વણક્કમ,
તમિલનાડુના રાજ્યપાલ અને યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી બનવારીલાલ પુરોહિત, વાઈસ ચાન્સેલર સુધા શેષાયણ, અધ્યાપકગણ, સ્ટાફ અને મારા પ્રિય વિદ્યાર્થીઓ.
આ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારંભમાં તમે લોકો મેડિકલ, ડેન્ટલ, આયુષ અને ફાર્માસ્યુટિકલ વિદ્યાશાખામાં પદવીઓ હાંસલ કરી રહ્યા છો તે પ્રસંગે તમારી સાથે હોવાનો મને અત્યંત આનંદ છે.
મને કહેવામાં આવ્યું છે કે આજે 21 હજારથી વધુ ઉમેદવારોને ડીગ્રી અને ડિપ્લોમા એનાયત થઈ રહી છે, પરંતુ હું ખાસ કરીને એક બાબતનો ઉલ્લેખ કરવા માંગુ છું. સંખ્યા દર્શાવે છે કે 30 ટકા પુરૂષો અને 70 ટકા મહિલાઓ છે. હું જ્યારે તમામ સ્નાતકોને અભિનંદન પાઠવી રહ્યો છું, ત્યારે હું ખાસ કરીને મહિલા ઉમેદવારોને વિશેષ અભિનંદન પાઠવું છું. કોઈપણ ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવીને નેતૃત્વ સંભાળે તે હંમેશાં વિશિષ્ઠ બાબત છે. જ્યારે આવું બને છે ત્યારે તે ગૌરવ અને આનંદની ક્ષણ બની રહે છે.
મિત્રો,
આ સંસ્થામાં તમારી સૌની સફળતાને જોતાં મહાન એમજીઆરને ઘણો આનંદ થયો હોત.
તેમનું શાસન ગરીબો તરફ સંપૂર્ણ કરૂણા ધરાવતુ શાસન હતું. આરોગ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ તેમના ગમતા વિષય હતા. થોડા સમય પહેલાં હું એમજીઆરનો જ્યાં જન્મ થયો હતો તે સ્થળે શ્રીલંકામાં ગયો હતો. શ્રીલંકામાં કામ કરતી તમિલ બહેનો અને ભાઈઓ માટે ભારત સન્માનની લાગણી અનુભવે છે. ભારત સરકારની નાણાકીય સહાયથી અપાયેલી ફ્રી એમ્બ્યુલન્સ સર્વિસનો તમિલ સમુદાય વ્યાપકપણે ઉપયોગ કરે છે. ડિકોયા ખાતે હૉસ્પિટલના પ્રારંભ પ્રસંગે યોજાયેલા સમારંભને હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. આ એક આધુનિક હૉસ્પિટલ છે, જેનાથી ઘણાં લોકોને સહાય થશે. આરોગ્ય ક્ષેત્રે હાથ ધરાયેલા આ પ્રયાસો અને તે પણ તમિલ સમુદાય માટે કે જેના કારણે એમજીઆરને ખૂબ જ આનંદ થયો હોત.
વિદ્યાર્થી મિત્રો,
આ એક એવો સમય છે કે જ્યારે તમે તમારા જીવનના એક મહત્વના તબક્કામાંથી બીજા તબક્કા તરફ આગળ વધી રહ્યા છો. તમે ભણવામાંથી દર્દ મટાડનારની ભૂમિકામાં પ્રવેશી રહ્યા છો. આ એક એવો સમય છે કે જયારે તમે પરિક્ષામાં માર્ક મેળવવાને બદલે હવે સમાજમાં નોધપાત્ર કામગીરી બજાવવા તરફ જઈ રહ્યા છો.
મિત્રો,
કોવિડ-19 મહામારી દુનિયા માટે સંપૂર્ણ અનપેક્ષિત ઘટના હતી. તેના માટે અગાઉથી નક્કી થયેલી કોઈ ફોર્મ્યુલા ન હતી. આવા સમયમાં ભારતે એક નવો માર્ગ કંડાર્યો છે અને એટલું જ નહીં, પણ અન્ય લોકો એ માર્ગ ઉપર ચાલી શકે તે માટે સહાય પણ કરી છે. ભારતમાં ઓછામાં ઓછો મૃત્યુ દર નોંધાયો છે. સાજા થવાનો દર પણ ઉંચો છે. દુનિયા માટે ભારત દવાઓનું ઉત્પાદન કરી રહ્યું છે અને દુનિયા માટે વેક્સિન પણ બનાવી રહ્યુ છે. તમે એવા સમયે પદવી હાંસલ કરી રહ્યા છો કે જ્યારે ભારતના મેડિકલ પ્રોફેશનલ્સ, વૈજ્ઞાનિકો અને ફાર્મા પ્રોફેશનલ્સની ભારે કદર થઈ રહી છે. એકંદરે ભારતની આરોગ્ય વ્યવસ્થાને નવી નજરે માન- સન્માન સાથે તથા નવી ભરોંસાપાત્રતા સાથે નિહાળવામાં આવી રહી છે. આમ છતાં, એવો અર્થ પણ થાય છે કે દુનિયા તમારી પાસે ઘણી બહેતર અપેક્ષા રાખી રહી છે, જે તમારા યુવા અને મજબૂત ખભા ઉપર રહેલી જવાબદારી દર્શાવે છે. આપણને આ મહામારીમાંથી જે કાંઈ શીખવા મળ્યું છે તે આપણને ટીબી જેવા અન્ય રોગો સામે લડત આપવામાં પણ સહાયક બનશે.
મિત્રો,
થિરૂવલ્લુવર કહેતા હતા કે : સારવારમાં ચાર બાબતો જેવી કે દર્દી, ડોકટર, દવા અને સંભાળ લેનારનો સમાવેશ થાય છે. સમગ્ર મહામારી દરમિયાન અને તેમાં થતા ફેરફારો દરમિયાન આ ચાર સ્થંભ એક અજાણ્યા દુશ્મન સામે લડત લડવામાં મોખરે રહ્યા હતા. જે કોઈએ આ વાયરસ સામેની લડતમાં યોગદાન આપ્યું છે તે માનવજાત માટે મહાન બનીને ઉભરી આવ્યા છે.
મિત્રો,
આપણે સમગ્ર તબીબી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં પરિવર્તન લાવી રહ્યા છીએ. નેશનલ મેડિકલ કમિશન ભારે પારદર્શકતા લાવશે. તે નવી તબીબી કોલેજો સ્થાપવા અંગેનાં ધોરણોનું પણ તાર્કીકીકરણ કરશે. તે આ ક્ષેત્રમાં માનવ સ્ત્રોતોની ગુણવત્તા અને ઉપલબ્ધિમાં સુધારા કરશે. છેલ્લાં 6 વર્ષ દરમિયાન, એમબીબીએસની બેઠકોમાં 30 હજાર કરતાં વધુનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે વર્ષ 2014ની તુલનામાં 50 ટકાનો વધારો દર્શાવે છે. પોસ્ટગ્રેજ્યુએટ બેઠકોમાં 24 હજારથી વધુનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે વર્ષ 2014ની તુલનામાં 80 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2014માં દેશમાં માત્ર 6 એઈમ્સ હતાં. છેલ્લા 6 વર્ષમાં અમે દેશભરમાં 15થી વધુ એઈમ્સને મંજૂરી આપી છે. તમિલનાડુ તેના તબીબી શિક્ષણ માટે જાણીતું છે. આ રાજ્યના યુવાનોને વધુ મદદ કરવા માટે સરકારે રાજ્યમાં વધુ 11 મેડિકલ કોલેજોને મંજૂરી આપી છે. આ મેડિકલ કોલેજો એવા જીલ્લાઓમાં સ્થાપવામાં આવશે કે જ્યાં હાલમા એક પણ મેડિકલ કોલેજ નથી. આ દરેક મેડિકલ કોલેજ માટે ભારત સરકાર રૂ.બે હજાર કરોડ આપશે.
અમે બજેટમાં રૂ.64 હજાર કરોડના ખર્ચે પીએમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ કરી છે. આ નાણાં વડે આરોગ્યની પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શીયરી સુવિધાઓને વેગ આપવામાં આવશે, જેનાથી નવા અને ઉભરતા રોગોના નિદાન અને સારવારની કામગીરી કરવામાં આવશે. આપણી આયુષમાન ભારત યોજના એ 50 કરોડ લોકોને આશરે 1600 તબીબી અને સર્જીકલ પ્રક્રિયા વડે ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડતો વિશ્વનો સૌથી મોટો હેલ્થ એસ્યોરન્સ પ્રોગ્રામ છે.
જન ઔષધી કેન્દ્રોની સંખ્યા વિસ્તારીને 7000થી વધુ કરવામાં આવી છે, જે ઘણાં ઓછા દરે દવાઓ પૂરી પાડે છે. સ્ટેન્ટસ અને ની-ઈમ્પ્લાન્ટસ જેવી તબીબી ડિવાઈસીસ દેશમાં ખૂબ જ સસ્તા દરે ઉપલબ્ધ કરવામાં આવી હોવાના કારણે જરૂરિયાત ધરાવતા કરોડો લોકોને સહાય થઈ છે.
મિત્રો,
દેશમાં અત્યંત સન્માનનીય પ્રોફેશનલ્સમાં ડોક્ટરોનો સમાવેશ થાય છે. હાલમાં, મહામારી પછી આ સન્માન ઘણું વધ્યુ છે. આ સન્માન એટલા માટે મળે છે, કારણ કે લોકો આ વ્યવસાયની ગંભીરતા અનેકગણી સમજ્યા છે. આ વ્યવસાય સાચા અર્થમાં કોઈના માટે જીવન અને મરણનો સવાલ બની રહે છે. આમ છતાં ગંભીર હોવું અને ગંભીર દેખાવું તે બંને અલગ બાબત છે. હું તમને તમારી હાસ્યવૃત્તિ અકબંધ રાખવા માટે વિનંતી કરૂં છું. આવું કરશો તો દર્દીઓને ઉત્સાહમાં રાખવા અને તેમની માનસિકતા ઉંચી રાખવામાં તે તમને સહાયરૂપ બનશે. મેં એવા કેટલાક ડોકટરો જોયા છે કે જે તેમની કામગીરીમાં ખૂબ જ ઉત્કૃષ્ટ હોય છે, પરંતુ તેમના રમૂજી સંવાદો મારફતે તે હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ તથા તેમના આસપાસના વાતાવરણને હળવું બનાવતા હોય છે. આનાથી લોકોને આશા પ્રાપ્ત થાય છે, જે સાજા થવા માટે ખૂબ જ મહત્વની બની રહે છે. તમે તમારી રમૂજવૃત્તિને તંદુરસ્ત રાખશો તો તે આ વ્યવસાયના ઉંચા દબાણ વચ્ચે તમારા શારીરિક અને માનસિક આરોગ્યની કાળજી લેવામાં પણ તે સહાયરૂપ બનશે. તમે એવા લોકો છો કે જે દેશના આરોગ્યની કાળજી લો છો. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે તમારા પોતાના આરોગ્ય અને ફીટનેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. યોગ, ધ્યાન, દોડ, સાયક્લીંગ વગેરેમાંથી ફીટનેસ માટેની કોઈ વ્યવસ્થા પસંદ કરો, તે તમારા આરોગ્ય માટે પણ ઉપયોગી નિવડશે.
સ્વામી વિવેકાનંદના ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસ એવુ કહેતા હતા કે “शिव ज्ञाने जीव सेवा” નો અર્થ એવો થાય છે કે જો તમે કોઈની સેવા કરશો તો તે ભગવાન શિવની સેવા કર્યા સમાન છે. જો કોઈને સાચા અર્થમા આ ઉમદા વિચારને અનુસરવાની તક પ્રાપ્ત થતી હોય તે તબીબી વ્યવસાય છે. તમારી લાંબી કારકીર્દિમાં તમે વ્યવસાયિક વિકાસ કરો અને સાથે-સાથે તમારા પોતાના વિકાસને કદાપી ભૂલશો નહીં. તમારા વ્યક્તિગત હિતથી ઉપર ઉઠો. આવું કરવાથી તમે નિર્ભય બની શકશો.
મિત્રો,
જેમને પદવી એનાયત કરવામાં આવી છે તે તમામને હું ફરી એક વખત અભિનંદન પાઠવું છું. આ શબ્દો સાથે મારા સંબોધનનું સમાપન કરૂં છું અને આપ સૌને આ રોમાંચક ક્ષેત્રમાં ઉદ્દેશપૂર્ણ અદ્દભૂત અને પડકારયુક્ત કારકિર્દી માટે અભિનંદન પાઠવું છું.
આપનો આભાર.