મારા પ્રિય 140 કરોડ પરિવારજન,

વિશ્વની સૌથી મોટી લોકશાહી અને હવે ઘણાં લોકોનું માનવું છે કે વસ્તીની દ્રષ્ટિએ પણ આપણે વિશ્વમાં નંબર વન છીએ. આટલો વિશાળ દેશ, 140 કરોડ લોકોનો દેશ, મારાં ભાઈઓ અને બહેનો, મારા પરિવારજનો આજે આઝાદીનો તહેવાર ઉજવી રહ્યાં છે. હું દેશનાં કોટિ-કોટિ લોકોને, દેશ અને વિશ્વમાં ભારતને પ્રેમ કરનારા, ભારતનું કરનારા, જેઓ ભારતનું ગૌરવ કરનારા કોટિ કોટિ જનોને, આઝાદીના આ મહાન પવિત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

મારા પ્રિય પરિવારજન,

પૂજ્ય બાપુનાં નેતૃત્વમાં અસહકારનું આંદોલન, સત્યાગ્રહની ચળવળ અને ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા અસંખ્ય વીરોનું બલિદાન, એ પેઢીમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે દેશની આઝાદીમાં પોતાનું યોગદાન ન આપ્યું હોય. . આજે દેશની આઝાદીની લડાઈમાં જેમણે યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે, ત્યાગ કર્યો છે, તપસ્યા કરી છે તે સૌને હું આદરપૂર્વક નમન કરું છું, તેમને અભિનંદન આપું છું. આજે, 15મી ઑગસ્ટ, મહાન ક્રાંતિકારી અને આધ્યાત્મિક જીવનના રુચિ તુલ્ય પ્રણેતા શ્રી અરવિંદોની 150મી જન્મજયંતિ પૂર્ણ થઈ રહી છે. આ વર્ષ સ્વામી દયાનંદ સરસ્વતીની 150મી જન્મજયંતિનું વર્ષ છે. આ વર્ષે રાણી દુર્ગાવતીની 500મી જન્મજયંતિનો ખૂબ જ પવિત્ર અવસર છે, જેને સમગ્ર દેશ ખૂબ જ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે. આ વર્ષે મીરાબાઈ ભક્તિ યોગનાં સિરમોર મીરાબાઈનાં 525 વર્ષનું પણ આ પાવન પર્વ છે. આ વખતે જ્યારે આપણે 26 જાન્યુઆરીની ઉજવણી કરીશું ત્યારે તે આપણા પ્રજાસત્તાક દિવસની 75મી વર્ષગાંઠ હશે. અનેક રીતે અનેક અવસરો, અનેક સંભાવનાઓ, દરેક ક્ષણે નવી પ્રેરણા, ક્ષણે ક્ષણ નવી ચેતના, ક્ષણે ક્ષણે સપનાં, ક્ષણે ક્ષણે સંકલ્પ, રાષ્ટ્રનિર્માણમાં પ્રવૃત્ત થવાની, કદાચ આનાથી મોટી કોઈ તક હોઈ શકે નહીં.

મારા પ્રિય પરિવારજન,

આ વખતે કુદરતી આફતએ દેશના ઘણા ભાગોમાં અકલ્પનીય સંકટ ઊભું કર્યું છે. જે પરિવારોએ આ સંકટમાં હું સહન કર્યું છે એ તમામ પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે રાજ્ય-કેન્દ્ર સરકાર સાથે મળીને તે તમામ મુશ્કેલીઓમાંથી ઝડપથી છુટકારો મેળવીને ઝડપી ગતિએ આગળ વધીશું.

મારા પ્રિય પરિવારજનો,

ઉત્તર-પૂર્વમાં, ખાસ કરીને મણિપુરમાં અને ભારતના કેટલાક અન્ય ભાગોમાં પણ છેલ્લાં કેટલાક સપ્તાહમાં, પરંતુ ખાસ કરીને મણિપુરમાં હિંસાનો જે દોર ચાલ્યો એમાં ઘણાં લોકોએ જીવ ગુમાવવો પડ્યો, મા-દીકરીનાં સન્માન સાથે રમત રમાઈ, પરંતુ થોડા દિવસોથી સતત શાંતિના અહેવાલો મળી રહ્યા છે. દેશ મણિપુરના લોકો સાથે છે. મણિપુરનાં લોકોએ છેલ્લા કેટલાક દિવસોથી જે શાંતિ જાળવી રાખી છે એ શાંતિના પર્વને દેશ આગળ વધારે અને શાંતિથી જ ઉકેલનો માર્ગ નીકળશે. અને રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને તે સમસ્યાઓનાં સમાધાન માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે, કરતી રહેશે.

 

મારા પ્રિય પરિવારજનો,

ઈતિહાસ પર જ્યારે આપણે નજર કરીએ તો ઈતિહાસમાં કેટલીક ક્ષણો એવી આવે છે જે પોતાની અમીટ છાપ છોડી જાય છે. અને તેની અસર સદીઓ સુધી રહે છે અને કેટલીકવાર તે શરૂઆતમાં ખૂબ જ નાની લાગે છે, તે એક નાની અમથી ઘટના લાગે છે, પરંતુ તે ઘણી સમસ્યાઓનું મૂળ બની જાય છે. આપણને યાદ છે કે આ દેશ પર 1000-1200 વર્ષ પહેલાં આક્રમણ થયું હતું. એક નાનકડાં રાજ્યના નાનકડા રાજાનો પરાજય થયો. પણ ત્યારે ખબર સુદ્ધાં નહોતી કે એક ઘટના ભારતને હજાર વર્ષની ગુલામીમાં ફસાવી દેશે. અને આપણે ગુલામીમાં જકડાયા ગયા, જકડાતા ગયા, જે આવ્યા તે લૂંટતા ગયા, જેનું જે મન થયું આપણા પર આવીને સવાર થઈ ગયા. કેવો વિપરિત કાળ રહ્યો હશે એ તે હજાર વર્ષનો.

મારા પ્રિય પરિવારજનો,

ઘટના ભલે નાની હોય, પરંતુ હજારો વર્ષો સુધી તેની અસર છોડતી રહે છે. પરંતુ આજે હું આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરવા માગું છું કેમ કે આ કાળખંડમાં, ભારતના વીરોએ, એવી કોઈ ભૂમિ નહોતી, એવો કોઈ સમય નહોતો જ્યારે તેમણે આઝાદીની જ્યોત પ્રજ્વલિત રાખી ન હોય, બલિદાનની પરંપરા ન બનાવી હોય. મા ભારતી બેડીઓમાંથી મુક્ત થવા ઊભી થઈ હતી, તે સાંકળો હલાવી રહી હતી અને દેશની નારી શક્તિ, દેશની યુવા શક્તિ, દેશના ખેડૂતો, દેશનાં ગામડાંના લોકો, દેશના મજૂરો, કોઇએ હિંદુસ્તાની એવો ન હતો જે આઝાદીનાં સપનાં લઈને જીવતો ન હોય. આઝાદી મેળવવા માટે મરી ફિટવા તૈયાર થનારી એક મોટી ફોજ તૈયાર થઈ ગઈ હતી. જેલોમાં જવાની ખપાવી દેનારા અનેક મહાપુરુષો આપણા દેશની આઝાદી, ગુલામીની બેડીઓ તોડવામાં મંડી પડ્યા હતા.

મારા પ્રિય પરિવારજનો,

જનચેતનાનું તે વ્યાપક સ્વરૂપ, તે ત્યાગ અને તપસ્યાનું વ્યાપક રૂપ, જન-જનમાં એક નવો વિશ્વાસ જગાડનારી એ પળ આખરે 1947માં દેશ આઝાદ થયો, હજાર વર્ષની ગુલામીમાં આંજેલાં સપનાં દેશવાસીઓએ પૂરાં થતાં જોયાં.

 

સાથીઓ,

હું હજાર વર્ષ પહેલાની વાત એટલા માટે કરી રહ્યો છું કેમ કે, હું જોઈ રહ્યો છું કે દેશ સમક્ષ ફરી એક વાર તક આવી છે, આપણે એવા કાળખંડમાં જીવી રહ્યા છીએ, આપણે એવા કાળખંડમાં પ્રવેશ કર્યો છે અને આ આપણું સૌભાગ્ય છે કે ભારતના એવા અમૃતકાલમાં,  આ અમૃતકાલનું પ્રથમ વર્ષ છે કાં તો આપણે યુવાનીમાં જીવી રહ્યા છીએ અથવા આપણે માતા ભારતીના ખોળામાં જન્મ લઈ ચૂક્યા છે. અને આ સમયગાળામાં, મારા શબ્દો લખી રાખો મારા પ્રિય પરિવારજનો, આ સમયગાળામાં આપણે જે કરીશું, આપણે જે પગલાં લઈશું, આપણે જેટલો ત્યાગ કરીશું, તપસ્યા કરીશું. સર્વજન હિતાય, સર્વજન સુખાય, એક પછી એક નિર્ણયો લઈશું, આવનારાં એક હજાર વર્ષનો દેશનો સુવર્ણ ઈતિહાસ એમાંથી અંકુરિત થવાનો છે. આ કાળખંડમાં બનનારી ઘટનાઓ, આગામી એક હજાર વર્ષ માટે એનો પ્રભાવ પેદા કરનારી છે.

ગુલામીની માનસિકતામાંથી બહાર આવેલો દેશ આજે પાંચ પ્રણને સમર્પિત થઈને એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે. નવા સંકલ્પોને સિદ્ધ કરવા માટે તે પૂરાં દિલથી જોડાઇ રહ્યો છે. મારી ભારત માતા જે એક સમયે ઊર્જાનું સામર્થ્ય હતું, પરંતુ રાખના ઢગલામાં દબાઇ પડી હતી. 140 કરોડ દેશવાસીઓના પુરુષાર્થથી, તેમની ચેતનાથી અને તેમની ઊર્જાથી ફરી એકવાર જાગૃત થઈ ચૂકી છે. મા ભારતી જાગૃત થઈ ચૂકી છે અને હું સ્પષ્ટપણે જોઈ શકું છું મિત્રો, આ જ તે કાળખંડ છે, આપણે છેલ્લાં 9-10 વર્ષોમાં અનુભવ કર્યો છે. સમગ્ર વિશ્વમાં ભારતની ચેતના પ્રત્યે, ભારતનાં સામર્થ્ય પ્રત્યે એક નવું આકર્ષણ, એક નવો વિશ્વાસ, નવી આશા જાગી છે અને વિશ્વ ભારતમાંથી ઉઠેલા આ પ્રકાશ પુંજને, વિશ્વને તેમાં પોતાના માટે જ્યોતિ દેખાઇ રહી છે. વિશ્વમાં એક નવો વિશ્વાસ પેદા થઇ રહ્યો છે. આ આપણું સૌભાગ્ય છે કે આપણી પાસે કેટલીક એવી વસ્તુઓ છે જે આપણા વડવાઓએ આપણને વારસામાં આપી છે અને વર્તમાન કાળખંડે તેનું ઘડતર કર્યું છે. આજે આપણી પાસે ડેમોગ્રાફી (વસ્તી વિષયક) છે, આજે આપણી પાસે ડેમોક્રેસી(લોકશાહી) છે, આજે આપણી પાસે ડાઇવર્સિટી (વિવિધતા) છે. ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ડાઇવર્સિટીની આ ત્રિપુટી ભારતનાં દરેક સ્વપ્નને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે. આજે સમગ્ર વિશ્વમાં જ્યાં દેશો વૃદ્ધ થઈ રહ્યા છે, ઢાળ પર છે તો ભારત યુવાની તરફ ઊર્જાવાન થઈને આગળ વધી રહ્યું છે. તે કેટલાં મોટાં ગૌરવનો કાળખંડ છે કે આજે 30 વર્ષથી ઓછી વયની વસ્તી વિશ્વમાં ક્યાંય પણ સૌથી વધુ છે, તો તે આ મારી ભારત માતાના ખોળામાં છે. આ મારા દેશમાં છે અને 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો હોય, મારા દેશ પાસે હોય, કોટિ કોટિ હાથ હોય, કોટિ કોટિ મસ્તિષ્ક હોય, કોટિ કોટિ સપનાં, કોટિ કોટિ સંકલ્પ હોય તો  ભાઈઓ અને બહેનો, મારા પ્રિય પરિવારજનો, આપણે ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકીએ છીએ.

મારા પ્રિય પરિવારજનો,

આવી ઘટનાઓ દેશનું ભાગ્ય બદલી નાખે છે. આ સામર્થ્ય દેશનું ભાગ્ય બદલી નાખે છે. ભારત, આપણે 1000 વર્ષની ગુલામી અને આવનારાં 1000 વર્ષના ભવ્ય ભારત વચ્ચેના પડાવ પર ઊભા છીએ. એક એવી સંધિ પર ઊભા છીએ અને તેથી હવે આપણે નથી અટકવાનું, નથી આપણે દુવિધામાં જીવવાનું.

મારા પ્રિય પરિવારજનો,

આપણે ગુમાવેલા એ વારસા પર ગર્વ કરતા, ખોવાયેલી સમૃદ્ધિને પ્રાપ્ત કરતા આપણે ફરી એકવાર એ વાત માનીને ચાલીએ, આપણે જે કંઈ પણ કરીશું, આપણે જે પણ પગલાં ઉઠાવીશું, આપણે જે પણ નિર્ણય લઈએ, તે આવનારાં 1000 વર્ષ પોતાની દિશા નક્કી કરવાના છે. તે ભારતનું ભાગ્ય લખનારા છે, આજે હું મારા દેશના નવયુવાનોને, મારા દેશના દીકરા-દીકરીઓને એ ચોક્કસ કહેવા માગું છું, જે સૌભાગ્ય આજે મારા યુવાનોને મળ્યું છે, તે સૌભાગ્ય ભાગ્યે જ કોઈને નસીબ થાય છે, જે તમને નસીબ થયું છે. અને એટલા માટે આપણે એ ગુમાવવાનું નથી, યુવા શક્તિમાં મારો ભરોસો છે, યુવા શક્તિમાં સામર્થ્ય છે અને આપણી નીતિઓ અને આપણી રીતિઓ પણ એ યુવા સામર્થ્યને વધારે બળ આપવા માટે છે. આજે મારા યુવાનોએ ભારતને વિશ્વની પ્રથમ ત્રણ સ્ટાર્ટઅપ ઈકોનોમી સિસ્ટમમાં સ્થાન અપાવી દીધું છે. વિશ્વના યુવાનો આશ્ચર્ય પામી રહ્યા છે. ભારતની આ શક્તિ વિશે, ભારતની આ તાકાતને જોઈને. આજે વિશ્વ ટેક્નૉલોજી સંચાલિત છે અને આવનારો યુગ ટેક્નૉલોજીથી પ્રભાવિત રહેનારો છે અને ત્યારે ટેક્નૉલોજીમાં ભારતની જે પ્રતિભા છે, તેની એક નવી ભૂમિકા રહેવાની છે.

 

સાથીઓ,

તાજેતરમાં, હું G-20 સમિટ માટે બાલી ગયો હતો અને બાલીમાં, વિશ્વના સૌથી સમૃદ્ધ દેશો, વિશ્વના વિકસિત દેશો પણ, તેમના નેતાઓ, મને ભારતના ડિજિટલ ઈન્ડિયાની સફળતા માટે, તેની બારીકાઇ વિશે જાણવા આતુર હતા. દરેક જણ આનો પ્રશ્ન પૂછતા હતા અને જ્યારે હું તેમને કહેતો હતો કે ભારતે જે કમાલ કરી છે તે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ સુધી જ મર્યાદિત નથી, ભારત જે કમાલ કરી રહ્યું છે, તે મારાં ટિયર-2, ટિયર-3 શહેરોના યુવાનો પણ આજે મારા દેશનું ભાગ્ય ઘડી રહ્યા છે. નાનાં-નાનાં સ્થળોએથી મારા નવયુવાનો, અને આજે હું ખૂબ જ વિશ્વાસ સાથે કહું છું કે દેશનું આ જે સામર્થ્ય નવું દેખાઇ રહ્યું છે, અને એટલા માટે હું કહું છું કે આપણાં નાનાં શહેરો, આપણાં નગરો આકાર અને વસ્તીમાં નાનાં હોઈ શકે છે, પરંતુ આશા અને આકાંક્ષા, પ્રયાસ અને એ કોઇથી ઓછો નથી, એ સામર્થ્ય એમની અંદર છે. નવી એપ્લિકેશનો, નવા સોલ્યુશન્સ, ટેક્નૉલોજી ઉપકરણો. હવે રમતગમતની દુનિયા જોઇ લો, બાળકો કોણ છે, ઝૂંપડપટ્ટીમાંથી બહાર આવેલાં બાળકો આજે રમતગમતની દુનિયામાં પરાક્રમ બતાવી રહ્યા છે. નાનાં-નાનાં ગામડાંઓ, નાનાં-નાનાં નગરોના નવયુવાનો, આપણા દીકરા-દીકરીઓ આજે કમાલ બતાવી રહ્યા છે. હવે જુઓ, મારા દેશમાં એવી 100 શાળાઓ છે જ્યાં બાળકો ઉપગ્રહો બનાવીને તેને છોડવાની તૈયારી કરી રહ્યા છે. આજે હજારો ટિંકરિંગ લેબ નવા વૈજ્ઞાનિકોને તૈયાર કરી રહી છે. આજે હજારો ટિંકરિંગ લેબ લાખો બાળકોને વિજ્ઞાન અને ટેક્નૉલોજીના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપી રહી છે. હું મારા દેશના યુવાનોને કહેવા માગું છું કે તકોની કોઈ કમી નથી, તમે જેટલી તકો ઈચ્છો છો, આ દેશ તમને આકાશથી પણ વધુ તકો આપવાનું સામર્થ્ય ધરાવે છે.

આજે, લાલ કિલ્લાની પ્રાચીર પરથી, હું મારા દેશની માતાઓ, બહેનો અને મારા દેશની દીકરીઓને હૃદયપૂર્વક અભિનંદન આપવા માગું છું. આજે દેશ જ્યાં પહોંચી ગયો છે, તેમાં વિશેષ શક્તિ ઉમેરાઈ રહી છે, મારી માતાઓ અને બહેનોનું સામર્થ્ય. આજે દેશ પ્રગતિના માર્ગ પર નીકળી પડ્યો છે, તો હું મારાં ખેડૂત ભાઈઓ અને બહેનોને અભિનંદન આપવા માગું છું આ આપનો જ પુરુષાર્થ છે, એ આપનો જ પરિશ્રમ છે કે દેશ આજે કૃષિ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. આજે હું મારા દેશના મજૂરો, મારા શ્રમિકોને, મારા પ્રિય પરિવારજનો અને આવા કોટિ કોટિ સમૂહોને આજે હું નમન કરું છું. હું તેમને અભિનંદન આપું છું. દેશ આજે જે આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે, વિશ્વ સાથે સરખામણી કરવાનાં સામર્થ્ય સાથે દેખાઇ રહ્યો છે, એની પાછળ મારા દેશના મજૂરોનું, મારા દેશના શ્રમિકોનું બહુ મોટું  યોગદાન છે, આજે સમય કહે છે કે હું લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમને અભિનંદન આપું. હું તેમનું અભિવાદન કરું અને આ મારા પરિવારજન, 140 કરોડ દેશવાસીઓ, મારા આ શ્રમિકો, શેરી વિક્રેતાઓ-પાથરણાંવાળા, ફૂલો અને શાકભાજી વેચનારાઓનું અમે સન્માન કરીએ છીએ. મારા દેશને આગળ વધારવામાં, મારા દેશને પ્રગતિની નવી ઊંચાઇ પર લઈ જવામાં પ્રોફેશનલ્સની બહુ મોટી ભૂમિકા વધતી રહી છે. વૈફ્યાનિકો હોય, કે ઇજનેરો હોય, ડોક્ટર્સ હોય, નર્સીસ હોય, શિક્ષક હોય, આચાર્ય હોય, યુનિવર્સિટીઓ હોય, ગુરુકૂળ હોય, દરેક મા ભારતીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પોતાની પૂરી તાકાતથી લાગેલા છે.

મારા પ્રિય પરિવારજનો,

રાષ્ટ્રીય ચેતના એક એવો શબ્દ છે જે આપણને ચિંતાઓમાંથી મુક્ત કરી રહ્યો છે. અને આજે એ રાષ્ટ્રીય ચેતના એ સિદ્ધ કરી રહી છે કે ભારતનું સૌથી મોટું સામર્થ્ય બન્યું છે ભરોસો, ભારતનું સૌથી મોટું સામર્થ્ય બન્યું છે વિશ્વાસ, જન-જનમાં આપણો વિશ્વાસ, જન-જનનો સરકાર પર વિશ્વાસ, જન-જનનો દેશનાં ઉજ્જ્વળ ભવિષ્ય પર વિશ્વાસ અને વિશ્વનો પણ ભારત પ્રત્યે વિશ્વાસ. આ વિશ્વાસ આપણી નીતિઓનો છે, આપણી રીતિનો છે. ભારતનાં ઉજ્જવળ ભવિષ્યને જે નિર્ધારિત મજબૂત પગલાં સાથે અમે આગળ વધારી રહ્યા છે એનો છે.

ભાઇઓ અને બહેનો,

મારા વ્હાલા પરિવારજનો, એ વાત નિશ્ચિત છે કે ભારતનું સામર્થ્ય અને ભારતની સંભાવનાઓ વિશ્વાસની નવી ઊંચાઈઓ પાર કરવા જઈ રહી છે અને આ વિશ્વાસની નવી ઊંચાઈઓ નવાં સામર્થ્યને લઈને ચાલવી જોઇએ. આજે ભારતને દેશમાં G-20 સમિટની યજમાની કરવાની તક મળી છે. અને છેલ્લાં એક વર્ષથી જે રીતે ભારતના ખૂણે-ખૂણે G-20ના અનેક એવાં આયોજન થયાં છે, અનેક કાર્યક્રમો થયા છે, તેનાથી દેશના સામાન્ય માનવીનાં સામર્થ્યનો વિશ્વને પરિચય કરાવી દીધો છે. ભારતની વિવિધતાનો પરિચય કરાવ્યો છે. વિશ્વ ભારતની વિવિધતાને આશ્ચર્યથી જોઈ રહ્યું છે અને તેના કારણે ભારત પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. ભારતને જાણવાની અને સમજવાની ઈચ્છા જાગી છે. એ જ રીતે તમે જુઓ, નિકાસ, આજે ભારતની નિકાસ ઝડપથી વધી રહી છે અને હું કહેવા માગું છું કે આ તમામ માપદંડોના આધારે વિશ્વના નિષ્ણાતો કહી રહ્યા છે કે હવે ભારત અટકવાનું નથી. વિશ્વની કોઈપણ રેટિંગ એજન્સી તે ભારતનું ગૌરવ કરી રહી છે. કોરોનાકાળ પછી દુનિયા નવેસરથી વિચારવા લાગી છે. અને હું વિશ્વાસ સાથે જોઈ રહ્યો છું કે જે રીતે બીજા વિશ્વ યુદ્ધ પછી, બીજા વિશ્વ યુદ્ધ પછી વિશ્વમાં એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર પામી હતી. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે કોરોના પછી, એક નવી વિશ્વ વ્યવસ્થા, એક નવો ગ્લોબલ ઓર્ડર, એક નવું ભૂ-રાજકીય સમીકરણ તે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભૌગોલિક રાજકીય સમીકરણની તમામ વ્યાખ્યાઓ બદલાઈ રહી છે, પરિભાષાઓ બદલાઈ રહી છે. અને મારા વ્હાલા પરિવારજનો, તમને ગર્વ થશે બદલતાં વિશ્વને આકાર આપવામાં આજે મારા 140 કરોડ દેશવાસીઓ, આપનું સામર્થ્ય દેખાઇ રહ્યું છે. તમે નિર્ણાયક વળાંકે ઊભા છો.

 

અને જે રીતે ભારતે કોરોનાકાળમાં દેશને આગળ વધાર્યો છે, દુનિયાએ આપણું સામર્થ્ય જોયું છે. જ્યારે વિશ્વની સપ્લાય ચેઈન વેરવિખેર થઈ ગઈ હતી, મોટી મોટી અર્થવ્યવસ્થા પર દબાણ હતું, તે સમયે પણ આપણે કહ્યું હતું કે જો આપણે વિશ્વનો વિકાસ જોવો હોય તો તે માનવ કેન્દ્રિત હોવો જોઇએ, માનવ સંવેદનાથી ભરપૂર હોવો જોઈએ, અને ત્યારે જ સમસ્યાઓનો યોગ્ય ઉકેલ શોધીશું અને કોવિડે આપણને શીખવ્યું છે અથવા આપણને મજબૂર કર્યા છે, પરંતુ આપણે માનવીય સંવેદના છોડીને વિશ્વનું કલ્યાણ કરી શકતા નથી.

આજે ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બની રહ્યું છે. ભારતની સમૃદ્ધિ અને વિરાસત આજે વિશ્વ માટે એક અવસર બની રહી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા, વૈશ્વિક સપ્લાય ચેનમાં ભારતની ભાગીદારી, હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે, આજે ભારતમાં જે સ્થિતિ ઊભી થઈ છે, આજે ભારત જે કમાયું છે, તે વિશ્વમાં સ્થિરતાની ગૅરંટી લઈને આવ્યું છે મિત્રો. હવે ન તો આપણાં મનમાં, ન મારા 140 કરોડ પરિવારજનોનાં મનમાં, અને ન દુનિયાનાં મનમાં, કોઇ કિંતુ પરંતુ છે, વિશ્વાસ બની ચૂક્યો છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

હવે બૉલ આપણા કૉર્ટમાં છે, આપણે તક જવા દેવી જોઈએ નહીં, આપણે તક ગુમાવવી જોઈએ નહીં. હું ભારતના મારા દેશવાસીઓને એટલા માટે પણ અભિનંદન આપું છું કે મારા દેશવાસીઓમાં એક નીર-ક્ષીર (સારા-નરસાનો ભેદ પારખનારું) વિવેકનું સામર્થ્ય છે, સમસ્યાઓનાં મૂળને સમજવાનું સામર્થ્ય છે અને તેથી 30 વર્ષના અનુભવ પછી 2014માં મારા દેશવાસીઓએ નક્કી કર્યું કે દેશને આગળ વધારવો હોય તો એક સ્થિર સરકારની જરૂર છે, એક મજબૂત સરકારની જરૂર છે, પૂર્ણ બહુમતવાળી સરકાર જોઇએ, અને દેશવાસીઓએ એક મજબૂત અને સ્થિર સરકાર બનાવી છે. અને ત્રણ દાયકા સુધી, જે અનિશ્ચિતતાનો સમયગાળો હતો, જે અસ્થિરતાનો સમય હતો, દેશ જે રાજકીય મજબૂરીઓમાં જકડાયેલો હતો, એમાંથી મુક્તિ મળી.

મારા પ્રિય પરિવારજનો,

દેશ પાસેઆજે એવી સરકાર છે, જે સર્વજન હિતાય સર્વજન સુખાય દેશના સંતુલિત વિકાસ માટે સમયની પળેપળ અને જનતાની પાઇ-પાઇ જનતાની ભલાઇ માટે લગાવી રહી છ અને મારી સરકાર, મારા દેશવાસીઓનું માન એક વાત સાથે જોડાયેલું છે, અમારા દરેક નિર્ણય, અમારી દરેક દિશા, એનો  એક જ માપદંડ છે - રાષ્ટ્ર નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ અને રાષ્ટ્ર પ્રથમ. તે જ દૂરગામી પરિણામ, સકારાત્મક પરિણામ પેદા કરનાર છે. દેશમાં મોટા પાયે કામ ચાલી રહ્યું છે. પણ હું કહેવા માગીશ 2014માં આપે એક મજબૂત સરકાર બનાવી અને હું કહું છું 2014માં અને 2019માં આપે એક સરકાર ફોર્મ કરી (રચી) તો મોદીમાં રિફોર્મ (સુધારા) કરવાની હિમ્મત આવી. આપે એવી સરકાર ફોર્મ કરી કે મોદીને રિફોર્મ કરવાની હિમ્મત આવી. અને જ્યારે મોદીએ એક પછી એક રિફોર્મ કર્યા તો મારા બ્યુરોક્રેસીના લોકો, મારા લાખો હાથ-પગ, જે હિંદુસ્તાનના ખૂણે ખૂણામાં સરકારના ભાગ તરીકે કામ કરી રહ્યા છે એમણે બ્યુરોક્રેસીને ટ્રાન્સફોર્મ કરવા માટે પર્ફોર્મ કરવાની જવાબદારી  સુપેરે નિભાવી અને તેમણે પર્ફોર્મ કરી બતાવ્યું અને જનતા-જનાદ્રન જોડાઇ ગઈ તો તે પણ ટ્રાન્સફોર્મ થતી દેખાઇ રહી છે. અને એટલે રિફોર્મ, પર્ફોર્મ, ટ્રાન્સફોર્મનો આ કાળખંડ હવે ભારતનાં ભવિષ્યને ઘડી રહ્યો છે. અને અમારો વિચાર દેશની તે શક્તિઓને પ્રોત્સાહન આપવા પર છે, જે આવનારા હજાર વર્ષનો પાયો મજબૂત કરવાની છે. વિશ્વને યુવા શક્તિની જરૂર છે, યુવા કૌશલ્યની જરૂર છે. અમે એક અલગ કૌશલ્ય મંત્રાલય બનાવ્યું છે, તે માત્ર ભારતની જરૂરિયાતો જ નહીં પૂરી કરશે, તેની પાસે વિશ્વની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા પણ હશે. અમે જલ શક્તિ મંત્રાલય બનાવ્યું. જો તે મંત્રાલયની રચનાનું પણ વિશ્લેષણ કરશો ને તો તમે આ સરકારનાં મન અને મગજને સારી રીતે સમજી શકશો. અમે જલ શક્તિ મંત્રાલય બનાવ્યું, એ જલ શક્તિ મંત્રાલય આપણું, આપણા દરેક દેશવાસીઓ સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચે, પર્યાવરણની સુરક્ષા માટે પાણી પ્રત્યે સંવેદનશીલ વ્યવસ્થાઓ વિકસિત થાય એના પર અમે ભાર આપી રહ્યા છીએ. આપણા દેશમાં કોરોના પછી દુનિયા જોઇ રહી છે સાર્વત્રિક આરોગ્ય સંભાળ એ સમયની માગ છે. અમે અલગ આયુષ મંત્રાલય બનાવ્યું અને યોગ અને આયુષ આજે દુનિયામાં કમાલ કરી રહ્યા છે.

આપણી પ્રતિબદ્ધતાને કારણે દુનિયાનું ધ્યાન આપણી તરફ ખેંચાયું છે. જો આપણે આપણી આ શક્તિને નકારીશું, તો પછી વિશ્વ તેને કેવી રીતે સ્વીકારશે? પરંતુ જ્યારે મંત્રાલયની રચના થઈ ત્યારે દુનિયાને પણ તેનું મૂલ્ય સમજાયું. મત્સ્યોદ્યોગ આપણો આટલો મોટો દરિયાકિનારો, આપણા કરોડો કરોડો માછીમાર ભાઈઓ અને બહેનોનું કલ્યાણ પણ આપણાં હૃદયમાં છે અને તેથી જ અમે મત્સ્યોદ્યોગને લઈને, પશુપાલનને લઈને અને ડેરીને માટે એક અલગ મંત્રાલય બનાવ્યું જેથી સમાજના જે લોકો પાછળ રહી ગયા તેમને આપણે સાથ આપીએ. દેશમાં સરકારી અર્થતંત્રના ભાગો હોય છે, પરંતુ સહકારી આંદોલન એ સમાજનાં અર્થતંત્રનો મોટો હિસ્સો છે, તેને મજબૂત કરવા માટે, તેમાં આધુનિકતા લાવવા માટે અને દેશના ખૂણે ખૂણે લોકશાહીનાં સૌથી મોટાં એકમોમાંથી એકને મજબૂત કરવા માટે, અમે એક અલગ સહકારિતા મંત્રાલય બનાવ્યું અને આપણી સહકારી સંસ્થાઓ તેનું નેટવર્ક ગોઠવી રહી છે જેથી ગરીબમાં ગરીબને ત્યાં સાંભળી શકાય, તેમની જરૂરિયાતો પૂરી થાય અને તે પણ રાષ્ટ્રના વિકાસનાં યોગદાનમાં એક નાનકડો એકમ બનીને એમાં તે પોતાનું યોગદાન આપી શકે. અમે સહકારથી સમૃદ્ધિનો માર્ગ અપનાવ્યો છે.

મારા પ્રિય પરિવારજનો,

જ્યારે અમે 2014માં સત્તામાં આવ્યા હતા, ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણે 10મા નંબરે હતા અને આજે 140 કરોડ દેશવાસીઓનો પુરુષાર્થ રંગ લાવ્યો છે કે આપણે વિશ્વની અર્થવ્યવસ્થામાં 5મા નંબરે પહોંચી ગયા છીએ. અને આ એમ જ નથી થયું જ્યારે ભ્રષ્ટાચારના રાક્ષસો દેશને દબોચી રહ્યા હતા, લાખો કરોડોનાં કૌભાંડો અર્થવ્યવસ્થાને ડામાડોળ કરી રહ્યા હતા અને ફ્રેજાઇલ (નાજુક)ફાઇલમાં દેશને ઓળખવામાં આવી રહ્યો હતો. અમે લીકેજ બંધ કર્યા, એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવી, અમે ગરીબોનાં કલ્યાણ માટે મહત્તમ નાણાં ખર્ચવાનો પ્રયાસ કર્યો. અને આજે હું દેશવાસીઓને કહેવા માગું છું કે જ્યારે દેશ આર્થિક રીતે સમૃદ્ધ હોય છે ત્યારે માત્ર તિજોરી જ ભરાતી નથી, દેશનું સામર્થ્ય વધે છે, દેશવાસીઓનું સામર્થ્ય વધે છે અને તિજોરીની પાઇ-પાઇ જો ઇમાનદારીથી જનતા-જનાર્દન માટે ખર્ચ કરવાનો સંકલ્પ લેનારી સરકાર હોય તો પરિણામ કેવાં આવે છે. હું 10 વર્ષનો હિસાબ તિરંગાની સાક્ષીમાં લાલ કિલ્લાની પ્રાચીરથી મારા દેશવાસીઓને આપી રહ્યો છું. આંકડા જોઇને આપને લાગશે આટલું મોટું પરિવર્તન, આટલું મોટું સામર્થ્ય. 10 વર્ષ પહેલાં રાજ્યોને 30 લાખ કરોડ રૂપિયા ભારત સરકાર તરફથી જતા હતા. છેલ્લાં 9 વર્ષમાં આ આંકડો 100 લાખ કરોડ પર પહોંચ્યો છે.

અગાઉ સ્થાનિક સંસ્થાઓના વિકાસ માટે ભારત સરકારની તિજોરીમાંથી 70 હજાર કરોડ રૂપિયા જતા હતા, આજે તે 3 લાખ કરોડથી પણ વધુ થઈ ગયા છે. પહેલા ગરીબોનાં ઘર બનાવવા માટે 90 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવતા હતા, આજે તેમાં 4 ગણો વધારો થયો છે અને 4 લાખ કરોડ રૂપિયાથી વધુ ગરીબોનાં ઘર બનાવવાં માટે ખર્ચ કરવામાં આવી રહ્યા છે. પહેલા ગરીબોને સસ્તામાં યુરિયા મળે. વિશ્વનાં કેટલાક બજારોમાં યુરિયાની જે થેલીઓ 3000 રૂપિયામાં વેચાય છે, મારા ખેડૂતોને તે યુરિયાની થેલી 300 રૂપિયામાં મળે અને તેથી જ દેશની સરકાર મારા ખેડૂતોને યુરિયામાં 10 લાખ કરોડ રૂપિયાની સબસિડી આપી રહી છે. મારા દેશના યુવાનોને સ્વરોજગાર માટે, તેમના વ્યવસાય માટે, તેમના કારોબાર માટે 20 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 8 કરોડ લોકોએ નવો ધંધો શરૂ કર્યો છે અને 8 કરોડ લોકોએ કારોબાર્વ શરૂ કર્યો છે, એટલું નહીં દરેક ધંધાદારીએ એક-બે લોકોને રોજગાર આપ્યો છે. મુદ્રા યોજનાનો લાભ મેળવનાર 8 કરોડ નાગરિકો 8-10 કરોડ નવા લોકોને રોજગાર આપવાનું સામર્થ્ય ધરાવે છે. એમએસએમઈને લગભગ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાની મદદથી, તેમને કોરોનાનાં સંકટમાં પણ ડૂબવા દેવામાં આવ્યા ન હતા, તેમને મરવા ન દેવાયા, તેમને તાકાત આપવામાં આવી હતી. વન રેન્ક વન પેન્શન મારા દેશના સૈનિકો માટે સન્માનની વાત હતી, આજે ભારતની તિજોરીમાંથી 70 હજાર કરોડ રૂપિયા પહોંચી ગયા છે. મારા નિવૃત્ત સેનાના નાયકોના ખિસ્સામાં તેમના પરિવારો સુધી પહોંચી ગયા છે. બધી કૅટેગરીમાં મેં ફક્ત થોડા જ ગણાવ્યા છે, હું વધુ સમય લેવા માગતો નથી. દરેક કૅટેગરીમાં, પહેલા કરતા અનેક ગણા પૈસા, દેશના વિકાસ માટે, ખૂણે ખૂણામાં રોજગારી ઊભી કરવા માટે, દરેક પાઇ-પાઇનો ઉપયોગ ભારતનું ભાગ્ય બદલવા થાય અને તેથી જ અમે કામ કર્યું છે.

 

અને મારા પ્રિયજનો,

આટલું જ નહીં, અમે કરેલા આ તમામ પ્રયાસોનું પરિણામ છે કે આજે મારા 5 વર્ષના એક કાર્યકાળમાં, 5 વર્ષમાં, મારા 13.5 કરોડ ગરીબ ભાઈ-બહેનો ગરીબીની સાંકળો તોડીને નવા મધ્યમ વર્ગનાં રૂપમાં બહાર આવ્યા છે. જીવનમાં આનાથી મોટો કોઈ સંતોષ હોઈ શકે નહીં.

પારા પ્રિય પરિવારજનો,

આવાસ યોજનાઓથી માંડીને વિવિધ યોજનાઓ, પીએમ સ્વનિધિ યોજના દ્વારા શેરી વિક્રેતાઓને 50,000 કરોડ રૂપિયા પ્રદાન કરે છે, અને ઘણી બધી યોજનાઓએ આ 13.5 કરોડ લોકોને ગરીબીની મુશ્કેલીઓથી ઉપર આવવામાં મદદ કરી છે. આવનારા દિવસોમાં, અમે વિશ્વકર્માજયંતીના અવસરે એક યોજના શરૂ કરીશું, જે પરંપરાગત કારીગરીમાં કુશળ વ્યક્તિઓ, ખાસ કરીને OBC સમુદાયના લોકોને લાભ આપશે. સુથાર, સુવર્ણકાર, ચણતર, લોન્ડ્રી કામદારો, નાઈ અને આવા પરિવારોને વિશ્વકર્મા યોજના દ્વારા સશક્ત કરવામાં આવશે, જે લગભગ 13-15 હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથે શરૂ થશે. અમે PM કિસાન સન્માન નિધિ દ્વારા અમારા ખેડૂતોના ખાતામાં સીધા 2.5 લાખ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. અમે જલ જીવન મિશન પર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે, દરેક ઘરમાં શુદ્ધ પાણીની ખાતરી આપી છે. અમે આયુષ્માન ભારત યોજના હેઠળ બિમારી દરમિયાન હોસ્પિટલોની મુલાકાત લેતા ગરીબોનો બોજ હળવો કર્યો છે. અમે આયુષ્માન ભારત યોજના હેઠળ 70,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે જેથી તેઓને દવા, સારવાર અને ગુણવત્તાયુક્ત હોસ્પિટલની સંભાળ મળી શકે. દેશ જાણે છે કે અમે કોરોના સંકટ દરમિયાન મફત રસી આપવા માટે 40,000 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પરંતુ તમને જાણીને આનંદ થશે કે અમે પશુધનને બચાવવા માટે તેમના રસીકરણ માટે લગભગ 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

મારા વ્હાલા દેશવાસીઓ, મારા પ્રિય પરિવારજનો,

જન ઔષધિ કેન્દ્રોએ દેશના વરિષ્ઠ નાગરિકો, દેશના મધ્યમ વર્ગના પરિવારોને એક નવી તાકાત આપી છે. સંયુક્ત કુટુંબમાં કોઈને ડાયાબિટીસ જેવું થઈ જાય તો 2-3 હજારનું બિલ સ્વાભાવિક થઈ જાય છે. અમે જન ઔષધિ કેન્દ્રમાંથી બજારમાં રૂ.100માં મળતી દવાઓ રૂ. 10, રૂ. 15, રૂ. 20માં આપી. અને આજે દેશનાં 1000 જન ઔષધિ કેન્દ્રોમાંથી લગભગ 20 કરોડ રૂપિયા એવા લોકોના ખિસ્સામાં બચ્યા છે જેમને આ બીમારીઓ માટે દવાઓની જરૂર હતી. અને આ મોટાભાગે મધ્યમ વર્ગના પરિવારોના લોકો છે. પરંતુ આજે તેની સફળતા જોઈને હું દેશવાસીઓને કહેવા માગું છું કે અમે વિશ્વકર્મા યોજના સાથે સમાજના તે વર્ગને સ્પર્શ કરવા જઈ રહ્યા છીએ. હવે દેશમાં 10,000 જન ઔષધિ કેન્દ્રોથી, અમે આગામી દિવસોમાં 25,000 જન ઔષધિ કેન્દ્રોનાં લક્ષ્ય સાથે કામ કરવા જઈ રહ્યા છીએ.

મારા પ્રિય પરિવારજનો,

જ્યારે દેશમાં ગરીબી ઓછી હોય છે ત્યારે દેશના મધ્યમ વર્ગની તાકાત ઘણી વધી જાય છે. અને હું તમને ખાતરી આપું છું કે આવનારાં પાંચ વર્ષમાં મોદીની ગૅરંટી એ છે કે દેશ વિશ્વની પ્રથમ ત્રણ અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન લેશે, તે ચોક્કસપણે જગા લઈ લેશે. આજે ગરીબીમાંથી બહાર આવેલા 13.5 કરોડ લોકો એક રીતે મધ્યમ વર્ગની તાકાત બની ગયા છે. જ્યારે ગરીબોની ખરીદશક્તિ વધે છે ત્યારે મધ્યમ વર્ગની વ્યાપાર શક્તિ વધે છે. જ્યારે ગામડાની ખરીદશક્તિ વધે છે ત્યારે નગર અને શહેરની આર્થિક વ્યવસ્થા તેજ ગતિએ દોડવા લાગે છે. અને આ એકબીજા સાથે જોડાયેલું આપણું અર્થચક્ર હોય છે. અમે તેને તાકાત આપીને આગળ વધવા માગીએ છીએ.

મારા પ્રિય પરિવારજનો,

શહેરની અંદર રહેતાં નબળાં લોકો, વગર વાતની જે મુસીબત રહે છે. મધ્યમ વર્ગના પરિવારો પોતાનાં ઘરનાં સપના જોતા હોય છે. અમે તેના માટે પણ આગામી કેટલાક વર્ષો માટે એક યોજના લઈને આવી રહ્યા છીએ અને જેમાં મારા પરિવારજનો કે જેઓ શહેરોમાં રહે છે પરંતુ ભાડાનાં મકાનમાં રહે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, ચાલમાં રહે છે, અનધિકૃત કોલોનીઓમાં રહે છે. જો મારા પરિવારજનો પોતાનું ઘર બનાવવા માગતા હોય, તો અમે તેમને બૅન્કમાંથી જે લોન મળશે તેના વ્યાજમાં રાહત આપીને લાખો રૂપિયાની મદદ કરવાનું નક્કી કર્યું છે. જો મારા મધ્યમ વર્ગના પરિવારની આવકવેરાની મર્યાદા બે લાખથી વધારીને સાત લાખ થાય તો તેનો સૌથી મોટો ફાયદો પગાર વર્ગને, મારા મધ્યમ વર્ગને થાય છે. 2014 પહેલા ઈન્ટરનેટ ડેટા ઘણો મોંઘો હતો. હવે વિશ્વના સૌથી સસ્તા ઇન્ટરનેટ ડેટા પર ખર્ચ થાય છે, દરેક પરિવારના પૈસા બચી રહ્યા છે.

મારા પ્રિય પરિવારજનો,

કોરોના પછી દુનિયા હજી સુધી ઉભરી નથી, યુદ્ધે ફરી એક નવી સમસ્યા ઊભી કરી છે. આજે વિશ્વ મોંઘવારીનાં સંકટનો સામનો કરી રહ્યું છે. મોંઘવારીએ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને જકડી લીધી છે. દુનિયામાંથી જે માલની જરૂર પડે છે તે આપણે લાવીએ છીએ, તેથી આપણે માલ તો આયાત કરીએ છીએ, આ આપણી કમનસીબી છે કે આપણને મોંઘવારી પણ આયાત કરવી પડે છે. તેથી આખી દુનિયાને મોંઘવારીએ જકડી રાખી છે.

પરંતુ મારા પ્રિય પરિવારજનો,

ભારતે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. અગાઉના સમયગાળાની તુલનામાં, અમને થોડી સફળતા પણ મળી છે, પરંતુ અમે આટલાથી સંતુષ્ટ થઈ શકતા નથી. આપણે એવું ન વિચારી શકીએ કે આપણી બાબત દુનિયા કરતા સારી છે, મારે તો મારા દેશવાસીઓ પર મોંઘવારીનો બોજ ઓછામાં ઓછો હોય એ દિશામાં  પણ વધુ પગલાં ભરવાં પડશે. અને અમે આ પગલાં ઉઠાવીને રહીશું. મારો પ્રયાસ સતત ચાલુ રહેશે.

મારા પ્રિય પરિવારજનો,

આજે દેશ અનેક ક્ષમતાઓ સાથે આગળ વધી રહ્યો છે. દેશ આધુનિકતા તરફ આગળ વધવા માટે કામ કરી રહ્યો છે. આજે દેશ રિન્યુએબલ એનર્જીમાં કામ કરી રહ્યો છે, આજે દેશ ગ્રીન હાઇડ્રોજન પર કામ કરી રહ્યો છે, સ્પેસમાં દેશની ક્ષમતા વધી રહી છે. તો દેશ ડીપ સી મિશનમાં પણ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. દેશમાં રેલ આધુનિક બની રહી છે, તો વંદે ભારત બુલેટ ટ્રેન પણ આજે દેશની અંદર કામ કરી રહી છે. દરેક ગામમાં પાકા  રસ્તાઓ બની રહ્યા છે, તો આજે દેશમાં ઈલેક્ટ્રીક બસો અને મેટ્રો પણ બની રહી છે. આજે દરેક ગામડામાં ઈન્ટરનેટ પહોંચી રહ્યું છે, તો દેશ ક્વોન્ટમ કમ્પ્પ્યૂટર માટે પણ કામ કરી રહ્યો છે. નેનો યુરિયા અને નેનો ડીએપી પર કામ કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ અમે ઓર્ગેનિક ખેતી પર પણ ભાર આપી રહ્યા છીએ. આજે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ યુનિયન (FPO) બનાવવામાં આવી રહ્યા છે, તો અમે સેમિકન્ડક્ટર પણ બનાવવા માગીએ છીએ. જેમ અમે દિવ્યાંગજનો માટે સુલભ ભારતનું નિર્માણ કરવાનું કામ કરીએ છીએ, તો અમે મારા દિવ્યાંગજનોને પેરાલિમ્પિક્સમાં પણ ભારતનો ત્રિરંગો ધ્વજ ફરકાવવા માટે સામર્થ્યવાન બનાવી રહ્યા છીએ. અમે ખેલાડીઓને ખાસ તાલીમ આપી રહ્યા છીએ. આજે ભારત જૂની વિચારસરણી અને જૂની પેટર્ન છોડીને લક્ષ્યો હાંસલ કરવાનાં વિઝન સાથે આગળ વધી રહ્યું છે. અને જ્યારે હું કહું છું કે જેનો શિલાન્યાસ અમારી સરકાર કરે છે, તેનું ઉદ્‌ઘાટન પણ અમારા સમયગાળામાં જ થાય છે. આ દિવસોમાં હું જે શિલાન્યાસ કરી રહ્યો છું ને આપ લખા રાખો તેનું ઉદ્‌ઘાટન પણ આપ સૌએ મારા નસીબમાં જ છોડ્યું છે. આપણું વર્ક કલ્ચર, મોટું વિચારવું, દૂરનું વિચારવું, સર્વજન સુખાય સર્વજન સુખાય  વિચારવું એ અમારી કાર્યશૈલી રહી છે. અને આ વિચારથી પણ વધારે, સંકલ્પથી પણ વધારે કેવી રીતે હાંસલ થાય એ ઊર્જાથી અમે કામ કરીએ છીએ. અમે આઝાદીના અમૃત મહોત્સવમાં 75 હજાર અમૃત સરોવર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ત્યારે અમે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આશરે 50-55 હજાર અમૃત સરોવરની કલ્પના કરવામાં આવી હતી. પરંતુ આજે લગભગ લગભગ 75 હજાર અમૃત સરોવરનાં નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ પોતે એક વિશાળ કાર્ય થઇ રહ્યું છે. જનશક્તિ અને જળશક્તિની આ તાકાત ભારતનાં પર્યાવરણનાં રક્ષણમાં પણ ઉપયોગી થવાની છે. 18,000 ગામડાંઓ સુધી વીજળી પહોંચાડવી, જન ધન બૅન્ક ખાતા ખોલવાં, દીકરીઓ માટે શૌચાલય બનાવવાં જેવાં તમામ લક્ષ્યો સમય પહેલા પૂરી તાકાતથી પૂર્ણ કરશે. અને જ્યારે ભારત નક્કી કરી લે છે, ત્યારે તે તેને પૂર્ણ કરીને રહે છે, આ અમારો ટ્રેક રેકોર્ડ કહે છે.

200 કરોડનું રસીકરણનું કામ. જ્યારે દુનિયા આપણને પૂછે છે ને, ત્યારે 200 કરોડ સાંભળતા જ, તેમની આંખો ફાટી જાય છે, આટલું મોટું કામ! આ મારા દેશની આંગણવાડી કાર્યકર્તાઓ, આપણી આશા વર્કરોએ, આપણા આરોગ્ય કર્મચારીઓએ કરી બતાવ્યું છે. આ મારા દેશની તાકાત છે. 5-Gનો અમલ કરવામાં આવ્યો, આપણો દેશ દુનિયામાં 5-Gનો સૌથી ઝડપથી અમલ કરનારો દેશ છે. આપણે 700 થી વધુ જિલ્લાઓમાં પહોંચી ગયા છીએ. અને હવે 6-G માટે પણ તૈયારી કરી રહ્યા છીએ. અમે ટાસ્ક ફોર્સ બનાવી લીધી છે. અક્ષય ઉર્જા મામલે આપણે લક્ષ્ય કરતાં આગળ વધી ગયા છીએ. આપણે 2030 સુધીમાં અક્ષય ઉર્જા માટે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું તેને આપણે 2021-2022માં જ પ્રાપ્ત કરી લીધું છે. આપણે ઇથેનોલમાં 20 ટકા સંમિશ્રણની વાત કરી હતી, તે પણ આપણે પાંચ વર્ષ અગાઉ પૂરું કરી લીધું છે. આપણે 500 બિલિયન ડૉલરની નિકાસની વાત કરી હતી, તે પણ સમય કરતાં પહેલાં આપણે તેને 500 બિલિયન ડૉલરથી વધુ વધારી શક્યા છીએ. આપણે નક્કી કર્યું કે, જેની ચર્ચા આપણા દેશમાં છેલ્લાં 25 વર્ષથી ચાલી રહી હતી કે દેશમાં નવી સંસદની રચના કરવામાં આવે. સંસદનું કોઇ સત્ર નહોતું કે જેમાં નવી સંસદ માટે ચર્ચા ન કરવામાં આવી હોય, આ મોદી જ છે જેણે સમય કરતાં વહેલાં નવી સંસદનું નિર્માણ કરી બતાવ્યું છે, મારા પ્રિય ભાઇઓ અને બહેનો. આ એક કામ કરનારી સરકાર છે, એક એવી સરકાર છે જે નિર્ધારિત લક્ષ્યોને ઓળંગીને આગળ વધે છે, આ નવું ભારત છે, આ આત્મવિશ્વાસથી છલકાંતું ભારત છે, આ સંકલ્પોને ચરિતાર્થ કરવા માટે પોતાના તન-મનથી મહેનત કરવા માટે એકજૂથ થનારું ભારત છે. અને તેથી જ આ ભારત ક્યારેય અટકતું નથી, આ ભારત થાકતું નથી, આ ભારત હાંફતું નથી અને આ ભારત હાર માનતું નથી. અને તેથી જ મારા પ્રિય પરિવારજનો, આર્થિક શક્તિ ભરેલી છે, તો આપણી વ્યૂહાત્મક શક્તિને નવી તાકાત મળી છે, આપણી સરહદો પહેલાં કરતાં વધારે સુરક્ષિત બની છે અને સરહદો પર બેઠેલા આપણા જવાનો, દેશની સરહદોનું રક્ષણ કરી રહેલા આપણા જવાનો અને દેશની આંતરિક સુરક્ષાનું ધ્યાન રાખતા યુનિફોર્મ દળોને હું આઝાદીના પાવન પર્વ પર સૌ કોઇને ખૂબ ખૂબ અભિનંદન આપીને મારી વાતને આગળ વધારી રહ્યો છુ. સૈન્યનું વિસ્તરણ થાય, આપણી સેના યુવાન બને, આપણી સેના યુદ્ધ માટે તૈયાર થાય, યુદ્ધ કરવા લાયક બને, આના માટે નિરંતર સુધારાનું કામ આપણા સૈન્યમાં કરવામાં આવી રહ્યું છે.

મારા પ્રિય પરિવારજનો,

આપણને અવારનવાર સાંભળવા મળતું હતું કે, અહીં બોમ્બ વિસ્ફોટ થયો, ત્યાં બોમ્બ વિસ્ફોટ થયો. દરેક જગ્યાએ લખેલું હતું કે આ થેલીને હાથ ન લગાડવો, જાહેરાતો કરવામાં આવતી હતી. આજે દેશ સુરક્ષિત હોવાનું અનુભવી રહ્યો છે અને જ્યારે સુરક્ષા હોય છે, શાંતિ હોય છે ત્યારે આપણે પ્રગતિની નવી આકાંક્ષાઓ પૂરી કરી શકીએ છીએ. તેના માટે શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટનો જમાનો હવે ભૂતકાળ થઇ ગયો છે. નિર્દોષોના મોત હવે વિતેલા દિવસોનો અતિત બની ગયા છે. આજે દેશમાં આતંકવાદી હુમલાઓમાં ધરખમ ઘટાડો થયો છે. નક્સલ અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે, ખૂબ જ મોટા પરિવર્તનનો માહોલ સર્જાયો છે.

મારા પ્રિય પરિવારજનો,

પ્રગતિની દરેક બાબતમાં, પરંતુ જ્યારે 2047માં આપણે એક વિકસિત ભારતના નિર્માણના સપના સાથે આગળ વધી રહ્યા છીએ, અને તે માત્ર એક સપનું નથી, તે 140 કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે. અને તે સંકલ્પને સિદ્ઘ કરવા માટે પરાકાષ્ઠાના સ્તરનો પરિશ્રમ કરવાની પણ જરૂર છે, તેની સૌથી મોટી તાકાત હોય છે, રાષ્ટ્રીય ચારિત્ર્ય છે. દુનિયામાં જે દેશોએ પ્રગતિ કરી છે, જે પણ દેશો સંકટોમાંથી પસાર થઇને બહાર આવ્યા છે, તેમાં દરેક બાબતોની સાથે એક મહત્વપૂર્ણ ઉત્પ્રેરક એજન્ટ પણ રહ્યું છે, તે છે રાષ્ટ્રીય ચરિત્ર. અને આપણે રાષ્ટ્રીય ચરિત્ર પર વધુ ભાર મૂકીને આગળ વધવાનું છે. આપણો દેશ, આપણું રાષ્ટ્રીય ચરિત્ર જીવંત બને, તેજસ્વી બને, પુરુષાર્થી બને, પરાક્રમી બને, પ્રખર બને; તે આપણા સૌની સામૂહિક જવાબદારી છે. અને આવનારા 25 વર્ષ સુધી આપણે માત્રને માત્ર એક જ મંત્રનું પાલન કરીને આગળ વધવાનું છે કે, આપણા રાષ્ટ્રીય ચરિત્ર સર્વોપરી હોવું જોઇએ. એકતાનો સંદેશ, ભારતની એકતામાં જીવવું, ભારતની એકતાને આંચ આવે તેવી કોઇ આપણી ભાષા નહીં હોય કે પછી એવું કોઇ આપણું પગલું પણ નહીં હોય. દરેક ક્ષણે દેશને જોડવાના પ્રયાસો મારા તરફથી પણ ચાલુ જ રહેશે. ભારતની એકતા આપણને સામર્થ્ય આપે છે. ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, ગામ હોય, શહેર હોય, પુરુષ હોય, મહિલા હોય; આપણે સૌએ એકતાની ભાવના સાથે અને વૈવિધ્યતાથી ભરેલા દેશમાં એકતાનું સમાર્થ્ય હોય છે અને બીજું મહત્વની વાત, હું જોઉં છું કે, જો આપણે આપણા દેશને 2047માં વિકસિત ભારત તરીકે જોવો હોય, તો આપણે શ્રેષ્ઠ ભારતનો મંત્ર જીવવો પડશે. આપણે તેને ચરિતાર્થ કરવું પડશે.

હવે આપણા ઉત્પાદનમાં, મેં 2014માં કહ્યું હતું કે, ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ. દુનિયાના કોઇપણ ટેબલ પર મેક ઇન ઇન્ડિયા વસ્તુ હોય તો દુનિયાને ભરોસો બેસવો જોઇએ કે, આનાથી સારું કંઇ હોઇ જ ન શકે. આ છેવટનું લક્ષ્ય હશે, આપણી દરેક વસ્તુઓ, આપણી દરેક સેવાઓ જો હશે તો શ્રેષ્ઠ જ હશે, આપણા શબ્દોની તાકાત જો હશે તો શ્રેષ્ઠ જ હશે, આપણી સંસ્થાઓ હશે તો શ્રેષ્ઠ જ હશે, આપણી નિર્ણય લેવાની પ્રક્રિયા હશે તો શ્રેષ્ઠ જ હશે. શ્રેષ્ઠતાની આ ભાવના લઇને આપણે ચાલવાનું છે. ત્રીજું વાત એ કે, દેશમાં આગળ વધવા માટે, એક વધારાની શક્તિનું સામર્થ્ય ભારતને આગળ લઇ જઇ રહ્યું છે અને તે છે મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસ. આજે ભારત ગૌરવથી કહી શકે છે કે, દુનિયામાં નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં જો કોઇ દેશ પાસે સૌથી વધુ મહિલા પાઇલટ હોય તો, તે મારા દેશ પાસે છે. આજે ચંદ્રયાનની ગતિ હોય કે, મૂન મિશનની વાત હોય, આપણી મહિલા વૈજ્ઞાનિક તેનું નેતૃત્વ કરી રહી છે. આજે મહિલા સ્વ-સહાય જૂથો હોય, આપણી 2 કરોડ લખપતિ દીદીનું લક્ષ્ય નક્કી કરીને, આજે મહિલા સ્વ-સહાય સમૂહો પર આપણે કામ કરી રહ્યા છીએ. આપણે, આપણી નારી શક્તિના સામર્થ્યને પ્રોત્સાહન આપીને મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ ભણી આગળ વધીએ છીએ અને જ્યારે પણ G-20માં મેં મહિલા-આગળિત વિકાસના વિષયોને રજૂ કર્યા છે, ત્યારે સમગ્ર G-20 જૂથ તેનું મહત્વ સ્વીકારી રહ્યું છે અને તેને ઘણું બળ આપી રહ્યા છે. તેવી જ રીતે ભારત વિવિધતાઓથી પણ ભરેલો દેશ છે. આપણે અસંતુલિત વિકાસનો ભોગ બન્યા છીએ, મારું-તારું કરવાના કારણે આપણા દેશનો અમુક હિસ્સો વિમુખતાનો ભોગ બન્યો છે. હવે આપણે સંતુલિત વિકાસ માટે પ્રાદેશિક આકાંક્ષાઓ પર ભાર મૂકવો પડશે અને પ્રાદેશિક આકાંક્ષાઓને લગતી લાગણીને યોગ્ય માન આપવું પડશે, કારણ કે જો આપણી ભારત માતાનો કોઇ પણ ભાગ અવિકસિત રહે તો આપણું શરીર વિકસિત ન ગણાય. જો આપણા શરીરનું કોઇ અંગ નબળું રહેશે તો આપણે તંદુરસ્ત ન કહેવાઇએ, તેવી જ રીતે, જો મારી ભારત માતાનો કોઇ અંગ, સમાજનો એક વર્ગ પણ નબળો રહે તો આપણે એવું વિચારીને બેસી ન શકીએ કે મારી ભારત માતા સમર્થ છે અને સ્વસ્થ છે, અને તેથી જ આપણે પ્રાદેશિક આકાંક્ષાઓ પર ધ્યાન આપવાની જરૂર છે અને તેથી જ આપણે સમાજના સર્વાંગી વિકાસ થાય, સર્વપક્ષીય વિકાસ થાય, દરેક ભૂ-ભાગનો વિકાસ થાય, દરેક ક્ષેત્રને પોતાની તાકાત ખીલવવાનો અવસર પ્રાપ્ત થાય,. તે દિશામાં આગળ વધવા માંગીએ છીએ.

મારા પ્રિય પરિવારજનો,

ભારત, લોકશાહીની જનેતા છે, ભારત વિવિધતાનું મોડેલ પણ છે. અહીં અનેક ભાષાઓ છે, અનેક બોલીઓ છે, અનેક વેશભૂષા છે, ખૂબ જ વિવિધતા છે. આપણે તે બધાનો આધાર બનાવીને આગળ વધવાનું છે.

મારા પ્રિય પરિવારજનો,

હું જ્યારે દેશની એકતાની વાત કરું છું ત્યારે, જો મણિપુરમાં ઘટના બને તો મહારાષ્ટ્રના દિલમાં દુઃખ થાય છે, આસામમાં પૂર આવે તો કેરળ બેચેન થઇ જાય છે. ભારતના કોઇપણ ભાગમાં કંઇ પણ થાય, આપણે એક અંગદાનની ભાવના અનુભૂતિ કરીએ છીએ. મારા દેશની દીકરીઓ પર અત્યાચાર ન થાય, તે આપણી સામાજિક જવાબદારી પણ છે, આપણા પરિવારની જવાબદારી પણ છે અને દેશ તરીકે આપણા સૌની જવાબદારી છે. આજે જ્યારે અફઘાનિસ્તાનથી ગુરુગ્રંથ સાહિબનું સ્વરૂપ પરત લાવવામાં આવે છે ત્યારે આખા દેશને ગૌરવનો અનુભવ થાય છે. આજે જ્યારે વિશ્વના કોઇપણ દેશમાં, કોવિડના સમયમાં, મારો કોઇ શીખ ભાઇ લંગર ચલાવે છે, ભૂખ્યાને ભોજન કરાવે છે અને વિશ્વમાં પ્રશંસાઓ થાય છે, ત્યારે ભારતની છાતી ગજ ગજ ફુલી જાય છે.

મારા પ્રિય પરિવારજનો,

આપણા માટે જ્યારે નારી સન્માનની વાત કરવામાં આવે છે, હજી હમણાં જ, હું એક દેશની મુલાકાતે ગયો હતો ત્યાં એક ખૂબ જ વરિષ્ઠ મંત્રીએ મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે, શું તમારી દીકરીઓ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વિષયો ભણે છે? મેં તેમને કહ્યું કે આજે મારા દેશમાં દીકરાઓ કરતાં વધુ દીકરીઓ STEM એટલે કે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત લઇ રહી છે, મોટાભાગે દીકરીઓ તેમાં ભાગ લઇ રહી છે, તો મારો જવાબ સાંભળીને તેમને જ ખૂબ જ આશ્ચર્યજનક હતું. આપણા દેશનું આ સામર્થ્ય આજે દેખાઇ રહ્યું છે.

મારા પ્રિય પરિવારજનો,

આજે 10 કરોડ મહિલાઓ મહિલા સ્વ-સહાયમાં જોડાયેલી છે અને જો તમે મહિલા સ્વ-સહાય જૂથની મદદથી તમે ગામડામાં જશો તો તમને ત્યાં બેંકવાળી દીદી મળશે, તમને આંગણવાડીવાળી દીદી મળશે, તમને દવાઓ આપનારી દીદી મળશે અને હવે મારું સપનું છે કે, 2 કરોડ લખપતિ દીદી બને, ગામમાં 2 કરોડની કરોડપતિ દીદી બનાવવાનું. અને આ માટે નવો વિકલ્પ મોકલ્યો, વિજ્ઞાન અને ટેકનોલોજી. હું આપણા ગામડાંઓની મહિલાઓનું સામર્થ્ય જોઉં છું અને તેથી હું એક નવી યોજના વિચારી રહ્યો છું કે આપણા કૃષિ ક્ષેત્રમાં ટેક્નોલોજી આવવી જોઇએ, એગ્રીટેકને વધુ બળ મળવું જોઇએ, તેથી અમે મહિલા સ્વ-સહાય જૂથની બહેનોને તાલીમ આપીશું. ડ્રોન ચલાવવાની, ડ્રોનનું સમારકામ કરવાની અમે તાલીમ આપીશું અને ભારત સરકાર આવા હજારો મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન પ્રદાન કરશે, તેઓ તાલીમ આપશે અને અમે આપણા કૃષિ કાર્ય માટે ડ્રોન સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં અમે ડ્રોન ઉડાવવા માટે 15 મહિલા સ્વ-સહાય જૂથોને પસંદ કરી રહ્યા છીએ.

મારા પ્રિય પરિવારજનો,

આજે દેશ આધુનિકતાની દિશામાં આગળ વધી રહ્યો છે. ધોરીમાર્ગો હોય, રેલવે હોય, હવાઇમાર્ગ હોય, આઇ-વે હોય, ઇન્ફોર્મેશન વે હોય, જળ માર્ગ હોય, એવું કોઇ પણ ક્ષેત્ર નથી કે જેમાં દેશ આજે પ્રગતિની દિશામાં કામ ન કરી રહ્યો હોય. છેલ્લાં 9 વર્ષોમાં, અમે દરિયાકાંઠાના વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં, આપણા પહાડી વિસ્તારોમાં પણ વિકાસ પર ઘણો મૂક્ય. આપ્યો છે. અમે પર્વતમાલા, ભારત માલા જેવી વિવિધ યોજનાઓ દ્વારા સમાજના તે વર્ગને તાકાત આપી છે. અમે આપણા પૂર્વીય ભારતને ગેસની પાઇપલાઇનથી જોડવાનું કામ કર્યું છે. અમે હોસ્પિટલોની સંખ્યામાં વધારો કર્યો છે. અમે ડૉક્ટરોની સીટોમાં વધારો કર્યો છે જેથી આપણાં બાળકો ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે. અમે માતૃભાષામાં શિક્ષણનું પરિવર્તન લાવી દીધું છે અને તેઓ માતૃભાષામાં અભ્યાસ કરીને તે દિશામાં આગળ વધી શકે છે અને હું ભારતની સર્વોચ્ચ અદાલતનો પણ આભાર માનું છું કે ભારતની સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, હવે જે ચુકાદો આપવામાં આવશે તે તેનો જે ઓપરેટિવ ભાગ હશે, તે જે અદાલતમાં ચુકાદો આવ્યો હોય, તેની ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજે માતૃભાષાનું મહત્વ વધી રહ્યું છે.

મારા પ્રિય પરિવારજનો,

અત્યાર સુધી આપણા દેશના જે સરહદી ગામો છે તેના માટે, આપણે ત્યાં વાઇબ્રન્ટ બોર્ડર વિલેજનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી જેને દેશનું છેલ્લું ગામ કહેવાતું હતું, તે આખી વિચારસરણીને અમે વાઇબ્રન્ટ બોર્ડર ગામ દ્વારા બદલી નાખી છે. આ દેશનું છેલ્લું ગામ નથી, સરહદ પર જે દેખાય છે તે મારા દેશનું પહેલું ગામ છે. સૂર્ય જ્યારે પૂર્વ દિશામાં ઉગે છે, તો તે બાજુના ગામમાં સૂર્યનું પહેલું કિરણ પડે છે. સૂર્યાસ્ત થાય તો આ બાજુના ગામને છેલ્લા કિરણનો લાભ મળે છે. આ મારું પહેલા ગામડા છે અને મને ખુશી છે કે આજે મારા આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ, આ સૌથી પ્રથમ ગામડાઓ છે, જે સરહદી ગામડાઓ છે તેના 600 પ્રધાન આજે લાલ કિલ્લા પરના આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો ભાગ બનવા માટે અહીં આવ્યા છે. તેઓ પહેલીવાર આટલે દૂર સુધી આવ્યા છે. નવા સંકલ્પ અને સામર્થ્ય સાથે જોડાવા માટે આવ્યા છે.

મારા પ્રિય પરિવારજનો,

અમે સંતુલિત વિકાસ માટે મહત્વાકાંક્ષી જિલ્લા, મહત્વાકાંક્ષી તાલુકાની કલ્પના કરી હતી અને આજે આપણને સુખદ પરિણામો મળી રહ્યા છે. આજે, રાજ્યના જે સામાન્ય માપદંડો, જે મહત્વાકાંક્ષી જિલ્લાઓ, એક સમયે ઘણા પાછળ રહી ગયેલા હતા, તેઓ આજે રાજ્યમાં પણ ઘણી સારી કામગીરી કરવા લાગ્યા છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં, આપણા મહત્વાકાંક્ષી જિલ્લાઓ, અમારા મહત્વાકાંક્ષી તાલુકાઓ ચોક્કસપણે આગળ વધશે. મેં કહ્યું તેમ, હું ભારતના ચરિત્ર વિશે વાત કરી રહ્યો હતો, એટલે સૌથી પહેલા તો મેં ભારતની એકતા વિશે કહ્યું, બીજી વાત, મેં ભારતની શ્રેષ્ઠતા પર ધ્યાન આપવા પર ભાર મૂકવાની કરી હતી, અને ત્રીજો મુદ્દો મેં મહિલા વિકાસનો કહ્યો હતો. અને આજે હું બીજી એક વાત કહેવા માંગુ છું કે, જેમ આપણે પ્રાદેશિક આકાંક્ષા અંગે ચોથા મુદ્દાની વાત કરી હતી, એવી રીતે પાંચમી મહત્વની વાત કરું છું અને ભારતે હવે તે દિશામાં આગળ વધવાનું છે અને વાત છે રાષ્ટ્રીય ચરિત્રની, આપણે વિશ્વના કલ્યાણ માટે વિચાર કરવાનો છે. આપણે દેશને એટલો મજબૂત બનાવવાનો છે કે, તે વિશ્વના કલ્યાણ માટે પોતાની ભૂમિકા ભજવી શકે. અને આજે કોરોના પછી, હું જોઇ રહ્યો છું, સંકટ સમયમાં દેશે જે રીતે વિશ્વની મદદ કરી હતી, તેનું પરિણામ એ આવ્યું છે કે આજે દુનિયામાં આપણા દેશને એક વિશ્વ મિત્રના રૂપમાં છે જોવામાં આવે છે. વિશ્વના અતૂટ સાથી તરીકે જોવામાં આવે છે. આજે મારા દેશની એક વિશિષ્ટ ઓળખ બની છે. હવે આપણે જ્યારે વૈશ્વિક કલ્યાણ વિશે વાત કરીએ છીએ, ત્યારે ભારતનો જે મૂળભૂત વિચાર તે વિચારને આપણે આગળ ધપાવનારા લોકો છીએ અને મને એ વાતનો આનંદ છે કે આજે આપણા આ 15 ઓગસ્ટના આ અવસર પર અમેરિકી સંસદના ઘણા ચૂંટાયેલા મહાનુભાવો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભારતનો વિચાર પણ કેવો છે, વિશ્વના કલ્યાણની વાતને કેવી રીતે આગળ વધારીએ છીએ. હવે જુઓ, જ્યારે આપણે વિચાર કરીએ છીએ, તો શું થાય છે કે, આપણે દુનિયા સમક્ષ પોતાની વિચારધારા રજૂ કરી છે, અને દુનિયા વિચારધારા અંગે આપણી સાથે જોડાઇ છે. આપણે એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડની વાત કરી છે. અક્ષય ઉર્જાના ક્ષેત્રમાં આપણું નિવેદન ઘણું મોટું છે, આજે દુનિયા તેને સ્વીકારી રહી છે. કોવિડના સમયગાળા પછી, આપણો એવો અભિગમ રહેવો જોઇએ કે, એક પૃથ્વી, એક આરોગ્ય. સમસ્યાઓનો ઉકેલ ત્યારે જ આવશે જ્યારે બીમારીના સમયે માણસ પર, પ્રાણીઓ પર અને છોડ પર સમાન રીતે ધ્યાન આપવામાં આવશે, તો જ આપણે આ કરી શકીશું. અમે G-20 શિખર મંત્રણા માટે દુનિયાની સામે કહ્યું છે, એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય, અમે આ વિચાર સાથે આગળ વધી રહ્યા છીએ. આપણે આબોહવા સંકટનો અત્યારે દુનિયા જે પ્રકારે સામનો કરી રહી છે તેનો માર્ગ બતાવ્યો છે, અમે LiFE મિશનની શરૂઆત કરી છે. પર્યાવરણ માટે જીવનશૈલી મિશન શરૂ કર્યું છે. અમે સાથે મળીને વિશ્વની સામે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની રચના કરી અને આજે દુનિયાના અનેક દેશો આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો હિસ્સો બની રહ્યા છે. જૈવ-વિવિધતાના મહત્વને ધ્યાનમાં રાખીને આપણે બિગ કેટ એલાયન્સની વ્યવસ્થાને આગળ વધારી છે. કુદરતી આફતોને કારણે, ગ્લોબલ વોર્મિંગને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે નુકસાન થાય છે તે માટે આપણી પાસે દૂરોગામી વ્યવસ્થા હોય તેની જરૂર છે. અને તેથી આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગઠબંધન એટલે કે, CDRIના સ્વરૂપમાં વિશ્વને એક ઉકેલ આપ્યો છે. દુનિયા આજે મહાસાગરોને સંઘર્ષનું કેન્દ્ર બનાવી રહી છે, તો અમે દુનિયાને સાગરનું પ્લેટફોર્મ આપ્યું છે. તે પ્લેટફોર્મ વૈશ્વિક દરિયાઇ શાંતિની ગેરંટી બની શકે છે. અમે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ પર ભાર મૂક્યો છે જેથી, WHOનું એક વૈશ્વિક સ્તરનું કેન્દ્ર ભારતમાં બનાવવાની દિશામાં કામ થયું છે. અમે યોગ અને આયુષ દ્વારા વિશ્વના કલ્યાણ અને વિશ્વના આરોગ્ય માટે કામ કર્યું છે. આજે ભારત વિશ્વના કલ્યાણનો પાયો નાખી રહ્યું છે. આ મજબૂત પાયાને આગળ લઇ જવાનું કામ આપણા બધાનું છે. આ આપણા બધાની જવાબદારી છે.

મારા પ્રિય પરિવારજનો,

સપનાં અનેક છે, સંકલ્પ સ્પષ્ટ છે, નીતિઓ સ્પષ્ટ છે. નિયતની સામે કોઇ પ્રશ્નાર્થ ચિહ્ન નથી. પરંતુ આપણે કેટલીક વાસ્તવિકતાઓને સ્વીકારવી જ પડશે અને તેનો ઉકેલ લાવવા માટે, મારા પ્રિય પરિવારજનો, આજે હું લાલ કિલ્લા પરથી તમારી મદદ માંગવા માટે આવ્યો છું, હું લાલ કિલ્લા પરથી આપ સૌના આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. કારણ કે વિતેલાં વર્ષોમાં હું જે પ્રકારે દેશને સમજ્યો છું, મેં જે પ્રકારે દેશની જરૂરિયાતોને પારખી છે, અને અનુભવના આધારે હું કહું છું કે આજે આપણે એ બાબતોને ગંભીરતાથી લેવી પડશે. આઝાદીના અમૃતકાળમાં, 2047માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષનો ઉત્સવ ઉજવશે, તેવા સમયે ભારતનો તિરંગો ઝંડો વિશ્વમાં વિકસિત ભારતનો તિરંગો ઝંડો હોવો જોઇએ, આપણે સહેજ પણ અટકવાનું નથી, સહેજ પણ પાછીપાની કરવાની નથી અને તેના માટે સમજદારી, પારદર્શિતા અને નિષ્પક્ષતા હોય એ મજબૂતી માટેની પહેલી જરૂરિયાત છે. આપણે એ મજબૂતને જેટલું વધારે ખાતર- પાણી નાખી શકીએ, સંસ્થાઓના માધ્યમથી આપી શકીએ, નાગરિક તરીકે જેટલું થઇ શકતું હોય એટલું કરી શકએ, પરિવાર તરીકે કરી શકીએ, એટલું કરવું જોઇએ તે આપણી સામૂહિક જવાબદારી છે.  અને તેથી જ છેલ્લાં 75 વર્ષના ઇતિહાસ પર નજર નાખો, ભારતના સામર્થ્યમાં સહેજ પણ કમી નથી આવી અને એક સમયે ‘સોને કી ચિડિયા’ કહેવાતો આ દેશ ફરીથી એ જ સામર્થ્ય સાથે બેઠો થઇ શકે છે. મને અતૂટ વિશ્વાસ છે મિત્રો, મારા પ્રિય પરિવારજનો, મને અખંડ, અતૂટ અને એકનિષ્ઠ વિશ્વાસ છે કે, 2047માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે મારે દેશ વિકસિત ભારત બનીને ઉજવણી કરશે. અને આ વાત હું મારા દેશના સામર્થ્યના આધારે કહી રહ્યો છું. આપણી પાસે ઉપલબ્ધ સંસાધનોના આધારે કહી રહ્યો છું અને સૌથી વધારે 30 વર્ષ કરતાં ઓછી ઉંમરની આપણી યુવા શક્તિના આધારે કહી રહ્યો છું. હું મારી માતાઓ અને બહેનોના સામર્થ્યના ભરોસે કહી રહ્યો છું, પરંતુ જો તેમની સામે કોઇ પણ અવરોધ હોય તો, છેલ્લાં 75 વર્ષમાં કેટલીક પ્રથાઓ એવી ઘર કરી ગઇ છે કે, તે આપણી સામાજિક વ્યવસ્થાનો એક એવો ભાગ બની ગઇ છે કે, ક્યારેક તો આપણે તેની સામે આંખો બંધ કરી દીએ છીએ. હવે આંખો બંધ કરવાનો સમય નથી. જો સપનાં સાકાર કરવા હોય, જો સંકલ્પો પાર કરવા હોય તો આંખ આડા કાન કરવાનું બંધ કરીને ત્રણ દૂષણો સામે લડવું એ લાંબા સમયની જૂની માંગ છે. આપણા દેશની તમામ સમસ્યાઓનું મૂળ ભ્રષ્ટાચાર છે, તેણે ઉધઇની જેમ દેશની તમામ વ્યવસ્થાઓ, દેશની તમામ ક્ષમતાઓ સંપૂર્ણપણે અંદરથી કોરી ખાધી છે. ભ્રષ્ટાચારથી આઝાદી, ભ્રષ્ટાચાર સામે જંગ દરેક એકમમાં, દરેક ક્ષેત્રમાં જરૂરી છે અને મારા દેશવાસીઓ, મારા પ્રિય પરિવારજનો, આ મોદીના જીવનની પ્રતિબદ્ધતા છે, મારા વ્યક્તિત્વની એક પ્રતિબદ્ધતા છે કે હું ભ્રષ્ટાચાર સામે લડતો રહીશ. બીજું કે, પરિવારવાદે આપણા દેશને અંદરથી કોરી ખાધો છે. આ પરિવારવાદે જે રીતે દેશને સકંજામાં લઇ લીધો છે કે, તેણે દેશના લોકોના અધિકારો પણ છીનવી લીધા છે અને ત્રીજું દૂષણ છે તુષ્ટિકરણનું. આ તુષ્ટિકરણમાં પણ દેશની મૂળભૂત વિચારસરણી, દેશના સર્વસમાવેશી આપણા રાષ્ટ્રીય ચરિત્રને ડાઘ લાગ્યો છે. આ લોકોએ બધુ ખેદાન-મેદાન કરી નાખ્યું છે. અને તેથી મારા પ્રિય દેશવાસીઓ, આથી જ  મારા પ્રિય પરિવારજનો, આપણે આ ત્રણેય દુષણો સામે આપણી પૂરી તાકાત લગાવીને લડવું પડશે. ભ્રષ્ટાચાર, પરિવારવાદ, તુષ્ટિકરણ, આ ત્રણેય પડકારો, આ વસ્તુઓ વિકસી છે જે આપણા દેશના લોકોની આકાંક્ષાઓનું દમન કરી રહી છે. તે આપણા દેશના કેટલાક લોકો પાસે જે નાનુ-મોટું સામર્થ્ય છે તેનું શોષણ કરે છે. આ એવી બાબતો છે કે, જે આપણા લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પ્રશ્નમાં મૂકી દે છે. આપણા ગરીબો હોય, દલિતો હોય, પછાત વર્ગ હોય, પસમંદા હોય, આપણા આદિવાસી ભાઇ-બહેનો હોય, આપણી માતા હોય કે બહેનો હોય, આપણે સૌએ તેમના હક માટે આ ત્રણેય દુષણોમાંથી મુક્તિ મેળવવાની છે. આપણે ભ્રષ્ટાચાર સામે નફરતનું વાતાવરણ ઊભું કરવાનું છે. જે રીતે ગંદકીના કારણે આપણા મનમાં નફરત પેદા થાય છે, જે રીતે આપણને ગંદકી ગમતી નથી, તેવી રીતે જાહેર જીવનમાં આનાથી મોટી ગંદકી કોઇ હોઇ શકે નહીં. અને તેથી જ આપણે આપણા સ્વચ્છતા અભિયાનને નવો વળાંક આપવો પડશે કે, આપણે ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મેળવવાની છે. સરકાર ટેક્નોલોજી દ્વારા ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મેળવવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. તમને જાણીને નવાઇ લાગશે, આ દેશમાં છેલ્લાં 9 વર્ષમાં મેં એક એવું કામ કર્યું છે; જો તમે આંકડો સાંભળો છો, તો તમને લાગશે કે મોદી એવું કામ કરે છે, એટલે કે લગભગ 10 કરોડ લોકો એવા લોકો હતા જે ખોટો લાભ ઉઠાવી રહ્યા હતા તેમને મેં રોકી દીધા છે. તો તમારામાંથી કોઇ કહેશે કે, તમે લોકો સાથે અન્યાય કર્યો છે; જરાય નહીં, આ 10 કરોડ લોકો કોણ હતા, આ 10 કરોડ લોકો એવા લોકો હતા કે જેઓ ક્યારેય જન્મ્યા પણ નહોતા અને તેમના નામ પર કોઇ વિધવા હોય, કોઇ વૃદ્ધ થઇ જાય, કોઇ દિવ્યાંગ થઇ જતા હતા અને તેના કારણે મળતા લાભો લેવામાં આવતા હતા. આવા 10 કરોડ ગેરરીતિઓ ચાલતી હતી, તેને રોકવાનું પવિત્ર કામ અમે કર્યું છે, ભ્રષ્ટાચારીઓની સંપત્તિને અમે જે રીતે જપ્ત કરી છે, તે પહેલાંની સરખામણીએ 20 ગણી વધારે છે.

મારા પ્રિય પરિવારજનો,

તેઓ તમારી મહેનતની કમાણીના પૈસા લઇને ભાગી ગયા હતા. 20 ગણી વધુ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે, અને તેથી લોકોને મારા પ્રત્યેનો રોષ હોય તે સ્વાભાવિક છે. પરંતુ મારે ભ્રષ્ટાચાર સામેની લડાઇને આગળ વધારવી છે. આપણા સરકારી તંત્રમાં પહેલાં તો કેમેરાની સામે કંઇક થઇ જતું હતું, પરંતુ પછી વાત અટકી જતી હતી. અમે પહેલાં કરતાં અનેક ગણી વધુ ચાર્જશીટ અદાલતમાં કરી છે અને હવે જામીન પણ નથી મળતા, એવી મક્કમ સિસ્ટમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ, કારણ કે અમે પ્રામાણિકતાથી ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છીએ. આજે પરિવારવાદ અને તુષ્ટિકરણે દેશનું ખૂબ જ મોટું દુર્ભાગ્ય કર્યું છે. હવે લોકશાહીમાં એવું કઇ રીતે થઇ શકે તે રાજકીય પક્ષ, અને હું ખાસ ભાર મૂકીને કહું છુ કે, રાજકીય પક્ષ, આજે મારા દેશની લોકશાહીમાં એવી વિકૃતિ આવી છે જે ક્યારેય ભારતની લોકશાહીને મજબૂત કરી શકે તેમ નથી અને તે બીમારીનું નામ છે પરિવારવાદી પક્ષો. અને તેમનો મંત્ર એક જ છે, પરિવારનો, પક્ષ, પરિવાર માટે પક્ષ, પરિવાર દ્વારા પક્ષ. તેમનો તો જીવનમંત્ર જ તેમનો રાજકીય પક્ષ છે, તેમનું રાજકીય દળ પરિવારનું, પરિવાર દ્વારા અને પરિવાર માટે છે. પરિવારવાદ અને ભત્રીજાવાદ પ્રતિભાના દુશ્મન હોય છે, યોગ્યતાઓને નકારે છે, સામર્થ્યને સ્વીકારતા નથી. અને તેથી, આ દેશની લોકશાહીની મજબૂતાઇ માટે, પરિવારવાદમાંથી મુક્તિ મેળવવી જરૂરી છે. સર્વજન હિતાય સર્વજન સુખાય, દરેકને અધિકાર મળવો જોઇએ, તેના માટે સામાજિક ન્યાય માટે પણ તે ખૂબ જ જરૂરી છે, તેવી જ રીતે તુષ્ટિકરણ છે, તુષ્ટિકરણે સામાજિક ન્યાયને સૌથી વધુ નુકસાન કર્યું છે. જો કોઇએ સામાજિક ન્યાયનો નાશ કર્યો છે, તો તેના માટે આ તુષ્ટિકરણની વિચારસરણી જવાબદાર છે, તુષ્ટિકરણની રાજનીતિ, તુષ્ટિકરણ કરવા માટેની સરકારી યોજનાઓની રીતો, આ બધાએ સામાજિક ન્યાયને મોતને ઘાટ ઉતારી દીધો છે. અને તેથી જ તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર એ વિકાસના સૌથી મોટા દુશ્મન છે. જો દેશને વિકાસ જોઇતો હોય, દેશને 2047માં વિકસિત ભારતનું સપનું પૂરું કરવું હોય, તો આપણા માટે જરૂરી છે કે આપણે કોઇ પણ સંજોગોમાં દેશમાં ભ્રષ્ટાચાર સહન ન કરીએ, આપણે મનમાં આ નિર્ધાર સાથે જ આગળ વધવું પડશે.

મારા પ્રિય પરિવારજનો,

આપણા સૌની એક બહુ મહત્વની જવાબદારી છે, તમે જે રીતે જીવન જીવ્યા છો, આપણી ભાવિ પેઢીને આવું જીવન જીવવા માટે મજબૂર કરવી એ આપણો ગુનો છે, અને આપણા સૌની જવાબદારી છે કે, આપણી આવનારી પેઢીને આપણે સમૃદ્ધ દેશ આપીએ, સંતુલિત દેશ આપીએ, સામાજિક ન્યાયનો વારસો ધરાવતો હોય એવો દેશ આપીએ, કે જેથી તેમને નાની નાની વસ્તુઓ મેળવવા માટે ક્યારેય સંઘર્ષ ન કરવો પડો. આ આપણા બધાની ફરજ છે, દરેક નાગરિકની ફરજ છે અને આ અમૃતકાળ કર્તવ્યકાળ છે. આપણે આપણી ફરજમાંથી પાછળ હટી શકીએ નહીં, આપણે એ ભારતનું નિર્માણ કરવાનું છે જેનું સપનું પૂજ્ય બાપુનું હતું, આપણે એવા ભારતનું નિર્માણ કરવાનું છે જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સપનું હતું, આપણે એવું ભારત બનાવવું છે જેનું સપનું આપણા વીર શહીદોનું હતું, આપણી વીરાંગનાઓનું હતું જેમણે માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું હતું.

મારા પ્રિય પરિવારજનો,

હું જ્યારે 2014માં તમારી પાસે આવ્યો હતો, ત્યારે 2014માં હું પરિવર્તનનું વચન લઇને આવ્યો હતો. 2014માં, મેં તમને વચન આપ્યું હતું કે હું પરિવર્તન લાવીશ. અને મારા પરિવારના સભ્યોના 140 કરોડ સભ્યો, તમે મારા પર ભરોસો મૂક્યો અને મેં વિશ્વાસને પૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે. રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મથી એ પાંચ વર્ષ જે વાયદા કર્યા હતા તે વિશ્વાસમાં બદલાઇ ગયા કારણ કે મેં પરિવર્તનનું વચન આપ્યું હતું. રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ દ્વારા મેં એ વચનને વિશ્વાસમાં પરિવર્તિત કર્યું છે. કઠોર મહેનત કરી છે, દેશ માટે કર્યું છે, ગૌરવથી કર્યું છે, માત્ર અને માત્ર ‘નેશન ફર્સ્ટ’, રાષ્ટ્ર સર્વોપરીની લાગણી સાથે કર્યું છે. 2019માં મારી કામગીરીના આધારે તમે બધાએ મને ફરીથી આશીર્વાદ આપ્યા હતા. પરિવર્તનનું વચન મને અહીં લઇ આવ્યું, કામગીરીના આધારે મને ફરી વાર અહીં લાવ્યા અને આગામી 5 વર્ષ અસાધારણ વિકાસના રહ્યા છે છે. 2047નું સપનું સાકાર કરવાની સૌથી મોટી સ્વર્ણિમ ઘડી આવનારા 5 વર્ષ છે અને આગલી વખતે 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હું તમને દેશની ઉપલબ્ધિઓ, તમારા સામર્થ્ય, તમારા સંકલ્પ, તેમાં થયેલી પ્રગતિ, તેની જે સફળતા છે તેના ગૌરવગાન હજુ પણ વધારે આત્મવિશ્વાસ સાથે, તમારી સૌની સમક્ષ રજૂ કરીશ.

મારા પ્રિય પરિવારજનો,

મારા પરિવારજનો, હું તમારી વચ્ચેથી જ આવ્યો છું, હું તમારામાંથી જ નીકળીને અહીં આવ્યું છું, હું તમારા માટે જીવું છું. જો મને સપનું આવે તો, એ પણ તમારા માટે આવે છે. જો હું પરસેવો પાડું છું તો પણ હું તમારા માટે જ પાડું છું, તમે મને જવાબદારી સોંપી છે એટલા માટે હું આ બધુ નથી કરતો પરંતુ, હું તે એટલા માટે કરી રહ્યો છું કારણ કે તમે જ મારો પરિવાર છો અને તમારા પરિવારના સભ્ય તરીકે, હું તમારામાંથી કોઇને હું દુ:ખી જોઇ શકતો નથી, હું તમારા સપના તૂટતા જોઇ શકતો નથી. હં તમારા સંકલ્પને સિદ્ધિ સુધી લઇ જવા માટે તમારા જીવનમાં સાથી બનીને , તમારો સેવક બનીને, તમારી સાથે જોડાયેલો રહીને, તમારી સાથે જીવવાનો, તમારી સાથે ઝઝૂમવાનો સંકલ્પ લઇને ચાલનારો માણસ છું અને મને પૂરો વિશ્વાસ છે કે, આપણા પૂર્વજોએ આઝાદી માટે જે જંગ લડ્યા હતા, તેમણે જે સપના જોયા હતા, તે સપના આપણી સાથે જ છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનારાઓના આશીર્વાદ આપણી સાથે છે અને 140 કરોડ દેશવાસીઓ માટે એક એવો અવસર આવ્યો છે, આ તઅવસર આપણા માટે મોટી તાકાત લઇને આવ્યો છે.

આથી મારા પ્રિય આપ્તજનો,

આજે જ્યારે હું તમારી સાથે અમૃતકાળમાં વાત કરી રહ્યો છું, ત્યારે આ અમૃતકાળનું પ્રથમ વર્ષ છે, આ અમૃતકાળના આ પ્રથમ વર્ષમાં જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, ત્યારે હું તમને પૂરા વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે-

चलता चलाता कालचक्र,

अमृतकाल का भालचक्र,

सबके सपने, अपने सपने,

पनपे सपने सारे, धीर चले, वीर चले, चले युवा हमारे,

नीति सही रीती नई, गति सही राह नई,

चुनो चुनौती सीना तान, जग में बढ़ाओ देश का नाम।

(અર્થાત્,

ફરતું રહેતું સમયનું ચક્ર,

અમૃતકાળનું ભાલચક્ર,

સૌના સપના, આપણા સપના,

ખીલે સૌના સપના, ધીર ચાલે, વીર ચાલે, ચાલે આપણા યુવાનો,

નીતિ સાચી, રીત નવી, ગતિ સાચી, માર્ગ નવો,

સામી છાતીએ પડકાર ઝીલો, જગમાં ઉજાળો દેશનું નામ)

મારા પ્રિય પરિવારજનો,

ભારતના ખૂણે ખૂણે બેઠેલા મારા પરિવારજનો, વિશ્વના ખૂણે ખૂણે જઇને વસેલા પરિવારજનો, આપ સૌને સ્વતંત્રતાના પાવન પર્વ નિમિત્તે હું ફરી એકવાર હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અને આ અમૃતકાળ આપણા બધા માટે કર્તવ્યકાળ છે. આ અમૃતકાળ આપણા સૌના માટે માં ભારતી માટે કંઇક કરી છુટવાનો સમય છે. જ્યારે આઝાદીની લડાઇ ચાલી રહી હતી, 1947 પહેલાં જન્મેલી પેઢીને દેશ માટે પ્રાણની આહૂતિ આપવાનો મોકો મળ્યો હતો. તેમણે દેશ માટે જીવનું બલિદાન આપવાનો મોકો છોડતા નહોતા, પરંતુ આપણા ભાગ્યમાં દેશ માટે પ્રાણનું બલિદાન આપવાનો મોકો નથી. પરંતુ આપણા માટે દેશ માટે જીવવાની આનાથી મોટી તક બીજી કોઇ હોઇ શકે નહીં. આપણે દેશ માટે દરેક ક્ષણ જીવી જાણવાની છે, આ સંકલ્પ સાથે જ આપણે આ અમૃતકાળમાં 140 કરોડ દેશવાસીઓના સપનાં અને સંકલ્પોને પણ સાકાર કરવાના છે. 140 કરોડ દેશવાસીઓના સંકલ્પને સિદ્ધિમાં રૂપાંતરિત કરવાના છે અને 2047માં જ્યારે તિરંગો ઝંડો ફરકાવવામાં આવશે ત્યારે વિશ્વ એક વિકસિત ભારતના ગુણગાન ગાશે. આ વિશ્વાસ સાથે, આ સંકલ્પ સાથે, હું આપ સૌને અનેક, અનેક શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

જય હિન્દ જય હિન્દ જય હિન્દ!

ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય!

વંદે માતરમ્, વંદે માતરમ્, વંદે માતરમ્!

ખૂબ ખૂબ આભાર!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi