આપ સૌ ખાસ કરીને માતાઓ, બહેનો, સૌને ખૂબ ખૂબ અભિનંદન! તમને તમારું પોતાનું ઘર, સપનાનું ઘર, ખૂબ જ ટૂંક સમયમાં તમને મળવાનું છે. કેટલાક દિવસો અગાઉ જ સૂર્ય ઉત્તરાયણમાં આવ્યા છે. કહેવાય છે કે આ સમય શુભકામનાઓ માટે ખૂબ શ્રેષ્ઠ હોય છે. આ શુભ સમયમાં તમારું ઘર બનાવવા માટે ધનરાશિ મળી જાય તો આનંદ વધુ બમણો થઈ જાય છે. હમણાં કેટલાક દિવસો પહેલા જ દેશે કોરોનાની રસીનું, વિશ્વનું સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે. હવે આ બીજું એક ઉત્સાહ વધારનારું કામ થઈ રહ્યું છે. આપ સૌ સાથે મને વાતચીત કરવાનો અવસર મળ્યો. તમે તમારી લાગણીઓ પણ વ્યક્ત કરી, આશીર્વાદ પણ આપ્યા અને હું જોઈ રહ્યો હતો કે તમારા ચહેરા પર એક ખુશી હતી, સંતોષ હતો. એક મહંત જીવનનું મોટું સપનું પૂરું થઈ રહ્યું હતું. તે તમારી આંખોમાં મને દેખાઈ રહ્યું હતું. તમારી આ ખુશી, તમારા જીવનમાં સુવિધા ભરે, એ જ મારા માટે સૌથી મોટા આશીર્વાદ હશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના તમામ લાભાર્થીઓને હું એક વાર ફરી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
આજના આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, આનંદીબેન પટેલજી, કાર્યક્રમમાં મારી સાથે જોડાઇ રહેલ અમારા કેબિનેટના સહયોગી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિકાસ મંત્રી મહેન્દ્ર સિંહજી, જુદા જુદા ગામડાઓમાંથી જોડાયેલ આ તમામ લાભાર્થી, ભાઈઓ અને બહેનો, આજે દશમ ગુરુ ગોવિંદ સિંહજીનું પ્રકાશ પર્વ પણ છે. આ પવિત્ર અવસર પર હું ગુરુ ગોવિંદ સિંહ સાહેબના ચરણોમાં પ્રણામ કરું છું. હું તમામ દેશવાસીઓને પ્રકાશ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પણ આપું છું. તે મારુ સૌભાગ્ય રહ્યું છે કે ગુરુ સાહિબની મારી ઉપર ખૂબ કૃપા રહી છે. ગુરુ સાહેબ મુજ સેવક પાસેથી નિરંતર સેવાઓ લેતા રહ્યા છે. સેવા અને સત્યના પથ પર ચાલીને મોટામાં મોટા પડકારો સામે પણ લડવાની પ્રેરણા આપણને ગુરુ ગોવિંદ સિંહજીના જીવનમાંથી મળે છે. “સવા લાખ સે એક લડાઉ, ચીડિયો સે મૈં બાજ લડાઉ, તબે ગોવિંદ સિંહ નામ કહાઉ” આટલું અદમ્ય સાહસ, સેવા અને સત્યની શક્તિ વડે જ આવે છે. ગુરુ ગોવિંદ સિંહજી દ્વારા ચીંધવામાં આવેલ આ જ માર્ગ પર દેશ આગળ વધી રહ્યો છે. ગરીબ, પીડિત, શોષિત, વંચિતની સેવા માટે તેમનું જીવન બદલવા માટે આજે દેશમાં અભૂતપૂર્વ કામ થઈ રહ્યું છે.
પાંચ વર્ષ પહેલા મને યુપીના આગ્રાથી પ્રધાનમંત્રી આવાસ યોજના, તેનો શુભારંભ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. આટલા ઓછા વર્ષોમાં આ યોજનાએ દેશના ગામડાઓનું ચિત્ર બદલવાનું શરૂ કરી દીધું છે. આ યોજના સાથે કરોડો લોકોની આશાઓ જોડાયેલી છે, તેમના સપનાઓ જોડાયેલા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાએ ગરીબમાં ગરીબને પણ એ વિશ્વાસ અપાવ્યો છે કે હા, આજે નહીં તો કાલે મારું પણ પોતાનું ઘર બની શકે છે.
સાથીઓ,
મને આજે એ પણ ખુશી છે કે યુપી આજે દેશના એ રાજ્યોમાં સામેલ છે જ્યાં ગામડામાં છેવાડાના વિસ્તારોમાં ગરીબો માટે સૌથી વધુ ઝડપથી ઘરો બનાવવામાં આવી રહ્યા છે. આ જ ગતિનું ઉદાહરણ આજનું આ આયોજન પણ છે. આજે એકસાથે યુપીના 6 લાખથી વધુ પરિવારોને સીધા તેમના બેન્ક ખાતામાં લગભગ લગભગ 2700 કરોડ રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમાંથી 5 લાખથી વધુ પરિવારો એવા છે જેમને ઘર બનાવવા માટે તેમનો પહેલો હપ્તો મળ્યો છે. એટલે કે આ પાંચ લાખથી વધુ ગ્રામીણ પરિવારોના જીવનની પ્રતિક્ષાનો આજે અંત આવી રહ્યો છે. આ દિવસ આપ સૌની માટે કેટલો મોટો દિવસ છે, કેટલો શુભ દિવસ છે, તએ હું ખૂબ સારી રીતે સમજી શકું છું, અનુભવ પણ કરી શકું છું અને મનમાં એક સંતોષનો ભાવ અને ગરીબો માટે વધુમાં વધુ કામ કરવાની પ્રેરણા મળે છે. એ જ રીતે, આજે 80 હજાર પરિવારો એવા પણ છે જેમને તેમના મકાનનો બીજો હપ્તો મળી રહ્યો છે. હવે તમારા પરિવાર માટે આવતો શિયાળો આટલો આકરો નહીં હોય. આવતા શિયાળામાં તમારું પોતાનું પણ ઘર હશે અને ઘરમાં સુવિધાઓ પણ હશે.
સાથીઓ,
આત્મનિર્ભર ભારતનો સીધો સંબંધ દેશના નાગરિકોના આત્મવિશ્વાસ સાથે છે. અને ઘર એક એવી વ્યવસ્થા છે, એક એવી સન્માનજનક ભેટ છે કે જે માણસના આત્મવિશ્વાસને અનેક ગણો વધારી દે છે. જો પોતાનું ઘર હોય છે તો એક નિશ્ચિંતતા હોય છે. તેને લાગે છે કે જીવનમાં કઇંક ઉપર નીચે થઈ પણ ગયું તો પણ આ ઘર રહેશે મદદ કરવા માટે, કામ આવશે. તેને લાગે છે કે જ્યારે ઘર બનાવી લીધું છે તો એક દિવસ આપણી ગરીબી પણ દૂર થઈ જશે. પરંતુ આપણે જોયું છે કે પહેલા જે સરકારો રહી છે તે દરમિયાન શું સ્થિતિ હતી. હું ખાસ કરીને ઉત્તર પ્રદેશની વાત કરી રહ્યો છું. ગરીબને એ વિશ્વાસ જ નહોતો થતો હતો કે સરકાર પણ ઘર બનાવવામાં તેની મદદ કરી શકે તેમ છે. જે પહેલાંની આવાસ યોજનાઓ હતો, જે સ્તર પર તેના અંતર્ગત ઘર બનાવવામાં આવતા હતા તે પણ કોઇથી અજાણ્યું નથી. ભૂલ ખોટી નીતિઓની હતી પરંતુ ‘નસીબ’ના નામ પર ભોગવવું પડતું હતું મારા ગરીબ ભાઈઓ અને બહેનોને. ગામડામાં રહેનારા ગરીબોને આ જ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવા માટે, ગરીબને પાકું છાપરું આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ શરૂ કરવામાં આવી હતી. દેશે આઝાદીના 75 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં દરેક ગરીબ પરિવારને પાકું ઘર આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. આ લક્ષ્યને પૂરું કરવા માટે વિતેલા વર્ષોમાં લગભગ 2 કરોડ ઘર માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ બનાવવામાં આવ્યા છે. એક માત્ર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ આશરે સવા કરોડ ઘરોની ચાવી, લોકોને આપી દેવામાં આવી છે. આ ઘરો બનાવવા માટે લગભગ લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા એક માત્ર કેન્દ્ર સરકારે જ આપ્યા છે.
સાથીઓ,
ઉત્તર પ્રદેશમાં આવાસ યોજનાનો ઉલ્લેખ આવતા જ મને કેટલીક જૂની વાતો પણ યાદ આવી જાય છે. જ્યારે પહેલાંની સરકારો હતી, પછીથી તો તમે તેમને દૂર કરી નાખ્યા પરંતુ મને યાદ છે કે 2016માં અમે આ યોજના શરૂ કરી હતી તો કેટલી તકલીફો આવી હતી. પહેલા જે સરકારો હતી, તેમને કેટલીય વખત ભારત સરકાર તરફથી મારી ઓફિસમાંથી ચિઠ્ઠીઓ લખવામાં આવી હતી કે ગરીબોના લાભાર્થીઓનાં નામો મોકલી આપો કે જેથી આ યોજનાનો લાભ તેમના બેંક ખાતામાં અમે પૈસા મોકલી આપીએ. અમે પૈસા મોકલવા માટે તૈયાર હતા પરંતુ કેન્દ્ર સરકારની બધી જ ચિઠ્ઠીઓને અનેક બેઠકો દરમિયાન કરવામાં આવેલ આગ્રહો માટે આંખ આડા કાન કરવામાં આવતા રહ્યા. તે સરકારની આવી વર્તણૂક આજે પણ યુપીનો ગરીબ ભૂલ્યો નથી. આજે યોગીજીની સરકારની સક્રિયતાનું પરિણામ છે, તેમની આખી ટીમની મહેનતનુ પરિણામ છે કે અહિયાં આવાસ યોજનાના કામની ગતિ પણ બદલાઈ ગઈ અને પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. આ યોજના અંતર્ગત યુપીમાં આશરે
22 લાખ ગ્રામીણ આવાસ બનાવવામાં આવનાર છે. તેમાંથી સાડા 21 લાખથી વધુ ઘરોના નિર્માણની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આટલા ઓછા સમયમાં યુપીના ગામડાઓમાંથી સાડા 14 લાખ ગરીબ પરિવારોને તેમના પાકા ઘર મળી પણ ગયા છે. અને મને આજે એ જોઈને સારું લાગે છે કે યુપીમાં સીએમ આવાસ યોજનાનું મોટાભાગનું કામ આ જ સરકારમાં થયું છે.
સાથીઓ,
આપણાં દેશમાં હાઉસિંગ યોજનાનો ઇતિહાસ દાયકાઓ જૂનો છે. પહેલા પણ ગરીબોને સારા ઘર, સસ્તા ઘરની જરૂરિયાત હતી. પરંતુ તે યોજનાઓનો અનુભવ ગરીબો માટે ખૂબ જ ખરાબ રહ્યો છે. એટલા માટે જ્યારે ચાર પાંચ વર્ષ પહેલા કેન્દ્ર સરકાર આ આવાસ યોજના પર કામ કરી રહી હતી તો અમે તે બધી જ ભૂલોમાંથી છૂટવા માટે, ખોટી નીતિઓમાંથી છુટકારો મેળવવા માટે અને નવા ઉપાયો શોધવા માટે, નવી રીતો શોધવા માટે, નવી નીતિઓ બનાવવા માટે તે વાતો ઉપર ખાસ ધ્યાન આપ્યું છે. અને તેમાં ગામડાના તે ગરીબો સુધી સૌથી પહેલા પહોંચ્યા કે જેઓ ઘરની આશા જ છોડી ચૂક્યા હતા. જેમણે માની લીધું હતું કે હવે તો જિંદગી બસ ફૂટપાથ પર જ જવાની છે, ઝૂંપડપટ્ટીમાં જ જશે. સૌથી પહેલા તેમની ચિંતા કરો. બીજું અમે કહ્યું કે ફાળવણીમાં સંપૂર્ણ રીતે પારદર્શકતા હોય, કોઈ ભાઈ ભત્રીજા વાદ નહિ, કોઈ વોટ બેન્ક નહિ, કોઈ જાતિ નહિ, ઢીંકણું નહિ, ફલાણું નહિ, કઈં જ નહિ. ગરીબ છે, હકદાર છે ત્રીજું – મહિલાઓનું સન્માન, મહિલાઓનું સ્વાભિમાન, મહિલાઓનો અધિકાર અને એટલા માટે અમે જે ઘરો આપીશું તેમાં મહિલાઓને ઘરના માલિક બનાવવાનો પ્રયાસ તેમાં હોવો જોઈએ. ચોથું – જે પણ ઘરો બને તેનું ટેકનોલોજીના માધ્યમથી મોનીટરીંગ થાય. માત્ર ઈંટ પથ્થર જોડીને મકાન જ ના બને પરંતુ અમારું એ પણ લક્ષ્ય રહયું છે કે ઘરની સાથે ચાર દીવાલો જ નહિ, સાચા અર્થમાં જિંદગી જીવવાના, તે એક બહુ મોટા સપનાઓનું અંબાર ત્યાં સજાવવો જોઈએ અને એટલા માટે બધી જ સુવિધાઓ સાથે જોડીને ગરીબને ઘર આપવામાં આવે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ ઘર એવા પરિવારોને મળી રહ્યા છે જેમની પાસે પોતાનું પાકું ઘર નહોતું. જેઓ ઝુંપડ પટ્ટીમાં, કાચા મકાનોમાં અથવા તૂટેલા ફૂટેલા ખંડેરમાં રહેતા હતા. તેમાં ગામડાના સામાન્ય કારીગરો છે, આપણાં દહાડિયા મજૂરો છે. આપણાં ખેતરના મજૂરો છે. તેનો બહુ મોટો લાભ ગામડાઓમાં રહેનારા તે નાના ખેડૂતોને પણ મળી રહ્યો છે જેમની પાસે વીઘા બે વીઘા જમીન હોય છે. આપણાં દેશમાં બહુ મોટી સંખ્યામાં ભૂમિહીન ખેડૂતો પણ છે જેઓ કોઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પેઢી દર પેઢી પસાર થતી રહે છે, તેઓ પોતાની મહેનત વડે દેશનું પેટ ભરતા રહે છે, પરંતુ પોતાની માટે પાકા મકાન અને છાપરાની વ્યવસ્થા નથી કરી શકતા. આજે આવા દરેક પરિવારોની ઓળખ કરીને પણ તેમને આ યોજના સાથે જોડવામાં આવી રહ્યા છે. તે આવાસ ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણનું પણ એક બહુ મોટું માધ્યમ બની રહ્યું છે, કારણ કે મોટાભાગના આવાસ ઘરની મહિલાઓના નામ પર જ ફાળવવામાં આવી રહ્યા છે. જેમની પાસે જમીન નથી, તેમને જમીનનો પટ્ટો પણ આપવામાં આવી રહ્યો છે. આ આખાયે અભિયાનની વિશેષ વાત એ છે કે જેટલા પણ ઘરો બની રહ્યા છે તે સૌની માટે પૈસા સીધા ગરીબોના બેન્ક ખાતામાં આપવામાં આવી રહ્યા છે. કોઈપણ લાભાર્થીને તકલીફ ના થાય, ભ્રષ્ટાચારનો શિકાર ના થવું પડે, કેન્દ્ર અને યુપી સરકાર સાથે મળીને તેની માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
સાથીઓ,
આજે દેશનો પ્રયાસ એ છે કે મૂળભૂત સુવિધાઓમાં ગામ અને શહેરની વચ્ચેનું અંતર ઓછું કરી શકાય. ગામડામાં સામાન્ય માનવી માટે, ગરીબ માટે પણ જીવન તેટલું જ સરળ બને જેટલું મોટા શહેરોમાં છે. એ જ કારણસર, પ્રધાનમંત્રી આવાસ યોજનાને શૌચાલય, વીજળી, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ સાથે પણ જોડવામાં આવી રહી છે. વીજળીના જોડાણો, ગેસના જોડાણો, શૌચાલય, આ બધા ઘરની સાથે જ આપવામાં આવી રહ્યા છે. હવે દેશમાં ગામડે ગામડા સુધી પાઇપ જોડાણો દ્વારા સ્વચ્છ પાણી પહોંચાડવા માટે ‘જળ જીવન મિશન’ ચલાવવામાં આવી રહ્યું છે. ઉદ્દેશ્ય એ જ છે કે કોઈપણ ગરીબને જરૂરી સુવિધાઓ માટે તકલીફ ના ઉઠાવવી પડે, આમ તેમ દોડવું ના પડે.
ભાઈઓ અને બહેનો,
બીજો પણ એક પ્રયાસ કે જેનો લાભ આપણાં ગામડાના લોકોને મળવાનો શરૂ થયો છે અને હું ઈચ્છું છું કે ગામડાના લોકો તેનો ભરપૂર ફાયદો ઉઠાવે અને તે છે પ્રધાનમંત્રી ‘સ્વામિત્વ યોજના’. આવનાર દિવસોમાં આ યોજના, દેશના ગામડાઓમાં રહેનારા લોકોનું ભાગ્ય બદલવા જઈ રહી છે. અને યુપી દેશના તે શરૂઆતના રાજયોમાંથી એક છે જ્યાં આ પ્રધાનમંત્રી ‘સ્વામિત્વ યોજના’ લાગુ કરવામાં આવી છે, કામ ચાલી રહ્યું છે ગામડાઓમાં. આ યોજના અંતર્ગત ગામડાઓમાં રહેનારા લોકોને તેમની જમીન, તેમના ઘરની માલિકી હકના કાગળિયા ટેકનોલોજીના માધ્યમથી માપીને તે હક તેમને આપવામાં આવી રહ્યા છે. આજકાલ યુપીના પણ હજારો ગામડાઓમાં ડ્રોન વડે સર્વે કરવામાં આવી રહ્યા છે, મેપિંગ કરાવવામાં આવી રહ્યું છે કે જેથી લોકોની સંપત્તિ સરકારી રેકોર્ડમાં તમારા નામથી જ નોંધાયેલ રહે. આ યોજના પછી જગ્યાએ જગ્યાએ જમીનોને લઈને ગામડાઓમાં થનારા વિવાદ ખતમ થઈ જશે. તેનો સૌથી મોટો લાભ એ હશે કે તમે ગામડાંની જમીન અથવા ગામડાના ઘરના કાગળ બતાવીને જ્યારે ઈચ્છો ત્યારે લોન પણ લઈ શકશો. અને તમે જાણો છો કે જે સંપત્તિ ઉપર બેંકમાંથી લોન મળી જાય તેની કિંમત હમેશા વધારે જ હોય છે. એટલે કે સ્વામિત્વ યોજનાનો સારો પ્રભાવ હવે ગામડામાં બનેલા ઘરો અને જમીનોની કિંમતો ઉપર પણ પડશે. સ્વામિત્વ યોજના વડે ગામડાના આપણાં કરોડો ગરીબ ભાઈઓ અને બહેનોને એક નવી તાકાત મળવાની છે. યુપીમાં સાડા આઠ હજાર કરતાં વધુ ગામડાઓમાં આ કામ પૂરું પણ થઈ ગયું છે. સર્વે પછી લોકોને જે ડિજિટલ સર્ટિફિકેટ મળી રહ્યા છે તેને યુપીમાં ઘરૌની કહેવામાં આવી રહ્યા છે. મને જણાવવામાં આવ્યું છે કે 51 હજારથી વધુ ઘરૌની પ્રમાણપત્રો વિતરીત કરી દેવામાં આવ્યા છે અને ખૂબ ટૂંક સમયમાં એક લાખ હજી વધુ આપણાં જે આ ગામડાના લોકો છે તેમને પણ આ ઘરૌની પ્રમાણપત્રો મળવાના છે.
સાથીઓ,
આજે જ્યારે આટલી બધી યોજનાઓ ગામડાઓ સુધી પહોંચી રહી છે તો તેનાથી માત્ર સુવિધા જ નથી વધી રહી પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ ગતિ મળી રહી છે. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત યુપીમાં 60 હજાર કિલોમીટર કરતાં વધુ ગ્રામીણ માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ માર્ગો ગામડાના લોકોના જીવનને સરળ બનાવવાની સાથે જ ત્યાંનાં વિકાસનું પણ માધ્યમ બની રહી છે. હવે તમે જુઓ, ગામડામાં એવા કેટલા યુવાનો રહેતા હતા કે જેઓ થોડું ઘણું રોજ કડિયા કામ શીખતા હતા પરંતુ તેમને એટલા અવસરો નહોતા મળતા. પરંતુ હવે ગામડાઓમાં એટલા બધા ઘર બની રહ્યા છે, માર્ગો બની રહ્યા છે તો કડિયા કામના કેટલા અવસરો ઊભા થયા છે. સરકાર તેની માટે કૌશલ્ય વિકાસની તાલીમ પણ આપી રહી છે. યુપીમાં પણ હજારો યુવાનોએ આની તાલીમ લીધી છે. અને હવે તો મહિલાઓ પણ રાણી મિસ્ત્રી તરીકે મકાનો બનાવી રહી છે. તેમની માટે રોજગારના અવસરો ખૂલ્યા છે. આટલું બધુ કામ થઈ રહ્યું છે તો સિમેન્ટ, સળિયા, બિલ્ડિંગ મટિરિયલની દુકાન, તેના જેવી સેવાઓની પણ જરૂરિયાત પડી છે અને તે પણ વધી રહી છે. તેનાથી પણ યુવાનોને રોજગાર મળ્યો છે. હમણાં કેટલાક મહિનાઓ પહેલા દેશે એક બીજું અભિયાન શરૂ કર્યું છે જેનો લાભ આપણાં ગામડાના લોકોને થવા જઈ રહ્યો છે. આ અભિયાન છે, દેશના 6 લાખથી વધુ ગામડાઓ સુધી ઝડપી ગતિએ ઈન્ટરનેટ પહોંચાડવાનું. આ અભિયાન અંતર્ગત લાખો ગામડાઓમાં ઓપ્ટિકલ ફાયબર પાથરવામાં આવશે. આ કામ પણ ગામડાના લોકો માટે રોજગારના નવા અવસરો બનાવશે.
સાથીઓ,
કોરોનાનો આ કાળખંડ જેની અસર આખા દેશ પર પડી, દુનિયા પર પડી, માનવજાત પર પડી. પ્રત્યેક વ્યક્તિના જીવન પર પડી. ઉત્તર પ્રદેશે વિકાસ માટે પોતાના પ્રયાસોને થંભવા નથી દીધા, ચાલુ રાખ્યા, ઝડપી ગતિએ આગળ વધાર્યા. જે પ્રવાસી બંધુઓ આપણાં ગામમાં પાછા ફરીને આવ્યા હતા તેમની સુરક્ષિત ઘર વાપસી માટે યુપીએ જે કામ કર્યું, તેની પણ ઘણી પ્રશંસા થઈ છે. યુપીએ તો ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત 10 કરોડ માનવ દિવસોનો રોજગાર ઊભો કર્યો છે અને દેશમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેનાથી મોટી સંખ્યામાં લોકોને ગામડામાં જ રોજગાર મળ્યો, તેના લીધે પણ તેમનું જીવન સરળ બન્યું છે.
આજે સામાન્ય માનવીના જીવનને સરળ બનાવવા માટે યુપીમાં જે કામ થઈ રહ્યું છે, તેને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, અવધથી લઈને બુંદેલખંડ સુધી દરેક વ્યક્તિ અનુભવ કરી રહ્યો છે. આયુષ્માન ભારત યોજના હોય કે પછી રાષ્ટ્રીય પોષણ મિશન, ઉજ્જવલા યોજના હોય કે પછી ઉજાલા યોજના અંતર્ગત આપવામાં આવેલ લાખો સસ્તા એલઇડી બલ્બ, તે લોકોના પૈસા પણ બચાવી રહી છે અને તેમના જીવનને સરળ પણ બનાવી રહી છે. વિતેલા ચાર વર્ષોમાં યુપીની સરકારે કેન્દ્ર સરકારની યોજનાઓને જે ગતિ સાથે આગળ વધારી છે, તેનાથી યુપીને એક નવી ઓળખ મળી છે, અને નવી ઉડાન પણ મળી છે. એક બાજુ અપરાધીઓ અને ગુનેગારો ઉપર કડકાઇ અને બીજી તરફ કાયદા વ્યવસ્થા ઉપર નિયંત્રણ, એક બાજુ અનેક એક્સપ્રેસ વેનું ઝડપથી ચાલી રહેલ કામ તો બીજી બાજુ એઇમ્સ જેવા મોટા સંસ્થાન, મેરઠ એક્સપ્રેસથી લઈને બુંદેલખંડ ગંગા એક્સપ્રેસ વે સુધી, યુપીમાં વિકાસની ગતિ ઝડપી બનાવીશું. આ જ કારણ છે કે આજે યુપીમાં મોટી મોટી કંપનીઓ પણ આવી રહી છે અને નાના નાના ઉદ્યોગો માટે પણ રસ્તા ખૂલ્યા છે. યુપીની ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ આ યોજના વડે સ્થાનિક કારીગરોને ફરીથી કામ મળવા લાગ્યું છે. આપણાં ગામડામાં રહેનારા સ્થાનિક કારીગરોની, ગરીબોની, શ્રમિકોની આ જ આત્મનિર્ભરતા આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પણ પૂરું કરશે અને આ પ્રયાસોની વચ્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી આ જે ઘર મળ્યું છે તે ઘર તેમની માટે બહુ મોટુ બળ આપવાનું કામ કરશે.
આપ સૌને ઉત્તરાયણ પછી તમારા જીવનનો કાળખંડ પણ બધા જ સપનાઓને પૂરો કરનારો બને. ઘર પોતાનામાં જ એક બહુ મોટી વ્યવસ્થા હોય છે. હવે જુઓ, બાળકોનું જીવન બદલાશે. તેમના ભણતર ગણતરમાં પરિવર્તન આવશે, એક નવો આત્મવિશ્વાસ આવશે. અને આ બધા માટે મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આજે તમામ માતાઓ બહેનોએ મને આશીર્વાદ આપ્યા, હું હ્રદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કરું છું અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર!