મહાનુભાવો, બહેનો અને ભાઇઓ, નમસ્કાર!
G20 શિક્ષણ મંત્રીઓની બેઠક માટે હું ભારતમાં આપ સૌનું સ્વાગત કરું છું. શિક્ષણ એ માત્ર એક એવો પાયો નથી કે જેના પર આપણી સંસ્કૃતિનું નિર્માણ થયું હોય છે, પરંતુ તે માનવજાતના ભવિષ્યનું શિલ્પી પણ છે. શિક્ષણ મંત્રી તરીકે તમે, સૌના માટે વિકાસ, શાંતિ અને સમૃદ્ધિની દિશામાં આપણે જે પ્રયાસો કરી રહ્યાં છીએ તે દિશામાં માનવજાતનું નેતૃત્વ કરનારા શેરપાઓ છો. ભારતીય શાસ્ત્રોમાં, શિક્ષણની ભૂમિકાને જીવનમાં આનંદ લાવવાની ચાવી તરીકે વર્ણવવામાં આવી છે. ॥ विद्या ददाति विनयं विनयाद् याति पात्रताम्। पात्रत्वात् धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम् ॥ મતલબ કે: “સાચું જ્ઞાન વિનમ્રતા આપે છે. વિનમ્રતામાંથી યોગ્યતા આવે છે. યોગ્યતાથી ધનની પ્રાપ્તિ થાય છે. ધનથી વ્યક્તિ સારા કાર્યો કરવા માટે સમર્થ બને છે. અને, આ એવી અવસ્થા છે જે આનંદ લાવે છે. આથી જ, ભારતમાં અમે એક સર્વગ્રાહી અને વ્યાપક સફરની શરૂઆત કરી છે. અમે માનીએ છીએ કે, મૂળભૂત સાક્ષરતા આપણા યુવાનો માટે મજબૂત આધારનું નિર્માણ કરે છે. અને, અમે તેને ટેક્નોલોજી સાથે પણ જોડી રહ્યા છીએ. આના માટે, અમે ''નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી'' એટલે કે 'નિપુણ ભારત'' પહેલનો આરંભ કર્યો છે. મને એ વાતનો આનંદ છે કે, તમારા જૂથ દ્વારા પણ ''મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન''ને પ્રાથમિકતા તરીકે ઓળખવામાં આવ્યા છે. આપણે 2030 સુધીમાં તેના પર સમયબદ્ધ રીતે કામ કરવાનો અવશ્ય સંકલ્પ લેવો જોઇએ.
મહાનુભાવો,
આપણો ઉદ્દેશ્ય વધુ સારા શાસન સાથે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પૂરું પાડવાનો છે. આમાં, આપણે નવા ઇ-લર્નિંગને આવિષ્કારી રીતે અપનાવવું પડશે અને તેનો ઉપયોગ કરવો પડશે. ભારતમાં, અમે અમારી પોતાની રીતે ઘણી પહેલ હાથ ધરી છે. આવો જ એક કાર્યક્રમ ''સ્ટડી વેબ્સ ઑફ એક્ટિવ-લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ'' અથવા “સ્વયં” છે. આ ઑનલાઇન પ્લેટફોર્મ પર નવમા ધોરણથી અનુસ્નાતક સ્તર સુધીના તમામ અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેની મદદથી વિદ્યાર્થીઓ દૂરના સ્થળોએથી પણ અભ્યાસ કરી શકે છે અને સુલભતા, સમાનતા તેમજ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 34 મિલિયન કરતાં વધુ નોંધણીઓ અને નવ હજારથી વધુ અભ્યાસક્રમો સાથે, તે શિક્ષણનું ખૂબ જ અસરકારક સાધન બની ગયું છે. અમારી પાસે 'જ્ઞાનના આદાનપ્રદાન માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર'' અથવા દીક્ષા પોર્ટલ પણ છે. દૂરના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ અને નિયમિત વર્ગોમાં હાજર ન રહી શકે તેવા વિદ્યાર્થીઓને અનુલક્ષીને તે બનાવ્યું છે. શિક્ષકો ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા શાળાકીય શિક્ષણ પૂરું પાડવા માટે તેનો ઉપયોગ કરે છે. તે 29 ભારતીય ભાષાઓ અને સાત વિદેશી ભાષાઓમાં અભ્યાસને સમર્થન કરે છે. તેના પર 137 મિલિયનથી વધુ અભ્યાસક્રમ પૂરા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગ્લોબલ સાઉથના લોકો સહિત તમામ લોકો સાથે આ અનુભવો અને સંસાધનો શેર કરવામાં ભારતને આનંદ થશે.
મહાનુભાવો,
આપણા યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે, આપણે તેમને સતત કૌશલ્યવાન, પુનઃકૌશલ્યવાન અને ઉચ્ચ કૌશલ્યવાન બનાવવા જરૂરી છે. આપણે તેમની યોગ્યતાઓને વિકસી રહેલી કાર્ય પ્રોફાઇલ્સ અને આચરણો સાથે સંરેખિત કરવી જરૂરી છે. ભારતમાં, અમે સ્કિલ મેપિંગ હાથ ધરી રહ્યાં છીએ. અમારા શિક્ષણ, કૌશલ્ય અને શ્રમ મંત્રાલયો સાથે મળીને આ પહેલ પર કામ કરી રહ્યાં છે. G-20 દેશો વૈશ્વિક સ્તરે કૌશલ્ય મેપિંગ હાથ ધરી શકે છે અને જેના પર ધ્યાન આપવાની જરૂર હોય તેવા અંતરાયો શોધી શકે છે.
મહાનુભાવો,
ડિજિટલ ટેક્નોલોજી સમાનતા લાવનાર તરીકે કામ કરે છે અને સમાવેશીતાને પ્રોત્સાહન આપે છે. શિક્ષણની પહોંચ વધારવા અને ભવિષ્યની જરૂરિયાતો સાથે અનુકૂલન સાધવામાં તે અનેક ગણું બળ વધારનાર છે. આજે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અભ્યાસ, કૌશલ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં મોટી સંભાવનાઓ પૂરી પાડે છે. ટેકનોલોજીથી તકોની સાથે સાથે પડકારો પણ ઉભા થાય છે. આપણે યોગ્ય સંતુલન જાળવવાનું છે. G-20 આમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
મહાનુભાવો,
ભારતમાં, અમે સંશોધન અને આવિષ્કાર પર પણ ભાર મૂક્યો છે. અમે સમગ્ર દેશમાં દસ હજાર ''અટલ ટિંકરિંગ લેબ'' તૈયાર કરી છે. આ પ્રયોગશાળાઓ અમારી શાળાના બાળકો માટે સંશોધન અને આવિષ્કારની નર્સરી તરીકે કામ કરે છે. આ પ્રયોગશાળાઓમાં સાડા સાત મિલિયન કરતાં વધુ વિદ્યાર્થીઓ 1.2 મિલિયનથી વધુ આવિષ્કારી પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. G20 દેશો, તેમની સંબંધિત શક્તિઓની મદદથી, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં સંશોધન અને આવિષ્કારને પ્રોત્સાહન આપવા માટે, મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. હું આપ સૌને સંશોધનમાં સહયોગ વધારવા માટે એક માર્ગ તૈયાર કરવાનો અનુરોધ કરું છું.
મહાનુભાવો,
આપની બેઠક આપણા બાળકો અને યુવાનોના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. મને આનંદ છે કે, તમારા જૂથે દીર્ઘકાલિન વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે ગ્રીન ટ્રાન્ઝિશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને મહિલા સશક્તિકરણને પ્રવેગક તરીકે ઓળખી કાઢ્યા છે. આ તમામ પ્રયાસોના મૂળમાં શિક્ષણ રહેલું છે. મને વિશ્વાસ છે કે આ જૂથ એક સમાવેશી, ક્રિયાલક્ષી અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ એજન્ડા સાથે આગળ આવશે. આનાથી, વસુધૈવ કુટુંબકમ્ - એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની સાચી ભાવના સાથે સમગ્ર વિશ્વને લાભ થશે. આ બેઠક ફળદાયી અને સફળ રહેવાની હું આપ સૌને શુભેચ્છા પાઠવું છુ.
આભાર.