નમસ્કાર.
આચાર્ય શ્રી એસ એન ગોએન્કાજીની જન્મશતાબ્દીની ઉજવણી એક વર્ષ પહેલા શરૂ થઈ હતી. આ એક વર્ષમાં દેશે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની સાથે સાથે કલ્યાણ મિત્ર ગોએન્કાજીના આદર્શોને પણ યાદ કર્યા. આજે જ્યારે તેમની શતાબ્દીની ઉજવણી પૂર્ણ થઈ રહી છે, ત્યારે દેશ વિકસિત ભારતના સંકલ્પોને પૂર્ણ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. આ યાત્રામાં, આપણે એસ એન ગોએન્કાજીના વિચારો અને સમાજ પ્રત્યેનાં તેમનાં સમર્પણમાંથી ઘણું શીખીએ છીએ. ગુરુજી ભગવાન બુદ્ધના મંત્રનું કાયમ પુનરાવર્તન કરતા હતા – સમગ્ગા-નમ્ તપોસુખો એટલે કે જ્યારે લોકો સાથે મળીને ધ્યાન કરે છે, ત્યારે તે ખૂબ જ પ્રભાવી પરિણામ આપે છે. આ એકતાની ભાવના, આ એકતાની શક્તિ વિકસિત ભારતનો બહુ મોટો આધાર છે. આ જન્મ શતાબ્દીની ઉજવણીમાં તમે બધાએ સમગ્ર વર્ષ દરમિયાન આ મંત્રનો જ પ્રચાર-પ્રસાર કર્યો છે. હું તમને બધાને મારી હાર્દિક શુભેચ્છાઓ આપું છું.
સાથીઓ,
આચાર્ય એસ એન ગોએન્કાજી સાથે મારો પરિચય ઘણો જૂનો હતો. હું તેમને પ્રથમ વખત યુએનમાં વિશ્વ ધર્મ પરિષદમાં મળ્યો હતો. તે પછી ગુજરાતમાં પણ ઘણી વાર મારી તેમની સાથે મુલાકાત થતી રહી હતી. આ મારું સૌભાગ્ય છે કે મને તેમના અંતિમ દર્શન કરવાની તક પણ મળી હતી. તેમની સાથેના મારા સંબંધોમાં એક અલગ જ આત્મીયતા હતી. તેથી, મને તેમને નજીકથી જોવાનો અને જાણવાનો લહાવો મળ્યો હતો. મેં જોયું હતું કે તેમણે વિપશ્યનાને કેટલાં ઊંડાણથી આત્મસાત્ કર્યું હતું! કોઈ ઘોંઘાટ નહીં, કોઈ વ્યક્તિગત આકાંક્ષાઓ નહીં! તેમનું વ્યક્તિત્વ નિર્મળ જળ જેવું હતું - શાંત અને ગંભીર! એક મૂક સેવકની જેમ તેઓ જ્યાં પણ જતા ત્યાં સાત્વિક વાતાવરણનો સંચાર કરતા હતા. 'વન લાઈફ, વન મિશન'નાં સંપૂર્ણ ઉદાહરણ તરીકે, તેમનું એક જ મિશન હતું - વિપશ્યના! તેમણે પોતાના વિપશ્યના જ્ઞાનનો લાભ દરેકને આપ્યો. તેથી, તેમનું યોગદાન સમગ્ર માનવતા માટે હતું, સમગ્ર વિશ્વ માટે હતું.
સાથીઓ,
ગોએન્કાજીનું જીવન આપણા બધા માટે પ્રેરણાનો બહુ મોટો સ્ત્રોત રહ્યું છે. વિપશ્યના એ સમગ્ર વિશ્વને પ્રાચીન ભારતીય જીવનશૈલીની અદ્ભૂત ભેટ છે, પરંતુ આપણા આ વારસાને વિસારે પાડી દેવાયો. ભારતમાં એક લાંબો સમયગાળો એવો રહ્યો હતો જેમાં વિપશ્યના શીખવા-શીખવવાની જાણે ધીરે ધીરે લુપ્ત થઈ રહી હતી. ગોએન્કાજીએ મ્યાનમારમાં 14 વર્ષ સુધી તપસ્યા કર્યા બાદ દીક્ષા લીધી અને પછી ભારતનાં આ પ્રાચીન ગૌરવ સાથે દેશ પરત ફર્યા. વિપશ્યના એ આત્મ-નિરીક્ષણ દ્વારા સ્વ-પરિવર્તનનો માર્ગ છે. હજારો વર્ષ પહેલાં તેનો જન્મ થયો ત્યારે પણ તેનું મહત્વ હતું અને તે આજનાં જીવનમાં પણ વધુ પ્રાસંગિક બની ગયું છે. વિશ્વ આજે જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેને ઉકેલવાની બહુ મોટી શક્તિ પણ વિપશ્યનામાં રહેલી છે. ગુરુજીના પ્રયાસોને કારણે વિશ્વના 80થી વધુ દેશોએ ધ્યાનનું મહત્વ સમજ્યું છે અને તેને અપનાવ્યું છે. આચાર્ય શ્રી ગોએન્કાજી એવા મહાન લોકોમાંથી એક છે જેમણે વિપશ્યનાને ફરી એક વૈશ્વિક ઓળખ આપી. આજે ભારત સંપૂર્ણ તાકાત સાથે એ સંકલ્પને નવું વિસ્તરણ આપી રહ્યું છે. અમે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેને 190થી વધુ દેશોનું સમર્થન મળ્યું. યોગ હવે વૈશ્વિક સ્તરે જીવનનો એક ભાગ બની ગયો છે.
સાથીઓ,
આપણા પૂર્વજોએ વિપશ્યના જેવી યોગ પ્રક્રિયાઓ પર સંશોધન કર્યું હતું. પરંતુ આપણા દેશની વિડંબના એ રહી છે કે આવનારી પેઢીઓ તેનું મહત્વ અને તેના ઉપયોગને ભૂલી ગઈ છે. વિપશ્યના, ધ્યાન, ધારણા, આપણે આને માત્ર વૈરાગ્યનો વિષય માની લીધો. લોકો વ્યવહારમાં તેમની ભૂમિકા ભૂલી ગયા. આચાર્ય શ્રી એસ. એન.ગોએન્કાજી જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓએ જનમાનસની આ ભૂલ સુધારી. ગુરુજી તો કહેતા પણ હતા – એક સ્વસ્થ જીવન એ આપણા બધાની આપણી જાત પ્રત્યેની મોટી જવાબદારી છે. આજે વિપશ્યના વ્યવહારથી લઈને વ્યક્તિત્વ નિર્માણ સુધીની દરેક બાબત માટે અસરકારક માધ્યમ બની ગયું છે. આજે આધુનિક સમયના પડકારોએ વિપશ્યનાની ભૂમિકામાં વધુ વધારો કર્યો છે. આજે તકલીફ અને તાણ એ સામાન્ય બાબત બની ગઈ છે. વર્ક લાઈફ બેલેન્સ, લાઈફસ્ટાઈલ અને આવી સમસ્યાઓના કારણે આપણા યુવાનો પણ તણાવનો શિકાર બની રહ્યા છે. વિપશ્યના તેમના માટે ઉકેલ હોઈ શકે છે. એ જ રીતે, માઇક્રો ફેમિલી અને ન્યુક્લિયર ફેમિલીનાં કારણે ઘરના વૃદ્ધ માતા-પિતા પણ ઘણા તણાવમાં રહે છે. આપણે વધુમાં વધુ સંખ્યામાં નિવૃત્તિની વય વટાવી ચૂકેલા આવા વૃદ્ધોને પણ જોડવાનો પ્રયાસ કરવો જોઈએ.
સાથીઓ,
એસ. એન.ગોએન્કાજીનાં દરેક કાર્ય પાછળની લાગણી એ હતી કે દરેક વ્યક્તિનું જીવન સુખી હોવું જોઈએ, તેનું મન શાંત હોવું જોઈએ અને વિશ્વમાં સદ્ભાવ રહે. તેમનો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો હતો કે તેમનાં અભિયાનનો લાભ આવનારી પેઢીઓને મળતો રહે. તેથી, તેમણે તેમનાં જ્ઞાનનો વિસ્તાર કર્યો. વિપશ્યના ફેલાવવાની સાથે તેમણે તેના કુશળ શિક્ષકો બનાવવાની જવાબદારી પણ નિભાવી. તમે એ પણ જાણો છો કે વિપશ્યના એ અંતર્મનની યાત્રા છે. તમારી અંદર ઊંડી ડૂબકી લગાવવાનો આ એક માર્ગ છે. પરંતુ તે માત્ર એક વિદ્યા નથી, તે એક વિજ્ઞાન પણ છે. આ વિજ્ઞાનનાં પરિણામોથી આપણે પરિચિત છીએ. હવે સમયની જરૂરિયાત એ છે કે આપણે તેના પુરાવા આધુનિક ધોરણો પર, આધુનિક વિજ્ઞાનની ભાષામાં પ્રસ્તુત કરીએ. આજે આપણે બધા ગર્વ અનુભવીએ છીએ કે સમગ્ર વિશ્વમાં આ દિશામાં કામ પણ થઈ રહ્યું છે. પરંતુ, ભારતે આમાં વધારે આગળ આવવું પડશે. આપણે આમાં આગેવાની લેવાની છે. કારણ કે, આપણી પાસે તેનો વારસો પણ છે અને આધુનિક વિજ્ઞાનની સમજ પણ છે. નવાં સંશોધનોથી તેની સ્વીકૃતિ વધશે અને વિશ્વનું વધુ કલ્યાણ થશે.
સાથીઓ,
આચાર્ય એસ એન ગોએન્કાજીની જન્મ શતાબ્દીની ઉજવણીનું આ વર્ષ આપણા બધા માટે પ્રેરણાદાયક સમય રહ્યું છે. માનવ સેવા માટેના તેમના પ્રયાસોને આપણે સતત આગળ વધારતા રહેવું જોઈએ. ફરી એકવાર આપ સૌને શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર.