મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!
અતુલ્ય ભારતમાં હું આપ સૌનું સ્વાગત કરું છું! પર્યટન મંત્રી તરીકે, વૈશ્વિક સ્તરે બે ટ્રિલિયન ડૉલરથી વધુ મૂલ્યના ક્ષેત્રને સંભાળતા, તમને જાતે પ્રવાસી બનવાની તક મળે તે ભાગ્યે જ બને છે. પરંતુ, તમે ગોવામાં છો - ભારતમાં એક મુખ્ય પ્રવાસી આકર્ષણ. તેથી, હું તમને વિનંતી કરું છું કે તમે તમારી ગંભીર ચર્ચાઓમાંથી થોડો સમય કાઢીને ગોવાના પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક બાજુનું અન્વેષણ કરો!
મહાનુભાવો,
અમારા પ્રાચીન શાસ્ત્રોમાં એક કહેવત છે. અતિથિ દેવો ભવઃ । મતલબ, ''અતિથિ એ ભગવાન છે''. અને, તે પર્યટન પ્રત્યેનો અમારો અભિગમ છે. અમારૂં પર્યટન માત્ર જોવાનું જ નથી. તે એક તરબોળ અનુભવ છે. સંગીત હોય કે ખાદ્યપદાર્થ, કળા હોય કે સંસ્કૃતિ, ભારતની વિવિધતા ખરેખર જાજરમાન છે. ઊંચા હિમાલયથી લઈને ગાઢ જંગલો સુધી, સૂકા રણથી લઈને સુંદર દરિયાકિનારા સુધી, સાહસિક રમતોથી લઈને મેડિટેશન રિ-ટ્રીટ્સ સુધી, ભારતમાં દરેક માટે કંઈક છે. અમારા G-20 પ્રેસિડેન્સી દરમિયાન, અમે સમગ્ર ભારતમાં 100 વિવિધ સ્થળોએ લગભગ 200 મીટિંગ્સનું આયોજન કરી રહ્યા છીએ. જો તમે તમારા મિત્રોને પૂછો કે જેઓ આ બેઠકો માટે પહેલેથી જ ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે, તો મને ખાતરી છે કે કોઈ બે અનુભવો સરખા નહીં હોય.
મહાનુભાવો,
ભારતમાં, આ ક્ષેત્રમાં અમારા પ્રયાસો અમારા સમૃદ્ધ વારસાને જાળવવા પર કેન્દ્રિત છે, અને તે જ સમયે, પર્યટન માટે વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવા પર કેન્દ્રિત છે. આધ્યાત્મિક પ્રવાસન વિકસાવવા પર અમારા ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાંનું એક છે. છેવટે, ભારત વિશ્વના દરેક મુખ્ય ધર્મના યાત્રાળુઓને આકર્ષે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કર્યા પછી, શાશ્વત શહેર વારાણસી, જે ફક્ત મુખ્ય આધ્યાત્મિક કેન્દ્રોમાંનું એક છે, હવે 70 મિલિયન યાત્રાળુઓને આકર્ષે છે - જે અગાઉ કરતા દસ ગણો વધારો છે. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા નવા પ્રવાસી આકર્ષણો પણ બનાવી રહ્યા છીએ. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે, તેનું નિર્માણ થયાના એક વર્ષમાં લગભગ બે પોઈન્ટ 7 મિલિયન લોકોને આકર્ષ્યા. છેલ્લા નવ વર્ષોમાં, અમે દેશમાં પર્યટનની સમગ્ર ઇકો-સિસ્ટમ વિકસાવવા પર વિશેષ ભાર મૂક્યો છે. ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને હોસ્પિટાલિટી સેક્ટર સુધી, કૌશલ્ય વિકાસ સુધી અને અમારી વિઝા પ્રણાલીમાં પણ અમે પ્રવાસન ક્ષેત્રને અમારા સુધારાના કેન્દ્રબિંદુ તરીકે રાખ્યું છે. હોસ્પિટાલિટી સેક્ટરમાં રોજગાર સર્જન, સામાજિક સમાવેશ અને આર્થિક પ્રગતિની મોટી સંભાવનાઓ છે. તે અન્ય ઘણા ક્ષેત્રોની તુલનામાં વધુ મહિલાઓ અને યુવાનોને રોજગારી આપે છે. મને આનંદ છે કે અમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની ઝડપી સિદ્ધિ માટે પ્રવાસન ક્ષેત્રની પ્રાસંગિકતાને પણ ઓળખી રહ્યા છીએ.
મહાનુભાવો,
તમે પાંચ ઇન્ટર-કનેક્ટેડ પ્રાધાન્યતા ક્ષેત્રો પર કામ કરી રહ્યા છો: ગ્રીન ટુરિઝમ, ડિજિટલાઇઝેશન, સ્કીલ ડેવલપમેન્ટ, ટુરીઝમ MSME અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ. આ પ્રાથમિકતાઓ ભારતીય તેમજ ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે. આપણે ઈનોવેશનને આગળ વધારવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઓગમેન્ટેડ રિયાલિટી જેવી ઉભરતી ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, ભારતમાં, અમે ભારતમાં બોલાતી ભાષાઓની વિશાળ શ્રેણીના રીઅલ-ટાઇમ અનુવાદને સક્ષમ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા પર કામ કરી રહ્યા છીએ. હું માનું છું કે સરકારો, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને વિદ્વાનો વચ્ચેનો સહયોગ પ્રવાસનમાં આવી ટેક્નોલોજીના અમલીકરણને વેગ આપી શકે છે. અમે અમારી ટુરિઝમ કંપનીઓને ફાઇનાન્સની પહોંચ વધારવા, વ્યવસાયના નિયમોને સરળ બનાવવા અને કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવામાં મદદ કરવા માટે પણ સાથે મળીને કામ કરવું જોઈએ.
મહાનુભાવો,
કહેવાય છે કે આતંકવાદ વિભાજન કરે છે, પણ પ્રવાસન એક કરે છે. ખરેખર, પર્યટનમાં જીવનના તમામ ક્ષેત્રના લોકોને જોડવાની, સુમેળભર્યો સમાજ બનાવવાની ક્ષમતા છે. મને એ નોંધતા આનંદ થાય છે કે UNWTO સાથે ભાગીદારીમાં G20 ટુરિઝમ ડેશબોર્ડ વિકસાવવામાં આવી રહ્યું છે. તે શ્રેષ્ઠ પ્રથાઓ, કેસ સ્ટડીઝ અને પ્રેરણાદાયી વાર્તાઓને એકસાથે લાવશે. તે તેના પ્રકારનું પ્રથમ પ્લેટફોર્મ હશે અને તે તમારો કાયમી વારસો હશે. હું આશા રાખું છું કે તમારા વિચાર-વિમર્શ અને ''ગોવા રોડમેપ'' પર્યટનની પરિવર્તનકારી શક્તિને સાકાર કરવા માટેના અમારા સામૂહિક પ્રયાસોને વધારી દેશે. ભારતના G20 પ્રેસિડેન્સીનું સૂત્ર, ''વસુધૈવ કુટુંબકમ''- ''એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય'' વૈશ્વિક પ્રવાસન માટેનું સૂત્ર બની શકે છે.
મહાનુભાવો,
ભારત તહેવારોની ભૂમિ છે. આપણે ત્યાં સમગ્ર વર્ષ દરમિયાન આખા દેશમાં તહેવારો આવે છે. ગોવામાં, સાઓ જોઆઓ ફેસ્ટિવલ ટૂંક સમયમાં આવી રહ્યો છે. પરંતુ, એક અન્ય તહેવાર છે જેની તમારે મુલાકાત લેવી જ જોઈએ. લોકશાહીની માતામાં લોકશાહીનું પર્વ. આવતા વર્ષે, ભારતમાં તેની આગામી સામાન્ય ચૂંટણી યોજાશે. એક મહિનાથી વધુ સમય માટે, લગભગ એક અબજ મતદારો આ તહેવારની ઉજવણી કરશે, લોકશાહી મૂલ્યોમાં તેમની અડીખમ શ્રદ્ધાની પુનઃ પુષ્ટિ કરશે. 10 લાખથી વધુ મતદાન મથકો સાથે, આ ઉત્સવની તમામ વિવિધતામાં તમારા માટે સાક્ષી બનવા માટે સ્થાનોની કોઈ અછત રહેશે નહીં. હું તમને બધાને આ સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક તહેવારો માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપું છું. અને તે આમંત્રણ સાથે, હું તમને તમારી ચર્ચામાં સફળતાની ઇચ્છા કરું છું.
આભાર!