ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદગણ, ધારાસભ્યો અને મારા ભાઈઓ અને બહેનો,
ચૌરી-ચૌરાની પવિત્ર ભૂમિ પર દેશની માટે બલિદાન આપનારા, દેશના સ્વતંત્રતા સંગ્રામને એક નવી દિશા આપનારા, વીર શહીદોના ચરણોમાં, હું પ્રણામ કરું છું, આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. આ કાર્યક્રમમાં જુદા જુદા જિલ્લાઓમાં શહીદો અને સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના પરિજન પણ ઉપસ્થિત છે. અનેક સ્વતંત્રતા સેનાનીઓના પરિવારો આજે ઓનલાઈન પણ જોડાયેલા છે. આપ સૌને પણ હું અભિનંદન પાઠવું છું, આદર કરું છું.
સાથીઓ,
સો વર્ષ પહેલા ચૌરી ચૌરામાં જે થયું, તે માત્ર એક આગ લાગવાની ઘટના, એક ચોકીમાં આગ લગાડી દેવાની ઘટના માત્ર જ નહોતી. ચૌરી ચૌરાનો સંદેશ બહુ મોટો હતો, ખૂબ વ્યાપક હતો. અનેક કારણોસર પહેલા જ્યારે પણ ચૌરી ચૌરાની વાત થઈ, તેને એક સામાન્ય આગ લગાડવાની ઘટનાના સંદર્ભમાં જ જોવામાં આવી. પરંતુ આગ લાગવાની ઘટના કેવી પરિસ્થિતિમાં થઈ, શું કારણ હતું, તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આગ ચોકીમાં નહોતી લાગી, આગ જન–જનના દિલોમાં પ્રજ્વલિત થઈ ચૂકી હતી. ચૌરી ચૌરાના ઐતિહાસિક સંગ્રામને આજે દેશના ઇતિહાસમાં જે સ્થાન આપવામાં આવી રહ્યું છે, તેની સાથે જોડાયેલ દરેક પ્રયાસ ખૂબ પ્રશંસનીય છે. હું યોગીજી અને તેમની સંપૂર્ણ ટીમને તેની માટે અભિનંદન આપું છું. આજે ચૌરી ચૌરાની શતાબ્દી પર એક ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવી છે. આજથી શરૂ થઈ રહેલ આ કાર્યક્રમ સંપૂર્ણ વર્ષ દરમિયાન આયોજિત કરતો રહેવામાં આવશે. આ દરમિયાન ચૌરી ચૌરા સાથે જ દરેક ગામ, દરેક ક્ષેત્રના વીર બલિદાનીઓને પણ યાદ કરવામાં આવશે. આ વર્ષે જ્યારે દેશ પોતાની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, તે સમયે આવા સમારોહોનું આયોજન થવું, તે તેને વધારે પ્રાસંગિક બનાવી દે છે.
સાથીઓ,
ચૌરી–ચૌરા એ દેશના સામાન્ય માનવીનો સ્વતઃ સ્ફુરિત સંગ્રામ હતો. તે દુર્ભાગ્ય છે કે ચૌરી–ચૌરાના શહીદોની ઘણી વધારે ચર્ચા નથી થઈ શકી. આ સંગ્રામના શહીદોને, ક્રાંતિકારીઓને ઇતિહાસના પન્નાઓમાં ભલે પ્રમુખ સ્થાન ના આપવામાં આવ્યું હોય પરંતુ આઝાદી માટે તેમનું લોહી દેશની માટીમાં જરૂરથી ભળેલું છે કે જે આપણને હંમેશા પ્રેરણા આપતું રહે છે. જુદા–જુદા ગામડાઓ, જુદી–જુદી આયુ, જુદી–જુદી સામાજિક પૃષ્ઠભૂમિ, પરંતુ એક સાથે મળીને તે સૌ મા ભારતીના વીર સંતાનો હતા. આઝાદીના આંદોલનમાં સંભવતઃ એવા બહુ ઓછા પ્રસંગો હશે, એવી બહુ ઓછી ઘટનાઓ હશે જેમાં કોઈ એક ઘટના ઉપર 19 સ્વતંત્ર સેનાનીઓને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા હોય. અંગ્રેજી હકૂમત તો સેંકડો સ્વતંત્રતા સંગ્રામીઓને ફાંસી આપવા ઉપર લાગેલી હતી. પરંતુ બાબા રાઘવદાસ અને મહામના માલવીયજીના પ્રયાસોના કારણે લગભગ–લગભગ 150 લોકોને ફાંસીની સજામાંથી બચાવી લેવામાં આવ્યા હતા. એટલા માટે આજનો દિવસ વિશેષ રૂપે બાબા રાઘવદાસ અને મહામના મદન મોહન માલવીયજીને પણ પ્રણામ કરવાનો દિવસ છે, તેમનું સ્મરણ કરવાનો છે.
સાથીઓ,
મને ખુશી છે કે આ સંપૂર્ણ અભિયાન વડે આપણાં વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ, યુવાનોને પ્રતિયોગિતાના માધ્યમથી પણ જોડવામાં આવી રહ્યા છે. આપણાં યુવાનો જે અભ્યાસ કરશે તેનાથી તેમને ઇતિહાસના કેટલાય અજાણ્યા પાસાઓ વિષે માહિતી મળશે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે પણ આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસર પર યુવા લેખકોને સ્વતંત્રતા સેનાનીઓ ઉપર પુસ્તક લખવા માટે, ઘટનાઓ પર પુસ્તક લખવા માટે, સંશોધન પત્રો લખવા માટે આમંત્રિત કર્યા છે. ચૌરી–ચૌરા સંગ્રામના કેટલાય એવા વીર સેનાનીઓ છે જેમના જીવનને તમે દેશની સમક્ષ લાવી શકો તેમ છો. ચૌરી–ચૌરા શતાબ્દીના આ કાર્યક્રમોને સ્થાનિક કળા સંસ્કૃતિ અને આત્મનિર્ભરતા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રયાસ પણ આપણાં સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે આપણી શ્રદ્ધાંજલિ હશે. હું આ આયોજન માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને યુપી સરકારની પણ પ્રશંસા કરું છું.
સાથીઓ,
સમૂહિકતાની જે શક્તિએ ગુલામીની બેડીઓને તોડી હતી, તે જ શક્તિ ભારતને દુનિયાની મોટી તાકાત પણ બનાવશે. સામુહિકતાની આ જ શક્તિ આત્મનિર્ભર ભારત અભિયાનનો મૂળભૂત આધાર છે. આપણે દેશને 130 કરોડ દેશવાસીઓ માટે પણ આત્મનિર્ભર બનાવી રહ્યા છે અને સંપૂર્ણ વૈશ્વિક પરિવાર માટે પણ. તમે જરા કલ્પના કરો, આ કોરોના કાળમાં, જ્યારે ભારતે 150થી વધુ દેશોના નાગરિકોની મદદ માટે જરૂરી દવાઓ મોકલી હતી, જ્યારે ભારતે દુનિયાના જુદા–જુદા દેશોમાંથી પોતાના 50 લાખથી વધુ નાગરિકોને સ્વદેશ લાવવાનું કામ કર્યું હતું, જ્યારે ભારતે અનેક દેશોના હજારો નાગરિકોને સુરક્ષિત તેમના પોતાના દેશમાં મોકલી આપ્યા હતા, જ્યારે આજે ભારત પોતે કોરોનાની રસી બનાવી રહ્યું છે, દુનિયાના મોટા મોટા દેશો કરતાં પણ વધુ ઝડપી ગતિએ રસીકરણ થઈ રહ્યું છે, જ્યારે ભારત માનવ જીવનની રક્ષાને ધ્યાનમાં રાખીને આખી દુનિયાને રસી આપી રહ્યું છે તો આપણાં સ્વતંત્રતા સેનાનીઓને, જ્યાં પણ તેમની આત્મા હશે ત્યાં જરૂરથી ગર્વ થતો હશે.
સાથીઓ,
આ અભિયાનને સફળ બનાવવા માટે અભૂતપૂર્વ પ્રયાસોની પણ જરૂરિયાત છે. આ ભગીરથ પ્રયાસોની એક ઝલક, આપણને આ વખતના બજેટમાં પણ જોવા મળી છે. કોરોના કાળમાં દેશની સામે જે પડકારો આવ્યા છે તેમના સમાધાનને આ બજેટ નવી ગતિ આપવાનું છે. સાથીઓ, બજેટની પહેલા અનેક દિગ્ગજો એવું કહી રહ્યા હતા કે દેશે આટલા મોટા સંકટનો સામનો કર્યો છે, એટલા માટે સરકારને કર વધારવો જ પડશે, દેશના સામાન્ય નાગરિક પર બોજ નાખવો જ પડશે, નવા નવા કર લગાવવા જ પડશે. પરંતુ આ બજેટમાં દેશવાસીઓ પર કોઈ બોજ વધારવામાં નથી આવ્યો. ઉપરથી દેશને વધારે ઝડપથી આગળ વધારવા માટે સરકારે વધુમાં વધુ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ ખર્ચ દેશમાં પહોળા રસ્તાઓ બનાવવા માટે થશે, આ ખર્ચ તમારા ગામડાઓને શહેરો સાથે, બજારો સાથે, મંડીઓ સાથે જોડવા માટે થશે, આ ખર્ચ વડે પુલ બનશે, રેલવેના પાટા પાથરવામાં આવશે, નવી રેલવે ચાલશે, નવી બસો પણ ચલાવવામાં આવશે. શિક્ષણ, ભણતર ગણતરની વ્યવસ્થા સારી બને, આપણાં યુવાનોને વધુ સારા અવસરો મળે, તેની માટે પણ બજેટમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. અને સાથીઓ, આ બધા જ કામો માટે કામ કરનારા લોકોની પણ તો જરૂર પડશે. જ્યારે સરકાર નિર્માણ પર વધુ ખર્ચ કરશે તો દેશના લાખો નવયુવાનોને રોજગાર પણ મળશે. રોજગારીના નવા રસ્તાઓ ખુલશે.
સાથીઓ,
દાયકાઓથી આપણાં દેશમાં બજેટનો અર્થ માત્ર એટલો જ રહી ગયો હતો કે કોના નામ પર કઈ જાહેરાત કરવામાં આવી! બજેટને વોટ બેન્કના હિસાબ કિતાબનું વહી ખાતું બનાવી દેવામાં આવ્યું હતું. તમે વિચાર કરો, તમે પણ તમારા ઘરમાં આવનાર ખર્ચાઓના લેખાં જોખાં તમારી વર્તમાન અને ભવિષ્યની જવાબદારીઓ અનુસાર કરો છો. પરંતુ પહેલાંની સરકારોએ બજેટને એવી જાહેરાતોનું માધ્યમ બનાવી દીધું હતું કે જે તેઓ પૂરી નહોતી કરી શકતા. હવે દેશે તે વિચારધારા બદલી નાંખી છે, અભિગમ બદલી નાખ્યો છે.
સાથીઓ,
કોરોના કાળમાં ભારતે જે રીતે આ મહામારી સામે લડાઈ લડી છે, આજે તેની પ્રશંસા આખી દુનિયામાં થઈ રહી છે. આપણાં રસીકરણ અભિયાન દ્વારા પણ દુનિયાના અનેક દેશો શીખી રહ્યા છે. હવે દેશનો પ્રયાસ છે કે દરેક ગામ કસ્બામાં પણ ઈલાજની એવી વ્યવસ્થા કરવામાં આવે કે દરેક નાની મોટી બીમારી માટે શહેરની બાજુ ના ભાગવું પડે. એટલું જ નહિ, શહેરોમાં પણ દવાખાનાઓમાં ઈલાજ કરાવવામાં તકલીફ ના પડે, તેની માટે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. અત્યાર સુધી તમારે કોઈ મોટો ટેસ્ટ અથવા ચેક અપ કરાવવું હોય છે તો તમારે તમારા ગામમાંથી બહાર નીકળીને ગોરખપુર જવું પડે છે. અથવા તો પછી ઘણી વાર લખનઉ કે બનારસ સુધી લાંબા થવું પડે છે. તમને આ તકલીફોમાંથી બચાવવા માટે હવે બધા જ જિલ્લાઓમાં આધુનિક ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવશે, જિલ્લામાં જ ચેક અપની વ્યવસ્થા હશે અને એટલા માટે દેશે બજેટમાં સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પહેલેથી જ ઘણો વધુ ખર્ચ કરવાની વ્યવસ્થા કરી છે.
સાથીઓ,
આપણાં દેશની પ્રગતિનો સૌથી મોટો આધાર આપણો ખેડૂત પણ રહ્યો છે. ચૌરી ચૌરાના સંગ્રામમાં તો ખેડૂતોની બહુ મોટી ભૂમિકા હતી. ખેડૂતો આગળ વધશે, આત્મનિર્ભર બને તેની માટે છેલ્લા 6 વર્ષોમાં ખેડૂતો અંતે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. તેનું પરિણામ દેશે કોરોના કાળમાં જોયું પણ છે. મહામારીના પડકારોની વચ્ચે પણ આપણું કૃષિ ક્ષેત્ર મજબૂતી સાથે આગળ વધ્યું અને ખેડૂતોએ રેકોર્ડ ઉત્પાદન કરીને દેખાડ્યું છે.
આપણો ખેડૂત જો સશક્ત હશે, તો કૃષિ ક્ષેત્રમા આ પ્રગતિ હજી વધારે ઝડપી બનશે. તેની માટે આ બજેટમાં અનેક પગલાઓ ભરવામાં આવ્યા છે. બજારો ખેડૂતોના ફાયદાના બજારો બને, તેની માટે 1000 વધારે બજારોને ઇ-નામ સાથે જોડવામાં આવશે. એટલે કે, બજારોમાં જ્યારે ખેડૂત પોતાનો પાક વેચવા જશે તો તેને વધારે સરળતા રહેશે. તે પોતાનો પાક ગમે ત્યાં વેચી શકશે.
તેની સાથે જ ગ્રામીણ ક્ષેત્ર માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ભંડોળને વધારીને 40 હજાર કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. તેનો પણ સીધો લાભ ખેડૂતને મળશે. આ બધા જ નિર્ણયો, આપણાં ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે, કૃષિને લાભ વ્યાપાર બનાવશે. અહિયાં યુપીમાં જે કેન્દ્ર સરકારે જે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના શરૂ કરી છે તે પણ દેશના ગામડાઓના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવવાની છે. આ યોજના અંતર્ગત ગામડાની જમીનો, ગામના ઘરોના કાગળિયા, ગામના લોકોને આપવામાં આવી રહ્યા છે. જ્યારે આપણી જમીનના સાચા કાગળિયા હશે, પોતાના ઘરના સાચા કાગળિયા હશે તો તેનું મૂલ્ય તો વધશે જ પરંતુ બેન્કો પાસેથી પણ બહુ સરળતાથી ધિરાણ મળી શકશે. ગામના લોકોના ઘર અને જમીન પર કોઈ પોતાની ખોટી દ્રષ્ટિ પણ નહીં નાંખી શકે. તેનો બહુ મોટો લાભ, દેશના નાના ખેડૂતોને, ગામના ગરીબ પરિવારોને થશે.
સાથીઓ,
આજે આ પ્રયાસ કઈ રીતે દેશનું ચિત્ર બદલી રહ્યા છે, ગોરખપુર પોતે પણ તેનું બહુ મોટું ઉદાહરણ છે. ક્રાંતિકારીઓની આ ધરતી, કેટલાય બલિદાનોનું સાક્ષી ક્ષેત્ર છે આ, પરંતુ પહેલા અહિયાં કેવું ચિત્ર રહેતું હતું? અહિયાં કારખાનાઓ બંદ થઈ રહ્યા હતા, રસ્તાઓ જર્જર હાલતમાં હતા, દવાખાના પોતે જ બીમાર જેવા થઈ ગયા હતા. પરંતુ હવે ગોરખપુર ખાતર કારખાનું ફરીથી શરૂ થઈ રહ્યું છે. તેનાથી ખેડૂતોને તો લાભ મળશે જ અને યુવાનોને પણ રોજગાર મળશે.
આજે ગોરખપુરમાં એઈમ્સ બની રહી છે, અહિયાની મેડિકલ કોલેજ અને દવાખાના બાળકોના જીવન બચાવી રહ્યા છે. છેલ્લા અનેક દાયકાઓથી અહિયાં એનસિફેલાઇટીસ કે જેનો ઉલ્લેખ હમણાં યોગીજીએ કર્યો હતો તે બાળકોનું જીવન ભરખી રહી હતી. પરંતુ યોગીજીના નેતૃત્વમાં ગોરખપુરના લોકોએ જે કામ કર્યું, હવે તેની પ્રશંસા દુનિયાની મોટી મોટી સંસ્થાઓ કરી રહી છે. હવે તો દેવરિયા, કુશીનગર, બસ્તી, મહારાજગંજ અને સિદ્ધાર્થનગરમાં પણ નવા મેડિકલ કોલેજો બની રહ્યા છે.
સાથીઓ,
પહેલા પૂર્વાંચલની બીજી પણ એક મોટી સમસ્યા હતી. તમને યાદ હશે, પહેલા કોઈને જો 50 કિલોમીટર પણ જવું પડતું હતું તો પણ ત્રણ ચાર કલાક પહેલા નીકળવું પડતું હતું. પરંતુ આજે અહિયાં ચાર લેન અને છ લેન રસ્તાઓ બની રહ્યા છે. એટલું જ નહિ, ગોરખપુરથી 8 શહેરો માટે ફ્લાઇટની સુવિધા પણ બનાવવામાં આવી છે. કુશીનગરમાં બની રહેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અહિયાં પ્રવાસન ક્ષેત્રને પણ આગળ વધારશે.
સાથીઓ,
આ વિકાસ, આત્મનિર્ભરતા માટે આ પરિવર્તન આજે દરેક સ્વતંત્રતા સેનાનીને દેશની શ્રદ્ધાંજલિ છે. આજે જ્યારે આપણે ચૌરી ચૌરા શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ તો આપણે આ પરિવર્તનને સામૂહિક ભાગીદારી સાથે આગળ વધારવાનો સંકલ્પ લેવાનો છે. આપણે એ પણ સંકલ્પ લેવાનો છે કે દેશની એકતા આપણી માટે સૌથી પહેલા છે, દેશનું સન્માન આપણી માટે સૌથી મોટું છે. આ જ ભાવના સાથે આપણે દરેક દેશવાસીને સાથે લઈને આગળ વધવાનું છે.
મને વિશ્વાસ છે કે જે યાત્રા આપણે શરૂ કરી છે તેને આપણે એક નવા ભારતના નિર્માણ સાથે પૂરી કરીશું.
હું ફરી એકવાર શહીદોની આ શતાબ્દી વેળા પર, આખા વર્ષ દરમિયાન એક વાત ક્યારેય ના ભૂલતા કે તેઓ દેશ માટે શહિદ થયા હતા. તેઓ શહીદ થયા તેના કારણે આજે આપણે સ્વતંત્ર થયા, તેઓ દેશ માટે મરી શક્યા, પોતાની જાતને મારી શક્યા, પોતાના સપનાઓની આહુતિ આપી શક્યા, ઓછામાં ઓછું આપણે મરવાની નોબત તો નથી આવી પરંતુ દેશની માટે જીવવાનો સંકલ્પ જરૂરથી લઈએ. તેમને સૌભાગ્ય મળ્યું દેશની માટે મરવાનું, આપણને સૌભાગ્ય મળ્યું છે દેશની માટે જીવવાનું. આ શતાબ્દી વર્ષ ચૌરી ચૌરાના શહીદોનું સ્મરણ કરીને, આ આપણી માટે સંકલ્પ વર્ષ બનવું જોઈએ. આપણી માટે સપનાઓને સાકાર કરવાનું વર્ષ બનવું જોઈએ. આપણી માટે તન મનથી જન જનની ભલાઈ કરવા લાગી જવા માટેનું બનવું જોઈએ. તો જ આ શહીદીના સો વર્ષ આપણને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો એક પોતાનામાં જ અવસર બની જશે અને તેમની શહીદી આપણી પ્રેરણાનું કારણ બનશે.
આ જ ભાવના સાથે, હું ફરી એકવાર આપ સૌનો ખૂબ-ખૂબ આભાર પ્રગટ કરું છું.