ગોવાના રાજ્યપાલ શ્રી પી. એસ. શ્રીધરન પિલ્લાઈજી, અહીંના લોકપ્રિય યુવા મુખ્યમંત્રી વૈદ્ય પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલજી, શ્રીપદ નાઈકજી, ડૉ. મહેન્દ્રભાઈ મુંજાપરાજી, શ્રીમાન શેખરજી, અન્ય મહાનુભાવો, વિશ્વ આયુર્વેદ કૉંગ્રેસમાં પધારેલા દેશ-દુનિયાના આયુષ ક્ષેત્રના તમામ વિદ્વાનો અને નિષ્ણાતો, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!
હું ગોવાની આ સુંદર ભૂમિ પર વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસ માટે દેશ-વિદેશથી આવેલા આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસની સફળતા માટે હું આપ સૌને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ કાર્યક્રમ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે ભારતની આઝાદીના અમૃતકાળની યાત્રા શરૂ થઇ છે. પોતાનાં જ્ઞાન, વિજ્ઞાન અને સાંસ્કૃતિક અનુભવ દ્વારા વિશ્વનાં કલ્યાણ માટેનો સંકલ્પ અમૃતકાળનું એક મોટું લક્ષ્ય છે. અને, આયુર્વેદ આ માટે એક મજબૂત અને અસરકારક માધ્યમ છે. ભારત આ વર્ષે જી-20 ગ્રુપની અધ્યક્ષતા અને યજમાની પણ કરી રહ્યું છે. અમે જી-20 સમિટની થીમ પણ રજૂ કરી છે – " One Earth, One Family, One Future! એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય"! વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસનાં આ આયોજનમાં આપ સૌ આવા વિષયો પર ચર્ચા કરશો, સમગ્ર વિશ્વનાં સ્વાસ્થ્ય માટે ચર્ચા કરશો. મને પ્રસન્નતા છે કે દુનિયાના 30થી વધુ દેશોએ આયુર્વેદને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનાં રૂપમાં માન્યતા આપી છે. આપણે સાથે મળીને તેને વધુને વધુ દેશોમાં લઈ જવાનું છે, આપણે આયુર્વેદને માન્યતા અપાવવાની છે.
સાથીઓ,
આજે મને અહીં આયુષ સાથે સંબંધિત ત્રણ સંસ્થાઓનું લોકાર્પણ કરવાનો અવસર પણ મળ્યો છે. મને વિશ્વાસ છે કે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ-ગોવા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુનાની મેડિસિન-ગાઝિયાબાદ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોમિયોપેથી-દિલ્હી – આ ત્રણેય આયુષ હેલ્થકેર સિસ્ટમને નવી ગતિ આપશે.
સાથીઓ,
આયુર્વેદ એક એવું વિજ્ઞાન છે, જેની ફિલસૂફી છે, જેનું સૂત્ર છે - 'સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સંતુ નિરામય:'. એટલે કે દરેકનું સુખ, સૌનું સ્વાસ્થ્ય. જ્યારે બીમારી થઈ જ જાય ત્યારે તેની સારવાર માટે મજબૂરી નહીં, પરંતુ જીવન નિરામય હોવું જોઈએ, જીવન રોગોથી મુક્ત હોવું જોઈએ. સામાન્ય ખ્યાલ એ છે કે જો કોઈ સીધો રોગ ન હોય તો આપણે સ્વસ્થ છીએ. પરંતુ આયુર્વેદની નજરમાં સ્વસ્થ રહેવાની પરિભાષા ઘણી વ્યાપક છે. તમે બધા જાણો છો કે આયુર્વેદ કહે છે - સમ દોષ સમાગ્નિશ્ચ, સમ ધતુ મલ ક્રિયા:। પ્રસન્ન આત્મેન્દ્રિય મના:, સ્વસ્થ ઇતિ અભિધીયતે॥ એટલે કે જેના શરીરમાં સંતુલન હોય, બધી ક્રિયાઓ સંતુલિત હોય, અને મન પ્રસન્ન હોય તે જ સ્વસ્થ છે. તેથી જ આયુર્વેદ સારવારથી આગળ વધીને સુખાકારીની વાત કરે છે, સુખાકારીને પ્રોત્સાહન આપે છે. વિશ્વ પણ હવે તમામ પરિવર્તનો અને વલણોથી નીકળીને આ પ્રાચીન જીવન-દર્શન તરફ પાછું ફરી રહ્યું છે. અને મને એ વાતની બહુ જ ખુશી છે કે ભારતમાં આને લઈને ઘણાં પહેલેથી જ કામ શરૂ થઈ ચૂક્યું છે. જ્યારે હું ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કામ કરતો હતો, ત્યારે તે સમયથી જ આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે અમે ઘણા પ્રયત્નો શરૂ કર્યા હતા. અમે આયુર્વેદને લગતી સંસ્થાઓને પ્રોત્સાહન આપ્યું, ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયને આધુનિક બનાવવા માટે કામ કર્યું. એનું પરિણામ છે કે આજે જામનગરમાં ડબલ્યુએચઓ દ્વારા પરંપરાગત ચિકિત્સા માટે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે. દેશમાં પણ અમે સરકારમાં એક અલગ આયુષ મંત્રાલયની સ્થાપના કરી છે, જેનાથી આયુર્વેદને લઈ ઉત્સાહ પણ આવ્યો છે, અને આત્મવિશ્વાસ પણ વધ્યો. એઈમ્સની જેમ આજે 'ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ' પણ ખુલી રહી છે. આ વર્ષે ગ્લોબલ આયુષ ઈનોવેશન એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટનું સફળ આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ભારતના પ્રયાસોને ડબ્લ્યુએચઓએ પણ બિરદાવ્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને પણ હવે સમગ્ર વિશ્વમાં આરોગ્ય અને સુખાકારીના વૈશ્વિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે પહેલા ઉપેક્ષિત ગણાતા યોગ અને આયુર્વેદ આજે સમગ્ર માનવજાત માટે એક નવી આશા બની ગયા છે.
સાથીઓ,
આયુર્વેદ સાથે જોડાયેલું એક અન્ય પાસું પણ છે, જેનો ઉલ્લેખ હું વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસમાં ચોક્કસપણે કરવા માગું છું. આવનારી સદીઓમાં આયુર્વેદનાં ઉજ્જવળ ભવિષ્ય માટે પણ આ એટલું જ જરૂરી છે.
સાથીઓ,
આયુર્વેદ અંગે વૈશ્વિક સર્વસંમતિ, સરળતા અને સ્વીકૃતિને આવવામાં આટલો સમય એટલા માટે લાગ્યો, કારણ કે આધુનિક વિજ્ઞાનમાં આધાર, પુરાવાને, પ્રમાણ તરીકે ગણવામાં આવે છે. આપણી પાસે આયુર્વેદનું પરિણામ પણ હતું, પ્રભાવ પણ હતો, પરંતુ પ્રમાણના મામલે આપણે પાછળ રહી જતા હતા. અને તેથી, આજે આપણે 'ડેટા આધારિત પુરાવા'નું દસ્તાવેજીકરણ કરવું અનિવાર્ય છે. આ માટે આપણે લાંબા સમય સુધી સતત કામ કરવું પડશે. આપણો જે તબીબી ડેટા છે, જે સંશોધન છે, જે જર્નલ્સ- સામયિકો છે, આપણે એ બધું એક સાથે લાવીને આધુનિક વૈજ્ઞાનિક પરિમાણો પર દરેક દાવાની ચકાસણી કરી બતાવવાની છે. ભારતમાં વીતેલાં વર્ષોમાં આ દિશામાં મોટા પાયે કામ થયું છે. પુરાવા આધારિત સંશોધન ડેટા માટે અમે એક આયુષ રિસર્ચ પોર્ટલ પણ બનાવ્યું છે. આના પર અત્યાર સુધીના લગભગ 40 હજાર રિસર્ચ સ્ટડીના ડેટા ઉપલબ્ધ છે. કોરોના કાળમાં પણ આપણે ત્યાં આયુષને લગતા 150 જેટલા વિશિષ્ટ સંશોધન અભ્યાસો થયા છે. આ અનુભવને આગળ વધારીને હવે અમે 'નેશનલ આયુષ રિસર્ચ કન્સોર્ટિઅમ'નું નિર્માણ કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ. ભારતમાં એઇમ્સના સેન્ટર ફોર ઇન્ટીગ્રેટેડ મેડિસીન જેવી સંસ્થાઓમાં પણ યોગ અને આયુર્વેદને લગતાં ઘણાં મહત્વનાં સંશોધનો થઇ રહ્યાં છે. મને પ્રસન્નતા છે કે આયુર્વેદ અને યોગ સાથે સંબંધિત સંશોધન પત્રો અહીંથી નીકળીને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત થઈ રહ્યા છે. તાજેતરમાં, જર્નલ ઑફ ધ અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી જર્નલ જેવા પ્રતિષ્ઠિત જર્નલ્સમાં ઘણા સંશોધન પત્રો પ્રકાશિત થયા છે. હું ઈચ્છીશ કે વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસના તમામ સહભાગી દેશો પણ આયુર્વેદને વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવવા માટે ભારત સાથે આવે, સહયોગ કરે અને યોગદાન આપે.
ભાઇઓ અને બહેનો,
આયુર્વેદની આવી જ એક બીજી ખૂબી છે, જેની ભાગ્યે જ ચર્ચા થાય છે. કેટલાક લોકો સમજે છે કે આયુર્વેદ માત્ર સારવાર માટે જ છે, પરંતુ તેની વિશેષતા એ પણ છે કે આયુર્વેદ આપણને જીવન જીવવાની રીત શીખવે છે. જો હું તમને આધુનિક પરિભાષાનો ઉપયોગ કરીને કહેવા માગું, તો હું તમને એક ઉદાહરણ આપું છું. તમે વિશ્વની સારામાં સારી કંપનીની સારામાં સારી કાર ખરીદો. એ કારની સાથે તેની મેન્યુઅલ બુક પણ આવે છે. તેમાં કયું બળતણ નાખવું, ક્યારે અને કેવી રીતે સર્વિસિંગ કરવું, તેને કેવી રીતે જાળવવું આપણે એ ધ્યાન રાખવું પડે છે. જો ડીઝલ એન્જિન કારમાં પેટ્રોલ નાખી દીધું, તો ગડબડ ચોક્કસ છે. તેવી જ રીતે જો તમે કોઈ કમ્પ્યૂટર ચલાવતા હોવ તો તેના તમામ હાર્ડવેર અને સોફ્ટવેર યોગ્ય રીતે કામ કરવા જોઇએ. આપણે આપણાં યંત્રોનું ધ્યાન તો રાખીએ છીએ, પરંતુ આપણાં શરીરે કઈ રીતે ખાવું જોઈએ, શું ખાવું જોઈએ, શું રૂટિન છે, શું ન કરવું જોઈએ તેના પર આપણે ધ્યાન આપતા જ નથી. આયુર્વેદ આપણને શીખવે છે કે હાર્ડવેર સોફ્ટવેરની જેમ જ શરીર અને મન પણ એક સાથે તંદુરસ્ત હોવાં જોઈએ, એમાં સમન્વય રહેવો જોઈએ. દાખલા તરીકે, આજે યોગ્ય ઊંઘ એ તબીબી વિજ્ઞાન માટે એક બહુ મોટો વિષય છે. પરંતુ તમે જાણો છો, મહર્ષિ ચરક જેવા આચાર્યોએ સદીઓ પહેલા આના પર કેટલું વિગતવાર લખ્યું છે. આ જ આયુર્વેદની ખૂબી છે.
સાથીઓ,
આપણે ત્યાં કહેવાયું છે - 'સ્વાસ્થ્યમ્ પરમાર્થ સાધનમ્।' એટલે કે આરોગ્ય જ અર્થ અને ઉન્નતિનું સાધન છે. આ મંત્ર આપણાં વ્યક્તિગત જીવન માટે જેટલો અર્થપૂર્ણ છે એટલો જ તે અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણથી પણ પ્રાસંગિક છે. આજે આયુષનાં ક્ષેત્રમાં અસીમ નવી સંભાવનાઓ જન્મી રહી છે. આયુર્વેદિક જડીબુટ્ટીઓની ખેતી હોય, આયુષ દવાઓનું ઉત્પાદન અને પુરવઠો હોય, ડિજિટલ સેવાઓ હોય, આયુષ સ્ટાર્ટઅપ્સ માટે એમાં ખૂબ જ મોટો અવકાશ છે.
ભાઇઓ-બહેનો,
આયુષ ઉદ્યોગની સૌથી મોટી તાકાત એ છે કે તેમાં દરેક માટે વિવિધ પ્રકારની તકો ઉપલબ્ધ છે. દાખલા તરીકે, આજે ભારતમાં આયુષ ક્ષેત્રમાં આશરે 40,000 એમએસએમઇ, લઘુ ઉદ્યોગો અનેક વિવિધ ઉત્પાદનો આપી રહ્યાં છે, અનેક વિવિધ પહેલ હાથ ધરી રહ્યા છે. આનાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને મોટી તાકાત મળી રહી છે. આઠ વર્ષ પહેલાં દેશમાં આયુષ ઉદ્યોગ આશરે 20,000 કરોડ રૂપિયાની આસપાસનો હતો. આજે આયુષ ઉદ્યોગ લગભગ લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી રહ્યો છે. એટલે કે 7-8 વર્ષમાં લગભગ 7 ગણો ગ્રોથ. તમે કલ્પના કરી શકો છો કે આયુષ પોતાની રીતે કેટલો મોટો ઉદ્યોગ, કેટલું મોટું અર્થતંત્ર બનીને ઊભરી રહ્યો છે. આગામી સમયમાં વૈશ્વિક બજારમાં તેનો વધુ વિસ્તાર થશે તે નક્કી છે. તમે એ પણ જાણો છો કે વૈશ્વિક હર્બલ મેડિસિન અને મસાલાનું બજાર લગભગ 120 અબજ ડૉલર એટલે કે લગભગ 10 લાખ કરોડ રૂપિયાની આસપાસનું છે. પરંપરાગત ચિકિત્સાનું આ ક્ષેત્ર સતત વિસ્તરી રહ્યું છે અને આપણે તેની દરેક સંભાવનાનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ. ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે, કૃષિનું એક સંપૂર્ણ નવું ક્ષેત્ર આપણા ખેડૂતો માટે ખુલી રહ્યું છે, જેમાં તેમને સારા ભાવ પણ મળી શકે છે. આનાથી યુવાનો માટે હજારો અને લાખો નવી રોજગારીનું સર્જન થશે.
સાથીઓ,
આયુર્વેદની વધતી જતી લોકપ્રિયતાની બીજી મોટી બાજુ આયુર્વેદ અને યોગ પર્યટન પણ છે. પ્રવાસનનું કેન્દ્ર ગણાતા ગોવા જેવાં રાજ્યમાં આયુર્વેદ અને નેચરોપેથીને પ્રોત્સાહન આપી પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈ આપી શકાય તેમ છે. આ દિશામાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન-ગોવા એક મહત્વપૂર્ણ શરૂઆત સાબિત થઈ શકે છે.
સાથીઓ,
આજે ભારતે 'વન અર્થ, વન હેલ્થ'નું ભવિષ્યલક્ષી વિઝન પણ દુનિયા સામે મૂક્યું છે. 'એક પૃથ્વી, એક આરોગ્ય' એટલે આરોગ્યની સાર્વત્રિક દ્રષ્ટિ. પાણીમાં રહેતાં પ્રાણીઓ હોય, કે પછી તે જંગલી પ્રાણીઓ હોય, પછી તે મનુષ્ય હોય, વનસ્પતિ હોય, તે બધાનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે. આપણે તેને એકલતામાં જોવાને બદલે સંપૂર્ણતામાં જોવું પડશે. આ સંપૂર્ણ વિઝન આયુર્વેદનો, ભારતની પરંપરા અને જીવનશૈલીનો ભાગ રહ્યું છે. હું ઈચ્છીશ કે ગોવામાં આયોજિત થઈ રહેલી આ વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસમાં આવાં તમામ પાસાંઓની વિગતવાર ચર્ચા કરવામાં આવે. આપણે સૌ સાથે મળીને એક રોડમેપ તૈયાર કરવો જોઈએ કે કઈ રીતે આપણે આયુર્વેદ અને આયુષને સંપૂર્ણપણે આગળ વધારી શકીએ. મને ખાતરી છે કે આ દિશામાં તમારા પ્રયત્નો અસરકારક રહેશે. આ જ વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ-ખૂબ આભાર. અને આયુષને આયુર્વેદને અનેક-અનેક શુભકામનાઓ.