મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન મંગુભાઈ પટેલજી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનજી, કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવ, ભાઈઓ અને બહેનો.
આજનો દિવસ ભોપાલ માટે, મધ્ય પ્રદેશ માટે, સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ઇતિહાસ અને વૈભવશાળી ભવિષ્યના સંગમનો દિન છે. ભોપાલના આ ભવ્ય રેલવે સ્ટેશનમાં જે કોઇ પણ આવશે તેને ભારતીય રેલવેનું ભવિષ્ય કેટલું આધુનિક છે, કેટલું ઉજ્જવળ છે, તેનું પ્રતિબિંબ જોવા મળશે. ભોપાલના આ ઐતિહાસિક રેલવે સ્ટેશનનો ફક્ત કાયાકલ્પ જ થયો નથી, પણ ગિન્નૌરગઢની રાણી કમલાપતિજીનું નામ તેની સાથે જોડાવાથી આનું મહત્ત્વ પણ ઘણુ વધી ગયું છે. ગોંડવાના ના ગૌરવ સાથે આજે ભારતીય રેલવેનું ગૌરવ પણ જોડાઇ ગયું છે. આજે દેશ જ્યારે જનજાતિય ગૌરવ દિવસ ઉજવી રહ્યો છે તેવા સમયે આ કાર્ય થયું છે. આ માટે હું મધ્ય પ્રદેશના સૌ ભાઈ-બહેનો ને, ખાસ કરીને જનજાતિય સમાજને ખુબ ખુબ અભિનંદન આપુ છું.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.38983600_1636977747_pm-dedicates-to-the-nation-various-railway-projects-in-bhopal-madhya-pradeshin3.png)
સાથીઓ,
આજે અહીં આ કાર્યક્રમમાં ભોપાલ – રાણી કમલાપતિ – બરખેડા લાઇનને ત્રણ લાઇનમાં ફેરવવાની યોજના, ગુના-ગ્વાલિયર વિભાગનું વિદ્યુતકરણ, ફતેહાબાદ ચંદ્રાવતીગંજ-ઉજ્જૈન અને મથેલા-નિમારખેડી વિભાગોના વિદ્યુતકરણ તથા તેમને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટેની યોજનાઓનું પણ લોકાર્પણ થયું છે. આ તમામ સુવિધાઓનું નિર્માણ થવાના લીધે મધ્ય પ્રદેશના સૌથી વ્યસ્ત રેલ માર્ગો પૈકીના એક પરનું દબાણ હળવું થશે અને પર્યટન-તીર્થાટનના મહત્ત્વપૂર્ણ સ્થળો સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે. ખાસ કરીને મહાકાળની નગરી ઉજ્જૈન અને દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર વચ્ચે મેમુ સેવા શરૂ થવાથી દરરોજ મુસાફરી કરનારા હજારો મુસાફરોને સીધો ફાયદો થશે. હવે ઈન્દોરના લોકો મહાકાળના દર્શન કરીને સમયસર પરત પણ ફરી શકશે અને દરરોજ અપ-ડાઉન કરનારા કર્મચારીઓ,વ્યવસાયિકો,શ્રમિકો સાથીઓને પણ ઘણી મોટી સુવિધા રહેશે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.89964400_1636977681_pm-dedicates-to-the-nation-various-railway-projects-in-bhopal-madhya-pradeshin1.png)
બહેનો અને ભાઈઓ,
આજે ભારત કેવી રીતે બદલાઈ રહ્યું છે, સપના કેવી રીતે સાકાર થઈ શકે છે તે જોવું હોય તો તેનું એક સારું ઉદાહરણ ભારતીય રેલવે બની રહી છે. 6-7 વર્ષ પહેલાં સુધી,જેનો પનારો ભારતીય રેલવે સાથે પડતો હતો,તે હંમેશાં ભારતીય રેલવેને ભાંડતાની સાથે હંમેશા કંઈ ને કંઈ બોલતો જ નજરે પડતો હતો. સ્ટેશન ઉપરની ભીડ, ગંદકી, ટ્રેનની પ્રતીક્ષામાં કલાકોનું ટેન્શન, સ્ટેશન ઉપર બેસવાની, ખાવાપીવાની અસુવિધા, ટ્રેનની અંદર ગંદકી, સુરક્ષાની ચિંતા, તમે જોયું હશે કે લોકો બેગની સાથે ચેન લઇને આવતા હતા, તાળું લગાવતા હતાં, દુર્ઘટના થવાનો ડર, આ બધુ જ.... મતલબ કે રેલવે બોલતાની સાથે જ આ બધું ધ્યાનમાં આવતુ હતું. મનમાં આ જ એક છબિ તરવરીને સામે આવતી હતી. પણ સ્થિતિ એટલી વકરી ગઈ કે લોકોએ સ્થિતિમાં બદલાવ થવાની આશા સુદ્ધા છોડી દીધી હતી. લોકોએ સ્વીકારી લીધું હતું કે ચાલો ભાઈ આવી રીતે જ જીવી લઇએ, આ બધું આમ ને આમ જ ચાલવાનું છે. પરંતુ દેશ જ્યારે પ્રામાણિકતાથી સંકલ્પોની સિદ્ધિ સાથે જોડાય છે ત્યારે સુધારો થાય છે જ, પરિવર્તન થાય છે જ, આ આપણે વિતેલા વર્ષોમાં નિરંતર જોતા આવ્યા છીએ.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.03124700_1636977772_pm-dedicates-to-the-nation-various-railway-projects-in-bhopal-madhya-pradeshin2.png)
સાથીઓ,
દેશના સામાન્ય માણસને આધુનિક અનુભવ આપવા માટેનું જે બીડું અમે ઉઠાવ્યું છે તેના માટે દિવસ રાત જે પુરુષાર્થ થઈ રહ્યો છે તેના હવે પરિણામો જોવા મળી રહ્યાં છે. થોડા મહિના પહેલા ગુજરાતનાં ગાંધીનગર રેલવે સ્ટેશનનો નવો અવતાર દેશ અને દુનિયાએ જોયો હતો. આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશનના સ્વરૂપમાં દેશનું પહેલું આઇએસઓ પ્રમાણિત, દેશનું સૌપ્રથમ પીપીપી મોડલ આધારિત રેલવે સ્ટેશન દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. એક સમયે જે સુવિધાઓ એરપોર્ટ પર જ ઉપલબ્ધ હતી તે આજે રેલ્વે સ્ટેશન પર મળે છે. આધુનિક શૌચાલય,ઉત્તમ ખાણી-પીણી,શોપિંગ કોમ્પ્લેક્સ, હોટેલ, મ્યુઝિયમ, ગેમિંગ ઝોન, હોસ્પિટલ, મોલ, સ્માર્ટ પાર્કિંગ, આવી તમામ સુવિધાઓ અહીં વિકસાવવામાં આવી રહી છે. આ રેલવે સ્ટેશનમાં ભારતીય રેલવેનો પ્રથમ સેન્ટ્રલ એર કોનકોર્સ બનાવવામાં આવ્યો છે. આ કોનકોર્સમાં સેંકડો મુસાફરો સાથે બેસીને ટ્રેનની રાહ જોઈ શકે છે અને ખાસ વાત એ છે કે તમામ પ્લેટફોર્મ આ કોનકોર્સ સાથે જોડાયેલા છે. તેથી મુસાફરોએ બિનજરૂરી રીતે દોડવાની જરૂર પડશે નહીં.
ભાઈઓ અને બહેનો,
દેશના સામાન્ય કરદાતાને, દેશના મધ્યમ વર્ગને સદાયથી આવી જ માળખાગત સુવિધાઓ, સમાન સુવિધાઓની જ અપેક્ષા રહી છે. આ જ કરદાતાનું સાચું સન્માન છે. આ VIP સંસ્કૃતિથી EPI એટલે કે Every Person Is Importantની તરફ પરિવર્તનનું મોડેલ છે. રેલવે સ્ટેશનોની સમગ્ર ઇકોસિસ્ટમને આ જ રીતે બદલવા માટે આજે દેશના પોણા બસ્સોથી વધુ રેલ્વે સ્ટેશનોનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે.
સાથીઓ,
આજે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે ભારત આવનારા વર્ષો માટે ખુદને તૈયાર કરી રહ્યું છે, મોટા લક્ષ્યો પર કામ કરી રહ્યું છે. આજનું ભારત માત્ર આધુનિક માળખાગત સુવિધાઓ ના નિર્માણ માટે વિક્રમી મૂડીરોકાણ કરી જ રહ્યું છે, સાથે તે એ પણ સુનિશ્ચિત કરી રહ્યું છે કે પ્રોજેક્ટ્સમાં વિલંબ ન થાય, કોઈ અડચણ ઊભી ન થાય. તાજેતરમાં જ શરૂ થયેલો પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન દેશને આ સંકલ્પની સિદ્ધિ માં મદદ કરશે. માળખાગત સુવિધાઓ સાથે સંકળાયેલી સરકારની નીતિઓ હોય, મોટા પ્રોજેક્ટ્સનું આયોજન હોય, તેમના પર કામ કરવાનું હોય, ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન દરેક બાબતે માર્ગદર્શન આપશે. આપણે માસ્ટર પ્લાનને આધાર બનાવીને આગળ વધીશું તો દેશના સંસાધનોનો પણ યોગ્ય રીતે ઉપયોગ થશે. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ સરકાર વિવિધ મંત્રાલયોને એક પ્લેટફોર્મ પર લાવી રહી છે. દરેક વિભાગને અલગ-અલગ પ્રોજેક્ટ્સની માહિતી સમય સર મળે તે માટે પણ વ્યવસ્થા ઘડવામાં આવી છે.
સાથીઓ,
રેલવે સ્ટેશન્સના પુનર્વિકાસ માટેનું આ અભિયાન માત્ર સ્ટેશનની સુવિધાઓ પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ આવા બાંધકામ, ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો પણ એક ભાગ છે. આઝાદીના અમૃતકાળમાં એવી માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવાનું એક અભિયાન છે કે જે દેશના વિકાસને અભૂતપૂર્વ ગતિ આપી શકે. આ ગતિશક્તિ મલ્ટિમોડલ કનેક્ટિવિટીની છે, સર્વગ્રાહી માળખાગત સુવિધાઓની છે. જેમકે રાની કમલાપતિ રેલવે સ્ટેશનને એપ્રોચ રોડ સાથે જોડવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં પાર્કિંગની સુવિધા બનાવવામાં આવી છે. ભોપાલ મેટ્રો સાથે પણ આની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. બસ મોડ સાથે રેલવે સ્ટેશનના એકીકરણ માટે સ્ટેશનની બંને તરફ બીઆરટીએસ લેનની સુવિધા છે. મતલબ કે યાત્રા હોય કે લોજિસ્ટિક્સ, બધુ જ સરળ હોય, સહજ હોય, સીમલેસ હોય એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આનાથી સામાન્ય ભારતીય માટે, સામાન્ય હિન્દુસ્તાની માટે ઇઝ ઓફ લિવિંગ સુનિશ્ચિત થશે. મને આનંદ છે કે રેલવેના અનેક પ્રોજેક્ટ્સને આ જ રીતે ગતિશક્તિ નેશનલ માસ્ટરપ્લાન સાથે જોડવામાં આવી રહ્યાં છે.
સાથીઓ,
એક સમય એવો હતો કે જ્યારે રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ડ્રોઇંગ બોર્ડમાંથી નીચે ઉતરવામાં પણ વર્ષો થતા હતા. હું દર મહિને પ્રગતિ કાર્યક્રમની સમીક્ષા કરું છું કે કયા પ્રોજેક્ટ્સ સુધી પહોંચ્યા. તમને આશ્ચર્ય થશે કે મને કેટલાક રેલવે પ્રોજેક્ટ્સ એવા મળ્યા જે 35-40 વર્ષ પહેલા જાહેર થઈ ચૂક્યા હતા. પરંતુ કાગળ પર એક લિટી સુદ્ધાં પણ દોરવામાં આવી ન હતી - 40 વર્ષ. હવે મારે આ કામ કરવું પડે છે, હું તે કરીશ, હું તમને ખાતરી આપું છું. આજે ભારતીય રેલવેમાં જેટલી અધીરતા નવા પ્રોજેક્ટ્સના આયોજનની છે, એટલી જ ગંભીરતા તેને સમય પર પૂર્ણ કરવા માટે પણ છે.
દેશનો ઇસ્ટર્ન અને વૅસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર આનું એક ખૂબ જ સચોટ ઉદાહરણ છે. દેશમાં પરિવહનનું ચિત્ર બદલવાની ક્ષમતા ધરાવતા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઉપર ઘણા વર્ષો સુધી ઝડપી ગતિએ કામ થઈ શક્યું નહોતું. પરંતુ છેલ્લાં 6-7 વર્ષમાં 1100 કિલોમીટરથી વધુનો રૂટ પૂરો થઈ ગયો છે અને બાકીના હિસ્સા પર ઝડપી ગતિએ કામ થઈ રહ્યું છે.
સાથીઓ,
કામની આવી જ ગતિ આજે અન્ય યોજનાઓમાં પણ જોવા મળે છે. છેલ્લા 7 વર્ષમાં દર વર્ષે સરેરાશ 2,500 કિલોમીટરનો ટ્રેક કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. પહેલાંના વર્ષોમાં આ આંકડો લગભગ 1500 કિલોમીટરની આસપાસનો રહેતો હતો. અગાઉની સરખામણીમાં છેલ્લાં 7 વર્ષમાં રેલવે ટ્રેકના વિદ્યુતીકરણની ગતિ પાંચ ગણાથી વધુની થઈ છે. મધ્યપ્રદેશમાં પણ 35 રેલવે પ્રોજેક્ટમાં લગભગ સવા અગિયારસો કિલોમીટરના પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે.
સાથીઓ,
દેશમાં મજબૂત બની રહેલા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો ખેડૂતોને થાય છે, વિદ્યાર્થીઓને થાય છે, વેપારીઓ-કારોબારીઓને થાય છે. આજે આપણે જોઇએ છીએ કે કેવી રીતે ખેડૂતો, દેશના ખૂણે ખૂણાના ખેડૂતો રેલવેના માધ્યમથી દૂર-સુદૂરના વિસ્તારો સુધી પોતાની પેદાશ મોકલી શકે છે. રેલવે દ્વારા આ ખેડૂતોને માલના વહનમાં પણ ઘણી છૂટ આપવામાં આવી રહી છે. આનો દેશના ખેડૂતોને પણ ખુબ ફાયદો થઈ રહ્યો છે. તેમને નવા બજાર મળ્યાં છે, નવું સામર્થ્ય મળ્યું છે.
સાથીઓ,
ભારતીય રેલવે એ માત્ર અંતરને જોડવાનું માધ્યમ નથી, પરંતુ તે દેશની સંસ્કૃતિ, દેશના પર્યટન, દેશના તીર્થાટનને જોડવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ પણ બની રહી છે. આઝાદીના આટલા દાયકાઓમાં પહેલી વાર આટલા મોટા પાયે ભારતીય રેલવેની શક્તિને એક્સ્પ્લોર કરવામાં આવી રહી છે. અગાઉ રેલવેનો ઉપયોગ પર્યટન માટે જો થયો પણ હોય તો તે પણ પ્રીમિયમ ક્લબ પૂરતો જ મર્યાદિત રાખવામાં આવ્યો હતો.
પહેલી જ વખત સામાન્ય માણસને વાજબી રકમ પર પર્યટન અને તીર્થાટનનો દિવ્ય અનુભવ આપવામાં આવી રહ્યો છે. રામાયણ સર્કિટ ટ્રેન એ આવો જ એક નવીન પ્રયાસ છે. થોડા દિવસો પહેલા પહેલી રામાયણ એક્સપ્રેસ ટ્રેન દેશભરમાં રામાયણ સમયગાળાના ડઝનબંધ સ્થળોના દર્શન કરાવવા પ્રસ્થાન કરી ચૂકી છે. આ ટ્રેનની યાત્રાને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
આવનારા દિવસોમાં દેશના વિવિધ ભાગોમાંથી વધુ અમુક રામાયણ એક્સપ્રેસ ટ્રેનો પણ શરૂ થવાની છે. એટલું જ નહીં વિસ્ટાડોમ ટ્રેનોનો અનુભવ પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ભારતીય રેલવેના માળખાગત સુવિધાઓ, સંચાલન અને અભિગમમાં તમામ રીતે વ્યાપક સુધારા કરવામાં આવી રહ્યા છે. બ્રોડગેજ નેટવર્કમાં માનવરહિત ફાટકો દૂર કરવાથી ગતિમાં પણ સુધારો થયો છે અને અકસ્માતોમાં ધરખમ ઘટાડો થયો છે. આજે સેમી હાઈસ્પીડ ટ્રેનો રેલ નેટવર્કનો ભાગ બની રહી છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આગામી 2 વર્ષમાં દેશભરમાં 75 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવા માટે રેલવે પ્રયત્ન કરી રહી છે. એટલે કે ભારતીય રેલવે હવે તેના જૂના વારસાને આધુનિકતાના રંગમાં ઢાળી રહી છે.
સાથીઓ,
ચડિયાતું માળખું એ માત્ર ભારતની આકાંક્ષા જ નહીં પરંતુ જરૂરિયાત પણ છે. આજ વિચારધારા સાથે અમારી સરકાર રેલવે સહિત હજારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર અભૂતપૂર્વ રોકાણ કરી રહી છે. મને વિશ્વાસ છે કે ભારતનું આધુનિક બની રહેલું માળખું આત્મનિર્ભરતાના સંકલ્પને ઝડપથી દેશના સામાન્ય માણસ સુધી લઈ જશે.
હું ફરી એકવાર આપ સૌને આધુનિક રેલવે સ્ટેશનની તથા સાથોસાથ અનેક નવી રેલવે સેવાઓ માટે અભિનંદન પાઠવું છું. આ પરિવર્તનનને સ્વીકાર કરવા બદલ હું રેલવેની સંપૂર્ણ ટીમને અભિનંદન આપું છું, તથા આ પરિવર્તનને સાકાર કરવા માટે રેલવેની જે આખી ટીમ નવા ઉત્સાહ સાથે જોડાઇ છે હું તેમને પણ અભિનંદન આપુ છું. તમને બધાને ઘણી શુભકામનાઓ. તમારો ખૂબ ખૂબ આભાર!