નમસ્તે ઑસ્ટ્રેલિયા!

ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને મારા પ્રિય મિત્ર, મહામહિમ, એન્થોની અલ્બેનીઝ, ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહામહિમ સ્કોટ મોરિસન, ન્યુ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સ, વિદેશ પ્રધાન પેની વોંગ, સંચાર પ્રધાન મિશેલ રોલેન્ડ, ઊર્જા પ્રધાન ક્રિસ બોવેન, વિપક્ષના નેતા પીટર ડટન, મદદનીશ વિદેશ મંત્રી ટિમ વોટ્સ, ન્યૂ સાઉથ વેલ્સના કૅબિનેટના ઉપસ્થિત તમામ માનનીય સભ્યો, પેરામાટ્ટાના સંસદ સભ્ય ડૉ. એન્ડ્રુ ચાર્લટન, અત્રે ઉપસ્થિત ઑસ્ટ્રેલિયાના તમામ સંસદ સભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, કાઉન્સિલરો અને ઑસ્ટ્રેલિયામાં રહેતા પ્રવાસી ભારતીયો જે આજે આટલી મોટી સંખ્યામાં હાજર છે, આપ સૌને મારાં નમસ્કાર!

સૌ પ્રથમ, હું આજે અહીં જે જમીન પર બેઠક કરી રહ્યા છીએ તેના પરંપરાગત સંરક્ષકોને સ્વીકારું છું. હું ભૂતકાળ, વર્તમાન અને ઉભરતા વડીલોને આદર આપું છું. હું તે બધા પ્રથમ રાષ્ટ્રોના લોકોની પણ ઉજવણી કરું છું જેઓ આજે આપણી સાથે હોઈ શકે છે.

 

સાથીઓ,

જ્યારે હું 2014 માં આવ્યો હતો ત્યારે મેં તમને વચન આપ્યું હતું, વચન એ હતું કે તમારે ભારતના કોઈ પણ પ્રધાનમંત્રી માટે ફરીથી 28 વર્ષ સુધી રાહ જોવી પડશે નહીં. તો ચાલો, અહીં સિડનીના આ અરેનામાં, હું ફરીથી અહીં આવ્યો છું અને હું એકલો નથી આવ્યો. મારી સાથે પ્રધાનમંત્રી  અલ્બેનીઝ પણ આવ્યા છે. શ્રીમાન પ્રધાનમંત્રી, તમારા અત્યંત વ્યસ્ત કાર્યક્રમમાં તમે અમારા બધા માટે સમય કાઢ્યો છે, તે અમે ભારતીયો પ્રત્યેનો તમારો પ્રેમ દર્શાવે છે. તમે હમણાં જે કહ્યું તે દર્શાવે છે કે ઑસ્ટ્રેલિયાનાં મનમાં ભારત પ્રત્યે કેટલો પ્રેમ છે. એ જ વર્ષે મને ભારતની ધરતી પર અમદાવાદમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવાની તક મળી હતી. આજે, તેમણે અહીં લિટલ ઈન્ડિયાના પાયાના પથ્થરનું અનાવરણ કરવામાં મને સાથ આપ્યો છે. હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, આભાર મારા મિત્ર એન્થોની!

આ લિટલ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયાના વિકાસમાં ભારતીય સમુદાયનાં યોગદાનની પણ આ એક સ્વીકૃતિ છે. આ વિશેષ સન્માન માટે હું ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર, મેયર, ડેપ્યુટી મેયર અને સિટી ઓફ પેરામાટ્ટાના કાઉન્સિલરોનો આભાર માનું છું.

સાથીઓ,

મને આનંદ છે કે ન્યુ સાઉથ વેલ્સમાં પ્રવાસી ભારતીય સમુદાયના ઘણા લોકો જાહેર જીવનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સની વર્તમાન સરકારમાં ડેપ્યુટી પ્રીમિયર પ્રુ કાર, ટ્રેઝરર ડેનિયલ મુખી મુખ્ય યોગદાન આપી રહ્યા છે અને ગઈકાલે જ, કાલે જ ભાઈ સમીર પાંડે પેરામાટ્ટાના લોર્ડ મેયર તરીકે ચૂંટાયા છે. હું દરેકને અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

આજે જ્યારે પૈરામાટામાં આ બધું થઈ રહ્યું છે ત્યારે એવી માહિતી પણ આવી છે કે વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાનાં પર્થ શહેરમાં ભારતીય સૈનિક નૈન સિંહ સૈલાનીનાં નામે સૈલાની એવન્યુ બનાવવામાં આવ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઑસ્ટ્રેલિયાની સેના માટે લડતા લડતા તેઓ શહીદ થયા હતા. હું આ સન્માન માટે પશ્ચિમ ઑસ્ટ્રેલિયાનાં નેતૃત્વને આદરપૂર્વક અભિનંદન આપું છું.

સાથીઓ,

એક સમય હતો જ્યારે એવું કહેવામાં આવતું હતું કે 3C ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને વ્યાખ્યાયિત કરે છે, એવું પહેલા કહેવામાં આવતું હતું. આ 3C છે કોમનવેલ્થ, ક્રિકેટ અને કરી, ત્યારપછી એવું કહેવામાં આવ્યું કે ભારત ઑસ્ટ્રેલિયા સંબંધો 3D પર આધારિત છે ડેમોક્રેસી (લોકશાહી), ડાયસ્પોરા અને દોસ્તી, કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે ભારત ઑસ્ટ્રેલિયા સંબંધો 3E એનર્જી, ઇકોનોમી અને એજ્યુકેશન પર આધારિત છે. એટલે કે ક્યારેક C, ક્યારેક D, ક્યારેક E, આ વાત કદાચ જુદા જુદા સમયગાળામાં સાચી પણ રહી છે. પરંતુ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો વિસ્તાર આના કરતા ઘણો મોટો છે અને શું તમે જાણો છો કે આ બધા સંબંધોનો સૌથી મોટો આધાર શું છે, શું તમે જાણો છો? જી નહીં, સૌથી મોટો આધાર પરસ્પર વિશ્વાસ અને પરસ્પર આદર છે, આ પરસ્પર વિશ્વાસ અને પરસ્પર આદર માત્ર ભારત અને ઑસ્ટ્રેલિયાના રાજદ્વારી સંબંધોથી વિકસ્યો નથી. તેનું વાસ્તવિક કારણ, તેની વાસ્તવિક તાકાત ઑસ્ટ્રેલિયામાં રહેતા દરેક ભારતીય તમે છો, તમે જ તેની વાસ્તવિક તાકાત છો. આનું સાચું કારણ ઑસ્ટ્રેલિયાના અઢી કરોડથી વધુ નાગરિકો છે.

 

સાથીઓ,

આપણી વચ્ચે ભૌગોલિક અંતર ચોક્કસ છે, પરંતુ હિંદ મહાસાગર આપણને પરસ્પર જોડે છે. ભલે આપણી જીવનશૈલી જુદી જુદી હોય, પરંતુ હવે યોગ પણ આપણને જોડે છે. ક્રિકેટ સાથે તો આપણે કોણ જાણે ક્યારથી જોડાયેલા છીએ, પરંતુ હવે ટેનિસ અને ફિલ્મો પણ આપણને જોડે છે. આપણે ત્યાં રસોઈની વિવિધ રીતો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ હવે માસ્ટરશેફ આપણને એક કરે છે. ભલે આપણે ત્યાં પર્વ અને તહેવારો અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, પરંતુ આપણે દિવાળીની રોનક અને બૈસાખીની ઉજવણી સાથે જોડાયેલા છીએ. આપણે ત્યાં ભલે ને અલગ-અલગ ભાષાઓ બોલાતી હોઈ પરંતુ આપણે મલયાલમ, તમિલ, તેલુગુ, પંજાબી, હિન્દી ભાષાઓ શીખવતી ઘણી શાળાઓથી જોડાયેલા છીએ.

સાથીઓ,

ઑસ્ટ્રેલિયાના લોકો, અહીંના રહેવાસીઓ એટલાં મોટાં દિલના છે, એટલાં સારાં અને સાચાં દિલના છે કે તેઓ ભારતની આ વિવિધતાને ખુલ્લાં દિલથી સ્વીકારે છે અને આ જ કારણ છે કે પૈરામાટા સ્ક્વેર કોઈના માટે પરમાત્મા ચોક બની જાય છે. વિગ્રામ સ્ટ્રીટ પણ વિક્રમ સ્ટ્રીટ તરીકે જાણીતી થઈ જાય છે અને હેરિસ પાર્ક ઘણા લોકો માટે હરીશ પાર્ક બની જાય છે. આમ તો મેં સાંભળ્યું છે કે હેરિસ પાર્કમાં ચટકાઝની ચાટ, જયપુર સ્વીટ્સની જલેબી, તેનો તો કોઈ જવાબ જ નથી. મારી આપ સૌને એક વિનંતી છે, તમે લોકો મારા મિત્ર પીએમ અલ્બેનીઝને પણ ત્યાં ક્યારેક ચોક્કસ લઈ જજો. અને મિત્રો, જ્યારે ખાવાની વાત ચાલી છે અને ચાટની વાત આવી છે ત્યારે લખનૌનું નામ આવે તે પણ સ્વાભાવિક છે, મેં સાંભળ્યું છે કે સિડનીની નજીક લખનૌ નામની જગ્યા પણ છે. પરંતુ મને ખબર નથી કે ત્યાં પણ ચાટ મળે છે કે નહીં. ઠીક છે, અહીં પણ દિલ્હીની નજીકવાળા લખનૌના લોકો તો હશે જ ને? છે કે?વાહ! ખરેખર, ઑસ્ટ્રેલિયામાં દિલ્હી સ્ટ્રીટ, બોમ્બે સ્ટ્રીટ, કાશ્મીર એવન્યુ, મલબાર એવન્યુ જેવા ઘણા રસ્તાઓ છે જે તમને ભારત સાથે જોડી રાખે છે. મને કહેવામાં આવ્યું કે હવે ગ્રેટર સિડનીમાં ઈન્ડિયા પરેડ પણ શરૂ થવા જઈ રહી છે. મને એ જાણીને પણ ખૂબ આનંદ થયો કે અહીં તમે બધાએ આઝાદીના અમૃત મહોત્સવની પણ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી છે. અહીંની અનેક નગર પરિષદોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સિડની ઓપેરા હાઉસ ત્રિરંગાથી ઝળહળી ઉઠ્યું ત્યારે અહીં ભારતીયનું હૃદય આનંદિત થઈ ગયું. ભારતમાં પણ જય જયકાર થઈ રહ્યો હતો અને એ માટે હું ન્યુ સાઉથ વૅલ્સ સરકારનો ખાસ આભાર વ્યક્ત કરું છું.

 

સાથીઓ,

આપણા ક્રિકેટના સંબંધોને પણ 75 વર્ષ પૂર્ણ થયાં છે. ક્રિકેટનાં મેદાન પરનો મુકાબલો જેટલો વધુ રસપ્રદ હોય છે, એટલીજ ઊંડી મેદાનની બહારની આપણી દોસ્તી છે. આ વખતે તો ઑસ્ટ્રેલિયાની ઘણી મહિલા ક્રિકેટ ખેલાડીઓ પણ પહેલીવાર IPL રમવા માટે ભારત આવી હતી અને મિત્રો, એવું નથી કે આપણે માત્ર સુખના જ સાથી છીએ. સારો મિત્ર માત્ર સુખનો સાથી નથી, પણ દુ:ખનો પણ સાથી છે. ગયાં વર્ષે જ્યારે મહાન શેન વોર્નનું નિધન થયું ત્યારે ઑસ્ટ્રેલિયાની સાથે કરોડો કરોડો ભારતીયોએ શોક વ્યક્ત કર્યો હતો. એવું લાગતું હતું કે જાણે આપણે કોઈ પોતાનો ગુમાવ્યો છે.

સાથીઓ,

તમે બધા અહીં ઑસ્ટ્રેલિયામાં છો. અહીંના વિકાસને જોઇ રહ્યા છો. આપ સૌનું એક સપનું રહ્યું છે કે આપણું ભારત પણ એક વિકસિત રાષ્ટ્ર બને. શું તે તમારું સ્વપ્ન નથી? છે ને તમારું સ્વપ્ન? છે ને તે તમારું સ્વપ્ન? જે સપનું આપનાં હૃદયમાં છે, તે સપનું મારાં હૃદયમાં પણ છે. આ મારું પણ સપનું છે. તે 140 કરોડ ભારતીયોનું સપનું છે.

સાથીઓ,

ભારત પાસે સામર્થ્યની કમી નથી. ભારતમાં સંસાધનોની અછત પણ નથી. આજે વિશ્વની સૌથી મોટી અને સૌથી યુવા પ્રતિભાની ફેક્ટરી ધરાવતો દેશ હોય તો તે ભારત છે. સાચો જવાબ આપી રહ્યા છે, તે ભારત છે. હું ફરીથી આનું પુનરાવર્તન કરું છું. આજે જે દેશ પાસે વિશ્વની સૌથી મોટી અને યુવા પ્રતિભાની ફેક્ટરી છે તે ભારત છે, તે ભારત છે, તે ભારત છે. અને હવે હું આવી જ કેટલીક હકીકતો તમારી સમક્ષ મૂકીશ. અને હું તમારી પાસેથી સાચો જવાબ જાણવા માગું છું, તૈયાર, કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં, જે દેશે વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ કાર્યક્રમ ચલાવ્યો, તે દેશ છે ઇન્ડિયા, તે દેશ છે ઇન્ડિયા, તે દેશ છે ઇન્ડિયા. આજે જે દેશ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે તે દેશ છે ભારત, તે દેશ છે ભારત, તે દેશ છે ભારત. આજે જે દેશ વિશ્વમાં નંબર 1 સ્માર્ટફોન ડેટા કન્ઝ્યુમર છે તે દેશ છે ઇન્ડિયા, એ દેશ છે ઇન્ડિયા, એ દેશ છે ઇન્ડિયા. આજે જે દેશ ફિનટેક અપનાવવાના દરમાં નંબર 1 છે તે દેશ છે ઇન્ડિયા, એ દેશ છે ઇન્ડિયા, એ દેશ છે ઇન્ડિયા. આજે જે દેશ દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ વિશ્વમાં નંબર 1 છે તે દેશ છે ઇન્ડિયા, એ દેશ છે ઇન્ડિયા, એ દેશ છે ઇન્ડિયા. આજે જે દેશ ઈન્ટરનેટ યુઝર્સની દ્રષ્ટિએ વિશ્વમાં નંબર 2 છે તે તે દેશ છે ઇન્ડિયા, એ દેશ છે ઇન્ડિયા, એ દેશ છે ઇન્ડિયા. આજે, જે દેશ વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક છે, તે તે દેશ છે ઇન્ડિયા, એ દેશ છે ઇન્ડિયા, એ દેશ છે ઇન્ડિયા. આજે જે દેશ ચોખા, ઘઉં, શેરડીનાં ઉત્પાદનમાં વિશ્વમાં નંબર 2 પર છે તે દેશ છે ઇન્ડિયા, એ દેશ છે ઇન્ડિયા. આજે જે દેશ વિશ્વમાં ફળ અને શાકભાજીનાં ઉત્પાદનમાં નંબર 2 પર છે તે છે ઇન્ડિયા, એ છે ઇન્ડિયા. આજે, જે દેશ વિશ્વમાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે તે છે ઇન્ડિયા, તે છે ઇન્ડિયા. વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ જે દેશમાં આવેલું છે તે ભારત છે, તે દેશ ભારત છે. જે દેશ વિશ્વમાં ત્રીજું સૌથી મોટું નાગરિક ઉડ્ડયન બજાર ધરાવે છે તે દેશ છે ઇન્ડિયાછે, તે દેશ છે ઇન્ડિયા અને હવે જે દેશ આગામી 25 વર્ષમાં વિકસિત થવાનાં લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે તે દેશ છે ઇન્ડિયા, એ દેશ છે ઇન્ડિયા.

 

સાથીઓ,

આજે IMF ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનું તેજસ્વી સ્થાન માને છે, વર્લ્ડ બૅન્કને વિશ્વાસ છે કે જો કોઈ વૈશ્વિક અવરોધો- હેડવિન્ડ્સને પડકારતું હોય તો તે ભારત છે. આજે દુનિયાના ઘણા દેશોમાં બૅન્કિંગ સિસ્ટમમાં કટોકટી છે, પરંતુ બીજી તરફ ભારતીય બૅન્કોની મજબૂતીના ચારેબાજુથી વખાણ થઈ રહ્યા છે. 100 વર્ષમાં આવતાં વિશ્વનાં સૌથી મોટાં સંકટ વચ્ચે ભારતે ગયાં વર્ષે રેકોર્ડ નિકાસ કરી છે. આજે આપણું ફોરેક્સ રિઝર્વ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે.

સાથીઓ,

કેવી રીતે ભારત વૈશ્વિક ભલા માટે કામ કરી રહ્યું છે, એનું ઉદાહરણ આપણું ડિજિટલ સ્ટેક છે. તમે બધા ભારતની ફિનટેક ક્રાંતિથી સારી રીતે વાકેફ છો. તમને યાદ હશે કે જ્યારે હું 2014માં અહીં આવ્યો હતો ત્યારે મેં તમારી સાથે એક સ્વપ્ન શેર કર્યું હતું. મારું એ સપનું હતું કે ભારતમાં ગરીબમાં ગરીબ વ્યક્તિનું પોતાનું બૅન્ક ખાતું હોય. તમને ગર્વ થશે, મિત્રો, તમને ગર્વ થશે કે છેલ્લાં 9 વર્ષમાં અમે લગભગ 50 કરોડ ભારતીયો એટલે કે લગભગ 50 કરોડ બૅન્ક ખાતાં ખોલાવ્યા છે. અને માત્ર બૅન્ક ખાતું ખોલવું જ અમારી સફળતા, અમે ત્યાં અટકતા નથી. તેણે ભારતમાં જાહેર સેવા વિતરણની સમગ્ર ઇકો સિસ્ટમને બદલી નાખી છે. અમે JAM ત્રિપૂટી, જન ધન બૅન્ક એકાઉન્ટ, મોબાઇલ ફોન અને આધાર IDની એક JAM ટ્રિનિટી બનાવી છે. તમે વિચારો, આનાથી કરોડો દેશવાસીઓ સુધી એક ક્લિક પર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી શક્ય બન્યું છે, અને તમે વધુ ખુશ થશો, છેલ્લાં 9 વર્ષમાં, આ આંકડો પણ તમને ઘણો આનંદ આપશે, છેલ્લાં 9 વર્ષમાં રૂ. 28 લાખ કરોડ એટલે કે 500 અબજથી પણ વધુ ઑસ્ટ્રેલિયન ડૉલર જરૂરતમંદોનાં બૅન્ક ખાતામાં સીધા જ મોકલવામાં આવ્યા છે. કોરોનાના સમયમાં ઘણા દેશોને તેમના નાગરિકોને પૈસા મોકલવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ ભારત તે દેશોમાંનો એક હતો જે એક ક્લિક પર આંખના પલકારામાં આ કામ કરી રહ્યું હતું. યુનિવર્સલ પબ્લિક ઈન્ટરફેસ એટલે કે UPI એ ભારતમાં નાણાકીય સમાવેશને નવી ઊંચાઈએ પહોંચાડી દીધું છે. આજે વિશ્વની 40 ટકા, વાસ્તવિક સમયની ડિજિટલ ચુકવણીઓમાંથી 40 ટકા એકલા ભારતમાં થાય છે. જો તમે હમણાં જ ભારત આવ્યા હશો, તો તમે જોયું જ હશે કે દરેક જગ્યાએ ડિજિટલ વ્યવહારો થઈ રહ્યા છે, પછી તે ફળ, શાકભાજી કે પાણીપુરીની લારીઓ હોય કે પછી ચાની દુકાનો હોય.

સાથીઓ,

ભારતની આ ડિજિટલ ક્રાંતિ માત્ર ફિનટેક પૂરતી મર્યાદિત નથી. ભારત આધુનિક વ્યવસ્થા કરી રહ્યું છે. લોકોનાં જીવનની સરળતા-ઈઝ ઑફ લિવિંગ વધી રહી છે. આનું એક ઉદાહરણ છે ભારતનું ડિજીલોકર, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સથી લઈને ડિગ્રી અને પ્રોપર્ટીના કાગળો, સરકાર જે કંઈ પણ જારી કરે છે, તે આ ડિજિટલ લોકરમાં જનરેટ થાય છે. ડિજિટલ લોકરમાં લગભગ સેંકડો પ્રકારના દસ્તાવેજો પ્રતિબિંબિત થાય છે. તમારે ભૌતિક નકલ સંગ્રહિત કરવાની જરૂર નથી. માત્ર એક પાસવર્ડ પૂરતો છે. હવે 15 કરોડથી વધુ એટલે કે 150 મિલિયનથી વધુ ભારતીયો તેમાં જોડાયા છે. આવાં અનેક ડિજિટલ પ્લેટફોર્મ આજે ભારતીયોને શક્તિશાળી બનાવી રહ્યાં છે, તાકાતવાન બનાવી રહ્યા છે.

સાથીઓ,

આજે વિશ્વ ભારતનાં દરેક પગલાં અને દરેક સિદ્ધિ વિશે જાણવા માગે છે. આજની દુનિયા જે વિશ્વ વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. તે જે શક્યતાઓ શોધી રહી છે તેમાં તે સ્વાભાવિક પણ છે. ભારત હજારો વર્ષોની જીવંત સંસ્કૃતિ છે. ભારત લોકશાહીની માતા છે. આપણે આપણી જાતને જમાના પ્રમાણે ઘડેલી છે પણ હંમેશા આપણા મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહ્યા છીએ. આપણે રાષ્ટ્રને એક પરિવાર તરીકે જોઈએ છીએ અને વિશ્વને પણ એક પરિવાર તરીકે માનીએ છીએ, વસુધૈવ કુટુંબકમ્‌, અને તેથી જ્યારે ભારત તેની G-20 પ્રેસિડેન્સીની થીમ નક્કી કરે છે, ત્યારે તે કહે છે કે, પોતાના આદર્શો જીવવા માટે તેના સ્વભાવને જુઓ, ભારત જ્યારે પોતાની જી-20 પ્રેસિડેન્સીની થીમ નક્કી કરે છે ત્યારે કહે છે, એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય. જ્યારે ભારત પર્યાવરણનાં રક્ષણ માટે સૌર ઊર્જા માટે મોટા ધ્યેયો નક્કી કરે છે, ત્યારે તે એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ કહે છે. જ્યારે ભારત વૈશ્વિક સમુદાયને સ્વસ્થ રહેવાની ઈચ્છા કરે છે, ત્યારે તે કહે છે વન અર્થ, વન હેલ્થ. ભારત એવો દેશ છે જેણે કોરોના સંકટ દરમિયાન વિશ્વના 150થી વધુ દેશોમાં દવાઓ મોકલી હતી.

ભારત એ દેશ છે જેણે 100થી વધુ દેશોમાં મફત રસી વેચીને કરોડો લોકોનાં જીવન બચાવ્યાં છે. તમે જે સેવા ભાવના સાથે કોરોનાના સમયમાં પણ અહીં કામ કર્યું તે જ આપણી સંસ્કૃતિની વિશેષતા છે. આજે શહીદોના સરતાજ શીખોના પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જુન દેવજીનો શહીદ દિવસ છે, ગુરુજીનાં જીવનમાંથી સૌની સેવા કરવાનું આપણને શીખવા મળે છે. તે ગુરુ અર્જુન દેવજી હતા જેમણે દશાવંધ પ્રથા શરૂ કરી હતી. આ જ પ્રેરણાથી, કોરોના દરમિયાન પણ, ઘણાં ગુરુદ્વારાનાં લંગરે અહીં લોકોને મદદ કરી. આ સમયગાળામાં અહીં પીડિતો માટે ઘણાં મંદિરોનાં રસોડાં ખોલવામાં આવ્યાં હતાં. ઑસ્ટ્રેલિયામાં રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં લોકોની મદદ માટે આગળ આવ્યા. આ દરમિયાન વિવિધ સામાજિક સંસ્થાઓએ પણ ઘણા લોકોને મદદ કરી હતી. ભારતીયો જ્યાં પણ વસે છે, તેમનામાં માનવ ભાવના જડાયેલી રહે છે.

 

સાથીઓ,

માનવતાનાં હિતમાં આવાં કાર્યોને કારણે આજે ભારતને ફોર્સ ઓફ ગ્લોબલ ગુડ કહેવામાં આવે છે. જ્યાં પણ આપત્તિ આવે ત્યાં ભારત મદદ કરવા તૈયાર જોવા મળે છે. જ્યારે પણ કોઈ સંકટ આવે છે ત્યારે ભારત તેનો ઉકેલ લાવવા તૈયાર રહે છે. આજે, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન દ્વારા સૌર ઊર્જાનો ઉપયોગ વધારવો હોય, પરસ્પર સહયોગ દ્વારા ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની વાત હોય, ઈન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું નેતૃત્વ કરવાની હોય, ભારતે હંમેશા વિવિધ દેશોને એક થવા માટે બંધનકર્તા બળ તરીકે કામ કર્યું છે. તાજેતરમાં જ્યારે તુર્કીમાં ભૂકંપનાં કારણે તબાહી સર્જાઈ ત્યારે ભારતે ઓપરેશન દોસ્ત દ્વારા મદદનો હાથ લંબાવ્યો હતો. ભારત તેનાં હિતોને બધાનાં હિત સાથે જોડીને જુએ છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ, આ જ આપણા ડોમેસ્ટિક ગવર્નન્સનો પણ આધાર છે અને વૈશ્વિક ગવર્નન્સ માટે પણ આ જ વિઝન છે.

સાથીઓ,

આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત ગાઢ બની રહી છે. તાજેતરમાં અમે ઇકોનોમિક કોઓપરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ ECTA પર હસ્તાક્ષર કર્યા છે. એવો અંદાજ છે કે આનાથી આગામી પાંચ વર્ષમાં બંને વચ્ચેનો વેપાર બમણાથી વધુ થશે. હવે અમે વ્યાપક આર્થિક સહયોગ કરાર પર કામ કરી રહ્યા છીએ. અમે સ્થિતિસ્થાપક અને વિશ્વસનીય સપ્લાય ચેન બનાવી રહ્યા છીએ. આનાથી બંને દેશોના વેપારને વેગ મળશે એટલું જ નહીં, દુનિયાને નવો વિશ્વાસ પણ મળશે. આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ઘણી સીધી ફ્લાઈટ્સ છે. વીતેલાં વર્ષોમાં ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થયો છે. આગામી દિવસોમાં તેની સંખ્યા વધુ વધશે. બંને દેશો એકબીજાની ડિગ્રીને માન્યતા આપવામાં પણ આગળ વધ્યા છે અને તેનાથી આપણા વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પર પણ સહમતિ સધાઇ છે. આનાથી આપણા કુશળ પ્રોફેશનલ્સ માટે ઑસ્ટ્રેલિયા આવીને અહીં કામ કરવાનું સરળ બનશે અને મિત્રો, જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે હું એક જાહેરાત પણ કરવા જઈ રહ્યો છું. બ્રિસ્બેનમાં ભારતીય સમુદાયની જે માગ હતી તે હવે પૂરી થશે. ટૂંક સમયમાં બ્રિસ્બેનમાં ભારતનું એક નવું કોન્સ્યુલેટ ખોલવામાં આવશે.

સાથીઓ,

ભારત અને ઑસ્ટ્રેલિયાની ગાઢ બનતી ભાગીદારી મા ભારતીમાં આસ્થા ધરાવતા દરેકને સશક્ત બનાવશે. તમારી પાસે પ્રતિભા છે, તમારી પાસે તમારી કુશળતાની શક્તિ છે અને સાથે જ તમારી પાસે તમારાં સાંસ્કૃતિક મૂલ્યો પણ છે. આ મૂલ્યો તમને ઑસ્ટ્રેલિયાના લોકો સાથે હળીમળીને રહેવામાં મોટી ભૂમિકા ભજવે છે. હું ગઈકાલે જ પાપુઆ ન્યુ ગિનીથી આવ્યો છું. ત્યાં મેં તમિલ સાહિત્ય તિરુક્કુરલનો સ્થાનિક ભાષામાં અનુવાદ સમર્પિત કર્યો. આ અનુવાદ ત્યાંના ભારતીય મૂળના એક સ્થાનિક ગવર્નરે કર્યો છે. વિદેશમાં રહીને પણ આપણને આપણા મૂળ પર ગર્વ હોવો જોઈએ, આપણાં મૂળ સાથે જોડાયેલા રહેવું જોઈએ તેનું જીવંત ઉદાહરણ છે. તમે પણ અહીં ઑસ્ટ્રેલિયામાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી રહ્યા છો. તમે ભારતના સાંસ્કૃતિક રાજદૂત છો, ઑસ્ટ્રેલિયામાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છો.

સાથીઓ,

મારી વાત પુરી કરતા પહેલા હું તમારી પાસે કંઇ માગવા માગું છું, તમે આપશો? અવાજ થોડો ધીમો પડી ગયો છે, આપશો? પાકું? પ્રોમિસ? હું તમારી પાસે આ માગી રહ્યો છું અને હું તમને આગ્રહ કરીશ કે તમે જ્યારે પણ ભારત આવો, જ્યારે પણ તમે ભારત આવો ત્યારે કોઇને કોઇ ઑસ્ટ્રેલિયન મિત્ર અને તેના પરિવારને પણ સાથે લઈને આવો. આનાથી તેમને ભારતને સમજવા અને જાણવાની વધુ સારી તક મળશે. તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા, ઘણા સમય પછી તમને મળવાનો મોકો મળ્યો, તમે બધા ખૂબ જ સ્વસ્થ રહો, ખુશ રહો, મજેથી રહો, ફરી એકવાર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર!

મારી સાથે બોલો ભારત માતા કી જય!

ભારત માતા કી જય!

ભારત માતા કી જય!

ખૂબ ખૂબ આભાર!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage