ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
કર્નાટકા તાંડેર, માર ગોર બંજારા બાઇ-ભિયા, નાયક, ડાવ, કારબારી, તમનોન હાથ જોડી રામ-રામી!
જય સેવાલાલ મહારાજ! જય સેવાલાલ મહારાજ! જય સેવાલાલ મહારાજ! કલબુર્ગી-યા, શ્રી શરણ બસવેશ્વર, મત્તૂ, ગાણગાપુરાદા ગુરુ દત્તાત્રેયરિગે, નન્ના નમસ્કારગડૂ! પ્રખ્યાતા, રાષ્ટ્રકૂટા સામ્રાજ્યદા રાજધાની-ગે મત્તૂ, કન્નડા નાડિના સમસ્ત જનતે-ગે નન્ના નમસ્કારગડૂ!
કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદજી ગેહલોત, કર્ણાટકના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી ભગવંત ખુબાજી, કર્ણાટક સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને મોટી સંખ્યામાં આવીને આપણને આશીર્વાદ આપનારાં મારાં વ્હાલાં ભાઈઓ અને બહેનો!
2023નું વર્ષ શરૂ થઈ ગયું છે. જાન્યુઆરી મહિનો છે અને આમ પણ જાન્યુઆરી પોતે જ ખૂબ જ ખાસ હોય છે. જાન્યુઆરી મહિનામાં આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું, દેશવાસીઓને સ્વતંત્ર ભારતમાં તેમના અધિકારોની ખાતરી આપવામાં આવી. આટલા પવિત્ર મહિનામાં આજે કર્ણાટક સરકારે સામાજિક ન્યાય માટે એક બહુ મોટું પગલું ભર્યું છે. કર્ણાટકના લાખો વણજારા સાથીઓ માટે આજનો દિવસ ખૂબ મોટો છે. પહેલી વાર હમણાં 50 હજારથી વધુ પરિવારોને તેમનાં ઘર, તેમનાં રહેઠાણનો હક્ક મળ્યો છે, હક્કુ પત્ર મળ્યા છે. તેનાથી કર્ણાટકની તાંડા વસાહતોમાં રહેતા હજારો સાથીઓ, વિચરતા પરિવારોના દીકરા અને દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત થશે. હું કલ્યાણ કર્ણાટક પ્રદેશના કલબુર્ગી, બિદર, યાદગીર, રાયચુર અને વિજયપુરા જિલ્લાઓની તાંડા વસાહતોમાં રહેતા મારા તમામ વણજારા ભાઈઓ અને બહેનોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. કર્ણાટક સરકારે 3000થી વધુ તાંડા વસાહતોને મહેસૂલી ગામનો દરજ્જો આપવા માટેનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અને હું આ પ્રશંસનીય પગલાં માટે શ્રી બોમ્મઇજીને અને તેમની આખી ટીમને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
મારાં વ્હાલાં ભાઇઓ-બહેનો,
આ વિસ્તાર મારા માટે નવો નથી અને વણજારા સમાજ પણ નવો નથી, કારણ કે રાજસ્થાનથી લઈને પશ્ચિમ ભારતમાં સુધી નીચે સુધી ચાલ્યા જાવ. આપણા બંજારા સમાજનાં ભાઈ-બહેનો પોતપોતાની રીતે રાષ્ટ્રના વિકાસમાં બહુ મોટું યોગદાન આપી રહ્યાં છે. અને મને હંમેશાં જૂના સમયથી તેમની સાથે જોડાવામાં આનંદ આવતો રહ્યો છે. મને બરાબર યાદ છે કે 1994ની વિધાનસભાની ચૂંટણી વખતે મને આ જ સમગ્ર પ્રદેશમાં એક રેલીમાં બોલાવવામાં આવ્યો હતો. અને જ્યારે મેં તે રેલીમાં આપણા લાખો વણજારા ભાઈઓ અને બહેનોને જોયાં, ત્યારે વણજારા માતાઓ અને બહેનો પરંપરાગત વેશભૂષામાં લાખોની સંખ્યામાં આવ્યાં અને આશીર્વાદ આપ્યા હતા. હું તે ક્ષણને કદી ભૂલી નહીં શકું, ભાઈઓ. આજે જ્યારે હું કર્ણાટક સરકારના આ પ્રયાસને આપ સૌના માટે જોઈ રહ્યો છું તો મને સૌથી વધારે ખુશી થાય છે.
ભાઇઓ અને બહેનો,
ડબલ એન્જિન સરકારે સુશાસન અને સદ્ભાવનો માર્ગ પસંદ કર્યો છે, જે ભગવાન બસવન્નાએ સદીઓ પહેલા દેશ અને દુનિયાને આપ્યો હતો. ભગવાન બસવેશ્વરે અનુભવ મંડપમ જેવા મંચ પરથી વિશ્વને સામાજિક ન્યાયનું, લોકશાહીનું એક મૉડેલ રજૂ કર્યું હતું. તેમણે સમાજના દરેક ભેદભાવ, ઊંચ-નીચથી ઉપર ઉઠીને આપણા સૌનાં સશક્તીકરણનો માર્ગ દેખાડ્યો હતો. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ, આ મંત્રમાં પણ એ જ ભાવના છે જે ભગવાન બસવેશ્વરે આપણને આપી હતી. આજે, કલબુર્ગીમાં, આપણને આ ભાવના વિસ્તૃત થતી જોઈ રહ્યા છીએ.
સાથીઓ,
આપણા બંજારા સમુદાય, વિચરતા-અર્ધ-વિચરતા સમુદાયે, દાયકાઓથી ઘણી અગવડો વેઠી છે. હવે સૌના માટે ગૌરવ અને ગરિમા સાથે જીવવાનો સમય આવ્યો છે. અને હું જોઈ રહ્યો હતો, જ્યારે હું ઉપર બંજારા પરિવારને મળ્યો, જે રીતે એક માતા મને આશીર્વાદ આપી રહી હતી, જે રીતે તે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહી હતી, સમાજ માટે જીવવા અને મરવાની ઘણી તાકાત આપતા આશીર્વાદ આપી રહી હતી એ મા. આગામી વર્ષોમાં આ સમુદાયોનાં વિકાસ અને કલ્યાણ માટે સેંકડો કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. બંજારા સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓના નિ:શુલ્ક કોચિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આવા સમુદાયો માટે આજીવિકાનાં નવાં સાધનો પણ બનાવવામાં આવી રહ્યાં છે. આ સાથીઓને ઝૂંપડપટ્ટીને બદલે પાકાં મકાનો મળી રહે તે માટે પણ સહાય આપવામાં આવી રહી છે. વિચરતા-અર્ધવિચરતા સમુદાયોનાં કાયમી સરનામાં, કાયમી રહેઠાણના અભાવે, તેમને જે સુવિધાઓ મળી શકતી ન હતી તેનો પણ ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.
આજનું આ આયોજન આ ઉપાયની દિશામાં ઉઠાવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે. તેની ભલામણ 1993માં એટલે કે 3 દાયકા પહેલા કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ અહીં જે પક્ષનું સૌથી વધારે શાસન રહ્યું તેણે માત્ર વૉટ બૅન્ક બનાવવા પર જ ધ્યાન આપ્યું. તેઓએ આ ઉપેક્ષિત પરિવારોનું જીવન બનાવવાનું ક્યારેય વિચાર્યું જ નહીં. તાંડામાં રહેતા સાથીઓએ લાંબા સમયથી પોતાના હક માટે સંઘર્ષ કર્યો છે, અનેક મુશ્કેલીઓ વેઠી છે. તમારે બધાએ લાંબી રાહ જોવી પડી છે. પરંતુ હવે ભાજપ સરકારે ઉદાસીનતાનું એ જૂનું વાતાવરણ બદલી નાખ્યું છે. આજે હું મારી આ વણજારા માતાઓને કહેવા માગું છું, તમે નિશ્ચિંત રહો, તમારો એક દીકરો દિલ્હીમાં બેઠો છે. હવે જ્યારે તાંડા વસાહતોને ગામ તરીકે માન્યતા મળી રહી છે, ત્યારે તેનાથી ગામડાઓમાં પાયાની સુવિધાઓનો ઝડપી વિકાસ થશે. પોતાનાં ઘર, પોતાની જમીનના કાનૂની દસ્તાવેજો મેળવ્યા પછી, હવે પરિવારો આરામથી જીવી શકશે અને બૅન્કો પાસેથી લોન લેવી પણ સરળ બનશે. કેન્દ્ર સરકાર દેશભરનાં ગામોમાં સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામીણ ઘરોના પ્રોપર્ટી કાર્ડ આપી રહી છે. કર્ણાટકમાં તો હવે વણજારા સમુદાયને પણ આ સુવિધા મળવા લાગશે. હવે તમે તમારાં બાળકોને યોગ્ય રીતે શાળાએ મોકલી શકશો, ડબલ એન્જિન સરકારની દરેક કલ્યાણકારી યોજનાનો સીધો લાભ લઈ શકશો. હવે ઝૂંપડપટ્ટીમાં રહેવાની મજબૂરી પણ તમારા માટે કાલની વાત બની ગઈ છે. પીએમ આવાસ યોજનાથી પાકાં મકાનો, ઘરમાં શૌચાલય, વીજળી કનેક્શન, નળનું પાણી, પાણીનું કનેક્શન, ગેસનો ચૂલો, આ બધી મદદ મળવાની છે.
ભાઇઓ અને બહેનો,
કર્ણાટક સરકારના આ નિર્ણયથી વણજારા સાથીઓ માટે આજીવિકાનાં નવાં સાધન પણ બનવાનાં છે. વનપેદાશો હોય, સૂકું લાકડું હોય, મધ હોય, ફળ હોય, આવી ઘણી વસ્તુઓ, આનાથી પણ કમાણીનાં સાધન મળશે. અગાઉની સરકાર ફક્ત થોડા જ વન પેદાશો પર એમએસપી આપતી હતી. અમારી સરકાર આજે 90થી વધુ વનપેદાશો પર એમએસપી આપી રહી છે. કર્ણાટક સરકારના નિર્ણય બાદ હવે તાંડામાં રહેતા મારા તમામ પરિવારોને તેનો લાભ પણ મળશે.
સાથીઓ,
આઝાદીના અનેક દાયકાઓ પછી, એક બહુ મોટી વસ્તી એવી હતી જે વિકાસથી વંચિત હતી, સરકારી સહાયનાં ક્ષેત્રની બહાર હતી. જેમણે લાંબા સમય સુધી દેશ પર રાજ કર્યું, તેમણે માત્ર નારાઓ આપીને આવા સાથીઓના મત તો લઈ લીધા, પરંતુ તેમના માટે નક્કર નિર્ણયો લીધા નહીં. આવા દલિત, વંચિત, પછાત, આદિવાસી, દિવ્યાંગ, મહિલાઓ, સમાજના એવા તમામ વંચિત વર્ગને હવે પ્રથમ વખત તેમના સંપૂર્ણ અધિકારો મળી રહ્યા છે. સશક્તીકરણ માટે, અમે એક સ્પષ્ટ વ્યૂહરચના સાથે કામ કરી રહ્યા છીએ. આ માટે અમે અવશ્યકતે, આકાંક્ષે, અવકાશા, મત્તૂ ગૌરવા, આ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. હવે ગરીબ, દલિત, વંચિત, પછાત, આદિવાસી, દિવ્યાંગ, મહિલાઓ, આવા તમામ વંચિત સમાજો જેમ પાયાની સુવિધાઓથી વંચિત છે. ઝૂંપડપટ્ટીમાં જીવન ગાળનારા, શૌચાલય વિના, વીજળી વગર, ગેસ વિના, પાણીનાં જોડાણ વિના રહેતા મોટાભાગના આ સમાજના જ લોકો હોય છે. અમારી સરકાર હવે તેમને આ મૂળભૂત સુવિધા પણ આપી રહી છે અને ઝડપી ગતિએ આપી રહી છે. મોંઘી સારવારને કારણે આ વર્ગ આરોગ્ય સુવિધાઓથી પણ વંચિત રહ્યો હતો. આયુષ્માન ભારત યોજના હેઠળ અમારી સરકારે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની ગૅરંટી આપી. દલિત હોય, વંચિત હોય, પછાત હોય, આદિવાસી હોય, આ તમામને પહેલા સરકારી રાશન પહોંચતું ન હતું. આજે આ પરિવારોને મફત રાશન પણ સુનિશ્ચિત થયું છે, રાશનનો પુરવઠો પારદર્શી બન્યો છે. જ્યારે પાયાની સુવિધાઓ પૂરી થાય છે, ત્યારે ગૌરવ વધે છે, નવી આકાંક્ષાઓ જન્મે છે.
લોકો રોજિંદા સંકટોમાંથી બહાર નીકળીને પોતાના પરિવારનું જીવન સુધારવા લાગે છે. આ આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે અમે આર્થિક સમાવેશ, આર્થિક સશક્તીકરણના માર્ગો બનાવ્યા છે. દલિત, પછાત, આદિવાસી, આ જ સૌથી મોટો વર્ગ હતો, જેમણે ક્યારેય બૅન્કનો દરવાજો પણ જોયો ન હતો. જન ધન બૅન્ક ખાતાઓએ કરોડો વંચિત લોકોને બૅન્કો સાથે જોડ્યા છે. એસસી, એસટી, ઓબીસી અને મહિલાઓની એક મોટી વસ્તી એવી હતી, જેમના માટે બૅન્કોમાંથી લોન મેળવવી એ કોઈ સ્વપ્નથી ઓછું નહોતું. જ્યારે કોઈ પોતાનું કામ શરૂ કરવા માગતું હતું, ત્યારે બૅન્કો કહેતી હતી કે બૅન્ક ગેરંટી ક્યાં છે? પરંતુ જેમનાં નામે કોઈ સંપત્તિ ન હોય તો તેઓ ગૅરંટી કેવી રીતે આપી શકતા? તેથી અમે મુદ્રા યોજનાનાં રૂપમાં ગૅરંટી વિના લોનની યોજના શરૂ કરી. મુદ્રા યોજના હેઠળ આજે એસસી/એસટી/ઓબીસીને લગભગ 20 કરોડ લોન મળી છે, આ વર્ગમાંથી નવા ઉદ્યોગસાહસિકો તૈયાર થઈ રહ્યા છે. મુદ્રાના લાભાર્થીઓમાં લગભગ 70 ટકા આપણી માતાઓ અને બહેનો છે, મહિલાઓ છે. એ જ રીતે, અગાઉની સરકારો શેરી, પાથરણાંવાળા અને રસ્તા પર નાનો ધંધો કરતા સાથીઓની કાળજી લેતી ન હતી. આજે સ્વનિધિ યોજનાથી આ સાથીઓને પણ પ્રથમ વખત બૅન્કમાંથી સસ્તી અને સરળ લોન મળી રહી છે. આ તમામ પગલાં વંચિતોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું માધ્યમ બની રહ્યાં છે. પરંતુ અમે એક કદમ આગળ વધી રહ્યા છીએ અને અવકાશા એટલે કે નવી તકો ઊભી કરી રહ્યા છીએ, વંચિત સમાજના યુવાનોને નવો વિશ્વાસ આપી રહ્યા છીએ.
સાથીઓ,
મહિલા કલ્યાણ પ્રત્યે સંવેદનશીલ, અમારી સરકાર આજે તેમના માટે નવાં નવાં ક્ષેત્રોમાં તકો ઊભી કરી રહી છે. આદિવાસી કલ્યાણ પ્રત્યે સંવેદનશીલ, અમારી સરકાર આદિવાસીઓનાં યોગદાન, તેમનાં ગૌરવને રાષ્ટ્રીય ઓળખ આપવાનું કામ કરી રહી છે. છેલ્લાં 8 વર્ષમાં દિવ્યાંગોના અધિકારો અને તેમની સુવિધાઓને લગતી ઘણી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. પ્રથમ વખત ઉપેક્ષિત વર્ગો સાથે જોડાયેલા સાથી આજે દેશની ઘણી બંધારણીય સંસ્થાઓમાં ટોચ પર છે. તે અમારી સરકાર છે જેણે પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપ્યો. અમારી સરકારે જ ઓલ ઈન્ડિયા મેડિકલ ક્વોટામાં ઓબીસી વર્ગને અનામતનો લાભ આપ્યો. અમારી સરકારે જ કેન્દ્ર સરકારની ગ્રુપ-સી, ગ્રુપ-ડીની ભરતીમાં ફરજિયાત ઈન્ટરવ્યુની જરૂર ખતમ કરી દીધી. મેડિકલ, એન્જિનિયરિંગ, ટેકનિકલ વિષયોને સ્થાનિક ભારતીય ભાષાઓમાં ભણાવવાની જોગવાઈ પણ અમારી જ સરકારે કરી છે. આ પગલાંનો સૌથી મોટો લાભ આપણા ગામના યુવાનો અને ગરીબ પરિવારો, એસસી એસટી/ઓબીસીના યુવાનોને થયો છે.
ભાઇઓ અને બહેનો,
એ પણ અમારી જ સરકાર છે જેણે ભટકતા-અર્ધ-વિચરતા સમુદાય, વણજારા સમુદાય માટે એક વિશેષ વિકાસ અને કલ્યાણ બોર્ડની રચના કરી. ગુલામીનો સમયગાળો હોય કે પછી આઝાદી પછીનો લાંબો સમયગાળો, બંજારા સમાજ દેશભરમાં ફેલાયેલો છે, વિચરતી કોમની દરેક રીતે ઉપેક્ષા કરવામાં આવી હતી. આ સમુદાયોની આટલા દાયકાઓથી કાળજી લેવામાં આવી નહીં. હવે છેક કેન્દ્ર સરકારે કલ્યાણ બોર્ડની રચના કરીને આવા તમામ પરિવારોનાં સશક્તીકરણ માટે મોટું પગલું ભર્યું છે. અમારી સરકાર આ પરિવારોને દરેક કલ્યાણકારી યોજના સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.
સાથીઓ,
ડબલ એન્જિન સરકાર ભારતમાં વસતા દરેક સમાજની પરંપરા, સંસ્કૃતિ, ખોરાક અને વેશ-ભૂષાને આપણી તાકાત માને છે. અમે આ શક્તિને સાચવવાની, તેને સંરક્ષિત રાખવાના ખૂબ જ મોટા પક્ષઘર છીએ. સુહાલી, લાંબાણી, લંબાડા, લબાના અને બાઝીગર, ગમે તે નામ લો, તમે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને જીવંત છો, દેશની શાન છો, દેશની તાકાત છો. તમારી પાસે હજારો વર્ષનો ઇતિહાસ છે. આ દેશના વિકાસમાં તમારું યોગદાન છે. આપણે સાથે મળીને આ વારસાને આગળ વધારવાનો પ્રયાસ કરવો પડશે. આપણે બધાને સાથે લઈને જ બધા પર વિશ્વાસ કરવાનો છે. અને મારો વણજારા પરિવાર અહીં છે, તેથી હું ચોક્કસપણે કહેવા માગુ છું, હું ગુજરાત પ્રદેશથી આવું છું, ગુજરાત અને રાજસ્થાન આ રાજ્યોમાં વરસાદ ઓછો પડે છે, દુષ્કાળ રહે છે, પાણીની તંગી હોય છે, પરંતુ ઘણાં ગામોમાં પાણીની કંઈક ને કંઈક વ્યવસ્થા સેંકડો વર્ષો પહેલા કરવામાં આવી છે. અને આજે પણ તે ગામના લોકો કહે છે કે આ લાખા વણજારાએ જ બનાવ્યા હતા, પેલું લાખા વણજારાએ બનાવ્યું હતું. તમે કોઇ પણ ગામમાં જાવ, પાણીની જોગવાઇની કોઇ વ્યવસ્થા બની હોય તો મારાં ગુજરાત અને રાજસ્થાનમાં લાખા વણજારાનું નામ સૌથી પહેલા આવે છે. જે લાખા વણજારાએ સદીઓ પહેલા સમાજની આટલી મોટી સેવા કરી, મારું સૌભાગ્ય છે કે તમે મને તે વણજારા પરિવારોની સેવા કરવાનો અવસર આપ્યો છે. હું આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. હું આપનાં સુખી અને સમૃદ્ધ ભવિષ્યની કામના કરું છું. અને તમે આવીને અમને આશીર્વાદ આપ્યા, આ અમારી મહાન મૂડી છે, ઘણી બધી ઊર્જા છે, બહુ મોટી પ્રેરણા છે. હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.
નમસ્કાર!