ઉત્તરાખંડ કા સભી, દાણા સયાણૌ, દીદી-ભૂલિયોં, ચચ્ચી-બોડિયોં ઔર ભૈં-બૈણો.
આપ સબુ થૈં, મ્યારુ પ્રણામ,
મિથૈ ભરોસા છ કી આપ લોગ કુશલ મંગલ હોલા!
મી આપ લોગોં થે સેવા લગૌણ છૂ, આપ સ્વીકાર કરા!
ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રીમાન ગુરમીત સિંઘજી, અહીંના લોકપ્રિય ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી પ્રહલાદ જોશીજી, અજય ભટ્ટજી, ઉત્તરાખંડમાં મંત્રી સતપાલ મહારાજજી, હરક સિંહ રાવતજી, રાજ્ય મંત્રીમંડળના અન્ય સભ્યગણ, સંસદમાં મારા સાથી નિશંકજી, તીરથ સિંહ રાવતજી, અન્ય સાંસદગણ, ભાઈ ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, વિજય બહુગુણાજી, રાજ્ય વિધાનસભાના અન્ય સભ્ય, મેયરશ્રી, જિલ્લા પંચાયતના સભ્યો, ભાઈ મદન કૌશિકજી તથા મારા પ્રિય ભાઈઓ અને બહેનો,
તમે બધા આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા છો. તમારો પ્રેમ, તમારા આશીર્વાદનો પ્રસાદ મેળવીને અમે બધા અભિભૂત છીએ. ઉત્તરાખંડ, સંપૂર્ણ દેશની આસ્થાનું જ નહીં, પણ કર્મ અને કર્મઠતાની ભૂમિ છે. એટલે આ વિસ્તારનો વિકાસ, આ વિસ્તારને ભવ્ય સ્વરૂપ આપવું ડબલ એન્જિનની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ ભાવનાથી જ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ઉત્તરાખંડના વિકાસ માટે કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી યોજનાઓને મંજૂરી આપી છે. અહીંની રાજ્ય સરકારે ઝડપથી આ યોજનાઓને વાસ્તવિક સ્વરૂપે આપવા સક્રિયતા દાખવી છે. આ વિકાસયાત્રાને આગળ વધારવા આજે 18 હજાર કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. એમાં કનેક્ટિવિટી હોય, સ્વાસ્થ્ય હોય, સંસ્કૃતિ હોય, યાત્રાધામ હોય, વીજળી હોય, બાળકો માટે ખાસ તૈયાર થઈ રહેલા ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી પ્રોજેક્ટ હોય – એમ લગભગ દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા જુદાં જુદાં પ્રોજેક્ટ એમાં સામેલ છે. છેલ્લાં થોડાં વર્ષોની મહેનત પછી અનેક જરૂરી પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી છેવટે આજે એ દિવસ આવી ગયો છે. મેં કેદારપુરીની પવિત્ર ભૂમિ પરથી કહ્યું હતું કે અને આજે દેહરાદૂનથી એ જ વાતનો પુનરોચ્ચારો કરું છું - આ યોજનાઓ આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. આ તમામ વિવિધ પ્રોજેક્ટ માટે ઉત્તરાખંડના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ઘણી શુભેચ્છાઓ પાઠવું છું. જે લોકો ડબલ એન્જિનની સરકારનો ફાયદો શું છે એવું પૂછે છે, તેઓ આજે જોઈ શકે છે કે, ડબલ એન્જિનની સરકારથી કેવી રીતે ઉત્તરાખંડમાં વિકાસનો પ્રવાહ અવિરતપણે ચાલી રહ્યો છે.
ભાઈઓ અને બહેનો,
આ શતાબ્દીની શરૂઆતમાં અટલ બિહારી વાજપેયીજીએ ભારતમાં કનેક્ટિવિટી વધારવાનું અભિયાન શરૂ કર્યું હતું. પણ એના પછી 10 વર્ષ સુધી દેશમાં એવી સરકારનું શાસન હતું, જેણે દેશનો, ઉત્તરાખંડનો કિંમતી સમય વ્યર્થ કરી દીધો. 10 વર્ષ સુધી દેશમાં માળખાગત સુવિધાના નામ પર કૌભાંડો થયા. એનાથી દેશને જે નુકસાન થયું એની ભરપાઈ કરવા માટે અમે બમણી ગતિથી મહેનત કરી અને આજે પણ કરી રહ્યાં છીએ. અત્યારે ભારત આધુનિક માળખાગત સુવિધા પર 100 લાખ કરોડ રૂપિયાથી વધારેના રોકાણના ઇરાદા સાથે અગ્રેસર છે, અત્યારે ભારતની નીતિ, ગતિશક્તિની છે, બેગણી-ત્રણ ગણી ઝડપથી કામ કરવાની છે. વર્ષોથી ખોરંભે પડેલી યોજનાઓ, પૂરી તૈયારી કર્યા વિના જાહેરાતો કરવાની રીતોને પાછળ છોડીને અત્યારે ભારત ભાવ નવનિર્માણના માર્ગે અગ્રેસર છે. 21મી સદીના આ સમયગાળામાં ભારતમાં કનેક્ટિવિટીનો એક એવો મહાયજ્ઞ ચાલી રહ્યો છે, જે ભવિષ્યમાં ભારતને વિકસિત દેશોની હરોળમાં મૂકવામાં બહુ મોટી ભૂમિકા ભજવશે. આ મહાયજ્ઞનો જ એક યજ્ઞ આજે અહીં દેવભૂમિમાં થઈ રહ્યો છે.
ભાઈઓ અને બહેનો,
આ દેવભૂમિમાં શ્રદ્ધાળુ પણ આવે છે, ઉદ્યોગસાહસિકો પણ આવે છે, પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ પણ આવે છે. આ ભૂમિમાં જે સામર્થ્ય છે, એને વધારવા માટે અહીં આધુનિક માળખાગત સુવિધા પર અભૂતપૂર્વ કામ ચાલી રહ્યું છે. ચારધામ ઑલ વેધર રોડ યોજના અંતર્ગત આજે દેવપ્રયાગથી શ્રીકોટ અને બ્રહ્યપુરીથી કોડિયાલા – અહીંના પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે. ભગવાન બદરીનાથ સુધી પહોંચવામાં લામ-બગડ લેન્ડ સ્લાઇડ સ્વરૂપે જે અવરોધ હતો, એ પણ હવે દૂર થઈ ગયો છે. આ લેન્ડ સ્લાઇડ (જમીન ધસી પડવાની સમસ્યા)થી દેશભરના અનેક યાત્રાળુઓને બદરીનાથજીની યાત્રા કરવામાં અવરોધ ઊભો થયો હતો અથવા કલાકો રાહ જોવી પડતી હતી. કેટલાંક લોકો તો થાકીને પરત પણ જતાં રહેતાં હતાં. હવે બદરીનાથજીની યાત્રા અગાઉથી વધારે સુરક્ષિત અને સુખદ થઈ જશે. આજે બદરીનાથજી, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં અનેક સુવિધાઓ સાથે જોડાયેલા નવા વિવિધ પ્રોજેક્ટ પર પણ કામ શરૂ થયું છે.
ભાઈઓ અને બહેનો,
શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને સુવિધાઓ સાથે પર્યટન અને યાત્રાને કેટલો લાભ થાય છે એનો અનુભવ આપણે છેલ્લાં થોડાં વર્ષોમાં કેદારધામમાં કર્યો છે. કેદારનાથ કરુણાંતિકા અગાઉ વર્ષ 2012માં 5 લાખ 70 હજાર લોકોએ દર્શન કર્યા હતા અને એ સમયે તે એક રેકોર્ડ હતો, વર્ષ 2012માં યાત્રાળુઓની સંખ્યા એક બહુ મોટો રેકોર્ડ હતી. જ્યારે કોરોનાકાળ શરૂ થયો એ અગાઉ વર્ષ 2019માં 10 લાખથી વધારે લોકો કેદારનાથજીના દર્શન કરવા પહોંચ્યા હતા. એટલે કે કેદારધામના પુનર્નિર્માણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો કરવાની સાથે ત્યાંના લોકોને રોજગાર-સ્વરોજગારની પણ અનેક તકો ઉપલબ્ધ કરાવી છે.
સાથીદારો,
અગાઉ જ્યારે હું ઉત્તરાખંડ આવતો હતો, કે ઉત્તરાખંડ આવતાજતાં લોકોને મળતો હતો, ત્યારે તેઓ કહેતા હતા – મોદીજી દિલ્હીથી દેહરાદૂનની યાત્રા ગણેશપુર સુધી તો બહુ સરળ છે, પણ ગણેશપુરથી દેહરાદૂન સુધીનો પ્રવાસ બહુ વિકટ છે. આજે મને બહુ ખુશી છે કે, દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનો શિલાન્યાસ થઈ ગયો છે. જ્યારે આ કોરિડોર બનીને તૈયાર થઈ જશે, ત્યારે દિલ્હીથી દેહરાદૂન આવવાજવામાં જે સમય લાગે છે, એ લગભગ અડધો થઈ જશે. એનાથી દેહરાદૂનના લોકોને ફાયદો થવાની સાથે હરિદ્વાર, મુઝફ્ફરનગર, શામલી, બાગપત અને મેરઠ જતાં લોકોને પણ સુવિધા મળશે. આ આર્થિક કોરિડોર હવે દિલ્હીથી હરિદ્વાર આવવાજવાનો સમય પણ ઘટાડશે. હરિદ્વાર રિંગ રોડ યોજનાથી હરિદ્વાર શહેરમાં ટ્રાફિક જામની વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે. એનાથી કુમાંઉ ક્ષેત્ર સાથે સંપર્ક પણ વધારે સરળ થશે. આ ઉપરાંત ઋષિકેશની ઓળખ, આપણા લક્ષ્મણ ઝૂલા પુલની નજીક, એક નવા પુલનો શિલાયન્સ પણ આજે થયો છે.
ભાઈઓ અને બહેનો,
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર્યાવરણ સુરક્ષાની સાથે વિકાસના આપણા મોડલનો પણ પુરાવો હશે. એમાં એક તરફ ઉદ્યોગોનો કોરિડોર હશે, તો એમાં જ એશિયાનો સૌથી મોટો એલીવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર પણ બનશે. આ કોરિડોર અવરજવરને સરળ કરવાની સાથે જંગલી જીવોને પણ સુરક્ષિત રીતે અવરજવર કરવામાં મદદ કરશે.
સાથીદારો,
ઉત્તરાખંડમાં ઔષધિના ગુણો ધરાવતી જે જડીબુટ્ટીઓ છે, જે કુદરતી ઉત્પાદનો છે, એની માગ દુનિયાભરમાં છે. હજુ ઉત્તરાખંડની એ ક્ષમતાનો પણ પૂરો ઉપયોગ થયો નથી. અત્યારે જે આધુનિક અતર અને સુગંધ પ્રયોગશાળા બની છે, જે ઉત્તરાખંડના સામર્થ્યને પણ વધારશે.
ભાઈઓ અને બહેનો,
આપણા પહાડ, આપણી સંસ્કૃતિ – આપણી આસ્થાનો ગઢ હોવાની સાથે આપણા દેશની સુરક્ષાનો પણ અભેદ્ય કિલ્લો છે. પહાડોમાં રહેતા લોકોનું જીવન સુગમ બનાવવું દેશની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ પૈકીની એક છે. પણ કમનસીબે દાયકાઓ સુધી જે સરકારોમાં રહ્યાં તેમની નીતિ અને વ્યૂહરચનામાં દૂર-દૂર સુધી આ ચિંતન ક્યાંય નહોતું. તેમના માટે ઉત્તરાખંડ હોય કે હિંદુસ્તાનના અન્ય વિસ્તારો હોય, તેમનો એક જ ઇરાદો રહેતો હતો – પોતાની તિજોરી ભરવી, પોતાના ઘર ભરવા, પોતાનો જ વિચારો કરવો.
ભાઈઓ અને બહેનો,
આપણા માટે ઉત્તરાખંડ તપ અને તપસ્યાનો માર્ગ છે. વર્ષ 2007થી વર્ષ 2014 વચ્ચે કેન્દ્રમાં જે સરકાર હતી, એણે સાત વર્ષમાં ઉત્તરાખંડમાં, અમારી અગાઉની સરકારે 7 વર્ષમાં શું કામ કર્યું? અમારી અગાઉની સરકારે 7 વર્ષમાં ઉત્તરાખંડમાં ફક્ત 288 કિલોમીટરનો, 300 કિલોમીટરનો પણ નહીં, ફક્ત 288 કિલોમીટરનો નેશનલ હાઇવે બનાવ્યો હતો. જ્યારે અમારી સરકારે છેલ્લાં સાત વર્ષ દરમિયાન ઉત્તરાખંડમાં 2 હજાર કિલોમીટરથી વધારે લંબાઈનો નેશનલ હાઈવે બનાવ્યો છે. તમે જ કહો, ભાઈઓ અને બહેનો, તમે જ કહો કે અમે કામ કર્યું છે એવું તમે માનો છો કે નહીં? એમાં લોકોનું ભલું થયું છે કે નહીં? એનાથી ઉત્તરાખંડનો વિકાસ થશે કે નહીં? તમારી ભવિષ્યની પેઢીઓનો વિકાસ થશે કે નહીં? ઉત્તરાખંડના યુવાનો માટે તકો ઊભી થશે કે નહીં? એટલું જ નહીં અગાઉની સરકારે ઉત્તરાખંડમાં નેશનલ હાઇવે પર 7 વર્ષમાં આશરે 600 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હવે સરખામણી કરો. અમારી સરકારે છેલ્લાં સાડા સાત વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કર્યો છે. ક્યાં 600 કરોડ રૂપિયા અને ક્યાં 12000 કરોડ રૂપિયા. તમે મને કહો કે, અમારા માટે ઉત્તરાખંડ પ્રાથમિકતા ધરાવે છે કે નહીં? તમને મારી વાતમાં વિશ્વાસ છે કે નહીં? અમે કામ કરીને દેખાડ્યું છે કે નહીં? અમે ઉત્તરાખંડનો વિકાસ કરવા રાતદિવસ એક કરી રહ્યાં છીએ કે નહીં?
અને ભાઈઓ અને બહેનો,
આ ફક્ત આંકડા જ નથી. જ્યારે માળખાગત સુવિધાઓ પર આટલા મોટા વિવિધ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, ત્યારે કેટલી ચીજવસ્તુઓની જરૂર પડે છે. સિમેન્ટ જોઈએ, લોખંડ જોઈએ, લાકડું જોઈએ, ઈઁટ જોઈએ, પત્થર જોઈએ, મજૂરો જોઈએ, ઉદ્યોગસાહસિકો જોઈએ, સ્થાનિક યુવાનોને અનેક પ્રકારના લાભની તકો પેદા થાય છે. આ કાર્યોમાં જે શ્રમિકો જોડાયા છે, એન્જિનીયર જોડાય છે, મેનેજમેન્ટ થાય છે, તેમના માટે પણ સ્થાનિક સ્તરે જ વધારે ભરતી થાય છે. એટલે માળખાગત સુવિધાઓના વિવિધ પ્રોજેક્ટ ઉત્તરાખંડમાં રોજગારીની એક નવી ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યાં છે, હજારો યુવાનોને રોજગારી આપી રહ્યાં છે. આજે હું ગર્વ સાથે કહી શકું છું કે, જે મેં પાંચ વર્ષ અગાઉ કહ્યું હતું એનો પુનરોચ્ચાર કરું છું, આવી તાકાત રાજકારણીઓમાં બહુ ઓછી હોય છે, પણ મારામાં છે. મેં શું કહ્યું હતું એ યાદ કરી લેજો. આજે હું ગર્વ સાથે કહી શકું છું કે, ઉત્તરાખંડના પાણી અને યુવાની ઉત્તરાખંડના કામમાં જ આવશે!
સાથીદારો,
સરહદ પરના પહાડી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ પર અગાઉની સરકારોએ એટલી ગંભીરતાપૂર્વક કામ કર્યું નહોતું, જેટલી ગંભીરતા સાથે અમારી સરકાર કરી રહી છે. સરહદ પાસે માર્ગો બનાવવા, પુલો બનાવવા – આ બાબતો પર અગાઉની સરકારોએ ધ્યાન આપ્યું જ નહોતું. વન રેન્ક વન પેન્શન હોય, આધુનિક શસ્ત્રસરંજામ હોય, કે પછી આતંકવાદીઓને ઇંટનો જવાબ પત્થરથી આપવાની વાત હોય – અગાઉની સરકારોએ દરેક સ્તરે સેનાને નિરાશ કરવાનું, મનોબળ તોડવાનું જ કામ કર્યું હતું. પણ અત્યારે જે સરકાર છે, એ દુનિયાના કોઈ પણ દેશના દબાણમાં આવતી નથી. અમે રાષ્ટ્રને સર્વોપરી, હંમેશા સર્વોપરી રાખવાના મંત્રમાં માનતા લોકોએ છીએ. અમે સરહદ પર સ્થિત પહાડી વિસ્તારોમાં સેંકડો કિલોમીટરના નવા માર્ગો બનાવ્યાં છે. હવામાન અને ભૌગોલિક વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ આ કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ કામ કેટલું મહત્વપૂર્ણ છે એને ઉત્તરાખંડનો દરેક પરિવાર, સેનામાં પોતાના બાળકોને મોકલનાર પરિવાર વધારે સારી રીતે સમજી શકે છે.
સાથીદારો,
એક સમયે પહાડી વિસ્તારમાં વસતાં લોકો વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડાવાનું સ્વપ્ન સેવતા હતા. પેઢીઓ પસાર થઈ જતી હતી. તેઓ વિચારતા હતા કે, તેમને ક્યારે પૂરતી વીજળી મળશે, અમને ક્યારે પાકાં ઘર બનીને મળશે? અમારા ગામ સુધી પાકાં રસ્તાં બનશે કે નહીં? સારી તબીબી સુવિધાઓ મળશે કે નહીં? સ્થળાંતરણનો આ ક્રમ છેવટે ક્યારે અટકશે? આ પ્રકારના અનેક પ્રશ્રો લોકોના મનમાં હતાં.
પણ સાથીદારો,
જ્યારે કશું કરવાનું ઝનૂન હોય, તો સુરત અને સીરત બંને બદલાઈ જાય છે. તમારો ઇરાદો બુલંદ થઈ જાય છે અને તમારી કામ કરવાની રીત બદલાઈ જાય છે. તમારું આ સ્વપ્ન સાકાર કરવા માટે અમે રાતદિવસ મહેનત કરી રહ્યાં છીએ. અત્યારે સરકારે રાહ જોતી નથી કે, નાગરિકો તેમની પાસે પોતાની સમસ્યા લઈને આવે અને પછી સરકાર કશું વિચારે અને પગલાં ભરે. અત્યારે એવી સરકાર સત્તામાં છે, જે નાગરિકો પાસે સામે ચાલીને જાય છે. તમે યાદ કરો, એક સમય હતો – જ્યારે ઉત્તરાખંડમાં સવા લાખ ઘરોમાં નળથી પાણી પહોંચતું હતું. અત્યારે સાડા સાત લાખથી વધારે ઘરોમાં નળથી પાણી પહોંચી રહ્યું છે. હવે ઘરમાં રસોડા સુધી નળથી પાણી આવે છે. એટલે માતાઓ અને બહેનો મને આશીર્વાદ આપે કે નહીં? અમને બધાને આશીર્વાદ આપે કે નહીં? નળથી પાણી આવે છે તો માતાઓ અને બહેનોનું કષ્ટ દૂર થયું છે કે નહીં? તેમને સુવિધા મળી છે કે નહીં? અને આ કામ જલ જીવન મિશન શરૂ થવાના બે વર્ષની અંદર જ અમે કરી દેખાડ્યું છે. એનો બહુ મોટો લાભ ઉત્તરાખંડની માતાઓ અને બહેનોને, અહીંની મહિલાઓને મળ્યો છે. ઉત્તરાખંડની માતાઓ-બહેનો-દીકરીઓએ હંમેશા અમને બધાને ભરપૂર પ્રેમ આપ્યો છે. અમે રાતદિવસ પરિશ્રમ કરીને, પ્રામાણિકતાપૂર્વક કામ કરીને, આ માતાઓ અને બહેનોનું જીવન સરળ બનાવવા, તેમનું ઋણ ચુકવવા સતત પ્રયાસરત છીએ.
સાથીદારો,
ડબલ એન્જિનની સરકારથી ઉત્તરાખંડમાં આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓ પર પણ અભૂતપૂર્વ કામ થઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં નવી મેડિકલ કોલેજ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આટલાં નાનાં રાજ્યમાં ત્રણ નવી મેડિકલ કોલેજ સ્થાપિત થશે. આજે હરિદ્વાર મેડિકલ કોલેજનો શિલાન્યાસ પણ થઈ ગયો છે. ઋષિકેશ એમ્સ તો સેવાઓ આપી રહી છે, કુમાંઉમાં સેટેલાઇટ સેન્ટર પણ ઝડપથી સેવારત થઈ જશે. રસીકરણ બાબતે પણ ઉત્તરાખંડ અત્યારે દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ છે અને આ માટે ધામીજીને, તેમના સાથીદારોને, ઉત્તરાખંડની સંપૂર્ણ સરકારને અભિનંદન આપું છું. રસીકરણની સફળતા માટે પણ રાજ્યની શ્રેષ્ઠ તબીબી માળખાગત સુવિધાઓની બહુ મોટી ભૂમિકા છે. આ કોરોનાકાળમાં ઉત્તરાખંડમાં 50થી વધારે નવા ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપિત થયા છે.
સાથીદારો,
બહુ લોકો જાણે છે, તમારામાંથી તમામના મનમાં વિચાર આવતો હશે, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું બાળક ડૉક્ટર બને, એન્જિનીયર બને, તેમનું સંતાન મેનેજમેન્ટના ક્ષેત્રમાં નામના મેળવે. પણ જો નવી સંસ્થાઓ બને જ નહીં, તો બેઠકોની સંખ્યા વધશે નહીં અને તમારું સ્વપ્ન સાકાર થશે નહીં. તમે જ કહો કે જો બેઠકો નહીં વધે, તો તમારું બાળક ડૉક્ટર બની શકે, તમારી દીકરી ડૉક્ટર બની શકે? અત્યારે દેશમાં નવી મેડિકલ કોલેજે, નવી આઇઆઇટી, નવી આઇઆઇએમ આકાર લઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે પ્રોફેશનલ કોર્સમાં વધારો થઈ રહ્યો છે. એની બેઠકો વધી રહી છે. દેશની વર્તમાન અને ભાવિ પેઢીના ભવિષ્યને મજબૂત કરવાનું કામ ચાલી રહ્યું છે. અમે સામાન્ય માનવીના સામર્થ્યને વધારીને એનું સશક્તિકરણ કરીને, એની ક્ષમતા વધારીને, એને સન્માન સાથે જીવવાની એક નવી તક આપી રહ્યાં છીએ.
સાથીદારો,
સમયની સાથે આપણા દેશના રાજકારણમાં અનેક પ્રકારની વિકૃતિઓ ઘર કરી ગઈ છે અને આજે આ વિશે પણ હું આ ઉત્તરાખંડની પાવન ભૂમિ પર થોડી વાત કરવા ઇચ્છું છું. કેટલાંક રાજકીય પક્ષો સમાજમાં ભેદભાવ ઊભો કરીને, ફક્ત એક વર્ગને આગળ કરીને, પછી એ પોતાની જાતિનો હોય, કોઈ ખાસ ધર્મનો હોય કે પોતાના નાના વિસ્તારનો હોય, એની તરફ જ ધ્યાન આપે છે. આ જ પ્રકારના પ્રયાસો અગાઉ થયા છે અને તેમાં જ તેમને મતબેંક દેખાય છે. આ વર્ગને, આ જાતિને, આ વિસ્તારને સંભાળી લો, મતબેંક બનાવી દો, ગાડી ચાલતી રહેશે. આ રાજકીય પક્ષોએ એક બીજી રીત પણ અપનાવી છે. તેમની વિકૃતિઓનું એક સ્વરૂપ આ પણ છે અને એ છે – જનતાને મજબૂત ન થવા દેવી, જનતાનું સશક્તિકરણ ન થાય એ માટે જ પ્રયાસ કરવા. તેઓ એવું જ ઇચ્છતાં હતાં. તેઓ જનતા-જનાર્દનને હંમેશા મજબૂર રાખવા, ગરીબ રાખવા, બિચારીબાપડી રાખવા, પોતાની મોહતાજ બનાવી રાખવામાં જ માનતા હતા, જેથી તેમનો તાજ સલામત રહે. આ વિકૃત રાજનીતિનો આધાર રહ્યો છે – લોકોની જરૂરિયાતો જ પૂરી ન કરો. તેમને સરકાર પર જ આશ્રિત રાખો. તેમના તમામ પ્રયાસ આ જ દિશામાં હતા કે જનતાજનાર્દન ક્યારેય બેઠી ન થાય, પોતાના પગ પર ઊભી ન થાય. કમનસીબે આ રાજકીય પક્ષોએ લોકોમાં એવો વિચાર સ્થાપિત કરી દીધો કે, સરકાર જ આપણી માબાપ છે, તારણહાર છે, હવે જે કંઈ પણ મળશે એ સરકાર પાસેથી જ મળશે, સરકાર થકી જ તેમનું ગુજરાન ચાલશે. લોકોના મનમાં આ વિચાર ઘર કરી ગયો હતો. એટલે એક રીતે દેશના સામાન્ય માનવીનું સ્વાભિમાન, એનું ગૌરવ એક ઇરાદાપૂર્વકની વ્યૂહરચના અંતર્ગત કચડી નાંખવામાં આવ્યું, એને આશ્રિત બનાવી દીધો, ગુલામ બનાવી દીધો. દુઃખની વાત એ છે કે, તેઓ આવું વર્ષો સુધી કરતાં રહ્યાં અને કોઈને સમજાયું જ નહીં. પણ અમે આ વિચારથી અલગ, જુદો જ અભિગમ અપનાવ્યો છે. અમે અલગ જ માર્ગ અપનાવ્યો છે. અમે મુશ્કેલ માર્ગ અપનાવ્યો છે, પણ દિશહિતમાં છે. દેશના લોકોના હિતમાં આ માર્ગ છે. અમારો માર્ગ છે – સબ કા સાથ, સબ કા વિકાસ. અમે કહ્યું કે, જે પણ યોજનાઓ લાવીશું, એ બધા માટે લાવીશું, એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરીએ. અમે મતબેંકની રાજનીતિને આધારે કોઈ યોજના બનાવતા નથી, પણ અમે લોકોની સેવાને પ્રાથમિકતા આપીએ છીએ. અમે આવા સમાધાન રજૂ કર્યા છે, અમે એવી યોજનાઓ શરૂ કરી છે, જે મતબેંકના ત્રાજવે ભલે તોળી ન શાકય, પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમાજના તમામ વર્ગોનું જીવન સરળ બનાવશે, તમને નવી તકો આપશે, તમને શક્તિશાળી બનાવશે. તમે પણ ઇચ્છતાં નથી કે, તમે તમારા બાળકોને એવા વાતાવરણમાં છોડીને જાવ, જેમાં તેઓ હંમેશા સરકાર પર આશ્રિત હોય. જે મુશ્કેલીઓ તમને વારસામાં મળી, જે સમસ્યાઓનો સામનો કરીને તમારે જીવન પસાર કરવું પડ્યું, એ જ મુશ્કેલીઓ અને સમસ્યાઓ બાળકોને પણ વારસામાં આપીને જવું તમને પસંદ ન હોય એ સ્વાભાવિક છે. અમે તમને આશ્રિત નહીં, આત્મનિર્ભર બનાવવા ઇચ્છીએ છીએ. અમે અગાઉ કહ્યું હતું કે, જે આપણા અન્નદાતા છે, તે ઊર્જાદાત પણ બને. એટલે અમે ખેતરના કિનારે સોલર પેનલ લગાવવા કુસુમ યોજના રજૂ કરી છે. એનાથી ખેડૂતોને ખેતરમાં વીજળી પેદા કરવાની સુવિધા મળી. અમે ખેડૂતોને કોઈ પર આશ્રિત રાખવા ઇચ્છીએ છીએ, ન તેમના મનમાં એવી લાગણી જન્મી કે તેઓ મફતની વીજળી મેળવી રહ્યાં છે. આ પ્રયાસમાં પણ ખેડૂતોને વીજળી મળી અને દેશ પર બોજ પણ પેદા થયો નહીં. એક રીતે તેઓ આત્મનિર્ભર બન્યાં અને આ યોજના દેશના અનેક વિસ્તારોમાં આપણા ખેડૂતોએ અપનાવી છે. આ જ રીતે અમે દેશભરમાં ઉજાલા યોજના શરૂ કરી હતી. પ્રયાસ એ હતો કે, વીજળીનું ઘરગથ્થું બિલ ઘટી જાય. આ માટે દેશભરમાં અને ઉત્તરાખંડમાં કરોડો એલઇડી બલ્બ આપવામાં આવ્યાં અને અગાઉ એલઇડી બલ્બ 300થી 400 રૂપિયામાં મળતાં હતાં, અમે એને 40થી 50 રૂપિયા સુધી કરી દીધા. અત્યારે લગભગ દરેક ઘરમાં એલઇડી બલ્બનો ઉપયોગ થઈ રહ્યો છે અને લોકોનું વીજળીનું બિલ પણ ઘટી ગયું છે. અનેક ઘરોમાં, મધ્યમ વર્ગ, નીચલા મધ્યમ વર્ગના પરિવારોમાં દર મહિને વીજળીનું બિલ 500થી 600 રૂપિયા ઘટી ગયું છે.
સાથીદારો,
આ જ રીતે અમે મોબાઇલ ફોન સસ્તો કર્યો, ઇન્ટરનેટ સસ્તું કર્યું, ગામેગામ કોમન સર્વિસ સેન્ટર ખોલ્યાં, અનેક સુવિધાઓ ગામમાં ઉપલબ્ધ થઈ છે. અત્યારે ગામના નાગરિકને રેલવેનું રિઝર્વેશન કરાવવું હોય તો શહેર સુધી આવવું પડતું નથી, એક દિવસ બગાડવો પડતો નથી, 100-200-300 રૂપિયા બસનું ભાડું આપવું પડતું નથી. તેઓ તેમના ગામમાંથી જ કોમન સર્વિસ સેન્ટરમાંથી ઓનલાઇન રેલવે બુકિંગ કરાવી શકે છે. એ જ રીતે તમે જોયું હશે કે હવે ઉત્તરાખંડમાં હોમ સ્ટે, લગભગ દરેક ગામમાં આ વાત પહોંચી ગઈ છે. હજુ થોડા સમય અગાઉ મને ઉત્તરાખંડના લોકો સાથે વાત કરવાન તક મળી હતી, જે બહુ સફળતા સાથે હોમ સ્ટે ચલાવી રહ્યાં છે. જ્યારે આટલા પ્રવાસીઓ આવશે, અગાઉની સરખામણીમાં બમણા-ત્રણ ગણા પ્રવાસીઓ આવવાની શરૂઆત થઈ છે. જ્યારે આટલા પ્રવાસીઓ આવશે, તો હોટેલની ઉપલબ્ધતાનો સવાલ પણ ઊભો થશે. રાતોરાત આટલી મોટી સંખ્યામાં હોટેલ બની શકે નહીં એટલે દરેક ઘરમાં એક રૂમ બનાવી શકાય છે, જેમાં ઉત્તમ અને અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય છે. મને વિશ્વાસ છે કે, ઉત્તરાખંડ હોમસ્ટે બનાવવામાં, સુવિધાઓ વધારવા સમગ્ર દેશને એક નવી દિશા ચીંધશે, એક નવી રાહ ચીંધશે.
સાથીદારો,
આ જ પ્રકારનું પરિવર્તન અમે દેશના દરેક ખૂણામાં જોઈ રહ્યાં છીએ. આ જ પ્રકારનું પરિવર્તન દેશને 21મી સદીમાં પ્રગતિના પંથે દોરી જશે, આ જ રીતનું પરિવર્તન ઉત્તરાખંડના લોકોને આત્મનિર્ભર બનાવશે.
સાથીદારો,
સમાજની જરૂરિયાત પૂરી કરવા માટે કામ કરવું અને મતબેંક બનાવવા માટે કશું કરવું – આ બંનેમાં બહુ મોટો ફરક છે. જ્યારે અમારી સરકાર ગરીબોને મફત ઘર બનાવીને આપે છે, ત્યારે તેઓ ગરીબોના જીવનની સૌથી મોટી ચિંતા દૂર કરે છે. જ્યારે અમારી સરકારે ગરીબોને 5 લાખ રૂપિયા સુધી મફત સારવારની સુવિધા આપે છે, ત્યારે સરકાર ગરીબોની જમીનને વેચાતી બચાવે છે, એ ઋણના દુષ્ચક્રમાં ફસતાં બચાવે છે. જ્યારે અમારી સરકારે કોરાનાકાળમાં દરેક ગરીબને મફત અનાજ આપે છે, ત્યારે ગરીબોને ભૂખમરાની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે. મને ખબર છે કે, દેશનો ગરીબ, દેશનો મધ્યમ વર્ગ, આ વાસ્તવિકતાને સારી રીતે સમજે છે. એટલે જ દરેક વિસ્તાર, દરેક રાજ્યમાં અમારા કાર્યોને, અમારી યોજનાઓને જનતા જનાર્દનના આશીર્વાદ મળ્યાં છે અને હંમેશા મળતાં રહેશે.
સાથીદારો,
આઝાદીના આ અમૃતકાળમાં દેશ અત્યારે જે ઝડપથી પ્રગતિના પંથે અગ્રેસર થઈ રહ્યો છે એ હવે અટકશે નહીં, એમાં કોઈ અવરોધ પેદા નહીં થાય અને અમે થાકવાના નથી, પણ વધારે વિશ્વાસ અને સંકલ્પ સાથે કામ કરીશું. આગામી 5 વર્ષ ઉત્તરાખંડને રજતજયંતિ તરફ લઈ જશે. ઉત્તરાખંડ તમામ પ્રકારના લક્ષ્યાંકોને પાર પાડવાની ક્ષમતા ધરાવે છે. એવો કોઈ સંકલ્પ નથી, જે આ દેવભૂમિમાં સિદ્ધ ન થઈ શકે. તમારી પાસે ધામીજી સ્વરૂપે યુવા નેતૃત્વ છે, તેમની અનુભવી ટીમ પણ છે. અમારી પાસે વરિષ્ઠ નેતાઓની બહુ મોટી હરોળ છે. 30-30 વર્ષ, 40-40 વર્ષનો અનુભવ ધરાવતી નેતાઓની ટીમ છે, જે ઉત્તરાખંડના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત છે.
અને મારા પ્રિય ભાઇઓ-બહેનો,
જેઓ દેશભરમાં વિખરાયેલા છે, તેઓ ઉત્તરાખંડનો વિકાસ ન કરી શકે. તમારા આશીર્વાદથી વિકાસનું આ ડબલ એન્જિન ઉત્તરાખંડનો ઝડપથી વિકાસ કરતું રહેશે. આ જ વિશ્વાસ સાથે, હું ફરીથી તમને બધાને અભિનંદન આપું છું. આજે જ્યારે હું દેવભૂમિમાં આવ્યો છું, વીર માતાઓની ભૂમિમાં આવ્યો છું, ત્યારે થોડા ભાવ, પુષ્પ, કેટલાંક શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. હું થોડી પંક્તિઓ સાથે મારી વાત પૂરી કરવા માંગુ છું -
જહાં પવન બહે સંકલ્પ લિયે,
જહાં પર્વત ગર્વ સિખાતે હૈ,
જહાં ઊઁચે નીચે સબ રસ્તે
બસ ભક્તિ કે સુર મેં ગાતે હૈં
ઉસ દેવ ભૂમિ કે ધ્યાન સે હી
ઉસ દેવ ભૂમિ કે ધ્યાન સે હી
મૈં સદા ધન્ય હો જાતા હૂં
હૈં ભાગ્ય મેરા,
સૌભાગ્ય મેરા,
મૈં તુમકો શીશ નવાતા હૂં.
મૈં તુમકો શીશ નવાતા હૂં.
ઔર ધન્ય ધન્ય હો જાતા હૂં.
તુમ આંચલ હો ભારત માં કા
જીવન કી ધૂપ મેં છાંવ હો તુમ
બસ છૂને સે હી તર જાયે
સબસે પવિત્ર વો ધરા હો તુમ
બસ લિયે સમર્પણ તન મન સે
મૈં દેવ ભૂમિ મેં આતા હૂં
મૈં દેવ ભૂમિ મેં આતા હૂં
હૈં ભાગ્ય મેરા,
સૌભાગ્ય મેરા,
મૈં તુમકો શીશ નવાતા હૂં
મૈં તુમકો શીશ નવાતા હૂં.
ઔર ધન્ય ધન્ય હો જાતા હૂં.
જહાં અંજુલી મેં ગંગા જલ હો
જહાં હર એક મન બસ નિશ્છલ હો
જહાં ગાંવ ગાંવ મેં દેશભક્ત
જહાં નારી મેં સચ્ચા બલ હો
ઉસ દેવભૂમિ કા આશીર્વાદ લિયે
મૈં ચલતા જાતા હૂં
ઉસ દેવભૂમિ કા આશીર્વાદ લિયે
મૈં ચલતા જાતા હૂં
હૈ ભાગ્ય મેરા
સૌભાગ્ય મેરા
મૈં તુમકો શીશ નવાતા હૂં
મૈં તુમકો શીશ નવાતા હૂં
ઔર ધન્ય ધન્ય હો જાતા હૂં
મંડવે કી રોટ
હુડકે કી થાપ
હર એક મન કરતા
શિવજી કા જાપ
ઋષિ મુનિઓ કી હૈ
યે તપો ભૂમિ
કિતને વીરોં કી
યે જન્મભૂમિ
મૈં દેવભૂમિ મેં આતા હૂં
મૈં તુમકો શીશ નવાતા હૂં
ઔર ધન્ય ધન્ય હો જાતા હૂં
મૈં તુમકો શીશ નવાતા હૂં
ઔર ધન્ય ધન્ય હો જાતા હૂં
મારા સાથીદારો,
મારી સાથે બોલો,
ભારત માતા કી જય,
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
તમારો ખૂબ આભાર !