નમસ્કાર !
દેશના નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી, નાણા રાજ્ય મંત્રી શ્રી પંકજ ચૌધરીજી, ડૉ. ભાગવત કરાડજી, આરબીઆઇ ગવર્નર શ્રી શક્તિકાંત દાસજી, બેંકિંગ ક્ષેત્રના સૌ દિગ્ગજ, ભારતીય ઉદ્યોગ જગતના સૌ સન્માનિત સાથીઓ, કાર્યક્રમમાં જોડાયેલા અન્ય સમસ્ત મહાનુભાવ, દેવીઓ અને સજ્જનો.
જ્યારથી હું અહીં આવ્યો છું, મેં જે કંઈ સાંભળ્યું તેમાં વિશ્વાસ ને વિશ્વાસ જ નજરે પડી રહ્યો છે. મતલબ કે આપણું વિશ્વાસનું સ્તર એટલું વાઇબ્રન્ટ છે, તે પોતાની જાતે બહુ મોટી સંભાવનાઓને સંકલ્પમાં પરિવર્તિત કરે છે. અને સૌ સાથે મળીને ચાલે તો સંકલ્પને સિદ્ધિમાં ફેરવવામાં હું નથી માનતો કે વાર લાગશે. કોઇ પણ દેશની વિકાસયાત્રામાં એક સમય એવો આવે છે કે જ્યારે એ દેશ નવી છલાંગ માટે નવો સંકલ્પ લે છે અને પછી એ સંકલ્પોને પ્રાપ્ત કરવામાં સમગ્ર રાષ્ટ્રની શક્તિ જોડાઇ જાય છે. આઝાદીનું આંદોલન બહુ લાંબું ચાલ્યું હતું. ઇતિહાસકારો ખાસ કરીને 1857થી તેને એકસૂત્રમાં પરોવીને પણ જૂએ છે. પરંતુ 1942 અને 1930 દાંડી યાત્રા અને ક્વિટ ઇન્ડિયા આ બે એવા ટર્નિંગ પોઇન્ટ હતા જેને આપણે કહી શકીએ કે એ એક એવો સમય હતો કે જેણે દેશમાં છલાંગ લગાવવાનો મૂડ બનાવ્યો હતો. 1930માં જે છલાંગ લાગી એણે દેશભરમાં એક માહોલ બનાવી દીધો હતો. અને 1942માં જે બીજી છલાંગ લગાવાઈ તેનું પરિણામ 1947માં આવ્યું. મતલબ કે હું જે છલાંગ લગાવવાની વાત કરી રહ્યો છું. આઝાદીના 75 વર્ષ થયા અને હવે આપણે એવી અવસ્થામાં પહોંચી ગયા છીએ કે હવે સાચા અર્થમાં આ છલાંગ લગાવવા માટે મજબૂત જમીન છે, લક્ષ્યાંક નિશ્ચિત છે, બસ ચાલી નીકળવાનું છે. અને મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું, 15 ઓગસ્ટે કહ્યું હતું કે આ જ સમય છે, આ જ સમય છે. આપ સૌ રાષ્ટ્ર નિર્માણના આ મહાયજ્ઞના મહત્વના હિતધારકો છો. અને તેથી જ ભવિષ્યની તૈયારીઓને લઈને આપનો આ સંવાદ, બે દિવસનું આપનું આ મંથન, આપ લોકોએ સાથે બેસીને જે રોડમેપ વિચાર્યો હશે, આપે જે નિર્ણય કર્યા હશે, મને લાગે છે કે એ બધી બાબતો પોતપોતાના સ્થાને બહુ જ મહત્વપૂર્ણ રહેશે.
સાથીઓ,
સરકારે વિતેલા 6-7 વર્ષોમાં બેન્કિંગ સેક્ટરમાં જે રિફોર્મ્સ કર્યાં, બેન્કિંગ સેક્ટરને દરેક પ્રકારનો જે સપોર્ટ આપ્યો, તેના કારણે આજે દેશનું બેન્કિંગ ક્ષેત્ર બહુ જ મજબૂત સ્થિતિમાં છે. તમને પણ એમ લાગે છે કે બેંકોની નાણાકીય તંદુરસ્તી હવે ઘણી સુધરેલી સ્થિતિમાં છે. 2014 પહેલાં જે સમસ્યાઓ હતી, જે પડકારો હતા, અમે એક એક કરીને તેમનો ઉકેલ લાવવાના રસ્તાઓ શોધી કાઢ્યા છે. અમે એનપીએની સમસ્યા ઉપર ધ્યાન આપ્યું, બેન્કોનું પુનઃ મૂડીકરણ કર્યું, બેંકોની તાકાત વધારી. અમે આઇબીસી જેવા સુધારા લાવ્યા, ઘણા કાયદાઓમાં સુધારો કર્યો અને ડેટ રિકવરી ટ્રિબ્યુનલને સશક્ત બનાવી. કોરોના સમયગાળા દરમિયાન દેશમાં સમર્પિત સ્ટ્રેસ્ડ એસેટ મેનેજમેન્ટ વર્ટિકલની પણ રચના કરવામાં આવી હતી. આ નિર્ણયોના લીધે આજે બેંકોના રિઝોલ્યૂશન અને રિકવરીમાં સુધારો થઈ રહ્યો છે, બેંકોની સ્થિતિ મજબૂત બની રહી છે અને બેન્કોમાં અંદર એક પ્રકારની સાહજિક ક્ષમતા જોવા મળી રહી છે. જે પારદર્શકતા અને પ્રતિબદ્ધતા સાથે સરકારે કામ કર્યું છે તેનું એક પ્રતિબિંબ બેંકોને પાછી મળેલી રકમમાં પણ જોવા મળે છે. આપણા દેશમાં જ્યારે કોઈ બેંકને ઉઠાડીને કોઇ ભાગી જાય છે, ત્યારે ઘણી ચર્ચા થાય છે, પરંતુ કોઈ દમખમ વાળી સરકાર જ્યારે તેને પાછું લાવે છે, ત્યારે આ દેશમાં તેના વિશે કોઈ ચર્ચા કરતું નથી. અગાઉની સરકારો દરમિયાન જે લાખો કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા, તેમાંથી રૂ .5 લાખ કરોડથી વધુની રિકવરી થઈ ગઈ છે. આપ સૌ ઉચ્ચ સ્તરે બેઠા છો, શક્ય છે કે તમને પાંચ લાખ કરોડ ખૂબ મોટા હોવાનું નહીં લાગતું હોય. કારણ કે એક પ્રકારની વિચારધારા બની ગઈ હતી, અહીં બેઠેલા લોકોની એ વિચારધારા નહીં હોય તેની મને પૂરેપૂરી ખાતરી છે. પણ આ વિચારધારા હતી. બેંક અમારી છે, બેંકમાં જે કંઈ છે તે અમારું જ છે, ત્યાં રહે કે મારી સાથે રહે, તેનાથી શું ફરક પડે છે? જે ઇચ્છ્યું એ માંગ્યું, જે માંગ્યું એ મળ્યું અને બાદમાં ખબર જ નહોતી કે દેશ 2014માં કંઇક અલગ જ નિર્ણય કરશે. બધી સ્થિતિઓ સ્પષ્ટ થઈ ગઈ.
સાથીઓ,
પૈસા પરત મેળવવાનો અમારો આ જે પ્રયત્ન છે. તેમાં અમે નીતિવિષયક આધાર પણ લીધો છે, કાયદાનો આધાર પણ લીધો છે. રાજદ્વારી ચેનલનો પણ ઉપયોગ કર્યો છે અને મેસેજ બહુ જ સ્પષ્ટ છે કે આ એક જ વિકલ્પ છે, પરત આવી જાઓ અને આ પ્રક્રિયા આજે પણ ચાલી રહી છે. નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીની રચનાના લીધે તથા રૂ. 30,000 કરોડથી વધુની સરકારી ગેરંટીના કારણે, નજીકના ભવિષ્યમાં આશરે રૂ. 2 લાખ કરોડના મૂલ્યની સ્ટ્રેસ્ડ એસેટ્સનો ઉકેલ આવવાનો અંદાજ છે. અમે એ પણ જોઈ રહ્યા છીએ કે જાહેર ક્ષેત્રની બેંકોના એકીકરણથી સમગ્ર બેંકિંગ ક્ષેત્રની અસરકારકતામાં વધારો થયો છે અને બજારમાંથી ભંડોળ ઊભું કરવામાં પણ બેંકોને મદદ મળી રહી છે.
સાથીઓ,
જેટલા પણ તમામ પગલાં લેવાયા છે, જેટલા પણ સુધારા કરવામાં આવ્યા છે, તેના લીધે આજે બેંકો પાસે વિશાળ અને મજબૂત મૂડીનો પાયો બન્યો છે. આજે બેન્કોમાં સારી એવી લિક્વિડિટી છે, એનપીએમાં પ્રોવિઝનિંગનો બેકલોગ નથી. જાહેર ક્ષેત્રની બેન્કોની એનપીએ આજે 5 વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે, કોરોના સમયગાળો હોવા છતાં આ નાણાકીય વર્ષના પહેલા ભાગમાં આપણી બેન્કોની મજબૂતીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ કારણે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ ભારતના બેંકિંગ ક્ષેત્રના આઉટલુકને અપગ્રેડ કરી રહી છે.
સાથીઓ,
આજે ભારતની બેંક્સની તાકાત એટલી વધી ચૂકી છે કે તે દેશના અર્થતંત્રને નવી ઊર્જા પ્રદાન કરવામાં, એક મોટું પ્રોત્સાહન આપવામાં, ભારતને આત્મનિર્ભર બનાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે. હું આ તબક્કાને ભારતના બેંકિંગ ક્ષેત્રનું એક મોટું સીમાચિન્હ ગણુ છું. પણ તમે જોયું હશે કે સીમાચિન્હ આપણી આગળની યાત્રાનું સૂચક પણ હોય છે. હું આ તબક્કાને ભારતીય બેંક્સ માટે એક નવા સ્ટાર્ટિંગ પોઇન્ટના રૂપમાં જોઇ રહ્યો છું. આ એ સમય છે કે તમે દેશમાં સંપત્તિના સર્જકો અને રોજગારના સર્જકોને ટેકો આપો. આરબીઆઈના ગવર્નરે હમણાં જ રોજગાર સર્જનની વાત કરી હતી. મને લાગે છે આ એ જ સમય છે. આજે સમયની માંગ એ છે કે ભારતની બેંકોએ હવે તેમની બેલેન્સશીટ તેમજ દેશની બેલેન્સશીટ વધારવા માટે સક્રિયપણે કામ કરવું જોઈએ. ગ્રાહક તમારી શાખામાં તમારી પાસે આવે તેની રાહ ન જુઓ. તમારે ગ્રાહકની, કંપનીની, એમએસએમઇની જરૂરિયાતોનું આકલન કરીને તેમની પાસે જવું પડશે, તેમને કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ આપવા પડશે. ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં અને તમિલનાડુમાં બે સંરક્ષણ કોરિડોર બનાવવામાં આવ્યાં. હવે, સરકાર ત્યાં ઝડપથી કામ કરી રહી છે. તે કોરિડોરની આસપાસ જેટલી બેંક શાખાઓ છે. શું તેમને મળવા માટે ક્યારેય તમે ફોન કર્યો, મીટિંગ કરી છે કે ભાઈ સંરક્ષણ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, એટલે કે, સમગ્ર સંરક્ષણનું નવું ક્ષેત્ર અહીં આવી રહ્યું છે. બેંક સક્રિયપણે શું કરી શકે છે? ડિફેન્સ કોરિડોરના આગમન સાથે આ ચીજો આવે તેવી શક્યતા છે. ક્યા ક્યા અગ્રણીઓ આમાં આવશે? કઇ કઇ નાની ચેન હશે એમએસએમઇ હશે જે તેની સપોર્ટ સિસ્ટમમાં આવશે? આ માટે અમારી બેંકનો અભિગમ શું હશે? સક્રિય અભિગમ શું રહેશે? આપણી જુદી જુદી બેંકો વચ્ચે સ્પર્ધા કેવી રીતે થશે? કોણ શ્રેષ્ઠ સર્વિસ આપે છે? ભારત સરકારે જે સંરક્ષણ કોરિડોરની કલ્પના કરી છે તેને આકાર લેવામાં મોડું નહીં થાય. પરંતુ, ઠીક છે, સરકારે સંરક્ષણ કોરિડોર બનાવ્યો છે. પણ મને તેની ઉપર જ ધ્યાન છે. અમારી પાસે ૨૦ વર્ષથી સારી રીતે વેલ સેટલ્ડ ક્લાયન્ટ છે, ગાડી ચાલી રહી છે, બેંક પણ ચાલી રહી છે, એમનું પણ ચાલી રહ્યું છે, થઈ ગયું. આનાથી કામ ન થાય.
સાથીઓ,
તમે મંજૂર કરનારા છો અને સામેનો માણસ અરજદાર છે, તમે દાતા છો અને સામેનો માણસ યાચક છે, આ લાગણી છોડીને, બેંકોએ હવે ભાગીદારીનું મોડેલ અપનાવવું પડશે. જેમકે બેંક શાખા સ્તરે હવે લક્ષ્ય નક્કી કરી શકે છે કે તે તેના ક્ષેત્રના ૧૦ નવા યુવાનો અથવા ૧૦ નાના ઉદ્યોગ સાહસિકો સાથે મળીને તેમનો કારોબાર વધારવામાં મદદ કરશે. જ્યારે હું શાળામાં ભણતો હતો ત્યારે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ન હતું. અને તે સમયે, મને બરાબર યાદ છે કે વર્ષમાં ઓછામાં ઓછું બે વખત બેંકના લોકો અમારી શાળામાં આવતા હતાં. શાળામાં અને બેંકમાં ખાતા શા માટે ખોલવા જોઈએ, નાના બાળકોને ગલ્લા આપીને તેમાં પૈસા કેમ બચાવવા જોઇએ તે સમજાવતા હતાં. કારણ કે તે સમયે સરકારીકરણ કરવામાં આવ્યું ન હતું. એ વખતે આપને લાગતુ હતુ કે આ મારી બેંક છે, મારે તેની ચિંતા કરવાની છે. એક સ્પર્ધા પણ હતી. સામાન્યમાં સામાન્ય માણસ માટે બેન્કિંગ એટલેકે નાણાકીય જગતના બેન્કિંગ ક્ષેત્રની તાલીમ પણ જરૂરી હતી. આ કામ બધી જ બેંકોએ કર્યું છે, રાષ્ટ્રીયકરણ થયા બાદ કદાચ મિજાજ બદલાયો છે. પરંતુ વર્ષ 2014માં બેંકની આ શક્તિને મેં ઓળખીને જ્યારે આહવાન કર્યું કે મારે જનધન એકાઉન્ટની મૂવમેન્ટ ઊભી કરવી છે, મારે ગરીબના ઝૂંપડા સુધી જઇને તેમના બેંક ખાતા ખોલાવવા છે. જ્યારે હું મારા અધિકારીઓ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે બહુ વિશ્વાસનો માહોલ બનતો નહોતો. આશંકાઓ રહેતી હતી કે આ કેવી રીતે થશે, ત્યારે હું કહેતો હતો કે ભાઈ એક જમાનો એવો હતો કે બેંકના લોકો સ્કૂલમાં જતા હતાં. નક્કી તો કરો. આટલો મોટો દેશ અને માત્ર 40 ટકા લોકો બેંક સાથે જોડાયેલા હોય, 60 ટકા લોકો બહાર હોય, આવું કેવી રીતે હોઇ શકે. ઠીક છે, આ વાત આગળ વધી. અને અહીં જ બેંકિંગ ક્ષેત્રના લોકો, રાષ્ટ્રીયકૃત થયેલી બેંકોના લોકો કે જેઓ મોટા ઉદ્યોગસાહસિકો સાથે બેસવા જ ટેવાયેલા થઈ ગયા હતા, જ્યારે તેઓએ દેશ સમક્ષ લક્ષ્ય રાખ્યું કે આપણે જનધન ખાતા ખોલવા પડશે, હું આજે તમામ બેંકોનો ગર્વપૂર્વક ઉલ્લેખ કરવા માંગુ છું, હું તમામ બેંકોના દરેક નાનામાં નાના કર્મચારીનો ઉલ્લેખ કરવા માંગુ છું, જેમણે આ સ્વપ્નને સાકાર કર્યું અને જનધન ખાતું નાણાકીય સમાવેશની દુનિયામાં વિશ્વ માટે એક ઉત્તમ ઉદાહરણ બની ગયું. આ તમારા પ્રયાસોથી જ તો થયું છે અને હું માનું છું કે પ્રધાનમંત્રી જનધન જે મિશન શરૂ થયું તેનું બીજ 2014માં વાવવામાં આવ્યું હતું, પરંતુ આજે આ મુશ્કેલ સમયમાં દુનિયા ડગમગી ગઈ છે, ત્યારે ભારતના ગરીબો અણનમ રહ્યાં છે. કારણ કે જનધન ખાતાની તાકાત હતી. જે જે બેંકના કર્મચારીઓએ જનધન ખાતા ખોલવા માટે સખત મહેનત કરી છે. તે ગરીબોની ઝૂંપડીમાં જતો હતો અને બેંકના બાબુ કોટ પેન્ટ પહેરીને ગરીબોના ઘરની સામે ઉભા રહેતા હતાં. એ વખતે કદાચ એવું લાગ્યું હશે કે સરકારનો આ કાર્યક્રમ છે પરંતુ હું કહુ છુ કે જેમણે આ કામ કર્યું છે. આ મહામારી દરમિયાન જો ગરીબો ભૂખ્યાં ન સૂતા હોય તો તેનું પુણ્ય બેંકના લોકોના ખાતામાં જાય છે. કોઈ કામ, કોઈ પ્રયાસ ક્યારેય બેકાર જતો નથી. સાચી વિચારસરણી સાથે, સાચી નિષ્ઠા સાથે કરવામાં આવતું કાર્ય એક એવો સમયગાળો આવે છે જ્યારે તે પરિણામો આપે છે. અને જનધન ખાતા કેટલું મોટું પરિણામ આપે છે. એ વખતે કદાચ એવું લાગ્યું હશે કે સરકારનો આ કાર્યક્રમ છે પરંતુ હું કહુ છુ કે જેમણે આ કામ કર્યું છે. આ મહામારી દરમિયાન જો ગરીબો ભૂખ્યાં ન સૂતા હોય તો તેનું પુણ્ય બેંકના લોકોના ખાતામાં જાય છે. કોઈ કામ, કોઈ પ્રયાસ ક્યારેય બેકાર જતો નથી. સાચી વિચારસરણી સાથે, સાચી નિષ્ઠા સાથે કરવામાં આવતું કાર્ય એક એવો સમયગાળો આવે છે જ્યારે તે પરિણામો આપે છે. અને જનધન ખાતા કેટલું મોટું પરિણામ આપે છે. આપણે જોઇ રહ્યા છીએ અને આપણે એવું અર્થતંત્ર નથી બનાવવું કે જે ઉપરથી જ આવું મજબૂત હોય, તેની મજબૂતીનો બોજો એટલો બધો હોય કે નીચે બધુ જ દબાઈ ગયું હોય. આપણે બેંકિંગ વ્યવસ્થા નીચે પણ ગરીબમાં ગરીબ સુધી એટલી મજબૂતી આપવાની છે કે ઉપર જઇ રહેલું અર્થતંત્ર જ્યારે ઉપર પણ મોટો બલ્ક બનશે ત્યારે બંનેના સામર્થ્યથી ભારત મજબૂત બનશે. હું માનુ છું કે આપણે આ જ એક વિચાર સાથે ચાલવું જોઇએ. આપ કલ્પના કરી શકો છો કે જ્યારે સ્થાનિક વેપારીઓને એ અનુભૂતિ થશે કે બેંક અને તેના કર્મચારી તેની સાથે ઊભા છે, મદદ માટે મારી પાસે જાતે જ આવી રહ્યાં છે, તો તેમનો આત્મવિશ્વાસ કેટલો વધી જશે. આપના બેંકિંગ અનુભવોનો પણ તેમને બહુ લાભ મળશે.
સાથીઓ,
હું જાણું છું કે બેંકિંગ સિસ્ટમના આરોગ્ય માટે એ ખૂબ જ જરૂરી છે કે શક્ય બની શકે એવા પ્રોજેક્ટ્સમાં જ નાણાં આપવામાં આવે. પરંતુ સાથો સાથ પ્રોજેક્ટ્સને શક્ય બનાવવા માટે આપણે સક્રિય ભૂમિકા તો ભજવી શકીએ છીએ. પ્રોજેક્ટ શક્ય બને તે માટે કોઇ એક જ કારણ હોતું નથી. અમારા બેંક સાથીઓ બીજું કામ કરી શકે છે. તમે સારી રીતે જાણો છો કે તમારા ક્ષેત્રમાં કોની કેટલી આર્થિક ક્ષમતા છે. આ શાખાની નજરોની બહાર તે હોતું નથી. સાથીઓ એ ધરતીની શક્તિ જાણે છે. આજે જે તમારી પાસેથી 5 કરોડની લોન લઇ જઇ રહ્યો છે, પ્રામાણિકતાથી તેમને સમયસર પરત કરી રહ્યો છે, તો તમે તેની ક્ષમતા વધારવામાં પણ મદદ કરી શકો છો. આજે જે માણસ રૂ.5 કરોડની લોન લઇને બેંકને પરત કરી રહ્યો છે, તેમાં આવતીકાલે અનેક ગણી વધુ લોન લઈને ચૂકવી શકે એવું સામર્થ્ય પેદા થાય તે માટે તમારે તેને આગળ રહીને ટેકો આપવો જોઇએ. હવે, તમે બધા પીએલઆઈ યોજના વિશે જાણો જ છો, અને આજે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકાર આમાં પણ આવું જ કંઈક કરી રહી છે. જે ભારતના ઉત્પાદક છે , તે પોતાની ક્ષમતા અનેકગણી વધી શકે, પોતાને વૈશ્વિક કંપનીઓમાં રૂપાંતરિત કરી શકે તે માટે સરકાર તેમને ઉત્પાદન પર પ્રોત્સાહન આપી રહી છે. તમે પોતે વિચારો. આજે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિક્રમી રોકાણ થઈ રહ્યું છે, પરંતુ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટી કંપનીઓ કેટલી છે ભાઈ? આપણી પાસે છેલ્લી સદીમાં જે માળખાગત સુવિધાઓ હતી, પાછલી સદીની માળખાગત સુવિધાઓની જે સ્કીલ્સ હતી, પાછલી શતાબ્દીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ટેક્નોલોજી હતી, તેમાં જ ગુજારો કરી રહેલી આપણી માળખાગત ક્ષેત્રની કંપનીઓ કામ કરશે, શું 21મી સદીના કોઈ પણ સ્વપ્નો પૂર્ણ થઈ શકશે? ન થઈ શકે. આજે જો મોટી ઇમારત બનાવવી હોય, મોટા પાયે કામ કરવું હોય, બુલેટ ટ્રેન નું કામ કરવું હોય, એક્સપ્રેસ વે નું કામ કરવું હોય, તો તે માટે ખૂબ મોંઘા ઉપકરણો જોઇશે. તેને પૈસાની જરૂર પડશે. આપણા બેંકિંગ ક્ષેત્રના લોકોના મનમાં કદિયે આવે છે કે મારી બેંકનો એક ક્લાયન્ટ એવો હોય જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હોય, જેનું નામ વિશ્વની પાંચ મોટી કંપનીમાં હોય, તે ઇચ્છા કેમ નથી થતી ભાઈ? મારી બેંક મોટી હોય એ તો ઠીક છે, પરંતુ મારા દેશની એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જેનું ખાતું મારી બેંકમાં છે તે પણ વિશ્વના ટોચના 5માં હશે. મને કહો કે તમારી બેંકની પ્રતિષ્ઠા વધશે કે નહીં? મારા દેશની તાકાત વધશે કે નહીં? અને આપણે દરેક ક્ષેત્રમાં જોવું પડશે કે આપણે આવા જુદા જુદા ક્ષેત્રમાં વિશ્વમાં સૌથી મોટા કેટલા મહારાથીઓેને તૈયાર કરીએ છીએ. જ્યારે અમારો એક ખેલાડી ગોલ્ડ મેડલ સાથે આવે છે, ત્યારે ગોલ્ડ મેડલ લાવનારો તો એક જ હોય છે, પરંતુ સમગ્ર હિન્દુસ્તાન પોતાને ગોલ્ડન યુગમાં જુએ છે. આ શક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં છે. ભારતનો કોઇ એક બુદ્ધિમાન વ્યક્તિ, કોઇ એક વૈજ્ઞાનિક નોબેલ પુરસ્કાર લઈને આવે છે, તો સમગ્ર હિન્દુસ્તાનને લાગે છે, "હા, આ મારો નોબેલ પુરસ્કાર છે, આવી ઓનરશિપ હોય છે. શું આપણા બેંકિંગ સેક્ટરને, આપણા ફાઇનાન્સિયલ વર્લ્ડને પણ આપણે હિંદુસ્તાનમાં આવી ઊંચાઈઓ પર એક-એક ચીજને લઇ જઇશું, તેનાથી બેંકોનો તો ફાયદો જ ફાયદો છે, તેમાં કોઇ નુકસાન નથી.
સાથીઓ,
વિતેલા થોડાક સમયમાં દેશમાં જે મોટા મોટા પરિવર્તન થયા છે, જે યોજનાઓ લાગુ થઈ છે, તેનાથી દેશમાં ડેટાનો મોટો પૂલ સર્જાયો છે, તેનો લાભ બેંકિંગ સેક્ટરે જરૂર લેવો જોઇએ. જેમકે હું જીએસટીની વાત કરુ તો આજે દરેક વેપારીનો સમસ્ત નાણાકીય વ્યવહાર પારદર્શકતાથી થાય છે. વેપારીની ક્ષમતા શું છે, તેનો વેપાર ક્યાં ક્યાં ફેલાયેલો છે, તેનો કારોબારનો ભૂતકાળ કેવો છે, તેનો હવે દેશ પાસે મજબૂત ડેટા ઉપલબ્ધ છે. શું આપણી બેંકો, આ ડેટાના આધારે, તે ઉદ્યોગપતિને ટેકો આપવા માટે જાતે જઈ ન શકે, એ વેપારીને સપોર્ટ માટે જાતે તેની પાસે ન જઈ શકાય કે ભાઈ તમારો કારોબાર સારો ચાલી રહ્યો છે, તેને વધુ વધારો, ચાલો બેંકને તમારી સાથે તૈયાર છે, અરે હિંમત કરો અને આગળ વધો, તે વધુ ચાર કામ સારી રીતે કરશે અને 10 લોકોને રોજગારી આપશે. એ જ રીતે જેમ મેં હમણાં જ તમારી વચ્ચે સંરક્ષણ કોરિડોર વિશે વાત કરી છે, એ રીતે હું ભારતની માલિકી યોજનાની સરકારનો ઉલ્લેખ કરવા માંગુ છું. અને મને ખાતરી છે કે મારા બેંક સાથીઓએ આ માલિકી યોજના વિશે સાંભળ્યું હશે. આજે સરકાર અને આ વિષય એવો છે કે જે લોકો આંતરરાષ્ટ્રીય પ્રશ્નો વિશે વાંચતા હશે તેમને ખબર હશે કે આખી દુનિયા આ પ્રશ્ને ઝઝૂમી રહી છે, સ્વામિત્વના મુદ્દે, આખી દુનિયા. ભારતે રસ્તો શોધ્યો છે, બની શકે કે આપણે રિઝલ્ટ પર લાવીશું, આ છે શું? આજે સરકાર ટેક્નોલોજીની મદદ વડે, ડ્રોનથી મેપિંગ કરાવીને દેશા ગામે-ગામમાં લોકોને મિલ્કતની માલિકીના પેપર આપી રહી છે. લોકો પરંપરાગત રીતે એ ઘરમાં રહી રહ્યાં છે, કાગળ નથી, તેમની પાસે પ્રોપર્ટીના સત્તાવાર દસ્તાવેજો નથી અને તે કારણે તેઓ એ ઘરનો ઉપયોગ કોઇને ભાડે આપવા માટે તો કરી શકે છે, પરંતુ ઘર બીજા કોઇ કામમાં આવતું નથી. હવે આ માલિકીના, ઓનરશિપા પેપર્સ જ્યારે તમારી પાસે હોય, સત્તાવાર સરકારે આપ્યા હોય, તો શું બેંક્સને લાગે છે કે ચાલો તેની પાસે વ્યવસ્થા છે. હવે હું ગામના જે લોકોની પાસે પોતાની સંપત્તિ છે તે લોકોને સંપત્તિના આધારે થોડાક પૈસા આપવાની ઓફર કરું, શક્ય છે. જુઓ તમારા ખેતરમાં આ કરવાનું હોય તો તમને થોડી મદદ કરુ, તું આ કરી શકે છે, તું હસ્તકલાના ક્ષેત્રમાં કામ કરે છે, ગામમાં લુહાર છો, સુથાર છો, હું આ પૈસા આપુ છું, તમે આ કામ કરી શકો છો. હવે તમારા ઘર ઉપર તમને આટલા પૈસા મળી શકે છે. જુઓ, માલિકીના કાગળો બન્યા પછી, બેંકો માટે ગામલોકોને, ગામના યુવાનોને ધિરાણ આપવું વધુ સલામત રહેશે. પરંતુ હું એમ પણ કહીશ કે જ્યારે બેંકોની નાણાકીય સુરક્ષામાં વધારો થયો છે, ત્યારે બેંકોએ પણ ગામલોકોને ટેકો આપવા માટે જાતે આગળ આવવું પડશે. હવે, એ આવશ્યક છે કે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રમાં રોકાણ ખૂબ ઓછું થાય છે. કોર્પોરેટ વિશ્વનું રોકાણ લગભગ નહિવત્ છે. જ્યારે ફૂડ પ્રોસેસિંગ માટે બહુ સંભાવના છે, દુનિયામાં બહુ માર્કેટ છે. ગામમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ, એગ્રિકલ્ચર સાથે સંકળાયેલી મશીનરી, સોલરને લગતા કામ, અનેક નવા ક્ષેત્ર તૈયાર થઈ રહ્યં છે જ્યાં તમારી મદદ ગામની તસવીર બદલી શકે છે. આવી જ રીતે બીજું ઉદાહરણ સ્વનિધિ યોજના છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને કારણે, અમારા રેંકડી-લારી વાળા ભાઈઓ અને બહેનો છે, એ લોકો પહેલી વાર બેંકિંગ સિસ્ટમ સાથે સંકળાયા છે. હવે તેમનો પણ ડિજિટલ ઇતિહાસ બની રહ્યો છે. બેંકોએ આનો લાભ લેવો જોઈએ, આવા સાથીદારોને મદદ કરવા આગળ આવવું જોઈએ અને મેં બેંકોને પણ વિનંતી કરી છે અને મેં શહેરી મંત્રાલયને પણ વિનંતી કરી છે અને મેં તમામ મેયરોને વિનંતી પણ કરી છે કે તેમના શહેરની અંદર જે રેંકડી-લારીવાળા છે તેમને મોબાઇલ ફોન પર ડિજિટલ વ્યવહારો શીખવે. એ જથ્થાબંધ માલ લેશે અને તે પણ ડિજિટલ રીતે લેશે, તે જે વેચાણ કરશે એ પણ ડિજિટલ રીતે કરશે. અને આ કોઇ મુશ્કેલ કામ નથી, હિન્દુસ્તાને એ કરીને બતાવ્યું છે. તેણે પોતાની હિસ્ટ્રી તૈયાર કરવી પડશે, આજે તેને 50,000 આપ્યા છે, કાલે તેને 80,000 તમે આપી શકો છો, પરમ દિવસે દોઢ લાખ રૂપિયા આપી શકો છો. તેનો કારોબાર વધતો જ જશે. એ વધુ સામાન ખરીદશે, વધુ સામાન વેચશે. એક ગામમાં કામ કરી રહ્યો હોય તો ત્રણ ગામમાં કામ કરવાનું શરૂ કરી દેશે.
સાથીઓ,
આજે જ્યારે દેશ નાણાકીય સમાવેશકતા પર આટલી મહેનત કરી રહ્યો છે, ત્યારે નાગરિકોની ઉત્પાદનકીય શક્તિને અનલોક કરવી ખુબ જ જરૂરી છે. અને અહીં અનલોક કરવાનું હું ત્રણ કે ચાર વખત સાંભળી ચૂક્યો છું. બેન્કિંગ ક્ષેત્રના જ એક સંશોધનમાં હમણાં જ બહાર આવ્યું છે, તે જ રીતે તમારા તરફથી આવ્યું છે કે રાજ્યોમાં જેટલા વધુ જનધન ખાતાઓ ખૂલ્યા હતા, અને જેટલા વધુ જનધન ખાતાઓ જીવંત છે, તે જનધન ખાતાઓમાં સતત પ્રવૃત્તિ ચાલી રહી છે. બેંકોનો રિપોર્ટ નવી વાત લઈને આવ્યો છે અને મને એ સાંભળીને આનંદ થયો કે બેંક રિપોર્ટ એવું કહી રહ્યો છે કે તેનાથી ગુનાના દરમાં ઘટાડો થયો છે. મતલબ કે બેંક વાળાઓએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે હું પોલીસનું કામ પણ કરી રહ્યો છું, પરંતુ આ આડપેદાશ છે. એક સ્વસ્થ સમાજનો માહોલ સર્જન પામી રહ્યો છે. એક જન ધન ખાતું કોઇને ગુનાની દુનિયામાંથી બહાર લઇ આવતુંહોય તો જિંદગીમાં તેના કરતા મોટું પુણ્ય શું હશે? આનાથી મોટા સમાજની સેવા શું હોત. એટલે કે જ્યારે સ્થાનિક લોકો સાથે બેન્કોનું જોડાણ વધ્યું, જ્યારે લોકો માટે બેન્કોના દરવાજા ખુલ્યા ત્યારે તેની અસર લોકોની જીવનશૈલી પર પણ પડી હતી. બેંકિંગ ક્ષેત્રની આ તાકાતને સમજીને મને લાગે છે કે આપણા બેંકિંગ ક્ષેત્રના સાથીદારોએ આગળ વધવું જોઈએ. હું જાણું છું કે જે લોકો અહીં બેઠા છે તેમની સાથે સંબંધિત વાતો હું બોલી રહ્યો નથી, કેમકે અહીં જે પ્રતિનિધિ આવ્યા હતા તેમણે પોતાની વાત કહી, હું અન્યોના પ્રતિનિધિત્વની વાત કરી રહ્યો છું. પરંતુ કરનારા લોકો બેંકિંગ ક્ષેત્રના ચે એટલા માટે મારી આખી વાતચીતનું કેન્દ્ર બિંદુ મારુ બેંકિંગ ક્ષેત્ર છે, તેના લીડર્સ છે. પબ્લિક બેંક હોય કે પછી ખાનગી ક્ષેત્રની બેંક, આપણે નાગરિકોમાં જેટલું ઇન્વેસ્ટ કરીશું, એટલા જ નવા રોજગારનું સર્જન થશે, એટલો જ દેશના યુવાઓને, મહિલાઓને અને મધ્યમ વર્ગને લાભ થશે.
સાથીઓ,
આપણે આત્મનિર્ભર ભારત અભિયાન દરમિયાન જે ઐતિહાસિક સુધારાઓ કર્યાં તેણે દેશમાં નવી સંભાવનાઓના દ્વાર ખોલ્યાં છે. આજે કોર્પોરેટ્સ અને સ્ટાર્ટઅપ્સ જે સ્તર પર આગળ આવી રહ્યા છે તે અભૂતપૂર્વ છે. ભારતની આકાંક્ષાઓને મજબૂત કરવા, ભંડોળ આપવા, તેમાં રોકાણ કરવા માટે વધુ સારો સમય બીજો ક્યો હોઇ શકે, દોસ્તો? ભારતમાં અને આ વાત આપણા બેંકિંગ ક્ષેત્રએ પણ સમજવા જેવી છે, ભારતમાં આ વિચારો પર રોકાણનો સમયગાળો છે, સ્ટાર્ટ-અપ્સને ટેકો આપવાનો સમયગાળો છે, સ્ટાર્ટ-અપના મૂળમાં એક આઇડિયા હોય છે. તમે તેને પૂછવા જશો, તે કેવું છે, ફલાણું કંઈ નથી થતું, આઇડિયા હોય છે.
સાથીઓ,
આપની પાસે સંસાધનોની કોઇ કમી નથી. તમારી પાસે ડેટાની કોઇ કમી નથી. તમે જે સુધારા ઇચ્છતા હતા તે સરકારે કર્યા પણ છે અને આગળ પણ કરતી રહેશે. હવે તમારે રાષ્ટ્રીય સંકલ્પો સાથખે રાષ્ટ્રીય લક્ષ્યાંકો સાથે ખુદને સાંકળીને આગળ વધવાનું છે. મને કહેવામાં આવ્યું છે કે મંત્રાલયો અને બેંક્સને એક સાથ લાવવા માટે હમણાં જ અમારા સચિવ મહોદય ઉલ્લેખ કરી રહ્યાં હતાં. વેબ આધારિત પ્રોજેક્ટ ફંડિંગ ટ્રેકર બનાવવાનું નક્કી થયું છે. સારી વાત છે, ઘણી સુવિધા વધશે તેના કારણે, પરંતુ એમાં મારું એક સૂચન છે, આ પ્રયાસ સારો છે, પરંતુ આપણે ગતિશક્તિ પોર્ટલમાં જ એક ઇન્ટરફેસના સ્વરૂપે આ નવા ઇનિશિયેટિવને જોડી દઇએ એ શું વધુ સારું ન હોઇ શકે. આઝાદીના અમૃતકાળમાં ભારતનું બેંકિંગ ક્ષેત્ર વ્યાપક વિચારધારા અને નવીન અભિગમ સાથે આગળ વધશે.
સાથીઓ,
એક બીજો વિષય છે કે જેમાં જો આપણે મોડું કરીશું તો આપણે પાછળ રહી જશું અને એ છે ફિનટેક. ભારતની પ્રજાની દરેક નવી વસ્તુને અપનાવવાની શક્તિ અદભૂત છે. આજે તમે જોશો કે ફળ વેચનારાઓ, શાકભાજી વેચનારાઓને ક્યુઆર કોડ રાખીને બેસે છે અને કહે છે કે, "તમે પૈસા આપો." મંદિરોમાં પણ દાન માટે ક્યુઆર કોડ મૂકો, તે કામ કરશે. તેનો અર્થ એ છે કે ફિનટેક તરફ વાતાવરણ બન્યું છે. શું આપણે નક્કી કરી શકીએ અને હું ઇચ્છું છું કે નિયમિત સ્પર્ધાનું એવું વાતાવરણ ઊભું થાય કે દરેક બેંક શાખામાં ઓછામાં ઓછાં 100, હું વધારે નથી કહેતો, 100% ડિજિટલ ટ્રાન્ઝેક્શન ધરાવતા ક્લાયન્ટ હશે અને તે ટોચ પરના ગ્રાહકો પૈકી હશે. એવું નથી કે ભાઈ કે કોઇ હજાર- બે હજાર રૂપિયા વાળો આવ્યો અને તમે તેને 100 નું... જે મોટા મોટા છે તે 100 ટકા ડિજિટલી કરશે, જે પણ કારોબાર કરશે, ઓનલાઇન ડિજિટલી કરશે. આપણી પાસે દિયાનું સૌથી મજબૂત યુપીઆઇ પ્લેટફોર્મ છે, આપણે કેમ નથી કરતા? હવે આપણે એ વિચારીએ કે આપણા બેંકિંગ ક્ષેત્રમાં પહેલા શું સ્થિતિ હતી, ગ્રાહકો આવતા હતાં અને આપણે તેમને ટોકન આપતા હતાં, પછી એ નોટ લઇને આવતો હતો, ચાર વખત ગણતા હતા, આમ આમ કરતા હતાં. ત્યારપછી બીજો કોઇ પણ ગણીને ખરાઈ કરતો હતો. ત્યાર પછી નોટ સાચી છે કે ખોટી નોટ છે તેમાં દિમાગ ખપાવતા હતાં. મતલબ કે એક ગ્રાહક 20 મિનિટ, 25 મિનિટ, અડધા કલાક બાદ મુશ્કેલીથી જતો હતો. આજે મશીન કામ કરી રહ્યું છે, નોટ પણ મશીન ગણે છે, બધા જ કામ મશીન કરી રહ્યાં છે. તો ત્યાં તો આપને ટેક્નોલોજીની ખુબ મજા પડે છે. પરંતુ હજુ પણ આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન આ વિષય પર કઈ વાતે સંકોચ કરીએ છીએ, એ હું સમજી શકતો નથી. નફો કે નુકસાન, આ ત્રાજવામાં તેને રાખીને ન વિચારો દોસ્તો, એ જે છલાંગ મારવાનો સમયગાળો છે ને તેમાં ફિનટેક પણ એક બહુ જ મોટો ટ્રેક છે, આ ટ્રેક પર ગાડી દોડવાની છે. અને એટલા માટે જ મારો આગ્રહ છે કે દરેક બેંક બ્રાંચ ઓછામાં ઓછાં 100, આ આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે તેને સાકાર કરતા રહીએ કે 2022ની પંદરમી ઓગસ્ટ પહેલા આ દેશમાં એક પણ બેંકની બ્રાન્ચ એવી નહીં હોય કે જેમાં ઓછામાં ઓછાં એવા 100 ક્લાયંટ નહીં હોય જે પોતાના કારોબારની 100 ટકા લેણદેણ ડિજિટલ રીતે ન કરતા હોય. હવે જુઓ બદલાવની તમને ખબર પડશે. જનધને જે તાકાતનો તમને અનુભવ કરાવ્યો છે તેનાથી અનેકગણી તાકાતની અનુભૂતિ આ નાના-નાના સામર્થ્યમાં જોવા મળવાની છે. આપણે જોયું છે કે મહિલા સ્વ સહાય જૂથ. મને લાંબા સમય સુધી રાજ્યમાં સેવા કરવાનો અવસર મળ્યો છે, ત્યારે દરેક વર્ષે બેંકના લોકો સાથે બેઠતા હતાં અને પ્રશ્નોનું નિરાકરણ લાવવું, આગળનું વિચારવું, આ બધાની ચર્ચાઓ કરતા હતાં. અને મેં અનુભવ્યું હતું કે એક વાતને લઇને તમામ બેંક બહુ જ ગૌરવથી વાત કરતા હતા અને એ કહેતા હતા કે સાહેબ એક મહિલા સ્વ સહાય જૂથને અમે અમે પૈસા આપીએ છીએ . તે સમય પહેલા પરત કરી દે છે, પૂરેપૂરી રકમ પરત કરે છે, અમને ક્યારેય ચિંતા રહેતી નથી. જ્યારે તમારા પાસે આટલો સરસ સકારાત્મક અનુભવ છે તો તેને પ્રોત્સાહન આપવા માટે તમારી પાસે કોઇ સક્રિય યોજના છે કે શું. અમારા મહિલા સ્વ સહાય જૂથની શક્તિ એટલી વધારે છે કે તે ગ્રાસરૂટ લેવલે આપણા અર્થતંત્રમાં એક બહુ જ મોટું ચાલક બળ બની શકે છે. મેં મોટા મોટા લોકોની વાતો જોઇ છે, મેં નાના-નાના લોકોની સાથે વાત કરી છે કે જાણુ ઠું તે ધરતી પર નાણાકીય ધિરાણની આધુનિક વ્યવસ્થાઓ છે. સામાન્ય નાગરિકની આર્થિક મજબૂતીનો બહુ મોટો આધાર બની શકે છે. હું ઇચ્છું છું કે આ નવી વિચારધારા સાથે નવા સંકલ્પ સાથે છલાંગ લગાવવાનો એક ઉત્તમ મોકો છે. જમીન તૈયાર છે દોસ્તો અને સૌથી મોટી વાત કે જેને હું વારંવાર કહી ચૂક્યો છું, બેંક વાળાઓને પચાસ વખત કહી ચૂક્યો છું કે હું તમારી સાથે છું. દેશ હિતમાં સત્ય નિષ્ઠા સાથે કરાયેલા કોઇ પણ કાર્ય માટે આપ મારા શબ્દો લખીને રાખો, મારી આ વીડિયો ક્લિપિંગને પોતાની પાસે રાખજો, હું તમારી સાથે છું. હું તમારી જોડે છું, તમારા માટે છું. સત્ય નિષ્ઠાથી, પ્રમાણિક્તાથી દેશ હિત માટેના કામમાં ક્યારેક ભૂલ પણ થાય છે, પરંતુ આવી કોઇ મુશ્કેલી આવે તો હું દિવાલ બનીને ઊભો રહેવા તૈયાર છું. પરંતુ હવે દેશને આગળ લઇ જવાની આપણી જવાબદારીને આપણે નિભાવવી જ પડશે. આટલો મજબૂત આધાર હોય, આટલો મોટો અવસર હોય, આસમાનને સ્પર્શવાની સંભાવનાઓ હોય અને આપણે વિચારવામાં જ સમય વિતાવી દઇએ તો મને લાગે છે કે આવનારી પેઢીઓ આપણને ક્યારેય માફ નહીં કરે.
આપને મારી ખુબ ખુબ શુભકામનાઓ.
ધન્યવાદ.