મહિલાને સરપંચના નાતે કામ મળ્યું છે, તેને લાગે છે કે પાંચ વર્ષ માટે મને જે મોકો મળ્યો છે, હું કંઈક કરીને જવા માગું છું. તે પોતાની પારિવારિક જવાબદારીઓમાં બધું જ ગોઠવી લે છે. પરિવારમાં પણ પોતાની પ્રાથમિક્તાને લોકો સ્વીકાર કરે તેવું વાતાવરણ બનાવે છે. અને અનુભવ એવું કહે છે કે પુરુષ સરપંચથી વધારે મહિલા સરપંચ પોતાના કામ પ્રત્યે વધારે સમર્પિત હોય છે. તેનું ધ્યાન હોય છે. પુરુષ સરપંચ બાકીની પચાસ વસ્તુઓ કરવામાં લાગેલો હોય છે. તે બન્યો તો સરપંચ હોય છે અને આવતી વખતે જિલ્લા પરિષદમાં જવાનું વિચારતો હોય છે. જિલ્લા પરિષદમાં છે તો ધારાસભામાં જવાનું વિચારતો રહે છે. પરંતુ મહિલાઓ જે સમયે જે કામ મળ્યું તેને પૂરી લગનથી પૂરું કરવાનો પ્રયાસ કરે છે. અને આ તેનું પરિણામ છે.
એક સંસ્થાએ ખૂબ રસપ્રદ સર્વે કર્યો છે અને તે સર્વેમાં તેને ખૂબ મહત્વપૂર્ણ બાબતો મળી છે. અને તેમણે જે બધી વ્યાવસાયિક મહિલાઓ છે, તેમનો સર્વે કર્યો હતો અને તે સર્વેમાં જાણવા મળ્યું કે નવી વસ્તુઓ શીખવાની વૃત્તિ મહિલાઓમાં વધારે આગળ હોય છે. જે કામ તેમને આપવામાં આવ્યું, તેને પૂરું કરવા માટે જેટલી પોતાની ક્ષમતા બનાવવી જોઈએ, શક્તિ લગાવવી જોઈએ, તેમાં તે ક્યારેય પાછી નથી પડતી. જે કામ તેને મળ્યું છે, તે પૂરું ન થાય ત્યાં સુધી શાંતિથી બેસતી નથી. તે સતત તેની પાછળ લાગેલી રહે છે. પોતાનું કામ કરવા માટે, જે નક્કી કરવામાં આવ્યું છે, તેની જવાબદારીમાં છે, તેને પૂરું કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરવો પડશે, કોની કોની શક્તિ જોડવી જોઇશે, ખૂબ સરળતાથી તે કરી લે છે, તેને કોઈ અહંકાર નથી. કોઈને નમસ્કાર કરીને કામ કરાવવું છે તો નમસ્તે કરીને કામ કરાવી લેશે, કોઈને ગુસ્સો કરીને કરાવવું છે તો ગુસ્સો કરીને કરાવી લેશે. ખૂબ રસપ્રદ સર્વે છે આ.
આપણા દેશની 50 ટકા માતૃશક્તિ ભારતની વિકાસ યાત્રામાં સક્રિય ભાગીદારી કરે, આપણે દેશને ક્યાંથી ક્યાં પહોંચાડી શકીએ છીએ. અને એટલા માટે જ બેટી બચાઓ, બેટી પઠાવો, આ મંત્રને લઈને પણ દેશમાં કામ કરવાની ખૂબ જરૂરિયાત છે. ઓછામાં ઓછું જ્યાં મહિલા સરપંચ હોય તે ગામમાં તો ભ્રુણ હત્યા ના જ થવી જોઈએ. માતાના ગર્ભમાં બાળકીને મારી દેવાનું પાપ તે ગામમાં ક્યારેય ના થવું જોઈએ. અને તે જાગૃતિનું કામ એક સરપંચ બહેન જો નક્કી કરે તો કરી શકે છે. પારિવારિક દબાણમાં જો કોઈ વહુ ઉપર જુલમ થઇ રહ્યો છે, તો સરપંચ તેની રક્ષક બનીને ઊભી થઇ શકે છે, અને એકવાર તે કહેવા લાગશે તો કોઈ કંઈ જ નહીં કરી શકે. બેટી બચાઓ! આજે સમાજ, જીવનમાં કેવી દુર્દશા આવી છે.! 1000 દીકરાઓ સામે ક્યાંક 800, ક્યાંક 850, ક્યાંક 900, ક્યાંક 925 (સવા નવસો) દીકરીઓ છે. જો સમાજમાં આટલી મોટી અસમતુલા ઊભી થશે તો આ સમાજ, આ સમાજ ચક્ર ચાલશે કેવી રીતે? અને આ પાપ છે, તેની વિરુદ્ધ સમાજની જવાબદારી છે.
સરપંચ મહિલાઓ કદાચ તેમાં વધુ સફળતા મેળવી શકે છે. સમાજમાં જે માનસિકતા છે, દીકરી છે! હવે છોડો, તેને તો બીજાના ઘરે જવાનું છે. દીકરો છે, જરા સંભાળો. તમે પણ જયારે નાના હશો, મા!મા! પણ તો નારી છે. પણ જયારે ખાવાનું પીરસે છે, અને ઘી પીરસે તો દીકરાને બે ચમચી ઘી નાખે છે, અને દીકરીને એક ચમચી નાખે છે. કેમ? તેને તો બીજાના ઘરે જવાનું છે. દીકરો છે તો ખૂબ ખુશ છે, તે બિલકુલ યોગ્ય નથી. મેં એવી દીકરીઓ જોઈ છે, મા બાપની એકમાત્ર દીકરી, વૃદ્ધ મા બાપને જીવનમાં તકલીફ ના પડે; તે માટે તે દીકરીએ લગ્ન ના કર્યા હોય, મહેનત કરતી હોય અને મા બાપનું કલ્યાણ કરતી હોય; અને મેં એવા દીકરાઓ જોયા છે કે ચાર ચાર દીકરાઓ હોય, અને મા બાપ વૃદ્ધાશ્રમમાં જિંદગી વિતાવતા હોય, એવા દીકરાઓ પણ જોયા છે.
અને એટલા માટે જે ભેદભાવની માનસિકતા છે, તે માનસિકતાની વિરુદ્ધ આપણે દૃઢ સંકલ્પ કરીને બદલાવ લાવવો, બદલાવ આવી રહ્યો છે. એવું નથી કે નથી આવી રહ્યો. તમે જુઓ, આ વખતે હિન્દુસ્તાનનું નામ ઓલિમ્પિકમાં કોણે રોશન કર્યું છે! બધી મારા દેશની દીકરીઓ છે. દેશનું માથું ઊંચું કરી દીધું. આજે 10મા, 12માના પરિણામ જોઈ લો, પ્રથમ દસમાં દીકરીઓ જ દીકરીઓ હોય છે. દીકરાને શોધવો પડે છે કે નંબર લાગ્યો છે કે શું! ક્ષમતા તેમણે સિદ્ધ કરી દીધી છે.
જ્યાં પણ, જે પણ અવસર મળ્યો, તે કામને દેદીપ્યમાન કરવાનું કામ આપણી માતાઓ, બહેનોએ કર્યું છે અને એટલા માટે બેટી બચાઓ, બેટી પઠાવો. આ આપણી સામાજિક જવાબદારી છે, રાષ્ટ્રીય જવાબદારી છે, માનવીય જવાબદારી છે. અમાનવીય વાત સમાજમાં સ્વીકૃત નથી થઇ શક્તિ અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, દીકરીનું મહત્વ સમજાવતા,
यावत गंगा कुरूक्षेत्रे, यावत तिष्ठति मेदनी।
यावत सीता कथालोके, तावत जिवेतु बालिका।।
જ્યાં સુધી ગંગા, કુરુક્ષેત્ર અને હિમાલય છે, જ્યાં સુધી સીતાની ગાથા આ લોકમાં છે, દીકરી તું ત્યાં સુધી જીવતી રહે. તારું નામ ત્યાં સુધી દુનિયા યાદ રાખે. આ આપણા શાસ્ત્રોમાં દીકરીઓ માટે કહેવામાં આવ્યું છે. અને એટલા માટે બેટી બચાવો, બેટી પઠાવો; કોઈ ભેદભાવ નહીં.
આપણી સરપંચ મહિલાઓને મારો આગ્રહ છે કે આ વાતને તમે તમારા ગામમાં ડંકાની ચોટ પર જુઓ. જો દીકરો ભણતો હોય તો ગામની દીકરી પણ ભણવી જોઈએ. ગરીબથી ગરીબ હોય, અને સરપંચ એવું ના વિચારે કે આના માટે બજેટની, બજેટની જરૂર નથી પડતી. સરકારે શાળાઓ બનાવી છે. સરકારે શિક્ષકો રાખેલા છે. તેના માટે ગામે અલગથી ખર્ચો કરવાનો નથી, માત્ર તમારે નજર રાખવાની છે કે દીકરીઓ શાળાએ જાય છે કે નહીં, જેમ કે કયા પરિવાર છે જેમણે પોતાની દીકરીને શાળામાં નથી મૂકી, એટલું ખાલી જોઈ લો.
તમે સરપંચ છો, એક કામ કરજો ક્યારેક, તમને પણ સારું લાગશે. શાળામાં બાળકોને કહો, કે તેઓ ગામના સરપંચનું નામ લખે. તે જ ગામના, બીજા ગામના નહીં. તમે ગામના સરપંચ છો, કોઈ બે વર્ષથી સરપંચ હશે, ત્રણ વર્ષથી સરપંચ હશે, પણ તમારા ગામની શાળાના બાળકો તમારું નામ નહીં જાણતા હોય કે તેઓ જે ગામમાં છે, તે ગામના સરપંચ કોણ છે; નહીં ખબર હોય. તેને એ ખબર હશે કે પ્રધાનમંત્રી કોણ છે, તેને એ ખબર હશે કે મુખ્યમંત્રી કોણ છે, પણ તેને એ નહીં ખબર હોય કે તેના ગામના સરપંચ કોણ છે? અને જેને ખબર હશે તેને કહો કે નામ લખે, તો તમારા ધ્યાનમાં આવશે જે ગામના તમે સરપંચ છો, જે તમારા ગામમાં શાળા છે, શિક્ષકને પગાર મળી રહ્યો છે, હજારો લાખો રૂપિયાનું મકાન બનેલું છે, અને તે ગામના બાળકને તમારા નામનો સ્પેલિંગ પણ સાચી રીતે લખતા નહીં આવડતો હોય તો તમને દુખ થવું જોઈએ કે ના થવું જોઈએ? તમે જરા જઈને પ્રયોગ કરી જુઓ. જોઇને તો કહી દેશે કે હા, આ અમારા પ્રધાનજી છે, પણ નામ નહીં ખબર હોય.
હું એવું નથી કહેતો કે તમે તમારા ગામની પૂરી મહેમાનગતિ કરો છો કે નથી કરતા? મહિનામાં એકાદ વાર અડધા કલાક માટે ગામના જેટલા પણ શિક્ષકો છે, પોતાના ઘરે ક્યારેક ચા પીવા બોલાવી લો. એવી રીતે એમને કહો કે ભાઈ જુઓ, હું સરપંચ છું, અને આ ગામમાં આપણા ભણતરમાં કોઈ બાળક પાછળ ના રહેવો જોઈએ, તાલુકામાં નંબર આવવો જોઈએ, જિલ્લામાં નંબર આવવો જોઈએ, રાજ્યમાં નંબર આવવો જોઈએ. તો કહો તમને કોઈ તકલીફ છે શું? જુઓ એકવાર તમે ચા માટે બોલાવશો ને મહિનામાં એકાદ વાર, અને વર્ષમાં ચાર મહિના તો રજા રહે છે તો 7–8 વાર જ બોલાવવા પડશે વર્ષમાં. તેમાં પણ એકાદ દિવાળીનો દિવસ આવી જશે, એકાદ હોળીનો દિવસ આવી જશે, કોઈ તહેવારનો દિવસ આવી જશે તો એવી રીતે તો માત્ર બે વાર જ બોલાવવા પડશે. પણ તે શિક્ષકને લાગશે સરપંચ બહુ સક્રિય છે, ગામમાં સારા ભણતરની ચિંતા કરી રહ્યા છે. પણ મોટાભાગના સરપંચો બાકીના 50 કામો કરશે, આ મૂળભૂત કામ, અને આજે ગામને, પહેલાની સ્થિતિ એવી હતી કે ગામના સરપંચો આ નગરશેઠ બનતા હતા, કેમ? જે પણ મહેમાન આવ્યા તેને ખવડાવવું, ચા પીવડાવવી, તે એક જ માણસના ઘરે રહેતું હતું. આજે તો 14મા નાણા પંચ પછી બે લાખ કરોડ રૂપિયા સીધે સીધા ગામમાં જાય છે, બે લાખ કરોડ રૂપિયા નાની રકમ નથી હોતી.
તમે ગામમાં જો નક્કી કરો કે 5 વર્ષમાં આ 25 કાર્યો મારે પુરા કરવાના છે, તમે આરામથી કરી શકો છો. અને તમે સફળતાપૂર્વક કરી શકો છો. ગામની આંગણવાડીમાં કામ કરતી બહેનોને ક્યારેક બોલાવો, ક્યારેક તમે આંગણવાડીમાં ચાલ્યા જાવ, સ્વચ્છતા છે કે નહીં, શિક્ષક બરાબર છે કે નહીં, ખાવાનું બરાબર ખવડાવે છે કે નથી ખવડાવતા. બાળકોને જે રમવું જોઈએ તે રમાડે છે કે નથી રમાડતા. જો તમે થોડું પણ ધ્યાન આપશો, તમારે નેતૃત્વ કરવું જોઈએ.
તમે જોયું છે કે સરકાર ખર્ચ કરે છે રસીકરણ માટે, અને હું એ કામ બતાવી રહ્યો છું તમને, જેના માટે અલગ બજેટની જરૂર નથી. તમારે, તમારા ગામને એક રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ગામમાં 50 બાળકોનું રસીકરણ થવું જોઈએ? પરંતુ આ વખતે 40 થયા,10 કેમ ના થયા? તે 10 બાળકોનું રસીકરણ કેવી રીતે કરાવીએ? જો તમારે ત્યાં ગામના બધા જ બાળકોનું રસીકરણ તમે કરાવી લો છો, સરપંચના નાતે પાક્કું કરી લો છો, જેટલી પણ રસી આપવાની છે, પૂરો કોર્સ કરાવી દો છો, તો શું તે બાળક ક્યારેય કોઈ ગંભીર બીમારીનો શિકાર થશે ખરો? તમારા ગામનું દરેક બાળક; તમારા કાર્યકાળમાં જેટલા પણ નાના બાળકો હશે, તે જો સલામત રહે, કોઈ બીમારી આવવાની સંભાવના ના રહે તો જયારે તેઓ 20 વર્ષના થશે, 25 વર્ષના થશે તો તમને ગર્વ થશે કે હા, અમારા ગામમાં મેં સો ટકા રસીકરણ કરાવેલું હતું તો મારા સમયના જેટલા બાળકો છે ગામના, તમામ તંદુરસ્ત બાળકો છે. તમે જ કહો વૃદ્ધાવસ્થામાં તમને જીવનમાં કેટલો આનંદ થશે.
પરંતુ રસીકરણ આવ્યું છે. સારું સારું તમે લોકોએ કંઈ ખાધું પીધું, ચા પીધી, સારું સારું, કરી લો. ના, હું સરપંચ છું, મારા ગામમાં કોઈપણ રસીકરણ વિના ના રહેવા જોઈએ. હું સરપંચ છું, મારા ગામમાં કોઈ દીકરી શાળાએ ગયા વિના ના રહેવી જોઈએ. હું સરપંચ છું, મારા ગામમાં કોઈ બાળક શાળા છોડીને ઘરે ભાગી ના જવો જોઈએ. હું સરપંચ છું, મારા ગામના શિક્ષકો આવે છે કે નથી આવતા, હું પૂરેપૂરું ધ્યાન રાખું.
આ કામ, જો નેતૃત્વ, આપણા સરપંચો દ્વારા કરવામાં આવે છે, કોઈપણ ખર્ચ કર્યા વિના, નવો કોઈ પૈસો લગાવવાનો નથી, સરકારની યોજનાઓ લાગુ કરવાથી જ ખૂબ મોટો લાભ થશે. ક્યારેક કયારેક આપણે વિચાર્યું હશે કે ગામની અંદર બીમારીનું કારણ શું છે.
હવે આપણે સૌ જોઈએ છીએ કે શૌચાલય તરફ અમારું ધ્યાન કેન્દ્રીત થઇ રહ્યું છે અત્યારના દિવસોમાં. પણ શું એ ક્યારેય વિચાર્યું છે કે સ્વચ્છતાથી આર્થિક લાભ કેટલો થાય છે? વિશ્વ બેંકનો રીપોર્ટ કહે છે કે ગંદકીના કારણે જે ગરીબ પરિવારોમાં બીમારી આવે છે, આશરે 7 હજાર રૂપિયા એક ગરીબ પરિવારને વર્ષમાં દવાનો ખર્ચ થઈ જાય છે. જો આપણે સ્વચ્છતા રાખીએ, ગામમાં બીમારીને ઘૂસવા ના દઈએ, તો આ ગરીબના વર્ષમાં 7 હજાર રૂપિયા બચશે કે નહીં બચે? તે પૈસાથી તે બાળકોને દૂધ પીવડાવશે કે નહીં પીવડાવે? તે તંદુરસ્ત બાળકો તમારા ગામની શોભા વધારશે કે નહીં વધારે? અને એટલા માટે ગામના સરપંચના નાતે, ગામના પ્રધાનના નાતે, મારા કાર્યકાળમાં મારા ગામમાં આ વસ્તુઓ હોવી જોઈએ. તેની સાથે હું કોઈ સમાધાન નહીં કરવા દઉં, આ વિશ્વાસ સાથે આપણે કામ કરવું જોઈએ.
આપણા દેશમાં ગામનું મહત્વ દરેક વ્યક્તિએ વ્યક્ત કર્યું છે, પરંતુ રવીન્દ્રનાથજી ટાગોરે 1924માં, શહેર અને ગામ, તેની ઉપર કેટલીક પંક્તિઓ લખી હતી, બંગાળી ભાષામાં લખી હતી, પરંતુ તેનો હિન્દી અનુવાદ હું થોડો જણાવું છું. તમને લાગશે હા, અમારી સાથે બરાબર ફીટ, અને 1924માં લખી હતી. એટલે કે આજથી લગભગ લગભગ 90 વર્ષ પહેલા. તેમણે લખ્યું હતું- અને અહિંયા મહિલા વર્ષ છે તો બરાબર ગોઠવાઈ જાય છે-
રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું-
“ગામ મહિલાઓની સમાન હોય છે, એટલે કે જેવું ગામ; ગામ તે હોય છે જેવી મહિલાઓ હોય છે; તેમણે કહ્યું. શહેરોની સરખામણીએ ગામ પ્રકૃતિની વધારે નજીક છે, અને જીવનધારાથી વધારે જોડાયેલા છે. તેમનામાં પ્રાકૃતિક રૂપે ઉપચાર શક્તિ એટલે કે બધા જ જખ્મોને ભરવાની શક્તિ છે. મહિલાઓની જેમ ગામ પણ મનુષ્યોને ભોજન, ખુશી, જેવી પાયાની જરૂરીયાતોની પૂર્તિ કરે છે, જીવનની એક સરળ કવિતાની જેમ. સાથે જ મહિલાઓ ગામમાં જાતે જ જન્મ લેનારી સુંદર પરંપરાઓની જેમ ઉલ્લાસથી ભરી દે છે, પરંતુ જો ગામ અથવા મહિલાઓ પર અતિશય ભાર નાખવામાં આવે, ગામના સંસાધનોનું શોષણ કરવામાં આવે, તો તેમની શોભા ચાલી જાય છે.”
હવે આપણે પણ વિચાર્યું હશે કે ગામના સંસાધનોનું શોષણ થવું જોઈએ ખરું? પ્રાકૃતિક રક્ષા થવી જોઈએ કે નહીં? વૃક્ષો, છોડવાઓ, હરિયાળી, પાણી, શુદ્ધ હવા માટે આપણે એવું ગામ કેમ ના બનાવીએ કે શહેરમાં રહેનારા લોકોને પણ મન કરી જાય કે એક નાનું ઘર ગામમાં પણ બનાવીએ. અને ક્યારેક સપ્તાહમાં એકાદ બે દિવસ ગામમાં જઈને જિંદગી વિતાવવાનું મન થાય એવું ગામ આપણે કેમ ના બનાવીએ. બની શકે છે, આજે જે ટ્રેન્ડ ચાલ્યો છે ને, રહેતા હોય ગામમાં પણ એકાદ ઘર શહેરમાં હોય. રજાના દિવસોમાં જતા રહેવાનું, બાળકોને લઈને જવાના. તે પણ ટ્રેન્ડ શરુ થઇ શકે છે કે ગામ એવું હોય કે રજાના દિવસે દોસ્તોને લઈને ગામમાં જતા રહીએ, કેટલીક પળો ગામમાં વિતાવીને આવી જઈએ. ગામ એવું બનાવી શકાય છે.
સરકારનો પણ પ્રયાસ છે, રૂર્બન મિશન. આત્મા ગામનો હોય, સુવિધા શહેરની હોય. ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કથી હિન્દુસ્તાનની દરેક પંચાયતને જોડવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. અઢી લાખ પંચાયતો છે. લગભગ લગભગ 70 હજાર પંચાયતો સુધી આ કામ પૂરું થઇ ગયું છે. શાળાઓ સુધી કેબલ લાગશે, પંચાયત ઘર સુધી કેબલ લાગશે. ગામની જરૂરિયાત અનુસાર તે કેબલને વિસ્તારવામાં આવશે. આધુનિકતા ગામને પણ મળે, તે દિશામાં સરકાર કામ કરી રહી છે. આ દિવસોમાં ગામમાં પણ, હું હમણાં જયારે પ્રદર્શન જોઈ રહ્યો હતો, તો અમારા સચિવ મહોદય મને જણાવી રહ્યા હતા કે ગામની જે સરપંચ બહેનો આવી છે, તે ખૂબ મન લગાવીને પ્રદર્શન જોઈ રહી હતી અને કહ્યું કે દરેક સેલ્ફી લઇ રહ્યાં હતાં. ક્યારેક ક્યારેક આપણે સંસદમાં સાંભળીએ છીએ કે ટેકનોલોજી કેવી રીતે આવશે, ગામમાં લોકોની પાસે ટેકનોલોજી નથી, હવે તેઓ ભાષણ કરવા માટે બોલે છે કે શું કારણ છે મને નથી ખબર પણ મારો અનુભવ અલગ છે. ટેકનોલોજીએ એટલી મોટી ક્રાંતિ કરી છે, હું જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતો તો અહિંયા કપરાડા કરીને એક જગ્યા છે ત્યાં ગયો હતો. ખૂબ પછાત તાલુકો છે, એકદમ એકદમ રીમોટ એરિયા છે અને એક નાનકડો કાર્યક્રમ હતો દૂધના ચિલીંગ સેન્ટરના ઉદ્ઘાટનનો, આદિવાસી ગામમાં. અને મેદાન પણ નહોતું કેમકે જંગલ છે તો સભા કરવા માટે ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર એક શાળાના મેદાનમાં સભા રાખી અને ચિલીંગ સેન્ટર બીજી એક જગ્યા પર બનેલું હતું. હું ચિલીંગ સેન્ટરના ઉદ્ઘાટન માટે ગયો તો દૂધ ભરનારી 25-30 મહિલાઓ પણ ત્યાં હતી. તે બહેનો ત્યાં ઊભી હતી. અમે લોકો ત્યાં દીપ પ્રાગટ્ય, રીબીન કાપવી એ બધું કરી રહ્યા હતા. અને મેં જોયું કે બધીજ મહિલાઓ, અને આ વાત હું લગભગ10 વર્ષ પહેલાની કરી રહ્યો છું, બધી મહિલાઓ, આદિવાસી મહિલાઓ પોતાના મોબાઇલ ફોનથી ફોટો પાડી રહી છે. હું આશ્ચર્યચકિત હતો, હું તેમની પાસે ગયો; મેં કહ્યું તમારો ફોટો તો આવી નથી રહ્યો, મારો ફોટો લઈને શું કરશો? શું તમને ફોટા પાડતા આવડે છે? આદિવાસી બહેનો હતી, અભણ હતી. તેમણે મને શું જવાબ આપ્યો, તે જવાબ મારા માટે વધારે પ્રભાવી હતો મારા મન પર. તેમણે કહ્યું એ તો અમે જઈને ડાઉનલોડ કરાવી લઈશું. હું હેરાન હતો જી આ ભણેલી ગણેલી બહેનો નથી અને તેઓ કહી રહી છે કે અમે જઈને ડાઉનલોડ કરાવી લઈશું.
કઈ રીતે ટેકનોલોજીએ જન સામાન્યના જીવનમાં પ્રવેશ કરી લીધો છે. અમે આપણી વ્યવસ્થામાં, હવે તમે અહિંયા ગામડાઓમાં કોમન સર્વિસ સેન્ટર ભારત સરકારે ખોલ્યા છે. શું તમે ક્યારેય જોયું છે ખરું કે કોમન સર્વિસ સેન્ટરમાં ટેકનોલોજીના માધ્યમથી આ જે નવયુવાનોને ત્યાં રોજગાર મળ્યો છે, તેમની પાસે કમ્પ્યુટર છે, શું શું સેવાઓ આપી રહ્યા છે? તે સેવાઓ તમારા ગામ માટે કઈ રીતે ઉપલબ્ધ થઇ શકે તેમ છે, તમે આ વ્યવસ્થાનો લાભ લઇ શકો છો કે નહીં? મારો કહેવાનો અર્થ એ છે કે આપણે લોકો જરૂરિયાત અનુસાર પૂરો પ્રયત્ન કરીને ટેકનોલોજીનો ઉપયોગ પણ આપણા ગામમાં લાવવાની દિશામાં પ્રયાસ કરીએ. તમે જુઓ તમારા ગામમાં એક બહુ મોટો બદલાવ આ ટેકનોલોજીના માધ્યમથી આવી શકે છે.
બની શકે છે કે આપણને બધું જ ના આવડતું હોય પણ જેમને આવડે છે તેમને આપણે સાથે રાખી શકીએ છીએ. પુરુષોનો ઈગો હોય છે તેઓ નહીં રાખે, તમને તમારા ઘરમાં 12માનું બાળક હોય ને તો તેને જો પૂછશો તો તે પણ કહી દેશે કે આમ આમ કરવું જોઈએ. પણ એકવાર તમે જુઓ કે તમારી તાકાત અનેક ગણી વધી જશે.
આપણે ગામડામાં રહીએ છીએ, ક્યારેય આપણે વિચાર્યું છે કે ગામમાં સરકારી તિજોરીમાંથી પગાર લેવાવાળા કેટલા લોકો રહે છે? કોઈએ નહીં વિચાર્યું હોય. જે પણ સરકારી પગાર લે છે તિજોરીમાંથી, તે એક રીતે સરકારી જ છે. શું મહિનામાં એકવાર તમારા ગામમાં એવી એક નાનકડી સરકારની બેઠક કરી શકો છો? કોઈ ડ્રાઈવર હશે જે તમારા ગામનો હશે, સરકારી બસ ચલાવતો હશે. કોઈ કમ્પાઉન્ડર હશે, કોઈ પટાવાળો હશે, કોઈ કલાર્ક હશે, કોઈ શિક્ષક હશે, જેમને સરકારથી પગાર મળે છે. દરેક ગામમાં 15-20 લોકો એવા મળશે જે કોઈ ને કોઈ રૂપમાં સરકાર સાથે જોડાયેલા છે. શું મહિનામાં એકવાર આ જે સરકારનું પ્રતિનિધિત્વ કરે છે, સરકાર પાસેથી પગાર લે છે, સરકાર શું છે જેમને ખબર છે, સરકારના ઉપરના લોકોને જાણે છે. શું તમે ક્યારેય મહિનામાં એકવાર પોતાના ગામના અને ક્યાંય પણ કામ કરનારા અને ગામમાં રહે છે, સાંજે ગામમાં આવી જાય છે; એવા લોકોની મહિનામાં બેઠક કરીને ભાઈ આપણા ગામમાં શું કરી શકીએ છીએ? સરકાર પાસેથી શું મદદ લાવી શકીએ છીએ? કેવી રીતે લાવી શકીએ છીએ? તમારી કોઈ ઓળખાણ છે કે શું? આ વ્યવસ્થા જો વિકસિત કરશો તો તમારી તાકાત વધી જશે.
આજે શું થાય છે, સરકાર એટલે એક મામલતદારથી વધારે તમને કંઈ દેખાતું નથી, પણ આંગણવાડી કાર્યકર હોય, આશા કાર્યકર હોય, શિક્ષક હોય, આ બધા સરકારના જ પ્રતિનિધિ છે. તમે ક્યારેય તે વ્યક્તિને જોડી નથી તો મારો આગ્રહ છે કે તમે તેને જોડો, તમારી શક્તિ અનેક ગણી વધી જશે અને તમને કામની સરળતા રહેશે.
એક બીજું કામ, વર્ષમાં એક વાર જરૂર કરો. તમારા ગામમાંથી ઘણા લોકો ગામ છોડીને શહેરમાં જતા રહ્યા હશે. ક્યારેક લગ્ન પ્રસંગે આવતા હશે, સગાસંબંધીઓમાં ક્યારેક આવતા હશે. ગામનો જન્મદિવસ ઉજવવો જોઈએ. શું તમે ક્યારેય વિચાર્યું છે, જે ગામડાઓને ખબર નથી કે તેમના ગામનો જન્મદિવસ કયો છે તો તેઓ ચિઠ્ઠી નાખીને નક્કી કરે કે ભાઈ ફલાણી તારીખ આપણા ગામનો જન્મદિવસ છે. અને પછી દર વર્ષે ખૂબ આન બાન શાનથી ગામનો જન્મદિવસ ઉજવવો જોઈએ, દર વર્ષે. અને તે દિવસે તમારા ગામના જેટલા પણ લોકો બહાર ગયા છે તેમને બોલાવવા જોઈએ. ત્રણ ચાર દિવસનો કાર્યક્રમ કરવો જોઈએ. ગામમાં 75થી વધારે આયુષ્યના જેટલા લોકો છે તેમનું સન્માન કરવું જોઈએ, ગામમાં દરેકને છોડ વાવવાનું કહેવું જોઈએ; ગામના બાળકોને સ્વચ્છતાના અભિયાન સાથે જોડવા જોઈએ, અને ગામના જે લોકો બહાર રહે છે તેમને વિશેષ રૂપે બોલાવવા જોઈએ અને તેમને કહેવું જોઈએ કે બોલો ભાઈ ગામ માટે તમે શું કરી શકો તેમ છો. તમે જોજો આખું ગામ એક પ્રાણવાન ગામ બની જશે. જીવંત ગામ બની જશે. ગામ એટલે હવે બસ છોડો ભાઈ, જલદી 18 વર્ષની ઉંમર થઇ જાય, જતા રહીએ, છોડી દઈએ, શું કરીશું આવી જિંદગી જીવીને. આનાથી ઊંધું કરવાનો સમય આવ્યો છે અને તમે જો આ વાતને કરશો તો મને વિશ્વાસ છે તમારા ગામમાં એક નવું જીવન આવી જશે.
અને જેમ મેં કહ્યું આપણા ગામમાં પશુઓ હોય છે. કેટલાક લોકો અહિંયા જોવા ગયા હશે, મને કહેવામાં આવ્યું કે કેટલાક અહિંયા ગાંધીનગરની પાસે જ કેટલાક પશુઓની હોસ્ટેલવાળા ગામ છે. જોયું હશે કે ગામમાં કચરો કેવી રીતે, વેસ્ટમાંથી વેલ્થ બનાવી શકાય તેમ છે. આ જે આપણે વેસ્ટ માનીએ છીએ તે વેસ્ટ નથી તે વેલ્થ છે.
તમે ગામમાં પ્રયત્ન કરો, કેટલાક લોકોને લગાવો, સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવો. ગામના કુડા કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવો, ગામમાં ખાતરનો વેપાર થશે, પંચાયતની આવક થશે. અને જમીન સુધરશે તો ગામના લોકોની ખેતી પણ સારી થશે. નાના નાના કામ જેમાં અલગ બજેટની જરૂર નથી, તમે પોતે થોડી શરૂઆત કરો, તમે તમારા ગામને જેમ સ્વચ્છ બનાવ્યું છે તેમ સમર્થ પણ બનાવી શકો છો. સ્વચ્છતાને તમે સ્વભાવ બનાવીને શીખ્યા છો અને સ્વચ્છતા એક એવો વિષય છે જે આપણે જાતે કરવી પડે છે. માની લો કે આપણે ક્યાંક જઈ રહ્યા છીએ, અચાનક આપણા શરીર પર કોઈ ગંદકી પડી, કોઈ ગંદી વસ્તુ પડી ગઈ. આપણે શું રાહ જોઈએ છીએ? આડોશ-પાડોશમાં જે ચાલી રહ્યું છે તે સાફ કરશે, એવું કરીએ છીએ શું? તરત જ, આપણે ગમે તેટલા મોટા મહાપુરુષ જ કેમ ના હોઈએ, ખિસ્સામાંથી રૂમાલ કાઢીએ છીએ, આમ કરીને સાફ કરવાનું શરુ કરી દઈએ છીએ, કેમ? ગંદકી એક ક્ષણ માટે પણ આપણને પસંદ નથી. આપણા શરીર પર જો થોડી પણ ગંદકી પડી તો આપણે તરત સાફ કરીએ છીએ. એ જ રીતે આ આપણી મા છે ભારત માતા, તેની ઉપર પણ કોઈ ગંદકી પડે તો તેની સફાઈ આપણે સૌએ મળીને કરવી પડશે. આ સ્વચ્છતાનો સ્વભાવ બનાવી લો. આ જો સ્વચ્છતાનો સ્વભાવ બનાવીશું, અને એક વાર જો ગંદકી ગઈ, તમે જોજો પછી દેશમાં કુપોષણની સમસ્યા, બીમારીની સમસ્યા, બીમારી પાછળનો ખર્ચો, આ બધામાં કાપ આવી જશે.
ગરીબને સૌથી વધારે ફાયદો થશે. ગંદકીની સૌથી વધારે પરેશાની કોઈને છે તો ગરીબને છે. ઝૂંપડીમાં જિંદગી ગુજારનારા લોકોને છે, ગંદુ પાણી પીનારા લોકોને છે. આ માનવતાનું કામ છે, આ માનવતાના કામને જો આપણે એ જ ભાવથી કરીશું, જનસેવા, એ જ પ્રભુસેવા, એવું આપણામાં કહેવાયું છે, તે જ ભાવથી જો આપણે કરીશું તો મને વિશ્વાસ છે કે 2019માં, સ્વચ્છ ભારતમાં કંઈક પ્રાપ્ત કરવાનું છે, પરિવર્તન અનુભવાય એવી સ્થિતિ પેદા કરવી છે, અને આ સરકારના નામે કરવાની વાત નથી મારી. તે સમાજનો સ્વભાવ બનાવવો પડશે, સમાજમાં આંદોલન કરવું પડશે, ગંદકી પ્રત્યે નફરતનું વાતાવરણ પેદા કરવું પડશે; તો પોતાની જાતમાં થશે. શૌચાલય તેનો એક ભાગ છે. શૌચાલય થઇ ગયું મતલબ સ્વચ્છતા થઇ ગઈ, આ આપણી કલ્પના નથી. અને આખા દેશમાં પહેલા ક્યારેય સ્વચ્છતા પર ચર્ચા જ નહોતી થતી. સારું થયું પાછલા બે વર્ષથી સતત સ્વચ્છતા પર ચર્ચા થઇ રહી છે. અને હું એ પણ વાત જાહેરમાં સ્વીકાર કરું છું કે સામાન્ય રીતે સરકારની તરફથી કોઈ વાત કહેવામાં આવે, તે જ દિવસે મીડિયા તેમાં ખામી કાઢવા લાગે છે, શું ખોટ છે, શું ખોટું છે, શું ખોટું બોલ્યા છે, તેને તે પકડી લે છે.
સ્વચ્છતા એક એવો વિષય મેં જોયો, મીડિયાએ પણ તેને ગળે લગાડ્યો છે, અને સરકાર જેટલું કામ કરે છે તેના કરતા બે કદમ વધારે મીડિયાના લોકો પણ કરી રહ્યા છે. આ એક એવી બાબત છે જેને દેશની દરેક વ્યક્તિએ સ્વીકાર કરી છે; દરેક વ્યક્તિએ સ્વીકાર કરી છે. જે કામનો દરેક વ્યક્તિએ સ્વીકાર કર્યો હોય તેમાં સફળતા મળવી સ્વાભાવિક છે, તેને પદ્ધતિસર કરવી પડશે. માત્ર સ્વચ્છતાના મંત્ર બોલવાથી નહીં થાય. આ આપણે વાસ્તવમાં શારીરિક રીતે કરવું પડશે. અને ગામમાં સફાઈ થઇ, હિન્દુસ્તાન બદલાયેલું જોવા મળશે. આપણું જીવન બદલાયેલું જોવા મળશે.
હું આપ સૌને, જે જે લોકોનું સન્માન થયું છે, તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને તેમનું કાર્ય, તેમનું જીવન, તેમનો પુરુષાર્થ, તેમનો સંકલ્પ, આપણા સૌના માટે પ્રેરણા બનશે. અને દેશભરમાંથી આવેલી મહિલાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સ્વચ્છતા અને મહિલા; સીધે સીધો સંબંધ છે. કેમકે આજ સુધી દરેક પ્રકરની સ્વચ્છતા બનાવી રાખવામાં જો સૌથી વધારે કોઈએ યોગદાન આપ્યું છે તો આપણા દેશની નારી શક્તિએ આપ્યું છે. દરેક પ્રકારની સ્વચ્છતા, સામાજિક જીવનના દરેક પાસાની સ્વચ્છતા, જો આજે પણ બચી છે, સંસ્કાર બચ્યા છે, સદગુણ બચ્યા છે, સત્કાર્ય બચ્યા છે, તો તેમાં સૌથી વધારે યોગદાન માતૃશક્તિનું છે.
સ્વચ્છતાના આ અભિયાનને પણ માતૃશક્તિના આશીર્વાદ મળશે, અભૂતપૂર્વ સફળતા મળશે, એ વિશ્વાસ સાથે ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભ કામનાઓ. ખૂબ ખૂબ આભાર.